અમેરિકા: એ જગ્યા જ્યાં પરમાણુ હુમલા વખતે ડોનાલ્ડ ટ્રમ્પ છુપાશે

જો અમેરિકા પર પરમાણુ હુમલાનું જોખમ સર્જાય તો અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને ક્યાં લઈ જવામાં આવે?

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રુમેનથી લઈને ટ્રમ્પ સહિતના તમામ અમેરિકી રાષ્ટ્રપતિ માટે આ બંકરમાં રહેવાની સુવિધા છે.

ખરેખર પરમાણુ હુમલો થતાં જ તેમને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે.

આમાંથી એક બંકર વ્હાઇટ હાઉસની નીચે છે, જેને 1950માં બનાવવામાં આવ્યું હતું.

વળી, બીજું બંકર વર્જિનિયાના બ્લુ રિજ માઉન્ટેનમાં માઉન્ટ વેદર નામની ટોચ પર બનેલું છે.

અમેરિકાની નેવીએ 'પીનટ આઇલેન્ડ' નામનું એક બંકર અમેરિકી રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી માટે બનાવ્યું હતું.

આ બંકર ફ્લોરિડામાં પામ બીચ હાઉસ નજીક આવેલું છે. જ્યાં કેનેડી ઘણી વખત જતા હતા.

પામ બીચ અને આ બંકર વચ્ચે માત્ર દસ મિનિટનું જ અંતર છે.

તેને 'ડિટૅચમન્ટ હોટેલ' પણ કહેવામાં આવે છે. જેને બનાનવા માટે 97 હજાર અમેરિકી ડૉલરનો ખર્ચ થયો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ટ્રમ્પ પાસે તેમનું પોતાનું પણ એક બંકર છે, જે ફ્લોરિડામાં 'માર-એ-લાગો' નામની તેમની પોતાની મિલકતમાં આવેલું છે.

બંકરમાં કોણ કોણ જઈ શકે છે

જો રાષ્ટ્રપતિ માટે બનાવેલા બંકરની વાત કરીએ તો તેમના માટે ત્રણ બંકર છે.

જેમાં પીનટ આઇલેન્ડ, વ્હાઇટ હાઉસ અને માઉન્ટ વેદર સામેલ છે. આ બંકરમાં 30 લોકો રહી શકે તેટલી જગ્યા છે.

9/11ના હુમલા સમયે વ્હાઇટ હાઉસ બંકરમાં તહેનાત રહેનારા મરીન રૉબર્ટ ડાર્લિંગ અનુસાર અમેરિકાના અધિકારીઓએ રાષ્ટ્રપતિ સહિત ટોચના પદો પર રહેલા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાર્લિંગ કહે છે, "અમેરિકા પર 9/11 ના રોજ જ્યારે હુમલો થયો ત્યારે ઉપ-રાષ્ટ્રપતિ ડિક ચેની બંકરમાંથી જ કામ કરી રહ્યા હતા."

"તેમની સાથે તેમની પત્ની, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોન્ડોલિઝા રાઇસ, રક્ષા સચિવ ડૉનાલ્ડ રમ્સફિલ્ડ સહિત કેટલાક અન્ય લોકો પણ હતા."

"જ્યારે તત્કાલીન રાષ્ટ્રપ્તિ જ્યોર્જ બુશ એરફોર્સ-વનમાં હતા."

કોંગ્રેસના સભ્યો માટે પશ્ચિમી વર્જિનિયામાં વ્હાઇટ સલ્ફર સ્પ્રિંગ નજીક સ્થિત ગ્રીનબ્રાયર રિસોર્ટમાં એક બંકર છે.

આ બંકરનું નામ પ્રોજેક્ટ ગ્રીક આઇલેન્ડ હતું અને દાયકાઓ સુધી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પણ વર્ષ 1992માં તેનો ઉપયોગ બંધ કરી દેવાયા બાદ આ બાબત પ્રકાશમાં આવી.

શું પરમાણુ હુમલો થાય તો પણ બંકર સુરક્ષિત રહી શકે?

વર્જિનિયામાં માઉન્ટ વેદરની પાસે રહેતા લોકો તેને ડૂમ્સ ડે સીટી એટલે કે પ્રલય દિવસવાળું શહેર કહે છે.

બ્લુ માઉન્ટ, વર્જિનિયા પાસે સ્થિત 1754 ફૂટની માઉન્ટ વેદર ટેકરીને રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓ માટે એક બંકરમાં તબદીલ કરી દેવાયું હતું.

એમેરિકાની ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી માઉન્ટ વેદરની દેખરેખ રાખે છે.

તેને વર્ષ 2001માં અલ-કાયદાના હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું હતું.

એજન્સીના ડિરેક્ટર અનુસાર, વર્ષ 2001માં કોગ્રેંસ સમક્ષ આપવામાં આવેલા એક નિવેદનમાં પણ આ વાત કહેવામાં આવી હતી.

જોકે, તેમાં આનાથી વધારે માહિતી નહોતી આપવામાં આવી.

માઉન્ટ વેદરથી લઇને પીનટ આઇલેન્ડ અને માર-એ-લાગો બંકરોને કોલ્ડ વોર દરમિયાન બનાવવામાં આવ્યા હતા.

માર-એ-લાગો બંકરને 1950ની શરૂઆતમાં રઇસ મહિલા, મર્જરી મેરીવેદર પોસ્ટે તેને બનાવડાવ્યું હતું.

મર્જરી મેરીવેદર પોસ્ટને કોરિયા સાથે યુદ્ધની આશંકા હતી.

ટ્રમ્પે આ મિલકત 1985માં ખરીદી હતી. તેમની સાથે આ બંકરમાં જનારા 6.5 ફૂટના પ્રોજક્ટ મેનેજર વેસ બ્લેકમેને જણાવ્યું હતું કે, આ બંકરમાં જવું કોઈ પૌરાણિક શોધ કરવા જેવું છે.

બ્લેકમેન કહે છે, "તેમને એ સમજાયું નહીં કે બંકરની મજબૂતીને લઈને કેમ સતત કામ કરવામાં આવી રહ્યું છે."

"કેમ કે, જ્યારે મહાયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય, તો બચવા માટે કોઈ જગ્યા નહીં હશે."

વળી, નેશન અન્ડરગ્રાઉન્ડ પુસ્તકની લેખિકા કૈનેથ રોઝ કહે છે કે જો બંકર પર સીધો જ હુમલો કરવામાં આવે તો, કોઇ પણ પ્રકારના બચાવના કામમાં નહીં આવે.

કેમકે, તેમાં ઊર્જા અને તાપમાન ઘણું વધી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો