પ્રેસ રિવ્યૂ : અમિતાભ બચ્ચનને મળીને નેતન્યાહૂ કેમ નિશબ્દ થયા?

આજ તકના અહેવાલ મુજબ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ બોલિવૂડના કલાકારો સાથે મુલાકાત કરી હતી.

એ સમયે તેમણે કહ્યું કે અંગ્રેજીમાં એક શબ્દ હોય છે સ્પીચલેસ(નિશબ્દ), જેનો અનુભવ મને જિંદગીમાં પહેલીવાર થઈ રહ્યો છે.

નેતન્યાહૂ સાથે મુલાકાત કરનારાઓમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, કરણ જોહર, ઇમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય, પ્રસૂન જોશી સહિત અન્ય ફિલ્મી હસ્તીઓ સામેલ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

નેતન્યાહુએ તેમનું ભાષણ 'પ્યારે દોસ્તો, નમસ્કાર. શેલૌમથી' શરૂ કર્યું.

તેમણે કહ્યું, "મને લાગતું હતું કે હું મહાન છું. પછી મને અમિતાભ બચ્ચનના જલવાનો અહેસાસ થયો. તેમની પાસે મારા કરતાં 3 કરોડ વધારે ટ્વિટર ફોલોઅર્સ છે. હવે હું નિશબ્દ છું."

ગુજરાતમાંથી એકલી હજ જવા એકપણ મહિલા તૈયાર નહીં

સંદેશના અહેવાલ મુજબ પુરુષ મહેરમ વિના પણ હજ જવાના ભારત સરકારના નિર્ણય બાદ 1300 મહિલાઓ એકલી હજયાત્રાએ જવાની છે.

પરંતુ આ 1300માંથી એકપણ મહિલા ગુજરાતમાંથી નથી. એટલે કે ગુજરાતમાંથી એકપણ મહિલા પુરુષ મહેરમ વિના હજ પર જવા તૈયાર નથી.

ગુજરાતમાંથી એકપણ મહિલાએ આ રીતે હજ પર જવા માટે અરજી કરી નથી.

આ મામલે કેટલાક ધાર્મિક અગ્રણીઓ માની રહ્યા છે કે ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં વધારે ધાર્મિક છે.

વિનોદ રાયે 2G કૌભાંડ ગોઠવ્યું હતું: એ રાજા

નવગુજરાત સમયના અહેવાલ મુજબ 2G કૌભાંડ મામલે નિર્દોષ જાહેર થયેલા ડીએમકેના એ રાજાએ એક ઘટસ્ફોટ કર્યો છે.

રાજાએ આરોપ મૂક્યો છે કે તત્કાલિન કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(કેગ) વિનોદ રાયનું આ યુપીએ સરકારને ઉથલાવવાનું કાવતરું હતું.

રાજાએ આ મામલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પણ મૌન રહેવા મામલે સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે આ મામલે મનમોહન સિંહે મને બચાવવાના કોઈ પ્રયાસો કર્યા ન હતા.

પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા 2G કૌભાંડ મામલે એક પુસ્તક લખી રહ્યા છે અને તેમાં આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

મેકઇન ઇન્ડિયાની વાતો વચ્ચે જાપાનને કોન્ટ્રાક્ટ

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ભારત સરકાર એક તરફ મેકઇન ઇન્ડિયાની વાતો કરી રહી છે તો બીજી તરફ વિદેશી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી રહી છે.

વડાપ્રધાન મોદીના અતિમહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો રૂપિયા 1 લાખ કરોડનો પ્રોજેક્ટ 'બુલેટ ટ્રેન કૉરીડોર'નો કૉન્ટ્રેક્ટ જાપાનની એક કંપનીને મળશે એવી માહિતી સામે આવી છે.

આ પ્રોજેક્ટમાં જરૂરી સામાનનો 70% સામાન પહોંચાડવાનો કરાર પણ જાપાની કંપનીને આપવામાં આવશે. જોકે, પીએમઓના અધિકારીઓ આ વાતનું ખંડન કરી રહ્યા છે.

અહેવાલ મુજબ આ પ્રોજેક્ટમાં ભારતની કંપનીઓની અવગણના થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો