મોદી શા માટે વિદેશી મહેમાનોને અમદાવાદ લાવે છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

જિનપિંગ અને એબે બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમદાવાદના મહેમાન બન્યા, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી રાજનેતાઓને અમદાવાદ શા માટે લઈ આવે છે?

બુધવારે અમદાવાદમાં મોદી અને નેતન્યાહૂએ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

તે પહેલાં એરપોર્ટથી ભારત અને ઇઝરાયલના વડાપ્રધાનોનો રોડશો યોજાયો હતો.

કંઇક આવી જ રીતે ચીનના વડા શી જિનપિંગ અને જાપાના વડાપ્રધાન શિંજો એબેએ અમદાવાદની સેર કરી હતી.

મને આ પણ વાંચવું ગમશે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2014માં અને જાપાનના વડાપ્રધાન શિંજો એબે 2017માં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.

પણ અમદાવાદ જ કેમ?

'મોદી હજુ ગુજરાતના જ સીએમ'

સમાજશાસ્ત્રી અને પ્રોફેસર ઘનશ્યામ શાહ માને છે, "ગુજરાતનો વિકાસ દેખાડીને મહેમાનને પ્રભાવિત કરવા માંગતા હોય તેવું બની શકે. મોદી દેશના વડાપ્રધાન બની ગયા છે.

પરંતુ તેઓ હજુ કદાચ મનથી ગુજરાતના મુખ્ય પ્રધાન જ છે. આ વખતની ગુજરાતની ચૂંટણીઓ પણ મોદી કેંદ્રિત જ રહી હતી.

કોઈ વિદેશી મહેમાનને અમદાવાદ લાવવાથી કોઈ લાભ થાય? તેના જવાબમાં શાહે કહ્યું, "એક હદ સુધી જ તેનો લાભ થાય.

"અગાઉ કોઈ વિદેશી મહેમાનની મુલાકાત વખતે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. પરંતુ હવે એવું નથી જોવા મળતું."

આ છે મોદી સ્ટાઇલ ડિપ્લોમસી?

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના પ્રો. હર્ષ પંતના કહેવા પ્રમાણે, "મોદી 'એક ડગલું આગળ વધ્યા' હોવાનું દર્શાવવા માટે તેઓ વિદેશી મહેમાનો ગુજરાત લઈ જાય છે.

ચીનના રાષ્ટ્રપતિને પણ લઈ ગયા હતા. જોકે, તેમાં રાજદ્વારી સંબંધોની દ્રષ્ટિએ ખાસ સફળતા મળી નથી.

'આ કૂટનીતિ અંગે આપ શું માનો છો?' આ અંગે પંત માને છે, "મોદી ડિપ્લોમસીને બંધ દરવાજાઓની બહાર લઈ જવા માંગે છે.

"મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં હોય તો સ્વાભાવિક રીતે જ થોડી સહજતા અનુભવે."

"આ તેમની પર્સનલ સ્ટાઇલ ઑફ ડિપ્લોમસી છે. તેઓ 'વ્યક્તિગત સ્પર્શ' આપે છે. જેમાં તેમને સારી ફાવટ છે.

"એબે અને નેતન્યાહૂ સાથેનાં સંબંધને અંગતતાનો સ્પર્શ આપવા માટે મોદી તેમને ગુજરાત લઈ ગયા છે."

ગુજરાત અને ઇઝરાયલ વચ્ચેનાં સંબંધ

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત સઈદ નકવીના કહેવા પ્રમાણે, "ગુજરાત અને ઇઝરાયલ પરંપરાગત રીતે નજીક રહ્યા છે. આ બાબત મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે પહેલાંની છે.

"ચીમનભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન ડ્રીપ ઇરિગેશન બાબતે ગુજરાત અને ઇઝરાયલ વચ્ચે કરાર થયા હતા.

"મને લાગે છે કે ટેક્નિકલ દ્રષ્ટીએ કોઈ સંવેદનશીલ પ્રોજેક્ટ આવી રહ્યો છે. જે ગુજરાતમાં સ્થપાશે."

'યહૂદી રાષ્ટ્રના વડાપ્રધાનને ગુજરાત લઈ જઈને મોદી કોઈ સંદેશ આપવા માગે છે?' તેના જવાબમાં નકવીએ કહ્યું, "હિંદુ રાષ્ટ્રવાદ તથા ઝિનોઇસ્ટ રાષ્ટ્રવાદની વિભાવના વચ્ચે કેટલીક સમાનતા છે.

"આ રીતે મોદી સ્થાનિક રાજનીતિમાં પણ એક પ્રકારે સંદેશ આપવા માંગે છે. "

ઉલ્લેખનીય છે કે 1993માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ ઇઝરાયલના તેલ અવીવ ગયા હતા. ઇઝરાયલના વડાપ્રધાન યિત્ઝાક રાબિને લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી.

જે એ સમયે અસામાન્ય બાબત ગણાતી હતી.

નેતન્યાહૂની ગુજરાત યાત્રા

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા તેમજ વ્યાપારી પ્રતિનિધિ મંડળ સાથે છ દિવસની ભારત યાત્રા પર છે.

પ્રોટોકોલને બાજુએ મૂકીને વડાપ્રધાન મોદી તેમને આવકારવા માટે દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા.

જિનપિંગ અને એબેની મુલાકાતો

2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 17મી થી 19મી સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા.

રિવરફ્રન્ટ પર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના પત્ની ઝૂલે ઝૂલ્યા હતા. ત્રણેયે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 2017માં જાપાનના વડાપ્રધાન શિંજો એબે ભારત આવ્યા હતા. તેમણે મોદી સાથે રોડ-શોમાં ભાગ લીધો હતો.

થોડો સમય રિવરફ્રન્ટ પર પણ પસાર કર્યો હતો. તેઓ ગાંધી આશ્રમ પણ ગયા હતા અને ત્યાં રેટિંયો પણ કાંત્યો હતો.

મોદી સાથે એબેએ મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઈને બુલેટ ટ્રેનથી જોડશે.

આ પ્રોજેકટ માટે જાપાને 12 અબજ ડોલરની ઉદાર શરતોવાળી લોન આપવાની જાહેરાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો