PNB કૌભાંડ: ખાતાધારકોને શું અસર થશે?

પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)એ બુધવારે જણાવ્યું હતું કે તેની મુંબઈના બ્રીચ કેન્ડીસ્થિત શાખામાં 11,360 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે.

પીએનબીએ જણાવ્યું હતું, "આ ગોટાળામાં જે લેવડદેવડ થઈ છે એ કેટલાક ચોક્કસ લોકોના લાભ માટે કરવામાં આવી છે. તેમાં બેન્કના કર્મચારીઓ અને ખાતેદારોની મિલીભગત છે."

"આ વ્યવહારોના આધારે બીજી બેન્કોએ પણ કેટલાક ચોક્કસ ખાતેદારોને વિદેશમાં નાણાં આપ્યાં હોય એવું લાગે છે."

આ નિવેદનને કારણે બુધવારે પીએનબીના શેરો ભાવ રૂ. 157થી ગગડ્યા હતા અને 144.85 પર બંધ આવ્યા હતા, જે 10.39 ટકાનો ઘટાડો સૂચવે છે.

જો બેન્કમાં આપનું ખાતું હોય તો તેને કોઈ અસર થશે?

કાયદાપાલન સંસ્થાઓ નક્કી કરશે જવાબદારી

દેશની સૌથી મોટી બેન્કો પૈકીની એક પીએનબીએ આ ગોટાળામાં સંડોવાયેલા લોકોનાં નામ જાહેર કર્યાં નથી.

અલબત, પીએનબીએ એવું જરૂર જણાવ્યું છે કે આ વ્યવહારો બાબતે કાયદાપાલન સંસ્થાઓને માહિતગાર કરવામાં આવી છે અને આ વ્યવહારોમાં બેન્કની જવાબદારી કેટલી છે તેની ચકાસણી એ સંસ્થાઓ કરશે.

પીએનબીએ જણાવ્યું હતું, "બેન્કમાં આ પ્રકારની લેવડદેવડ તાકીદની પરિસ્થિતીમાં થતી હોય છે, પણ આવા વ્યવહારોમાં બેન્કની જવાબદારી કેટલી છે તે કાયદાકીય સ્થિતિ તથા સચ્ચાઈને આધારે નક્કી થશે."

બેનામી લેવડદેવડના આરોપો

પીએનબી બેનામી લેવડદેવડના આરોપોનો સામનો કરી રહી છે ત્યારે આ ગોટાળો બહાર આવ્યો છે.

નીરવ મોદી નામના બિઝનેસમેન સંબંધી નાણાકીય વ્યવહારોની તપાસ ગયા સપ્તાહથી ચાલી રહી છે.

પીટીઆઈ સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, નીરવ મોદી, તેમના ભાઈ, પત્ની અને ભાગીદારે પીએનબી બેન્ક સાથે 280 કરોડ રૂપિયાનો કથિત ગોટાળો કર્યો હોવાનું કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું.

પીએનબીનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ વિશાલ, પત્ની અમી તથા મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેન્કના અધિકારીઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું અને બેન્કને નુકસાન કર્યું હતું.

આ ચારેય લોકો ડાયમંડ આર યુએસ, સોલર એક્સપોર્ટ અને સ્ટેલર ડાયમંડ્ઝનાં ભાગીદારો છે.

આપની ડિપોઝિટનું શું થશે?

બીબીસીનાં બિઝનેસ સંવાદદાતા દેવિના ગુપ્તાના જણાવ્યા અનુસાર, "બેન્કિંગ ક્ષેત્રના નિયમનકર્તા ભારતીય બેન્કોને ડૂબેલાં ધિરાણમાંથી બહાર લાવવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ પ્રકરણ સરકારી બેન્કોની પ્રતિષ્ઠા પરના મોટા ફટકા સમાન છે.

"દેશના શેર બજારને પાઠવેલા નિવેદનમાં પીએનબીએ જણાવ્યું હતું, મુંબઈમાંની તેની એક શાખામાં ગંભીર ગોટાળો શોધી કાઢવામાં આવ્યો છે.

"પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેરકાયદે વ્યવહારો માટે શંકાસ્પદ ખાતાઓ ખોલવામાં આવ્યાં હતાં. આ કૌભાંડમાં અન્ય બેન્કો સંડોવાયેલી હોવાની શક્યતા પણ છે.

"આ કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યો છે અને પીએનબીના કમસેકમ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવા સમાચારને કેન્દ્રીય નાણા મંત્રાલયે સમર્થન આપ્યું હતું.

"આ ગોટાળા વિશે શેર બજારને જણાવવામાં આવ્યું પછી બુધવારે પીએનબીના શેરોના ભાવમાં દિવસ અંત સુધીમાં દસ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

"પબ્લિક ડીપોઝિટ્સ વિશે પીએનબીએ કોઈ ફોડ પાડ્યો નથી, પણ નિષ્ણાતો માને છે કે સામાન્ય ખાતેદારોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગેરકાયદે ખાતાંઓની જ તપાસ કરવામાં આવશે.

"ભારતમાં દેશની કુલ પૈકીના 70 ટકા બેન્કિંગ અસ્કયામત પર સરકારી બેન્કોનો અંકૂશ છે. મોટા પ્રમાણમાં ધીરાણ ડૂબ્યા પછી સરકાર હવે બેન્કિંગ વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી કરી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો