You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નગર પાલિકાના પરિણામોની લોકસભાની ચૂંટણી પર શું અસર થશે?
- લેેખક, અજય ઉમટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના મતદારો વધારે એક વખત શાણા પુરવાર થયા છે. નગર પાલિકાઓની ચૂંટણીમાં મતદારોએ વધુ એક વખત આવો પરિપકવ અને સમતોલ ચુકાદો આપ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ ભાજપને છકી નહીં જવાની ચીમકી સાથે સત્તા આપી.
બીજી બાજુ, કોંગ્રેસનો ઉત્સાહ વધે તેમ તેને બેઠકો વધારે આપી, પરંતુ સાથે સાથે સંકેત પણ આપ્યો કે હજુ તમે મજબૂત વિપક્ષ તરીકે કામ કરો બાકી સત્તા સંભાળવા માટે સજ્જ થવાને હજુ વાર છે.
કુલ 74 નગરપાલિકાઓમાંથી ભાજપને 47 પાલિકામાં વિજય સાંપડ્યો છે, પરંતુ તેને 16 પાલિકાનું નુકસાન થતું જણાય છે.
બીજી તરફ કોંગ્રેસને 16 પાલિકામાં વિજય મળ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો નવ પાલિકામાં વિજય થયો હતો, પરંતુ અપક્ષો તથા અન્યોના ટેકા સાથે તેનું 13 પાલિકામાં શાસન હતું.
કોંગ્રેસને સીધી ચૂંટણીની રીતે સાત અને શાસનની રીતે જોવામાં આવે તો ત્રણ જ પાલિકાનો ફાયદો છે.
બેઠકવાર જોવામાં આવે તો કુલ 2060 બેઠકમાંથી ભાજપને 1207 બેઠક મળી છે. મતલબ કે ગત ચૂંટણી કરતાં તેની લગભગ 200 બેઠક ઘટી છે.
કોંગ્રેસને 640 બેઠકો મળી છે એટલે કે ગત ચૂંટણી કરતાં તેની 200 બેઠક વધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સ્વીકારી લઇએ કે પાલિકા ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દા વધારે ભાગ ભજવતા હોય છે.
વધુમાં, આ પરિણામોમાં પણ જોવાયું છે તેમ વોર્ડની નાની સંખ્યાના કારણે અપક્ષ ઉમેદવારો, ટચૂકડા પક્ષો અને બળવાખોરો પરિણામોમાં બહુ મોટી ફેરબદલ કરી દે છે.
આમ છતાં પણ મોટાભાગે સીધા જંગ જેવી બની રહેલી આ ચૂંટણીમાં મતદારોએ હજુ ભાજપને બહુ જાકારો આપ્યો નથી તો સામે કોંગ્રેસને એવો આવકાર પણ આપ્યો નથી.
ગુજરાતના શહેરી વિસ્તારોના મતદારોએ બહુ માપીતોળીને ચુકાદો આપ્યો છે.
ભાજપ અને કોંગ્રેસને સંદેશ
ભાજપને સંદેશો આપી દેવાયો છે કે મતદારો કાયમ ભાજપ માટે ઓળઘોળ થઈ, ઓવારી જઈ, જંગી બહુમતી આપી દેશે તેવું માનીને ચાલશો નહીં.
બીજી તરફ કોંગ્રેસને સંદેશો અપાયો છે કે તમારે હજુ ગુજરાતના રાજકીય ફલક પર અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પ્રભુત્વ મેળવવા માટે વધુ મહેનતની જરૂર છે.
ખાસ કરીને રાજ્યમાં શાસક ભાજપ ભીંત પરનું લખાણ વાંચી લેવાની જરૂર છે કે 2019ની ચૂંટણીમાં લોકસભાની તમામ 26 બેઠકો પર કબજો જાળવી રાખવાનું તેના માટે મુશ્કેલ થઈ શકે છે.
હવે લોકસભામાં હાલત સુધારવા બંને પક્ષોએ સુશાસન પર ફોક્સ કરવું રહ્યું.
ઑક્ટ્રૉય જેવી રોકડી આવક ગુમાવ્યા બાદ રાંક બની ગયેલી અને મોટાભાગે રાજ્ય સરકારના વેરા હિસ્સા પર પરાધીન થઇ ગયેલી પાલિકાઓ માથે વધતી વસતિ સામે પાણીની જરૂરિયાતો, કચરાના નિકાલ તથા ડ્રેનેજ સિસ્ટમની આધુનિક માંગ ઉપરાંત ટાઉન પ્લાનિંગના લાંબા ગાળાના પડકારો જેવો જટિલ કાર્યબોજ છે.
ગુજરાત મોટાભાગે શહેરી રાજ્ય છે. પાલિકાઓનું શાસન જ આવતીકાલનું 'ગુજરાત મોડલ' રચશે એ સમજી જે પક્ષ બહેતર દૃષ્ટાંત પૂરું પાડશે, તેના માટે 2019ની આશાઓ એટલી ઉજળી બનશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો