જાણો છો? મેનુનાં લખાણમાં ગૂંથાયેલી હોય છે જાળ!

    • લેેખક, રિચર્ડ ગ્રે
    • પદ, બીબીસી ફ્યૂચર

પનીર ટિક્કા, સ્ટફ્ડ ટોમેટો, દાલ તડકા, કોયા કાજૂ, મલાઇ કોફ્તા... આવી ગયું ને મોઢામાં પાણી!

આ બધાં નામ એવા છે કે જેને સાંભળતા જ કંઇક ખાવાનું મન થઈ જાય. આવાં જ નામ તમે રેસ્ટોરાં અને હોટેલનાં મેનુ કાર્ડમાં લખાયેલાં જોયાં હશે.

જો તમે ધ્યાન આપ્યું હોય, તો એ પણ જોવા મળશે કે કેટલાક વ્યંજનોનાં નામ કંઇક ખાસ પ્રકારે લખવામાં આવે છે.

કેટલીક ખાસ ડિશ એવી હોય છે કે જેનું નામ વાંચતાં જ ઓર્ડર આપવાની ઇચ્છા થઈ જાય.

તો ઘણી વખત લાંબાલાંબા નામ જોઇને વિચાર આવે કે આ આખરે ડિશમાં શું હશે?

પછી તમે વેઇટરને બોલાવીને પૂછતા હશો કે ભાઈ, આ લાંબુ-લાંબુ નામ લખ્યું છે તે વાનગીની ખાસ વાત શું છે?

પણ સાહેબ, આ તો તમને લલચાવવા અને ફસાવવા માટે તૈયાર કરાયેલી જાળ છે.

તમને આ પણ વાંચવું ગમશે

રેસ્ટોરાનાં મેનુ કાર્ડ બનાવવા અને વાનગીઓના નામ નક્કી કરવા તે ખરેખર એક કળા જ છે.

તેની પાછળ એક ખાસ રિસર્ચ કરવામાં આવે છે અને તેમાં ઘણાં રહસ્યો છૂપાયેલાં હોય છે.

આપ રેસ્ટોરાં પહોંચો એટલે વેઇટર તમારા હાથમાં એક સુંદર મેનુ કાર્ડ આપી જાય છે અને તમે ઓર્ડર આપી દો છો.

ક્યારેક તમે તમારી પ્રિય ડિશ ઓર્ડર કરો છો તો ઘણી વખત તમે કોઈ ખાસ નામને પસંદ કરી ઓર્ડર આપતા હશો.

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ચાર્લ્સ સ્પેન્સ કહે છે કે મેનુ કાર્ડનું કવર જોઇને પણ ગ્રાહકો લાલચમાં આવી જાય, એવી રીતે જ તૈયાર કરાય છે.

18 મહિનામાં બને છે મેનુ!

ઘણી નાનીનાની બાબતોનાં માધ્યમથી ગ્રાહકોને કેટલીક ખાસ વાનગીઓ ઓર્ડર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ ઇશારા તમને સમજાતા નથી, પરંતુ મેનુ કાર્ડમાં ખૂબ જ રિસર્ચ સાથે તેને વણી લેવામાં આવે છે.

ઘણી વખત તો મેનુ કાર્ડમાં શબ્દોના ફૉન્ટ બદલીને તેમને વધારે આકર્ષક બનાવાય છે. તો ઘણી વખત વાનગીઓને જગ્યાને અનુરૂપ નામ આપી નવી રીતે રજૂ કરાય છે.

મેનુ કાર્ડમાં આ હેરફેરને મેનુ એન્જિનિયરિંગ કહેવાય છે.

અમેરિકાના પામ સ્પ્રિંગ્સ વિસ્તારમાં મેનુ એન્જિનિયરિંગનું કામ કરનારા ગ્રેગ રેપ કહે છે કે કોઈ પણ પ્રખ્યાત રેસ્ટોરાંમાં રોજ હજારો લોકો આવે છે.

આ પ્રકારના રેસ્ટોરાંનું મેનુ કાર્ડ નક્કી કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગે છે.

34 વર્ષ લાંબી કારકિર્દી ધરાવતા ગ્રેગે ઘણા રેસ્ટોરાં માટે કામ કર્યું છે.

તેઓ કહે છે, "ગ્રાહક થોડી મિનિટ માટે જ મેનુ જુએ છે. આથી એવો પ્રયાસ કરવામાં આવે છે કે તેઓ એ સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે."

ગ્રેગ ઉમેરે છે, "જો તેમને જલદી છે તો અમે મેનુ કાર્ડ એ રીતે તૈયાર કરીએ છીએ કે થોડી મિનિટની અંદર જ તેમને પોતાની પ્રિય ડિશ મળી રહે."

પહેલી વસ્તુ જે ગ્રાહક જુએ છે તે એ છે કે મેનુ કાર્ડ કેટલું જાડું છે અને સુંદર છે. તેનાંથી ગ્રાહકોને લાગે છે કે તેઓ કોઈ મોટા રેસ્ટોરાંમાં છે. અહીં તેમને સારી વસ્તુઓ જમવા મળશે.

આ જ રીતે મેનુ કાર્ડમાં લખાયેલા શબ્દોના ફૉન્ટ પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઇટૅલિકમાં લખાયેલા શબ્દ કોઈ ડિશની ક્વૉલિટીનો ભરોસો આપે છે.

મુશ્કેલીથી સમજાતા ફૉન્ટ કોઈ ડિશના સ્વાદ મામલે આશા જગાવે છે.

સ્વાદનો આભાસ અપાવતું લખાણ

સ્વિટ્ઝરલૅન્ડમાં થયેલા એક સંશોધનથી જાણવા મળે છે કે જે વાઇનનું નામ વાંચવામાં મુશ્કેલી પડે છે, તેને ગ્રાહક વધુ પસંદ કરે છે.

જે નામ સહેલાઇથી વાંચી શકાય, તેમાં ગ્રાહકો રસ નથી દાખવતા.

ગોળ-ગોળ લખાયેલા શબ્દો મીઠી વાનગીઓનો સંકેત આપે છે. તો વાંકા-ચૂંકા લખાયેલા ફૉન્ટ ગ્રાહકોને સંકેત આપે છે કે તે વસ્તુ નમકીન અથવા તો તીખી હશે.

નામને આડકતરી રીતે લખવું પણ ગ્રાહકોને લલચાવવાની એક રીતે છે.

જેમ કે, ચોકલેટને એ રીતે લખો કે તે બેલ્જિયમ ચોકલેટ છે, જે અંદરથી પીગળેલી હોય છે અને બહારથી કડક હોય છે.

અથવા તો એક એવું પુડીંગ છે કે જે પ્રખ્યાત આઇસક્રીમ બ્રાન્ડ શનલની આઇસક્રીમથી તૈયાર કરાયું છે.

કોઈ ડિશ વિશે એવું લખાયેલું હોવાથી ગ્રાહક તેને એક વાર ચાખવાનો વિચાર કરે જ છે.

ગ્રાહકોને લલચાવવા માટે રેસ્ટોરાં વધુ એક રીત વાપરે છે.

જેમ કે, ઘરનું ભોજન, દાદી-નાનીના હાથે બનાવેલા ભીંડા મસાલા જેવો સ્વાદ.

બીજા શબ્દોમાં કહીએ તો કંઇક એવું જે વર્ષોથી તમારા મનમાં યાદ તરીકે વસેલું હોય છે. ગ્રાહક આ પ્રકારની વાતોથી પણ ડિશને પસંદ કરે છે.

આ જ પ્રકારની કેટલીક વસ્તુઓના નામ અલગ રીતે લખવાથી ગ્રાહકો લાલચમાં આવી જાય છે.

જેમ કે, ડાયનમાઇટ મિર્ચ, ગ્રીન બિન્સ, કે પછી ક્રિસ્પી પકોડા.

નામમાં આ રીતના બદલાવથી રેસ્ટોરાંની વાનગીઓનું વેચાણ વીસથી ત્રીસ ટકા સુધી વધી જાય છે.

કોઈ ડિશનું નામ એવું લખવામાં આવે કે જેને બોલતા સમયે તમારે મોં આગળથી પાછળ ચલાવવું પડે, તો એવી ડિશ વધારે વેચાય છે.

આ વાત જર્મનીમાં થયેલા એક સંશોધનમાં બહાર આવી છે.

જ્યારે તમે કોઈ નામ વાંચો છો તો તમારૂં મગજ તે નામ અંગે તમામ વસ્તુઓ વિચારવાનું શરૂ કરી દે છે.

પછી તેની અસર હેઠળ જીભમાં સ્વાદની અપેક્ષા ઉભી થાય છે. ઘર પરિવાર કે દેશ અને વિસ્તારોના નામ પર ડિશનું નામ બનવાથી પણ તેનું વેચાણ વધારે થાય છે.

કિંમતોમાં આકર્ષણ

તમારે મેનુ કાર્ડમાં લાંબા નામ ધરાવતી વાનગીઓથી સાવધાન રહેવું જોઈએ.

એ બીજી ડિશ કરતા મોંઘી હોય છે. અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડૈન જુરાફ્સકીએ આ પ્રકારની લગભગ 6500 ડિશ પર સંશોધન કર્યું છે.

તેમને જાણવા મળ્યું છે કે જે વાનગીનાં નામ લાંબા હતા, તે બીજી વાનગીઓ કરતા મોંઘી હતી.

જેના વિશે મેનુમાં વધારે પડતા વખાણ લખ્યા હોય, તેને ઓર્ડર કરવાથી બચવું જોઈએ. તે કોઈ પણ સામાન્ય ડિશને ખાસ બતાવીને મોંઘી વેચવાની રીત છે.

મેનુ કાર્ડમાં ઉપયોગ થનારા રંગ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. લીલો રંગ એ બતાવવા માટે હોય છે કે કોઈ ડિશ સ્વાસ્થ્ય માટે સારી છે.

નારંગી રંગનો મતલબ ભૂખ વધારવાનો હોય છે.

લાલ રંગનો મતલબ છે કે તમે એ ડિશ તુરંત જ ઓર્ડર કરી દો. કદાચ તેનાથી હોટેલને વધારે ફાયદો પહોંચે છે.

ઘણી વખત કિંમતોમાં થોડી હેરફેર કરીને પણ રેસ્ટોરાં મોંઘી ડિશ વેચવાનો પ્રયાસ કરે છે.

જેમ કે, 600 રૂપિયાની ડિશને 599 રૂપિયા અથવા તો 100 રૂપિયાની વસ્તુને 99 રૂપિયા દર્શાવીને વેચવાનો પ્રયાસ કરવામાં આવે છે.

એક રૂપિયો ઓછો થવાથી તમને લાગે છે કે આ વસ્તુ તો ખૂબ સસ્તી છે. ઘણી વખત તો રેસ્ટોરાં રૂપિયા કે બીજી કરન્સીનું નામ પણ નથી લખતાં.

રેસ્ટોરાંમાં કેટલીક ડિશનું નામ લખવાની જગ્યા પણ સમજી વિચારીને નક્કી કરવામાં આવે છે.

મોંઘી વસ્તુઓનાં નામ સૌથી ઉપર હોય છે કે જેથી નીચેની વસ્તુઓ તમનેની કિંમત તમને યોગ્ય લાગે.

મેનુની સૌથી મહત્ત્વની જગ્યા હોય છે, જમણી બાજુ અને સૌથી ઉપર. ઘણી વખત કોઈ ડિશનું નામ ત્યાં લખીને રેસ્ટોરાં તેનું વેચાણ વધારી લે છે.

મૂડ પર ફોકસ

કેટલાક નિષ્ણાતો મેનુમાં ઘણાં નામ લખવાની બાબતને નકારે છે.

આમ કરવાથી ગ્રાહકને વાનગી નક્કી કરવામાં મુશ્કેલી પડે છે અને ઘણી વખત તેનાંથી ગ્રાહકોને ગુસ્સો પણ આવી જાય છે.

હાં, કેટલીક વાનગીઓના નામ બૉક્સમાં લખવાથી ગ્રાહક તેને ટેસ્ટ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ તે વાનગીઓને ખાસ સમજે છે.

વધુ એક રીત કે જેને ગ્રાહકોને લલચાવવા માટે વપરાય છે, તે છે ડિશની તસવીર નામ સાથે લગાવવી.

પીગળતી ચીઝ વાળી તસવીર સ્પષ્ટપણે તમને લલચાવશે જ અથવા તો એકદમ લાલ રંગ સાથે દેખાતી મસાલેદાર પનીરની ડિશ ઓર્ડર કરવાનું મન તમને ચોક્કસપણે થઈ શકે છે.

જોકે, તસવીરો સાથે સમસ્યા એ છે કે તેનાં લીધે કોઈ ડિશ અંગે ગ્રાહકોમાં વધુ અપેક્ષાઓ પેદા કરી દે છે.

જ્યારે અસલી ડિશ એવી ન હોય, તો ગ્રાહક નિરાશ થઈ જાય છે.

પણ હવે તો જમાનો ઑનલાઇન અને ડિજિટલ થઈ રહ્યો છે. તેનાં કારણે તસવીરો અને વીડિયોમાં ડિશને રજૂ કરવાનું ચલણ વધી રહ્યું છે.

હવે તો કંપનીઓ આઈ ટ્રૅકિંગ ટેકનિકથી એ પણ જાણી લે છે કે તમે શું ઓર્ડર કરવાના છો. ઘણાં વર્ષો પહેલા પિત્ઝા હટે આ ટેકનિક પ્રયોગ તરીકે વાપરી હતી.

વિશેષજ્ઞો માને છે કે રોબોટ ભવિષ્યમાં તમારા ખાવાપીવાની પસંદને તમારાથી પણ વધારે સારી રીતે જાણી શકશે.

તે તમારાં રેસ્ટોરાં પહોંચતાં પહેલાં જ જણાવી દેશે કે તમે શું ઓર્ડર કરવાના છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો