ત્રિપુરા: ડાબેરીઓનો કિલ્લો તોડી શકશે અમિત શાહ?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 માટે રવિવારે મતદાન થયું. માર્ક્સવાદી પાર્ટીના ઉમેદવાર રમેંદ્ર નારાયણ દેબબર્માનું અવસાન થવાથી ચારિલામ વિધાનસભા બેઠક પર 12મી માર્ચે મતદાન યોજાશે.

લગભગ 26 લાખ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 23 મહિલા ઉમેદવારો સહિત 292 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું.

બપોરે ચાર વાગ્યા સુધી રાજ્યમાં 74 ટકા મતદાન નોંધાયું હતું. અહીં ત્રીજી માર્ચના દિવસે મતગણતરી થશે.

જો 1988થી માંડીને 1993 સુધી કોંગ્રેસ નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર છોડી દેવામાં આવે તો ત્રિપુરામાં 1978થી માંડીને અત્યાર સુધી લેફ્ટ (ડાબેરી પક્ષ)ની સરકાર છે.

વર્તમાન મુખ્યમંત્રી માણિક સરકાર 1998થી સત્તામાં છે. આ જ મહિનામાં 18 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને ભાજપ આ મજબૂત કિલ્લાને તોડવાનો દાવો કરી રહ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે તૃતિયાંશ બહુમતીથી જીતવાનો દાવો કરી રહ્યા છે.

છેલ્લા બે દાયકામાં આ પહેલી વખત છે કે જ્યારે ભાજપ ગઠબંધન સાથે પ્રદેશની દરેક 60 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે.

ત્રિપુરાની 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના 50 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાં 49ની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.

આખરે પાંચ વર્ષમાં એવું શું થઈ ગયું કે ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે જીતનો દાવો કરી રહ્યો છે?

વરિષ્ઠ પત્રકાર પરન્જૉય ગુહા ઠાકુરતા કહે છે, "જ્યાં સુધી અમારી જાણકારી છે, ઉત્તર પૂર્વના દરેક રાજ્યોમાં વિકાસ જોવામાં આવે તો ત્રિપુરામાં ગ્રામીણ વિકાસ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ વગેરેમાં સારું કામ થયું છે."

પરન્જૉય આ વાતને અમિત શાહનું ચૂંટણી ગણિત માનતા કહે છે કે દેશભરમાં માણિક સરકારનાં કાર્યોના વખાણ થાય છે. તેઓ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે.

આખરે ત્રિપુરા કેવી રીતે પછાત છે?

સાક્ષરતાના દર મામલે ત્રિપુરા સમગ્ર દેશમાં પ્રથમ નંબર પર છે. માનવ વિકાસ સૂચકાંકમાં પણ ત્રિપુરા ભાજપ શાસિત રાજ્યોથી ઘણું આગળ રહ્યું છે.

મનરેગા લાગૂ કરવાના મામલે પણ ત્રિપુરા પહેલા નંબર પર છે.

મુખ્યમંત્રી માણિક સરકાર વિશે કહેવામાં આવે છે કે તેઓ અશાંત ત્રિપુરામાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા કાયમ રાખવામાં સફળ રહ્યા છે.

તેવામાં અમિત શાહ ત્રિપુરાના પછાત હોવાની વાત કેવી રીતે કરી રહ્યા છે?

આ સવાલના જવાબમાં ત્રિપુરામાં ભાજપ પ્રભારી સુનીલ દેવ ધર કહે છે કે ત્રિપુરામાં વિકાસના તમામ આંકડા ખોટા સાબિત થયા છે.

સુનીલ કહે છે, "શિક્ષણ મામલે ત્રિપુરાના આંકડા ખોટા છે. અહીં આઠમા ધોરણમાં માત્ર 15 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થઈ શકે છે."

"માત્ર નામ લખતા આવડતું હોય તેવા લોકોને શિક્ષિત કેવી રીતે કહી શકાય?"

સુનીલ ધર આગળ કહે છે, "ત્રિપુરામાં 67 ટકા જનતા ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. અહીં મહિલાઓ પર અત્યાચાર થાય છે. અપરાધના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે."

"મનરેગાના જે આંકડા ત્રિપુરા સરકારે જાહેર કર્યા હતા તે નકલી હતા. અહીં મનરેગાના પુરા પૈસા પણ આપવામાં આવતા નથી."

ત્રિપુરાની ડાબેરી પક્ષની સરકારે સારા તેમજ ખરાબ, બન્ને પ્રકારના દિવસ જોયા છે.

ડાબેરી પક્ષની સરકારને રાજ્યમાં ઉગ્રવાદ ખતમ કરવાનો શ્રેય આપવામાં આવે છે અને આ જ આધારે અહીં આફ્સ્પા એટલે કે આર્મ્ડ ફોર્સેસ સ્પેશિયલ પાવર એક્ટને પરત ખેંચી લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં આદિવાસીના એક જૂથની ત્રિપુરાથી અલગ તિપરાલેન્ડ બનાવવાની માગ લાંબા સમયથી ચાલી રહી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં આદિવાસીઓની ઓળખ પર ખતરો છે.

જ્યારે યૂપીએ સરકારે આંધ્રપ્રદેશથી અલગ તેલંગાણા રાજ્ય બનાવવાની ઘોષણા કરી હતી ત્યારે ફરી એક વખત તિપરાલેન્ડની માગને હવા મળી હતી.

'અમિત શાહની વિકાસની પરિભાષા ખોટી'

અલગ રાજ્યની માગને લઇને રાજ્યમાં લાંબા સમયથી અશાંતિનો માહોલ છે.

કહેવામાં આવે છે કે માણિક સરકારે આ વિવાદનો યોગ્ય ઉકેલ લાવી દીધો હતો. માણિક સરકાર મામલે ભાજપનો જે મત છે તેને કયા રૂપમાં જોવો જોઈએ.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પ્રભાત પટનાયક કહે છે, "જે વિકાસની વાત અમિત શાહ કરે છે તે ખરેખર વિકાસ નથી. વિકાસનો સાચો અર્થ તો એ જ છે કે સામાન્ય નાગરિકની પરિસ્થિતિ શું છે, ત્યાં શિક્ષણ અને સ્વાસ્થ્યની કેવી વ્યવસ્થા છે."

1940ના દાયકાથી જ ત્રિપુરામાં આદિવાસી અને બિનઆદિવાસી આબાદી વચ્ચે સંઘર્ષની સ્થિતિ રહી છે.

ભારતના વિભાજન અને બાંગ્લાદેશ બન્યા બાદ મોટી સંખ્યામાં આ રાજ્યમાં પલાયન થયું હતું.

ત્રિપુરામાં આદિવાસીઓ માટે વિધાનસભાની એક તૃતિયાંશ બેઠક આરક્ષિત છે. ભાજપે ત્રિપુરામાં IPFT સાથે ચૂંટણી ગઠબંધન કર્યું છે.

જો ભાજપ ત્યાં ચૂંટણી જીતે છે તો પ્રદેશના રાજકારણ પર કેવી અસર પડશે?

પ્રભાત પટનાયક કહે છે, "જો ભાજપ ત્રિપુરામાં સરકાર બનાવવામાં સફળ થઈ ગઈ તો ડર છે કે ત્યાં બાંગ્લાદેશી અને આદિવાસીઓ વચ્ચે ફરી મતભેદ જોવા મળી શકે છે."

"ત્રિપુરા એક સંવેદનશીલ રાજ્ય છે. માણિક સરકારે આ સંઘર્ષ પર નિયંત્રણ મેળવ્યું છે."

"જો ભાજપની સરકાર આવી તો ડર છે કે આદિવાસીઓની અવગણના થવા લાગશે અને તેનાથી વિદ્રોહ વધવાનો ખતરો છે."

આ તરફ ત્રિપુરામાં ભાજપની હાજરી પર પરન્જૉય માને છે કે હાલના સમયમાં ત્રિપુરામાં ડાબેરી પક્ષના સૌથી મોટા વિરોધીના રૂપમાં ભાજપનો ઉદય થયો છે અને તે પ્રમુખ વિપક્ષની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે.

ત્રિપુરા દેશનું સૌથી નાનું રાજ્ય છે. દેશના રાજકારણમાં ત્રિપુરાનો કોઈ ખાસ હસ્તક્ષેપ નથી. પરંતુ ભાજપ જો અહીં ચૂંટણી જીતે છે તો ડાબેરી પક્ષ માટે બમણા ઝટકા સમાન હશે.

ભાજપને ક્યારેક હિંદી પ્રદેશનો પક્ષ માનવામાં આવતો હતો પરંતુ ત્રિપુરામાં જો તેને સફળતા મળી તો પૂર્વોત્તર ભારતમાં તેની પકડ વધારે મજબૂત બની જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો