ટિન્ડર પર દોસ્તી કરવા માટે શું કરવું જોઈએ?

    • લેેખક, આશિતા નાગેશ
    • પદ, બીબીસી માટે

ટિન્ડરે હાલમાં જ સૌથી વધુ રાઇટ સ્વાઇપ મેળવનારા યુકેના 30 યૂઝર્સ જાહેર કર્યા છે.

ગયા વર્ષે આ લોકો ઍપ પર સૌથી લોકપ્રિય હતા, એટલે તેમની પ્રોફાઇલ ખૂબ મજાકિયા, ચોટડૂક ઓપનિંગ લાઇન્સ અને ડેટિંગ માટેના અવનવા વિચારોથી ભરેલા હશે, બરાબર?

ના, સાવ એવું નથી.

આ 30 લોકો દેખાવમાં આકર્ષક છે (તમારી ધારણા પ્રમાણે જ), પણ તેમની ચેટ જરાક તપાસો તો ખબર પડે કે... હં... ઠીક છે. 'હાઉ આર યુ' જેવી સાદી ઓપનિંગ લાઈન અને કેટલાક સામાન્ય ફની GIF તમે જુઓ તે બધા તમને એક સરખા લાગશે - નવાઈ પામી જઈએ તેટલાં સામાન્ય.

આમ છતાં તે લોકો ટિન્ડરના યુકેના લાખો યૂઝર્સમાંથી સૌથી વધારે સફળ રહ્યાં છે. તો 2018ના વર્ષમાં સફળ ડેટિંગ માટે તેમની પાસેથી કશુંક શીખવા જેવું હશે કે નહીં?

રિલેશનશીપના એક્સપર્ટ પર્શિયા લૉસન બીબીસી સાથે વાતચીત કરતાં કહે છે: "બોરિંગ પ્રોફાઇલ વધારે ઠીક લાગે છે, કેમ કે નેટ પર એવું ચિત્રવિચિત્ર ચાલે છે કે સીધીસરળ વાત જ ઠીક લાગે. આપણને બધાને એવો અનુભવ થયો જ હશે, ડેટિંગ ઍપ કે સોશિયલ મીડિયામાં કેટલાક બહુ વિચિત્ર લોકો આપણને જોવા મળી જતા હોય છે.”

"વાસ્તવિક જીવનમાં એવો દેખાડો કદાચ પ્રભાવશાળી જેવો લાગે, પણ ઓનલાઇન ડેટિંગમાં મને લાગે છે લોકો સાવધ રહીને આગળ વધવામાં માનતા હોય છે."

આ બાબતને ધ્યાનમાં રાખીને, ટિન્ડરના સૌથી સફળ યૂઝર્સના અનુભવો પરથી તારવીને કેટલીક ટીપ્સ અહીં આપી છે, જે તમને ડેટ શોધવામાં મદદરૂપ થશે.

સામાન્ય ઓપનિંગ લાઇન જ લખો

34 વર્ષના ડેવિડ ફક્ત આટલું જ લખે છે, "hey, how are you?", જ્યારે 23 વર્ષના ડેનીએ પણ ફક્ત આટલું જ લખ્યું છે, "hey, how's you?"

26 વર્ષના બીજા એક ડેવિડ પણ કહે છે કે તેમની સૌથી સફળ ઓપનિંગ લાઈન માત્ર હેલ્લો છે - "hello :)", જ્યારે 33 વર્ષના વાઇટલજૂ પણ ટૂંકમાં આટલું જ રાખે છે "how've you been?"

34 વર્ષના પાબ્લોનું ઓપનર પણ સરળ, સામાન્ય સવાલ જેવું છે, જેમાં તેઓ પૂછે છે, "Where are you from?" (તમે ક્યાંના?) તેનું કારણ એ કે આ સવાલનો "જવાબ આપવા કોઈ પણ તૈયાર થઈ જશે".

છેને મજાની વાત!

પર્શિયા કહે છે કે ભૂતકાળમાં પોતે ઓનલાઇન ડેટિંગ કરતાં હતાં ત્યારે આ પ્રકારની સામાન્ય વાતચીતના ઓપનરથી તેમને એક પ્રકારની સુરક્ષાની લાગણી મળતી હતી.

"મારા બધા જ ભૂતપૂર્વ બોયફ્રેન્ડ્સ ખરેખર પ્રભાવશાળી અને અનોખા હતા. પરંતુ હું પહેલાં તેમને રોજબરોજના વ્યવહારમાં મળીએ તે રીતે મળતી હતી. તેમને થોડા જાણી લઉં તે પછી જ ડેટિંગ શરૂ કરતી હતી," એમ તે કહે છે.

"ઓનલાઇન જોઈને મને ઘણીવાર એવું પણ લાગતું કે - આમા કંઈ મજા પડે તેવું નથી, પણ આવા સરળ મેસેજથી એણ પણ થતું કે - ઓકે, તમે કમ સે કમ નોર્મલ તો છો."

તેનો અર્થ એ કે તમે જલદી કોઈ ડેટ મેળવવા માગો છો તો કોઈ જોરદાર ઓપનિંગ લાઇન લખવાની ઝંઝટ છોડો અને રોજબરોજની લાઈન જ રાખો, 'hey, how are you'.

કોઈને મેસેજ ના મોકલો

22 વર્ષનો રોબિન કહે છે, "હું હંમેશા યુવતીને પ્રથમ વાત કરવા દેતો હતો, કેમ કે સજ્જન વ્યક્તિએ એમ જ કરવું જોઈએ."

માત્ર મહિલાઓ જ જૂના જમાનાની ડેટિંગ પદ્ધતિને વળગી રહી છે, તેમ માનતા હો તો કહી દઉં કે, પુરુષો પણ એટલા જ જૂનવાણી છે.

24 વર્ષનો કૈરાન કહે છે, "મોટા ભાગે હું વાતચીતની શરૂઆત કરતો નથી." 23 વર્ષના કેલમની રીત પણ એવી જ છે: "મને નકારી દેવામાં આવશે તેવા ભયથી હું સામાન્ય રીતે ક્યારેય વાતચીતની શરૂઆત કરતો નથી."

પર્શિયા કહે છે "દુનિયાની આ સૌથી જૂની રમત છે..." - જલદી હા નહીં પાડવાની અને થોડી ઉત્સુકતા થાય તેટલું ખાનગી પણ રાખવાનું.

"આ ક્લાસિક પાવર-પ્લે છે. થોડી રહસ્યમયતા, મિસ્ટ્રી રાખવાની, જેનાથી આકર્ષણ થોડું વધી જાય છે," એમ તેઓ કહે છે.

GIF મોકલો

સૌથી સફળ 30 યૂઝર્સમાંથી ઘણાએ ઓપનિંગ લાઇન મોકલવાના બદલે માત્ર એક GIF મોકલવાનું પણ પસંદ કર્યું હતું.

20 વર્ષની બૅક્સને સૂઝે નહીં કે કેવી રીતે શરૂઆત કરવી ત્યારે તે માત્ર "એક ફની gif" મોકલી દેતી હતી. 21 વર્ષની રેબેકાની પસંદ હતીઃ "બિયોન્સ કે હની બૂ બૂની કોઈ આકર્ષક gif."

લંડનના 34 વર્ષના સેન્ડ્રો વધારે વિચાર્યા વિના સૌથી વધુ પ્રચલિત 'how you doing?' એવું કહેતી Joey Tribbiani gif જ મોકલી દેતા હતા.

પર્શિયા કહે છે કે gif મોકલી દેવાની રીત સૌથી હાથવગી છે. "થોડી મસ્તી દેખાડવાની સરળ રીત," તેઓ કહે છે, "અને તમે કેવી gif મોકલો છે તે પ્રમાણે સેફ પણ ખરી. મસ્તી દેખાડવાની આ ઘણી સંયમિત રીત છે, વિચિત્ર લાગ્યા વિના દેખાડી શકાય કે હું મસ્તીખોર પણ છું."

શ્વાનપ્રેમ વ્યક્ત કરો

આયર્લેન્ડના એક યૂઝર બ્રિયાને પોતાના બાયોમાં લખ્યું છે "પશુ ચાહક - ખાસ કરીને શ્વાન!"

લંડનના ક્રિસે લખ્યું છે, "બહાર ફરવાનું ગમે છે અને શ્વાન પણ."

જ્હોન પણ જણાવે છે કે તે "શ્વાનપ્રેમી છે, મિત્રોને મળવાનું અને ફરવાનું ગમે છે." (બધાને ગમે એવી આ ત્રણ બાબતો છે.)

એવું લાગે છે કે તમે શ્વાનપ્રેમી છો તેવું પ્રોફાઇલમાં જણાવો તો દોસ્ત મળી જ જાય છે. ખાસ તો 21 વર્ષની શાર્લોટ જેવી યુવતીઓને પસંદ પડી જશો, કેમ કે તેની ઓપનિંગ લાઇન હંમેશા આવી હોય છે: "પણ તારી પાસે પપ્પી છે ખરો?"

પર્શિયા માને છે કે ડોગ સાથે તસવીરો મૂકીને એવું દર્શાવી શકાય છે કે "જુઓ, હું સેફ છું, પ્રેમાળ છું અને ભરોસાપાત્ર છું!"

સારા દેખાવ (પણ વધારે પડતા નહીં)

ટિન્ડરના યૂઝર્સ દેખાવથી લોકો તરફ આકર્ષાય છે.

તમે શા માટે રાઇટ સ્વાઇપ કર્યું તેવો સવાલ ટિન્ડરે પૂછ્યો ત્યારે મોટા ભાગનાએ એવું જ કહેલું કે, 'દેખાવ સારો હતો!'

કેટલાક યૂઝર્સે પોતાના દેખાવ વિશે ખાસ લખ્યું પણ હતું, જેમ કે 'સુંદર મજાના વાળ' કે પછી 'કસાયેલું શરીર અને સરસ મજાના દાંત' વગેરે.

લંડનના જ્હોને નિખાલસતાથી કહેલું કે "પ્રામાણિકતાથી કહીએ તો, તસવીરો જોઈને જ પસંદગી થતી હોય છે."

આ 30 લોકોમાં બધા દેખાવડા હતા, પણ પર્શિયા કહે છે તે પ્રમાણે તેમાંથી કોઈ રૂપરૂપના અંબાર જેવું નહોતું.

પર્શિયા કહે છે, "તમે બહુ સુંદર હો તે ઘણી વાર નડતરરૂપ પણ થાય. કેટલાક લોકો વિચારશે - અરે આટલી રૂપાળી છોકરી આપણા કામની નહિ." મોટા ભાગના લોકોને દેખાવડા લોકો ગમે, પણ સૌના ધ્યાનનું કેન્દ્ર બની જાય એટલા બધા નહીં.

"દેખાવડા હોવું અને અત્યંત આકર્ષક હોવું એ બંનેમાં ફરક છે. લોકો જેમનાથી આકર્ષાયા હોય તેમને ઇચ્છતા હોય છે એ ખરું, પણ એવું લાગવું જોઈએ કે આપણી જોડી જામે તેમ છે."

સ્નેપચેટ ફિલ્ટર્સ ના વાપરો

આ 30 લોકોની સૌથી નાપસંદ રીત હતી એવી પ્રોફાઇલ જેમાં તસવીરોને ફિલ્ટરથી સુધારીને શ્વાન જેવું મોં કરાયું હોય, માથામાં ફૂલો લગાડ્યા હોય, મુગટ ધારણ કરી લીધો હોય કે ચારેય બાજુ ઝગમગતા સ્ટાર હોય.

તમે લેફ્ટ સ્વાઇપ શા માટે કરતા હતા - એવા સવાલના જવાબમાં ઘણા બધાએ કહ્યું કે સ્નેપચેટના ફિલ્ટર્સને કારણે.

શા માટે? તે બહુ ચીડ ચડે તેવા, "અણગમતા" અને "તરત જ લેફ્ટ સ્વાઇપ કરાવનારા" હોય છે, એમ 31 વર્ષના જ્હોન કહે છે.

આપણે બધા જાણીએ છીએ કે ફિલ્ટર વિનાની તસવીરો એકદમ ચમકદાર કરીને મૂકાયેલી હોય છે, પણ પર્શિયા માને છે કે સ્નેપચેટના ફિલ્ટર વધારે પડતા ફેક લાગતા હોવાથી લોકોને ગમતા નથી.

"સ્નેપચેટ ફિલ્ટર વાપરો એટલે તરત જ ખબર પડી જાય કે તમે તસવીરને એરબ્રશ કરી છે," પર્શિયા કહે છે.

તો આ છે કેટલીક વાતો ડેટિંગ ઍપ પર ધ્યાનમાં રાખવા જેવી. તમને ઍપ પર બહુ મેચ ના મળતી હોય તો આ યૂઝર્સે આપેલી કેટલીક ટીપ્સનો ટ્રાય કરો, કદાચ તમારું નસીબ ખૂલી પણ જાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો