આ રીતે લાહોરમાં શરૂ થઈ હતી પંજાબ નેશનલ બૅન્ક!

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

11,360 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ ચર્ચાનું કેન્દ્ર બનેલી પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી)ના શેર્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સાથે જ આ બૅન્ક સાથે જોડાયેલા સમાચારના ગ્રાફમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે.

વિશેષજ્ઞો કહે છે કે આ કૌભાંડથી બૅન્ક પર પડતી અસરનું આકલન કરવું હાલ તો મુશ્કેલ છે અને અત્યારે 'વેઇટ એન્ડ વૉચ'ની પૉલિસી અપનાવવી પડશે.

આજે આ કૌભાંડે બ્રેકિંગ ન્યૂઝનું સ્થાન લઈ લીધું છે.

પરંતુ આ કૌભાંડને અલગ રાખીએ તો, 123 વર્ષ જૂની આ બૅંકની સ્થાપના સાથે જોડાયેલી કહાણી પણ ઓછી રસપ્રદ નથી.

તમને આ પણ વાંચવું ગમશે

આજે આશરે 7 હજાર બ્રાન્ચ, લગભગ 10 હજાર એટીએમ અને 70 હજાર કરતા વધારે કર્મચારીઓની સાથે પોતાની સેવાઓ આપી રહેલી પંજાબ નેશનલ બૅંક 19 મે 1894ના રોજ માત્ર 14 શેરધારકો અને 7 ડાયરેક્ટર સાથે શરૂ કરાઈ હતી.

પરંતુ જે એક વ્યક્તિએ આ બૅંકનો પાયો નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે હતા ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની લાલ-બાલ-પાલની તિકડીના લાલા લાજપત રાય.

લાલા લાજપત રાયનો વિચાર

લાલા લાજપત રાય એ તથ્યથી ખૂબ ચિંતિત હતા કે બ્રિટીશ બૅન્કો અને કંપનીઓને ચલાવવા માટે ભારતીય પૈસાનો ઉપયોગ થાય છે.

પરંતુ તેનો ફાયદો અંગ્રેજ ઉઠાવી રહ્યા હતા જ્યારે ભારતીયોને માત્ર થોડું વ્યાજ જ મળતું.

તેમણે આર્ય સમાજના રાય બહાદુર મૂલ રાજ સમક્ષ એક લેખમાં પોતાની આ ભાવના વ્યક્ત કરી હતી.

મૂલ રાજ પોતે પણ લાંબા સમયથી આ જ વિચાર ધરાવતા હતા કે ભારતીયોની પોતાની રાષ્ટ્રીય બૅન્ક હોવી જોઈએ.

કેવી રીતે થઈ બૅન્કની સ્થાપના?

રાય મૂલ રાજના અનુરોધ ઉપર લાલા લાજપત રાયે કેટલાક નજીકના મિત્રોને પત્ર મોકલ્યો હતો તે સ્વદેશી ભારતીય જૉઇન્ટ સ્ટૉક બૅન્કની સ્થાપનાની દિશામાં પહેલું પગલું હતું.

આ પગલાંને સંતોષજનક પ્રતિક્રિયા પણ મળી હતી.

તરત જ પેપરવર્ક શરૂ થયું હતું અને ઇન્ડિયન કંપની એક્ટ 1882ના અધિનિયમ 6 અંતર્ગત 19 મે 1894ના રોજ પીએનબીની સ્થાપના થઈ ગઈ.

બૅન્કનું પ્રૉસ્પેક્ટસ ટ્રિબ્યૂનની સાથે ઉર્દૂના દૈનિક 'અખબાર-એ-આમ' અને 'પૈસા અખબાર'માં પ્રકાશિત કરાયું હતું.

23 મેના રોજ સંસ્થાપકોએ પીએનબીના પહેલા અધ્યક્ષ સરદાર દયાલ સિંહ મજીઠિયાના લાહોર સ્થિત આવાસ પર બેઠક કરી અને આ યોજના સાથે આગળ વધવાનો સંકલ્પ લીધો.

તેમણે લાહોરની અનારકલી બજારમાં પોસ્ટ ઑફિસ સામે અને પ્રસિદ્ધ રામા બ્રધર્સ સ્ટોર્સ નજીક એક ઘર ભાડે લેવાનો નિર્ણય કર્યો.

લાહોરથી થઈ શરૂઆત

12 એપ્રિલ 1895ના રોજ પંજાબના તહેવાર વૈશાખીથી એક દિવસ પહેલાં બૅન્કને શરૂ કરવામાં આવી હતી.

પહેલી બેઠકમાં મૂળ તત્વોને સ્પષ્ટ કરી દેવાયાં હતાં. 14 શેરધારકો અને 7 ડાયરેક્ટરોએ બૅંકના શેર્સનો ખૂબ ઓછો ભાગ ખરીદ્યો હતો.

લાલા લાજપત રાય, દયાલ સિંહ મજીઠિયા, લાલા હરકિશન લાલ, લાલા લાલચંદ, કાલી પ્રોસન્ના, પ્રભુ દયાલ અને લાલા ઢોલના દાસે બૅંકના શરૂઆતી દિવસોમાં તેના મેનેજમેન્ટ સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી.

પીએનબીનું ભવિષ્ય શું છે?

પીએનબી કૌભાંડ બૅંકની માર્કેટ કેપિટલાઇઝેશનના 31 ટકા બરાબર છે.

એટલે કૌભાંડની ખબર સામે આવતા જ તેના શેર્સના ભાવમાં પહેલા જ દિવસે 10 ટકા અને બીજા દિવસે 12.89 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એક વેલ્થ મેનેજરના જણાવ્યા અનુસાર, "પીએનબીનું ભવિષ્ય તેના પાયા પર નિર્ભર કરે છે.

તેનો પાયો એટલો મજબૂત છે કે મેનેજમેન્ટ એક મજબૂત નેતૃત્વ સંભાળી શકે ત્યારે તેમાં કરવામાં આવેલા રોકાણને યથાવત રાખવું જોઈએ."

"હજુ આ નુકસાનનું ચોક્કસ આકલન થયું નથી પરંતુ તેનાથી બૅંકના એનપીએ (નોન- પરફોર્મિંગ એસેટ)નો આકાર ખૂબ મોટો બની જશે જેમાંથી બહાર આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો