ઘણાં લોકો શા માટે ખૂબ જ તીખું ભોજન પસંદ કરે છે?

    • લેેખક, વેરોનિકા ગ્રીનવુડ
    • પદ, બીબીસી ફ્યૂચર

ભોજનમાં જો મસાલા ન હોય તો ખાવાની મજા જ આવતી નથી. ખાસ કરીને આપણા ગુજરાતમાં કાઠીયાવાડી ભાણામાં તો તમતમતું ભોજન ન મળે ત્યાં સુધી મોઢામાં કંઈ સ્વાદ જ આવતો નથી.

ભારતની વાત કરીએ તો ભારતના ભોજન વિશે પણ એ વાત પ્રખ્યાત છે કે તે ચટાકેદાર, તીખું અને મરી-મસાલાથી ભરપૂર હોય છે.

દુનિયાના ઘણા એવા દેશો છે કે જ્યાં મસાલાની મદદથી વ્યજંનને ચટાકેદાર બનાવવામાં આવે છે. મેક્સિકન, ચાઇનીઝ અને ઇથિયોપિયાઈ વ્યંજન તેના તીખા સ્વાદ માટે પ્રખ્યાત છે.

તમને આ પણ વાંચવું ગમશે

દુનિયાના તમામ દેશોમાં એવા લોકો મળી જ જાય છે કે જેઓ એવું ભોજન પસંદ કરે છે કે જે મોઢામાં સિસકારા બોલાવી દે.

ભારતમાં કોઈ આંધ્ર પ્રદેશની રસમને ખૂબ તીખી માને છે, તો કોઈને પંજાબી છોલે તીખાં લાગે છે. કોઈને ભૂત જોલકીયા મરચાં સૌથી તીખાં લાગે છે તો કોઈને મેક્સિકન ચિલી સૌથી તીખી લાગે છે.

સૌથી તીખા વ્યંજન

આ જ વાત વ્યંજન વિશે કહેવામાં આવે છે. એક ભારતીય રેસ્ટોરાંમાં તો ચશ્માં પહેરીને ભોજન તૈયાર કરવામાં આવે છે. તે ડિશનું નામ છે વિડોવર ફૉલ. તીખા ભોજનની રેટિંગની સ્કેલમાં આ ડિશ એક લાખની રેટિંગ પર આવે છે.

તેની સરખામણીએ કેટલાક લોકો કોરિયાના સ્યૂસાઇડ બરીટોને સૌથી તીખું વ્યંજન માને છે.

પશ્ચિમી દેશોમાં વિંડાલુથી માંડીને ભૂતિયા મરચાં અને ચીનના સિચુઆન પ્રાંતના મરચાંથી ભરેલા માંસાહારી પકવાન દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે.

આ વાતોને સાંભળીને ક્યારેય તમારા મનમાં એ વિચાર નથી આવતો કે આખરે કેટલાક વ્યંજન તીખા વ્યંજનની રેસમાં કેમ દોડે છે. કેમ કે કેટલીક ડિશ તો એવી હોય છે, જે તીખી લાગ્યા વગર પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

મસાલેદાર વ્યંજન

આ સવાલ ઘણાં વર્ષોથી માનવવૈજ્ઞાનિક અને ખાન-પાનના ઇતિહાસકારોને પરેશાન કરે છે. આમ તો ગરમ આબોહવા ધરાવતા દેશોમાં લોકોનું ખાન-પાન તીખું અને મસાલેદાર હોય છે.

તેનું કારણ કદાચ એ છે કે મરચાં અને મસાલામાં બીમારીઓ સામે લડવાની શક્તિ હોય છે.

એક સરવેમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ ધરતીનું તાપમાન વધી રહ્યું છે, દુનિયાના ઘણાં ભાગોમાં તીખાં અને મસાલેદાર ભોજનને લોકો પસંદ કરી રહ્યા છે.

પહેલા એવું ન હતું. ગરમ તાપમાન વાળા સ્થળો પર મસાલાની મદદથી ભોજનને લાંબા ગાળા સુધી ખરાબ થવાથી બચાવવામાં આવતું હતું.

આજે તો દરેક વસ્તુ ફ્રિઝમાં રાખ્યા બાદ તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે.

તીખાં- મસાલેદાર વ્યંજન ખાવાનું કારણ એ પણ હોઈ શકે છે કે તેનાંથી લોકોને પરસેવો આવે છે. આ પરસેવો લોકોને ગરમ તાપમાનમાં ઠંડા રાખવામાં મદદ કરે છે.

પરંતુ જે વિસ્તારોમાં હવામાં ગરમીની સાથે નમી પણ રહે છે, ત્યાં આ નુસ્ખાની કોઈ અસર જોવા મળતી નથી.

કેમ કે શરીરમાંથી નીકળતો પરસેવો હવાથી સૂકાશે નહીં અને લોકોને ઠંડીનો અનુભવ પણ થશે નહીં.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કસરત બાદ જે લોકો ગરમ પાણી પીવે છે, તેમના શરીરનું તાપમાન ઠંડુ પાણી પીનારા લોકોની સરખામણીએ જલદી નીચે પહોંચી જાય છે.

મરીના કારણે પ્રખ્યાત હતું ભારત

આમ તો મરી ભારત જેવા ગરમ દેશોની ઉપજ નથી. પહેલા મરી માત્ર અમેરિકી મહાદ્વીપમાં મળતા હતા. પરંતુ યૂરોપીયન લોકોની સાથે તે પંદરમી-સોળમી સદી દરમિયાન સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયા.

આ પહેલા આદુ, મરી, અને તજ જેવા મસાલા પૂર્વી દેશોમાંથી યૂરોપ સુધી પહોંચ્યાં હતા.

ભારત તો મરીના કારણે યૂરોપીયન દેશોમાં પ્રખ્યાત હતું.

મસાલેદાર ભોજનની વાત કરીએ તો તે કોઈ નવી શોધ નથી. અઢારમી સદીમાં છપાયેલી એક બ્રિટીશ કુક બુકમાં પણ જાવિત્રી, જાયફળ અને લવિંગના ઉપયોગનો ઉલ્લેખ છે.

જોકે, ત્યારબાદ બ્રિટનમાં આ મસાલાનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો હતો.

વિશેષજ્ઞો માને છે કે યૂરોપીયન દેશોમાં 17મી સદી આવતા આવતા મસાલાના ભાવ ખૂબ ઓછા થઈ ગયા હતા. સહેલાઇથી મળી જવાના કારણે બધા જ લોકો વ્યંજનમાં મસાલાનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

તેના માટે જ અમીરોએ મસાલાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું.

એકસાથે ઘણાં બધાં મસાલા ધરાવતા વ્યંજન ખાવા યૂરોપના અમીરો વચ્ચે અસભ્યતાની નિશાની બની ગયા હતા.

આ જ કારણોસર યૂરોપીયન દેશોમાં મસાલેદાર ભોજનનું ચલણ ઓછું થઈ ગયું. અમીર લોકો એક કે બે મસાલા ધરાવતા વ્યંજન પર ભાર આપવા લાગ્યા.

મરચાં વગર નથી આવતો ભોજનનો સ્વાદ

વાસ્તવમાં કોઈ પણ જીવની જેમ પહેલા આપણે એ ચાખીને જોઈએ છીએ કે કોઈ વસ્તુ ખાવા લાયક છે કે નહીં. જ્યારે આપણી જીભને એ ખબર પડી જાય છે કે કોઈ વસ્તુને ખાવાથી ખતરો નથી, તો આપણે તેનાથી ટેવાઈ જઈએ છીએ.

ઘણાં લોકોને મરચાંની તિખાશ ભોજન તરફ આકર્ષિત કરે છે. મરચાં વગર જો ભોજન પીરસવામાં આવે, તો તે તેમને બેસ્વાદ લાગે છે.

આજે મસાલેદાર ભોજન પશ્ચિમી દેશોમાં પણ લોકપ્રિય બની ગયું છે. કદાચ તેનો સંબંધ સ્વાદ કરતાં વધારે મોજ મસ્તીથી છે.

મરચાં ખાવાથી આપણી જીભ પર જાણે આગ લાગી જાય છે. આપણને પરસેવો આવવા લાગે છે. ઘણી વખત તો લોકોને ઉલટી પણ થઈ જાય છે.

ઘણાં લોકોને તેમાં મજા આવે છે. તીખા ભોજનની તેઓ મજા માણે છે. તેઓ એ દાવો કરી શકે છે કે તેઓ તીખામાં તીખા મરચાંનો સ્વાદ સહન કરી શકે છે.

એટલે કે આજે તીખા, મસાલેદાર વ્યંજનને પસંદ કરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આપણે તીખું એ માટે નથી ખાતા કેમ કે મસાલામાં જીવાણુઓ સામે લડવાની શક્તિ પણ હોય છે.

આજે તો રેસ બસ એ વાતની લાગેલી હોય છે કે કોણ સૌથી વધારે તીખી પાણી પુરી ખાઈ શકે છે.

તો શું તમે પણ તીખું ખાવાની રેસમાં સામેલ થવા તૈયાર છો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો