You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મિસાઇલ, જે નેતન્યાહૂ મોદીને વેચવા માગે છે
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને ઇઝરાયલ વચ્ચે સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલનો સોદો ફરી ફાઇનલ થાય તેવી શક્યતા છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે મોડી રાત્રે ટ્વિટર પર તેની જાહેરાત કરી હતી.
નેતન્યાહૂ છ દિવસની ભારત યાત્રા પર છે અને બુધવારે વડાપ્રધાન મોદી સાથે અમદાવાદમાં હતા.
આ અંગે માહિતી આપતા નેતન્યાહૂએ લખ્યું, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ ભારત સરકારે મને જાણ કરી છે કે સ્પાઇક એન્ટી ટેન્ક મિસાઇલનો સોદો ફરી પાટા પર ચડ્યો છે."
"તે ઇઝરાયલ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે આવી અનેક સંધિઓ થશે."
અત્રે એ ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 20147માં ભારતે ઇઝરાયલ સાથેનો સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલ અંગેનો સોદો રદ કરી નાખ્યો હતો.
એ સમયે સંરક્ષણ મંત્રાલય દ્વારા દલીલ આપવામાં આવી હતી કે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન આગામી ચાર વર્ષમાં આ પ્રકારની વૈશ્વિક કક્ષાની મિસાઇલ તૈયાર કરી લેશે.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે આ સોદો 500 મિલિયન ડોલરનો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની રકમ ઘટે તેવી શક્યતા છે.
ઇઝરાયલ સાથે નવા કરાર બાદ ચાર વર્ષથી જોવાઈ રહેલી રાહનો અંત આવશે.
સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલની ખાસિયત
સંરક્ષણ બાબતોના જાણકાર રાહુલ બેદીના કહેવા પ્રમાણે, સ્પાઇક પોર્ટેબલ મિસાઇલ સિસ્ટમ છે.
આનો મતલબ એ છે કે લૉન્ચર તથા માણસ મારફત પણ તેને લૉન્ચ કરી શકાય છે.
આ મિસાઇલની મારક ક્ષમતા પણ તેને ખાસ બનાવે છે. આ મિસાઇલ 3 થી 4 કિલોમીટર દૂર પ્રહાર કરી શકે છે.
મતલબ કે મિસાઇલ ફાયર કરનાર સૈનિક સલામત અંતરેથી મિસાઇલ છોડી શકે છે.
આ શ્રેણીની મિસાઇલ્સ મેદાન તથા રણ વિસ્તારમાં તૈનાત સૈનિકો માટે વધુ કારગત સાબિત થશે.
ઇઝરાયલ જ શા માટે ?
ભારતે શા માટે ઇઝરાયલ સાથે જ આ કરાર કર્યો?
આ સવાલના જવાબમાં રાહુલ બેદી કહે છે, "આમ તો ફ્રાન્સ અને અમેરિકા પાસે પણ આ ટેકનોલૉજી છે, પરંતુ તે ઇઝરાયલની સરખામણીએ મોંઘી છે."
રાહુલના કહેવા પ્રમાણે, "અગાઉ આ કરારની કિંમત 500 મિલિયન ડોલર અંદાજવામાં આવી હતી. હવે તે 350થી 400 મિલિયન ડોલરમાં જ પડે તેવી શક્યતા છે."
રાહુલ ઉમેરે છે, "આમ તો આ સોદાને હજુ સુધી અંતિમ ઓપ અપાયો નથી પરંતુ જે રીતે ભારત અને ઇઝરાયલ વચ્ચે વચેટિયા વગર જ 3500 મિસાઇલનો સોદો થાય તેવી શક્યતા છે."
અગાઉ શા માટે રદ થયો હતો કરાર?
ભારતની સરહદ પર તૈનાત સૈનિકોને તેની ભારે જરૂર છે.
જાણકારોના કહેવા પ્રમાણે, આમ તો ભારતને આવી 38000 મિસાઇલ્સની જરૂર છે. ડીઆરડીઓ પણ આ પ્રકારની મિસાઇલનું નિર્માણ કરી રહ્યું છે.
છતાંય હાલ તો 3500 સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલ ખરીદવાથી કામ ચાલી જશે.
ભારત અને ઇઝરાયલ વચ્ચેના મિસાઇલ સોદા અંગે વરિષ્ઠ પત્રકાર અજય શુક્લાએ એક બ્લૉગમાં લખ્યું છે.
તેમના કહેવા પ્રમાણે, રાફેલ સોદાની જેમ જ સ્પાઇક ઍન્ટિ ટેન્ક મિસાઇલ સોદા પર ફરી આગળ વધવા માટે 'તત્કાળ જરૂરિયાત'નો કરાર જણાવી રહી છે.
અજય શુક્લાના કહેવા પ્રમાણે, "ભારત અગાઉ ઇઝરાયલ પાસેથી આવી 30 હજાર મિસાઇલ ખરીદવા માટે ટેકનૉલૉજી ટ્રાન્સફર કરાર કરવા માંગતું હતું.
"કરાર હેઠળ ભારત ડાયનામિક્સ લિમિટેડ દ્વારા ભારતમાં તેનું નિર્માણ કરવામાં આવનાર હતું, પરંતુ ભારતમાં જ મિસાઇલ બની રહી હોવાથી વિદેશમાંથી શા માટે ખરીદવી?
"એ તર્કને આગળ કરીને સોદો રદ કરી દેવામાં આવ્યો હતો."
શું સ્પાઇક સૌથી શ્રેષ્ઠ છે?
અજય શુક્લાના કહેવા પ્રમાણે, "સ્પાઇક સૌથી શ્રેષ્ઠ ટેકનૉલૉજી નથી.
"અમેરિકાની જેવલિન તથા ફ્રાન્સની મોએની પોર્ટી મિસાઇલ એ ઇઝરાયલની સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલ કરતા વધુ સારી છે.
"ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે 130 સભ્યોનું પ્રતિનિધિ મંડળ પણ આવ્યું છે.
જેમાં રાફેલ ઍવાન્સ સિસ્ટના વડાનો પણ સમાવેશ થાય છે, એટલે જ આ સોદા પર ફરી વાટાઘાટો શરૂ થઈ છે."
ઉલ્લેખનીય છેકે સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલનું નિર્માણ રાફેલ દ્વારા જ કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો