આ દેશમાં સુપ્રીમ કોર્ટ મોટી છે કે કરણી સેના?

    • લેેખક, અવિનાશ દાસ
    • પદ, ફિલ્મ-નિર્માતા

હાલની પરિસ્થિતિ અને સંજોગોમાં આપણી સંવૈધાનિક સંસ્થાઓની લાચારી પર મને બહુ ગુસ્સો આવી રહ્યો છે.

ઘણા લોકો મને સમજાવે છે કે જો તમે ફિલ્મ બનાવવા માંગતા હો તો આ ગુસ્સો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પરંતુ મારા માટે આ ગુસ્સો એટલોજ મહત્ત્વનો છે કારણ કે તેના વગર જો હું ફિલ્મ બનાવીશ તો એ ફિલ્મનો કોઈ અર્થ જ નહિ રહે.

સૌથી પહેલા તો મને સેન્સર બોર્ડ પર ગુસ્સો આવ્યો કે એમણે કરણી સેનાના દબાણને વશ થઈને રાજસ્થાનના કથિત ઇતિહાસકારો અને રાજવિદ્વાનોને ફિલ્મ દેખાડયા બાદ પદ્માવત ફિલ્મની રિલીઝને લીલી ઝંડી આપી.

આ પછી પણ કરણી સેનાની ધમકીઓ બંધ ન થઈ અને ત્યારબાદ રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતના રાજ્ય સરકારે પદ્માવત રીલીઝમાં પર પ્રતિબંધ લગાવીને ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાના વિરોધની આગમાં ઘી નાખવાનું કામ કર્યું.

ફિલ્મ નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને અનધિકૃત કરાર આપતા તેને રદ કર્યો.

અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ તમામ પ્રકારના પ્રયત્નોને રોકવા માટે એક પ્રકારે અંતિમ ચરણ સાબિત થઇ રહ્યું છે.

પરંતુ એ સમજાતું નથી કે કરણી સેનાને કોનો ટેકો છે અથવા તો કોનું સમર્થન મળી રહ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ તે વિરોધ કરી રહી છે.

પરિસ્થિતિ એટલી વણસી છે કે બિહાર જેવા રાજ્યના નાના ગામમાં પણ કરણીસેનાના ગુંડાઓએ તોડફોડ કરવાનું અને તોફાન મચાવવાનું શરૂ કરી દીધું છે.

મને એ બાબતની કોઈ ચિંતા નથી કે ચાર રાજ્યોમાં પદ્માવત રિલીઝ નહીં થાય તો નિર્માતાઓના પચાસ કરોડ રૂપિયા ડૂબી જશે.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ મને એ બાબતની ચિંતા છે કે જો આ રાજ્યોમાં પદ્માવત રિલીઝ નહીં થાય તો સુપ્રિમ કોર્ટના આદેશને અવગણવાનું વલણ સામાન્ય થઈ જશે.

આ પરિસ્થિતિ બાદ ન તો કોઈ ઇતિહાસના રચનાત્મક લખાણ તરફ આગળ વધી શકશે કે ન તો કોઈ વર્તમાનમાં માથું ઊંચું કરીને જીવી શકશે.

આશ્ચર્યજનક બાબત એ છે કે કરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલવી આવી ધમકીઓ ખુલ્લેઆમ આપી રહ્યા છે, ત્યારે પણ આપણા વડાપ્રધાનનું મૌન યથાવત છે.

આ પરિસ્થિતિનો સીધે સીધો અર્થ એ થાય છે કે એક લોકશાહી સમાજની સૌથી મોટી આશા પર કરણી સેના ફુંક મારી રહી છે અને વડાપ્રધાન આ આખું નાટક જોઈ રહ્યા છે.

તેઓ પોતે મુખ્યમંત્રીઓને માર્ગદર્શન પણ નથી આપી રહ્યા છે અને ન તો તેમના મુખિયાઓ આ મુદ્દે ઉકેલ લાવવા માટે આગળ આવી રહ્યા છે.

આ પહેલાં પ્રકાશ ઝા ફિલ્મની આરક્ષણ સમયે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

સેન્સર બોર્ડ ફિલ્મને પ્રમાણિત કરી હોવા છતાંયે ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરયાણાએ આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આ મુદ્દે પ્રકાશ ઝા સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને એક દિવસની અંદર આ સંદર્ભે પોતાનો ચુકાદો આપ્યો હતો અને પ્રતિબંધને રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજ્ય સરકારોનું વલણ નરમ થયું હતું.

પરંતુ પદ્માવત સંદર્ભે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવી ગયા બાદ પણ રાજ્ય સરકારો તરફથી કોઈ અધિકારીક કે ઔપચારિક નિવેદન હજુ આપવામાં આવ્યું નથી જેના દ્વારા એ સ્પષ્ટ થાય કે રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની દિશામાં ગંભીર છે.

મને એ ખબર નથી કે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાની સ્થિતિમાં તાકાતવર રાજ્ય સરકારો માટે ક્યા પ્રકારની સજાની જોગવાઈ છે.

પરંતુ તે વાત ચોક્કસપણે નક્કી છે કે રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટના આદેશ કે સુપ્રીમ કોર્ટની અવગણનાની કોઈ ચિંતા નથી.

એફટીઆઈઆઈના (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના) સૌથી વિવાદાસ્પદ પ્રમુખ ગજેન્દ્ર ચૌહાણે પણ કરણી સેનાને અપીલ કરી છે કે પહેલાં ફિલ્મ જુએ અને જો ફિલ્મમાં કાંઈ ખોટું લાગે તો પછી તેનો વિરોધ કરે.

રાજનૈતિક રીતે બીજેપીનો (ભારતીય જનતા પાર્ટીનો) પક્ષ લેનાર ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે પણ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે.

ફિલ્મ ક્ષેત્રના તમામ બીજેપી હિતેચ્છુઓ માટે કરણી સેનાનો વર્તમાન ભય અસવસ્થ કરી દે તેવો છે.

પરંતુ બીજેપીના પંજાબના નેતા સૂરજપાલ અમ્મુના નિવેદન પર નજર નાખીયે તો જણાશે કે તેમને કોઈ ભય નથી.

તેઓ કહે છે કે સુપ્રીમ કોર્ટે લાખો-કરોડો હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને પદ્માવત રિલીઝ થઈ તો દેશ તૂટી જશે.

અમ્મુના આ નિવેદનથી બીજેપીએ પોતાને અલગ નથી કર્યું, કે ન તો અમ્મુ પર કોઈ પ્રકારનાં પગલાં લેવાની પહેલ છે.

સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે અત્યાર સુધી કોઈ નોંધ નથી લીધી.

હું તે દ્રશ્યનું કલ્પના કરવા માગું છું, જ્યારે કરણી સેનાના નેતાઓ સુપ્રિમ કોર્ટમાં ઊભા થઈને ન્યાયમૂર્તિઓની સમજણને તેમના ખલનાયક જેવા અટ્ટહાસ્યથી કચડી નાખશે અને દેશના નીતિ-નિર્ધારકો તે જાતિવાદને પોષી રહેલા નેતાઓને શાબાશી આપતા હશે.

હવે આ બાબતે કોઈ શંકા નથી કે કરણી સેનાના અવાજ પાછળ સરકાર મજબૂતી સાથે ઊભી છે.

તકલીફ એ બાબતની છે કે એક જાતિવાદી સેનાની નાગચૂડમાં દેશની એવી સરકાર જકડાયેલી છે જેને તમામ જાતિના મતદારોએ મત આપ્યા છે.

તકલીફ એ બાબતની પણ છે કે આ કાળમાં ઇતિહાસના તમામ નાયકો, યોદ્ધાઓ, ધર્મ અને જાતિઓને ખાંચાઓમાં વિખેરવામાં આવી રહ્યા છે, પછી તે ભલે અકબર હોય, અશોક હોય, શિવાજી હોય કે આંબેડકર હોય.

કાલે સવારે ઊઠીને ગાંધી પર દેશનો વણિક સમાજ પોતાનો દાવો કરી શકે છે અને ત્યારે પણ સુપ્રીમ કોર્ટ આ રીતે જ લાચાર જોવા મળી શકે છે.

તો જરા વિચારો કે આવી સુપ્રીમ કોર્ટની લાચારી માટે સમાજે કેવડી મોટી કિંમત ચૂકવવી પડશે.

વર્ણ-વ્યવસ્થા બહુ મોટા પાયે સમાજમાં કેવી રીતે પાછી આવી રહી છે તેનો આ એક મોટો સામાજિક સંકેત છે.

આ માત્ર એક ફિલ્મ કે સિનેમાની વાત નથી.

પરંતુ સિનેમા કે ફિલ્મના બહાના હેઠળ સામાજિક એકતાના મૂળ ખોદવાની આ એક બાબત છે અને તેથી કરણી સેનાનો વિરોધ જરુરી છે અને અત્યંત જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો