You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘કોંગ્રેસ પર હુમલા હવે મોદી નહીં શાહ કરશે’
- લેેખક, પારસ જ્હા
- પદ, બીબીસી ગુજરાતી
રાજ્યસભામાં પોતાનું પ્રથમ વક્તવ્ય આપીને સમાચારોમાં છવાયેલા રહેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમના 'અસલ' અંદાજમાં આવી રહ્યા હોવાના આજ સુધી મળી રહેલા સંકેતો હવે હકીકતમાં તબદીલ થઈ રહ્યા છે.
અમિત શાહ વર્ષ 1996-97થી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં સતત ચૂંટાતા આવ્યા છે.
વર્ષ 2010થી 2015 સુધીના સમયગાળામાં વિધાનસભામાં શાહ મોટા ભાગે ગેરહાજર અથવા નિષ્ક્રિય રહ્યા હતા.
જોકે રાજકીય - સામાજિક વિશ્લેષકો શાહનાં રાજ્યસભાના વાણી-વર્તનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચે થયેલી ભૂમિકાઓની વહેંચણી તરીકે જૂએ છે.
શાહનું વિધાનસભામાં વર્તન
અમિત શાહ વર્ષ 1996-97માં થયેલી સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ રાજકીય સંપાદક રાજીવ શાહે કહ્યું, "ધારાસભ્ય તરીકે નવા હતા ત્યારે અમિત શાહ ગૃહમાં (વિધાનસભામાં) શાંત રહેતા અને ચર્ચાઓમાં પણ ખાસ ભાગ નહોતા લેતા. એ વખતે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા.
"પરંતુ વર્ષ 2002માં જ્યારથી તેમને ગૃહ રાજ્ય મંત્રી ઉપરાંત સંસદીય અને વૈધાનિક બાબતોનો હવાલો આપવામાં આવ્યો ત્યારથી તે વિધાનસભામાં ખૂલીને બોલવા લાગ્યા."
તેમણે વધુમાં કહ્યું, "ઘણી વખત તો જે વિભાગો વિશે તેમનો ખાસ કંટ્રોલ ન હોય, જેમ કે નર્મદા વિભાગ, તેવા વિષયોમાં પણ તે બોલતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મોદી પણ તેમને બોલવા માટે પ્રોત્સાહન આપતા હતાં. એટલે એ સમયે ભાજપના દૃષ્ટિકોણથી જોઈએ તો વિધાનસભાની કામગીરીમાં તેમની દરમિયાનગીરી અસરકારક રહેતી હતી."
જો કે વર્ષ 2010માં સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટર કેસના વિવાદને પગલે ગૃહ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ અમિત શાહની વિધાનસભામાં હાજરી અને ભૂમિકા મર્યાદિત થઈ ગઈ હતી.
વર્ષ 2011 બાદ શાહ વિધાનસભામાં ભાગ્યે જ હાજર
ગુજરાત સોશિયલ વૉચના કન્વીનર મહેશ પંડ્યા અમિત શાહના રાજ્યસભાના વક્તવ્યને 'રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ પ્રવચન' સાથે સરખાવે છે કારણ કે મોટાભાગની ટીવી સમાચારની ચેનલ્સે તેનું જીવંત પ્રસારણ કર્યું હતું.
પંડ્યાએ જણાવ્યું, "12મી વિધાનસભાની ભાગ્યે જ કોઈ સત્રોની બેઠકોમાં અમિત શાહે હાજરી આપી હતી.
"વિધાનસભાના આઠમા સત્રમાં (બજેટ સત્ર) 24 ફેબ્રુઆરી 2011થી 30 માર્ચ 2011 સુધી ચાલ્યું હતું, તેમાં તેમણે એક દિવસ પણ ગૃહમાં હાજરી નહોતી આપી.
દસમા સત્રમાં પણ ગૃહમાં તેમની હાજરી શૂન્ય હતી."
તેમણે વધુમાં જણાવ્યું, "13મી વિધાનસભામાં પણ 23 જાન્યુઆરી, 2013 અને 20 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ, 2013 સુધીના 30 દિવસના સત્રમાં શાહે માત્ર 12 દિવસ હાજરી આપી, પરંતુ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો."
"આ ઉપરાંત વર્ષ 2014ના ફેબ્રુઆરીમાં મળેલા આઠ દિવસના સત્રમાંથી માત્ર એક જ દિવસ તેમણે હાજરી આપી હતી."
"જ્યારે 2014ના જુલાઈ મહિનામાં મળેલાં 22 દિવસના સત્રમાં એક દિવસ પણ તેમણે ગૃહમાં હાજરી આપી નહોતી."
"વર્ષ 2015માં પણ 23 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન મળેલા 29 દિવસના બજેટ સત્રમાં પણ તેમણે માત્ર એક દિવસ જ હાજરી આપી હતી."
"ત્યાર પછીના જે સત્રોમાં એ હાજર રહ્યાં ત્યારે તેમણે વિપક્ષની ગેરહાજરીમાં પ્રચારલક્ષી ભાષણો કર્યા હતા."
શાહના રાજ્ય સભામાં વક્તવ્યથી શું સમજવું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી તેમના રાજકારણનું અવલોકન કરી રહેલા સમાજ વિજ્ઞાની પ્રો. શિવ વિશ્વનાથન રાજ્યસભામાં અમિત શાહના વક્તવ્યને અલગ રીતે જૂએ છે.
તેમણે જણાવ્યું, "અમિત શાહ હવે પડદા પાછળના ખેલાડીની છાપ છોડીને મંચ પર આગળ આવીને રાજકારણ કરવાની દિશામાં છે."
"અત્યાર સુધી એ હંમેશા નૈપથ્યમાં રહીને કામ કરનારા માણસ હતા. હવે તે વધુ પ્રત્યક્ષ રીતે આગળ આવી રહ્યા છે."
"બીજી બાબત એ છે કે હવે કોંગ્રેસ પર મોટાભાગના રાજકીય આક્ષેપો અને શાબ્દીક હુમલા નરેન્દ્ર મોદી તરફથી નહીં પણ અમિત શાહ દ્વારા થશે."
"મોદી હવે રાજનીતિજ્ઞ (સ્ટેટ્સમેન) તરીકે વર્તશે, જ્યારે અમિત શાહ રાજકીય નેતા તરીકે વ્યૂહરચનાકારની તેમની ભૂમિકા વધુ સઘન બનાવશે. એક પ્રકારે ભાજપના આ બન્ને નેતાઓ વચ્ચે ખૂબ જ રસપ્રદ અને પ્રતિકાત્મક રીતે કામ અને ભૂમિકાઓની વહેંચણી થઈ છે."
તેમણે વધુમાં કહ્યું, "હવે મોદી વધારે સમય માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય રહેશે જેમાં તે દાવોસ વગેરેની વાત કરશે. જ્યારે અમિત શાહ દેશી 'પાવર હોલ્ડર' બનશે."
"તમે જૂઓ તો હવે અમિત શાહ સ્થાનિક બૉસમાંથી રાષ્ટ્રીય બૉસ બની ગયા છે. એક રીતે તે સરદાર પટેલના સ્ટેચ્યૂ જેવા છે, જેના કદમાં સતત વધારો થતો રહ્યો છે."
"તેમણે ભાજપના આંતરીક તંત્ર પર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું છે. હવે તે તેમના અંકુશમાં છે. મોદી હવે સંસદીય અને નીતિવિષયક બાબતો પર નિયંત્રણ રાખશે જ્યારે શાહ પક્ષ અને રાજકારણની અન્ય બાબતો પર અંકુશ રાખશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો