સમોસાંની ઇરાનથી ભારત સુધીની સફર

    • લેેખક, જસ્ટિન રૉલેટ
    • પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા

સમોસાને ભલે તમે સંપૂર્ણપણે ભારતીય 'સ્ટ્રીટ ફૂડ' માનો. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સમોસા ભારતનું ફરસાણ નથી.

અન્ય દેશની શોધે અહીં આવીને ભારતીય રૂપરંગ અને સ્વાદ ધારણ કરી લીધા. કોઈ પાર્ટી હોય કે ફંક્શન કે લગ્નનું રિસેપ્શન, મેન્યૂમાં સમોસા જોવા મળશે. સ્વાદ તથા આકારના આધારે સમોસું અલગ-અલગ નામ ધારણ કરે છે.

આપણે સમોસાને નવતાડના, ચાઇનીઝ કે પંજાબી જેવા નામે ઓળખીએ - આરોગીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું કે સૌથી પહેલા સમોસા કોણે બનાવ્યા?

મોટાભાગે લોકો માને છે કે સમોસા ભારતીય ફરસાણ છે પરંતુ તેની સાથે જોડાયેલો ઇતિહાસ બીજી જ વાત કહે છે.

મૂળ ઇરાની વાનગી છે સમોસા

ખરેખર તો સમોસા ઇરાનથી ભારત આવ્યા છે. કોઈને એ વાતની ખબર નથી કે પહેલી વખત ત્રિકોણ આકારના સમોસા ક્યારે બનાવવામાં આવ્યા. પરંતુ એ વાત ચોક્કસ છે કે સમોસા નામ મૂળ ફારસી શબ્દ 'સંબુશ્ક' પરથી ઉતરી આવ્યો છે.

સમોસાનો ઉલ્લેખ પહેલી વખત 11મી સદીમાં ફારસી ઇતિહાસકાર અબુલ ફઝલ બેહાકીના લેખમાં મળે છે. તેમણે ઇરાનના ગઝનવી સામ્રાજ્યના શાહી દરબારમાં રજૂ કરવામાં આવેલા ફરસાણનો ઉલ્લેખ કર્યો હતો.

જેમાં ખીમાની સાથે સૂકા મેવાનો ઉપયોગ થયો હતો. આ ફરસાણને તે કરકરું ન થઈ જાય ત્યાં સુધી તળવામાં આવતું. ભારતમાં વિદેશી પ્રવાસીઓ તથા શાસકોના આગમનને કારણે સમોસાના રંગ રૂપ અને સ્વાદ બદલાઈ ગયા.

ઈરાન ટુ ઇન્ડિયા વાયા અફઘાનિસ્તાનની સફર

વર્ષો પછી 'સમોસા' અફઘાનિસ્તાન પહોંચ્યાં. અહીં તેનું મૂળ સ્વરૂપ જળવાયેલું રહ્યું. ત્યાંથી સમોસા તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પહોંચ્યા. જ્યાં તેમાં અનેક ફેરફારો થયા. અહીં સમોસું 'ખેડૂતોનું પકવાન' બની ગયું. તેમણે સૂકા મેવાના બદલે કાંદા અને નમક સાથે ઘેટાં-બકરાના માંસનો ઉપયોગ શરૂ કર્યો.

ભારતીય વ્યંજનના વિશેષજ્ઞ પુષ્પેશ પંત જણાવે છે કે "મારું માનવું છે કે સમોસાનો ઇતિહાસ દર્શાવે છે કે આ પ્રકારની વાનગીઓ આપણા સુધી કેવી રીતે પહોંચી. ઉપરાંત ભારતીયોએ આ વાનગીઓને જરૂર મુજબ સંપૂર્ણપણે બદલીને અપનાવી લીધી છે."

સમોસા : દુનિયાનું પહેલું ફાસ્ટ ફૂડ

ભારતીયોએ સમોસાને સ્થાનિક સ્વાદ મુજબ ઢાળી લીધાં. નવા સ્વરૂપ સાથે સમોસું વિશ્વનું 'સૌથી પહેલું ફાસ્ટ ફૂડ' બની ગયું. સમોસાંમાં કોથમીર, મરી, જીરૂ, આદુ જેવી બીજી ઘણી સામગ્રી ભેળવી અને બીજા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા.

સમય સાથે તેમાં ભરવામાં આવતી વસ્તુઓ પણ બદલાઈ ગઈ. પ્રાણીજ ચરબી કે માંસના બદલે શાકભાજીનો ઉપયોગ થવા લાગ્યો. શાકભાજી એટલે મોટેભાગે બટાકા.

મોરક્કન પ્રવાસી ઇબ્ન બતૂતાએ મોહમ્મદ બિન તુઘલકના દરબારમાં યોજાયેલા ભોજન સમારંભમાં સમોસા પીરસાયા હોવાનો ઉલ્લેખ મળે છે.

તેમણે સમોસાનું વર્ણન કરતા ખીમા અને વટાણાથી ભરેલી પાતળા પડવાળી પટ્ટીનો ઉલ્લેખ કર્યો છે.

સમોસામાં ભળ્યો યુરોપિયન ટેસ્ટ

ભારતમાં હાલ જે સમોસા મળી રહ્યાં છે તેની તો કંઈક અલગ જ વાત છે. હાલ ભારતમાં બટાકા અને લીલા મરચાં સાથે અન્ય ગરમ મસાલા ભરીને સમોસા બનાવવામાં આવે છે.

સોળમી સદીમાં પોર્ટુગીઝોના આગમન સાથે ભારતમાં બટાકાનું આગમન થયું. એટલે સમોસામાં બટાકાનો પણ ઉપયોગ થવા લાગ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી સમોસામાં અનેક ફેરફારો થયા છે.

ભારતમાં કોઈ પણ રાજ્યમાં જશો એટલે સમોસા અલગ સ્વરૂપમાં જ જોવા-ખાવા મળશે.

દેશભરમાં સમોસાંના અલગ-અલગ સ્વરૂપ

બજારમાં અલગ અલગ દુકાનોમાં મળતા સમોસાંના સ્વાદમાં પણ ઘણો ફેર જોવા મળે છે. ક્યારેક તો સમોસાં એટલા મોટા હોય છે કે તેને જોઈને આપણને લાગે કે એક જ સમોસામાં જ જમવાનું થઈ જશે.

પંજાબમાં સામાન્યપણે પનીરથી ભરપૂર સમોસાં મળે છે. તો દિલ્હીમાં કેટલીક જગ્યાએ કાજુ કિશમિશવાળાં સમોસા મળે છે.

લગ્નના રિસેપ્શન કે કોર્પોરેટ લંચના મેન્યૂમાં સમોસાં જોવા મળી રહેશે. પરંતુ સમોસા નમકીન જ હોય, તે જરૂરી નથી.

બંગાળી લોકો સમોસા જેવી મિઠાઈ લબંગ લતિકાને ખુબ પસંદ કરે છે. જે માવાથી ભરેલા મીઠાં સમોસાં હોય છે. દિલ્હીના એક રેસ્ટોરાંમાં ચોકલેટથી ભરપૂર સમોસાં મળે છે. સમોસાં બનાવવાની રીત પણ અલગઅલગ હોય છે.

સામાન્ય સમોસાંને આજે પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવામાં આવે છે. તેનાથી કેલોરી વધી જાય છે. જો વજન વધી જવાની ચિંતા હોય તો ઓછી કેલોરીવાળા બેક્ડ સમોસાં આરોગી શકો છો.

પ્રોફેસર પુષ્પેશ પંત જણાવે છે કે કેટલાક શેફ બાફીને સમોસાં બનાવવાનો પ્રયાસ પણ કરે. પરંતુ આ એક ભૂલ છે. સમોસાને જ્યાં સુધી તેલમાં ન તળવામાં આવે, તેમાં સ્વાદ નથી આવતો.

ગ્લોબલ ટેસ્ટ ધરાવે છે સમોસા

એ વાત પણ સ્પષ્ટ છે કે સમોસાંની સફર ભારતમાં અટકી નથી. બ્રિટિશર્સ પણ સમોસાંને ચટાકાં લઈને ખાય છે. ભારતીય પ્રવાસીઓ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દુનિયામાં જ્યાં પણ ગયાં ત્યાં સમોસાં પોતાની સાથે લઈ ગયાં છે.

આ રીતે ઈરાની રાજાઓનાં શાહી પકવાનના સ્વાદનાં ચટાકાં આખી દુનિયા ઉઠાવી રહી છે.

દુનિયાના ગમે તે ખૂણે અંદર ગમે તે ભરીને ખાવામાં આવે, પરંતુ તે નિશ્ચિતપણે ભારતીયતાનો અહેસાસ કરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો