You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જનતા 'મૂરખ' નથી, નેતા કામ કરે છે કે તે નહીં જાણે છે'
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનું કહેવું છે કે, જનતા 'મૂરખ' નથી, કયો નેતા કામ કરે છે તે જાણે છે.
સાત દિવસની ભારતયાત્રાના ત્રીજા દિવસે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત લીધી હતી.
IIM અમદાવાદ ખાતે ટ્રુડોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
લગભગ 50 મિનિટની ચર્ચામાં તેમણે મહિલા સમાનતા, ઇમિગ્રન્ટ્સ, લઘુ ઉદ્યોગો, મહાત્મા ગાંધી તથા પછાત વર્ગો વિશે વાત કરી હતી.
શુક્રવારે ટ્રુડો અને મોદીની વચ્ચે મુલાકાત યોજાશે. જેમાં સંરક્ષણ, અણુ સહકાર, વ્યાપાર તથા અવકાશ ક્ષેત્રે સહયોગ જેવા મુદ્દાઓ ચર્ચાય તેવી શક્યતા છે.
ટ્રુડોની ચર્ચાની મુખ્ય બાબતો
- મને 'નિરાશાવાદ'થી ડર લાગે છે. તે સમસ્યાથી છૂટકારો મેળવવાનો 'સરળ અને બેકાર' રસ્તો છે, પરંતુ સમાજમાં સારું થાય તે માટે સતત પ્રયાસો કરવા અને 'આશાવાદ' જાળવી રાખવો મુશ્કેલ છે. હું આશાવાદમાં માનું છું.
- જનતા 'મૂરખ' નથી, કોઈ નેતા ખરેખર મહેનત કરી રહ્યો છે કે નહીં, તે વાત જાણે છે. કોઈ નેતા પરિવારના હિતોને સાચવવામાં લાગેલો હોય તો તે પણ સમજે છે.
- હું એક ફેમિનિસ્ટ છું. લિંગ ભેદ રાખ્યા વગર કામ કરવું સારું જ નહીં, સ્માર્ટ પણ છે. જો આબાદીનો પચાસ ટકા વર્ગ કામ ન કરે તો દેશનો વિકાસ ન થઈ શકે. કેબિનેટમાં મહિલાઓના સમાન પ્રતિનિધિત્વ અંગે મને ગર્વ છે.
- પુરુષ હોવાને કારણે બિઝનેસ અને પોલિટિક્સમાં મને લાભ થયો હતો. જોકે, મહિલાઓએ દરરોજ લૈંગિકભેદ અને ભેદભાવનો ભોગ બનવું પડે છે.
- હું એક પર્યાવરણવાદી છું અને હું માનું છું કે આ બધાની જવાબદારી છે કે જ્યાં સુધી પર્યાવરણની રક્ષા કરવી એ આપણી સૌથી મહત્વની જવાબદારી છે.
- મારા દેશના દરવાજા ઇમિગ્રન્ટ્સ માટે ખુલ્લા છે, બીજા દેશોએ પણ આવી રીતે નિરાશ્રિતોને સહારો આપવો જોઈએ, જેથી તેઓ પણ સમાજ વિકાસમાં પોતાનો ભાગ ભજવી શકે.
- માઇનોરિટી, LGBTIQ, આદિવાસીઓનો વિકાસ કરીને જ એક સારો અને સમૃદ્ધ સમાજ બની શકે છે.
- લોકશાહીના વિકાસ માટે મીડિયા અનિવાર્ય છે. મીડિયાને સશક્ત બનાવવું જરૂરી છે. જો સરકાર કાંઈ ખોટું કરતી હોય તો તે જણાવવાનું કામ મીડિયા કરે છે.
- સૌથી વધુ મહેનત કરનારો વર્ગ, જે ગરીબ છે તેમને એવું લાગે છે કે તેઓ વિકાસની હરોળમાં પાછળ રહી ગયા છે.
- તમે આવતીકાલના નહીં આજના નેતા છો. આપ જે કાંઈ કરો છો, તેની આજુબાજુની ઉપર અસર પડતી હોય છે.
વિદ્યાર્થીઓ માટે દરવાજા ખુલ્લા
ટ્રુડોએ જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચે વ્યવસાયિક સંબંધો વધારવાની ઘણી શક્યતાઓ છુપાયેલી છે.
તેમણે જણાવ્યું કે કેનેડામાં હાલમાં સવા લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમે આગળ પણ ભારતમાંથી વિદ્યાર્થીઓને આવી જ રીતે કેનેડામાં ભણવા માટે પ્રોત્સાહિત કરતા રહીશું.
કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા બીજા ક્રમાંકે છે. તેમાય ગુજરાતથી મોટા પ્રમાણમાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેનેડાના દરવાજા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક આદાનપ્રદાન માટે હંમેશા ખુલ્લા રહેશે.
મહાત્મા ગાંધી વિષે
એક વિદ્યાર્થિનીનાં સવાલનો જવાબ આપતા ટ્રુડોએ કહ્યું હતું કે તેઓ મહાત્મા ગાંધીથી ખૂબ જ પ્રેરણા મેળવે છે.
ગુસ્સો લાવ્યા વગર હંમેશા મક્કમ રહેવું, એકબીજાને વધુ સારી રીતે સમજવું, પોતાની જાતને સતત સવાલો કરવા, પોતાનો ઇગો ઘટાડવા જેવી અનેક યોગ્યતાઓ ગાંધીને કારણે મળી છે.
ગાંધી આશ્રમ અને અક્ષરધામ ખાતે
સવારે એરપોર્ટથી ટ્રુડો પત્ની સોફીયા ટ્રુડો અને ત્રણ બાળકો સાથે સૌ પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લીધી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેનેડાના વડાપ્રધાનને આવકારવા માટે પહોંચ્યા ન હતા.
તેમના સ્થાને રાજ્યના આદિજાતિ વિકાસ તેમજ પ્રવાસન મંત્રી ગણપત વસાવા, રાજ્યના મુખ્ય સચિવ અને અમદાવાદના મેયર ગૌતમ શાહ પહોંચ્યા હતા.
જોકે, બાદમાં રૂપાણી અને ટ્રુડો વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી અને ટ્રુડોને વિદાય આપવા એરપોર્ટ પહોંચ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો