નીરવ મોદીનું જેમાં નામ છે તે કૌભાંડ આ રીતે થયું!

    • લેેખક, આર. કે. બક્ષી
    • પદ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત એક્ઝીક્યુટિવ ડિરેક્ટર

પંજાબ નેશનલ બેંક(પીએનબી)એ ગયા બુધવારે જણાવ્યું હતું કે તેની મુંબઈના બ્રીચ કેન્ડીસ્થિત શાખામાં 11,360 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે.

દેશની સૌથી મોટી બેંકો પૈકીની એક પીએનબીએ આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોનાં નામ જાહેર કર્યાં નથી.

જોકે, પીએનબીએ સ્વીકાર્યું છે કે "બેંકના કર્મચારીઓ અને ખાતેદારોની મિલીભગત વડે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે."

પીએનબીના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ મહેતાએ આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી.

તેમાં સુનિલ મહેતાએ કહ્યું હતું, "ગોટાળો 2011થી જ ચાલી રહ્યો હતો, પણ આ વર્ષની ત્રીજી જાન્યુઆરીએ તે બહાર આવ્યો હતો. સંબંધિત એજન્સીઓને આ બાબતે જાણ કરવામાં આવી છે."

આ કૌભાંડ 2011થી 2018 સુધી ચાલતું રહ્યું હતું અને આ સાત વર્ષમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા.

આ કૌભાંડમાં હીરાના વિખ્યાત ધંધાર્થી નીરવ મોદી સંડોવાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે.

કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે, "ઓડિટર અને તપાસકર્તાના ધ્યાનમાં કરોડો રૂપિયાનો આ ગોટાળો કેમ આવ્યો નહીં?"

"કોઈ વગદાર વ્યક્તિ આ કૌભાંડને રક્ષણ આપી રહી હતી એવું નથી લાગતું?"

આ સવાલોના જવાબ મેળવવા માટે બીબીસીના સંવાદદાતા મોહનલાલ શર્માએ બેંક ઓફ બરોડાના નિવૃત્ત એક્ઝીક્યુટિવ ડિરેક્ટર આર. કે. બક્ષી સાથે વાત કરી હતી.

આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું એ સવાલ તેમને કર્યો હતો.

આર. કે. બક્ષીનો દૃષ્ટિકોણ

પીએનબીમાં થયેલા કૌભાંડના કેન્દ્રમાં છે લેટર ઓફ અંડરટેકિંગ(એલઓયુ). બેંકોમાં એલઓયુની વ્યવસ્થા પ્રચલિત છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવતો હોય છે.

ભારતમાં જે બિઝનેસમેન પરદેશથી માલસામાનની આયાત કરતો હોય તેણે પરદેશમાંના નિકાસકર્તાને નાણાં ચૂકવવાનાં હોય છે.

એ નાણાં આયાતકર્તા પાસે ન હોય કે કોઈ કારણસર એ ક્રેડિટ પીરિયડ અથવા ઉધારીની વ્યવસ્થાનો લાભ લેવા ઈચ્છતો હોય તો ભારતીય બેંક વિદેશની કોઈ પણ બેંકને એલઓયુ આપતી હોય છે.

એલઓયુમાં જણાવવામાં આવે છે કે આપ ફલાણા કામ માટે ફલાણા નિકાસકારને ચોક્કસ નાણાં ચૂકવી આપશો.

સંબંધિત બિઝનેસમેન બેંકને વચન આપતો હોય છે કે તે એક વર્ષ બાદની નિશ્ચિત તારીખે વ્યાજ સાથે એ નાણાં બેંકને ચૂકવી આપશે.

આ વ્યવસ્થામાં નવું કંઈ નથી. બાયર્સ ક્રેડિટની આ વ્યવસ્થા બેંકો માટે બહુ મહત્વની હોય છે.

પીએનબીએ વિદેશી બેંકોને એલઓયુ આપ્યું હોય તો પીએનબીની ગેરંટીના આધારે વિદેશી બેંકો નિકાસકારને આદેશ અનુસારના નાણાં ચૂકવી આપે છે.

એક વર્ષ પછી આયાતકર્તા પીએનબીને એ નાણાં ચૂકવી આપશે અને પીએનબી એ નાણાં વિદેશી બેંકોને વ્યાજ સાથે પરત કરશે.

આ કિસ્સામાં શું થયું?

આ કિસ્સામાં પીએનબીએ એલઓયુ ઈસ્યુ કર્યાં ન હતાં, પણ પીએનબીના બે કર્મચારીઓએ બનાવટી એલઓયુ બનાવી આપ્યાં હતાં. આ કર્મચારીઓ પાસે સ્વિફ્ટ સિસ્ટમનો એક કન્ટ્રોલ હતો.

સ્વિફ્ટ એક આંતરરાષ્ટ્રીય કમ્યુનિકેશન સિસ્ટમ છે, જે દુનિયાભરની બેંકોને એકમેકની સાથે જોડે છે.

આ સ્વિફ્ટ સિસ્ટમમાં સંદેશાઓ ઉત્કૃષ્ટ ટેક્નોલોજીના ઉપયોગ વડે સાંકેતિક ભાષામાં મોકલવામાં આવે છે.

એલઓયુ મોકલવા, તેને ઓપન કરવા અને તેમાં ફેરફારનું કામ આ સિસ્ટમ મારફત કરવામાં આવે છે.

તેથી આ સિસ્ટમ મારફત કોઈ બેંકને સંદેશો મળે છે ત્યારે એ બેંકને ખબર હોય છે કે એ સત્તાવાર તથા સાચો સંદેશો છે. તેથી તેની સચ્ચાઈ વિશે શંકા સર્જાતી નથી.

આ સિસ્ટમનું કામકાજ તો આખરે કોઈ વ્યક્તિ જ સંભાળતી હોય છે.

પીએનબીમાં બે કર્મચારીઓ આ કામ કરતા હતા. એક ક્લર્ક હતો, જે સિસ્ટમમાં ડેટા ફીડ કરતો હતો, જ્યારે તેના ઉપરી અધિકારી એ ડેટાની સચ્ચાઈની સત્તાવાર પુષ્ટિ કરતા હતા.

આ બે કર્મચારીઓ પાંચ-છ વર્ષ સુધી એક જ ડેસ્ક પર કામ કરતા રહ્યા હોય એવું લાગે છે. વાસ્તવમાં આ ડેસ્ક પર કામ કરતા લોકોની અદલાબદલી થતી રહેવી જોઈએ.

એ બન્ને કર્મચારીઓને કોઈ લાલચ આપવામાં આવી હશે, જેને લીધે તેઓ નીરવ મોદીના કે તેમની કંપનીના કહેવાથી બનાવટી એલઓયુ ઈસ્યુ કરતા રહ્યા હતા.

આ કારનામાનો અર્થ એ છે કે સ્વિફ્ટ દ્વારા મોકલવામાં આવેલા દસ્તાવેજો સાચા હતા, પણ વાસ્તવમાં તેને પીએનબીનો કોઈ દસ્તાવેજી આધાર ન હતો.

તેનો મતલબ એ પણ થયો કે પીએનબીએ તે બિઝનેસમેનને કોઈ લિમિટ આપી ન હતી. બ્રાંચ મેનેજરે સ્વિફ્ટ સિસ્ટમ મારફતે મોકલાયેલા કોઈ કાગળ પર સહી કરી ન હતી.

બે કર્મચારીઓએ એલઓયુ ચૂપચાપ મોકલી આપ્યા હતા.

વધુ એક ખામી

પીએનબીના કિસ્સામાં જે એક વધુ ખામી જોવા મળી છે તે એ છે કે જે સંદેશા મોકલવામાં આવ્યા હતા તેમાં સ્વિફ્ટ સિસ્ટમ કોર બેંકિંગ સાથે જોડાયેલી લાગતી નથી.

કોર બેંકિંગમાં પહેલાં એલઓયુ બનાવવામાં આવે છે અને પછી એ સ્વિફ્ટમાં સંદેશા મારફત મોકલવામાં આવે છે.

આ કારણે કોર બેંકિંગમાં એક કોન્ટ્રા એન્ટ્રી થઈ જાય છે, જે સૂચવે છે કે બેંકે ચોક્કસ દિવસે ચોક્કસ રકમની લોનની મંજૂરી આપી છે.

તેથી બીજા દિવસે બેંક મેનેજર તેની બેલેન્સ શીટ પર નજર કરે છે ત્યારે તેને ખબર પડી જાય છે કે બેંકે આગલા દિવસે કેટલી લોન મંજૂર કરી છે.

જોકે, સ્વિફ્ટ વર્તમાન કિસ્સામાં કોર બેંકિંગ સાથે જોડાયેલી ન હતી.

બન્ને કર્મચારીઓએ સ્વિફ્ટ મારફત બનાવટી સંદેશો મોકલ્યો હતો. તેને ગાયબ કરી દીધો હતો અને કોર બેંકિંગમાં એન્ટ્રી ન હોવાને કારણે કોઈને કંઈ ખબર પણ ન પડી.

બેંકની આખી સિસ્ટમને કઈ રીતે છીંડું પાડવામાં આવ્યું?

ચોર કોઈ નિશાન કે પુરાવો ન છોડતો જાય તો તેને પકડવાનું -ખાસ કરીને કોઈને શંકા ન હોય ત્યારે- બહુ મુશ્કેલ હોય છે.

કોઈને શંકા હોય તો એ કિસ્સાની તપાસ થાય છે, પણ કોઈને શંકા પડી જ ન હતી. તેઓ એક બેંક પાસેથી નાણાં લેતા રહ્યા અને બીજીને ચૂકવતા રહ્યા.

આજે પચાસ કરોડના એલઓયુ ઈસ્યુ કરાવ્યા અને એક વર્ષ પછી તેને ચૂકવવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં વધુ એકસો કરોડના એલઓયુ ઈસ્યુ કરાવી નાખ્યા હતા.

તેમણે અગાઉ લીધેલા પચાસ કરોડ ચૂકવી આપ્યા અને બીજી લોનની વ્યવસ્થા કોઈ અન્ય બેંકમાંથી કરી હતી.

આ રીતે લાંબા સમય સુધી લેવડદેવડ ચાલતી રહી હતી. એ કારણે લોનની રકમ દર વર્ષે વધતી રહી હતી.

બેંક કૌભાંડ અટકાવી શકી હોત?

પીએનબીમાં દરેક ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી એક જગ્યાએ-માત્ર સ્વિફ્ટ મેસેજમાં જ હતી અને એ મેસેજ જઈ ચૂક્યો હતો.

દરેક બેંકમાં દરેક સ્વિફ્ટ ટ્રાન્ઝેક્શનની એક કોપી એક ફાઈલમાં એ ટ્રાન્ઝેક્શન સંબંધી દસ્તાવેજો સાથે રાખવામાં આવતી હોય છે.

એ ઉપરાંત સ્વિફ્ટ મારફત કેટલા સંદેશા મોકલવામાં આવ્યા હતા તેની નોંધ પણ રાખવામાં આવે છે. દરેક સિસ્ટમમાં આ પ્રકારની નોંધ બનતી હોય છે.

પીએનબીની સિસ્ટમમાં કદાચ બે ખામી હતી.

એક, પીએનબીની સિસ્ટમ કોર બેંકિંગ સાથે જોડાયેલી ન હતી.

બીજી, દિવસ દરમ્યાન કેટલાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં તેની અને એ ટ્રાન્ઝેક્શન્શને સત્તાવાર સ્વીકૃતિ આપવામાં આવી છે કે નહીં તેની ચકાસણી રોજ સંબંધિત ઉપરી અધિકારીએ કરી ન હતી.

સ્વિફ્ટ સિસ્ટમ કોર બેંકિંગ સાથે જોડાયેલી ન હોત તો વાંધો ન હતો, પણ દૈનિક નોંધની તપાસ કરવામાં આવી હોત તો પણ કૌભાંડ પહેલા જ દિવસે પકડાઈ ગયું હોત.

બીજી વાત, અન્ય બેંકો ભારતીય બેંકના મેસેજને આધારે નાણાં ચૂકવી દેશે તેમાં કોઈ શંકા નથી, કારણ કે તેમને સ્વિફ્ટ મારફત મેસેજ મોકલવામાં આવ્યો હતો.

ભારતીય બેંકના વાયદા અનુસાર વિદેશી બેંક નાણાં ચૂકવી આપશે અને એ પરત મેળવવા માટે આપવામાં આવેલી તારીખ સુધી રાહ જોશે.

એ નાણાં મળી જાય તો વાંધો નહીં, પણ નહીં મળે તો વિદેશી બેંક ભારતીય બેંકનો સંપર્ક સાધશે.

તેનો અર્થ એ થયો કે કેટલાક વ્યવહારોમાં કેટલાંક વર્ષો સુધી નાણાંની ચૂકવણીનો જે દિવસ હશે ત્યારે કે તેના બે દિવસ પહેલાં નાણાં ચૂકવી દેવામાં આવતાં હશે.

તેથી ગોટાળો પકડાઈ જવાની કોઈ શક્યતા ન હતી.

પીએનબી પર શું અસર થશે?

આ ઘટનામાં એ તો સ્પષ્ટ છે કે જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં એ માટે બેંક પાસે કોઈ સિક્યુરિટી ન હતી, કારણ કે તેમાં પીએનબી તો સામેલ જ ન હતી.

આ બિનસત્તાવાર કામ તો એવા બે કર્મચારીઓએ કર્યું હતું જેમની પાસે સૌથી મહત્વની સિસ્ટમની ચાવી હતી.

જે કંપનીઓએ આ ગોટાળો કર્યો છે તેમની સંપત્તિ આપણી એજન્સીઓ જપ્ત કરી શકે તો તેના લિલામમાંથી જ પીએનબીને એ નાણાં મળવાની આશા છે.

નીરવ મોદીએ પાંચ-છ હજાર કરોડનું પેમેન્ટ કરવાની તૈયારી એક પત્રમાં દેખાડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સવાલ એ છે કે તેમનો ઈરાદો ઈમાનદારીભર્યો હોત તો તેમણે આવું કામ કરવાની જરૂર શું હતી? તેઓ સર્વસામાન્ય રીતે પણ તેમનું કામ કરી શક્યા હોત.

નીરવ મોદી મોટા બિઝનેસમેન છે, ગ્લોબલ સિટિઝન છે. દુનિયાભરમાં તેમની સંપત્તિ ફેલાયેલી છે. તેને શોધવાનું, જપ્ત કરવાનું અને તેમાંથી નાણાં વસૂલવાનું બહુ મુશ્કેલ છે.

જો કંઈ વસૂલાત થશે તો સારું અન્યથા એ નાણાં પીએનબીની નોન પર્ફોર્મિંગ એસેટનો હિસ્સો બની જશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પીએનબીને મોટું નુકસાન થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો