'મને એ નહોતો આપી શકતો જેની મને જરૂર હતી'

મોનિકા(બદલાયેલું નામ) છેલ્લા પાંચ વર્ષથી રાહુલ(બદલાયેલું નામ) સાથે રિલેશનશિપમાં હતી અને બે વર્ષથી બંને સાથે રહેતા હતા. પરંતુ અચાનક મોનિકા એક રાત્રે ઘરે પરત ફરી નહીં અને અન્ય પુરુષ સાથે ગઈ.

તે રાત વિશે મોનિકા કહે છે કે તેણે અન્ય પુરુષ સાથે જવાની યોજના પહેલાંથી બનાવી નહોતી. તે કહે છે, ''મને એ વાતનો અહેસાસ હતો કે હું રાહુલને પ્રેમ કરું છું, પરંતુ તે મને એ નહોતો આપી શકતો જેની મને જરૂર હતી.''

કેટલાક દિવસ પછી મોનિકાએ રાહુલને બધું જ સાચું કહી દીધું અને તેણે પોતાના તૂટેલા સંબંધને જોડવાનો પ્રયત્ન પણ કર્યો.

પરંતુ રાહુલ તેની કદર કરતો નહોતો અને તેની ઈચ્છાઓને તે સમજતો નહોતો. અંતે બંને અલગ થઈ ગયા.

મોનિકા કહે છે, ''તેની સાથે સંબંધ જાળવી રાખવો એ પોતાને હેરાન કરવા જેવી વાત હતી, એટલે તેની સાથે દગો કરવા બદલ મને પસ્તાવો પણ નહોતો થઈ રહ્યો.''

બધી જ જગ્યાએ બેવફાઈ હોય છે

મનોચિકિત્સક એસ્થર પરેલ પોતાનાં પુસ્તક 'ધ સ્ટેટ ઓફ અફેર્સ: રીથિંકિંગ ઇનફિડેલિટી'માં લખે છે કે દગો આપવો કે બેવફાઈને ખરાબ માનવામાં આવે છે છતાં પણ તે બધી જ જગ્યાએ થતું જોવા મળે છે.

પોતાના પુસ્તકમાં એસ્થર લખે છે કે, ''હાલના સમયમાં પ્રેમ સંબંધો જલ્દી તૂટવા લાગ્યા છે. જે વધુ સમય સુધી સાથ નિભાવનારા હોતા નથી અને તેમાં નૈતિકતાનો અભાવ પણ હોય છે.''

એસ્થરનું આ પુસ્તક ગત ઓક્ટોબરમાં પ્રકાશિત થયું હતું અને ન્યૂયોર્ક ટાઇમ્સે તે સમયે આ પુસ્તકને બેસ્ટ સેલર ગણાવ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

ઘણાં નિષ્ણાતો માને છે કે મહિલા-પુરુષ બંને એકબીજાને દગો આપતા હોય છે એમ છતાં હાલનાં સમયમાં પ્રેમ સંબંધોમાં જ્યારે તિરાડ પડે છે, ત્યારે તેના પસ્તાવાનો ભાર સામાન્યરીતે મહિલાઓ પર જ પડે છે.

બેવફાઈનો મતલબ શું છે?

'ધ સીક્રેટ લાઇફ ઓફ ધ ચિટિંગ વાઇફ: પાવર, પ્રેગ્મૈટિસ્મ એન્ડ પ્લેઝર' પુસ્તકની લેખિકા અને સમાજશાસ્ત્રી એલિસિયા વોકર લખે છે કે બેવફાઈનો મતલબ પ્રત્યેક માણસ સાથે બદલાતો રહે છે.

પોતાના પુસ્તકમાં તેઓ લખે છે કે ''આખરે બેવફાઈનો મતલબ શું હોય છે તે જાણવાનો પ્રયત્ન કરીએ તો આપણને એટલું જ સમજાય છે કે દરેક કપલ માટે તે અલગ-અલગ વ્યાખ્યા ધરાવે છે.''

અમેરિકામાં મિસૂરી રાજ્યની યુનિવર્સિટીમાં શિક્ષિકા એલિસિયા જણાવે છે કે કેટલાંક લોકોમાં બેવફાઈનો મતલબ સેક્સ સંબંધમાં દગો આપવો હોય છે, જ્યારે કોઈ અન્ય માટે આ ભાવનાઓ સાથે જોડાયેલી બાબત હોઈ શકે છે.

તેની સાથે જ સવાલ થાય છે કે પૈસા આપીને સેક્સ કરવું, પોર્નોગ્રાફી જોવી, ગંદા મેસેજ મોકલવા કે પોતાના પૂર્વ પ્રેમી સાથે સંપર્ક રાખવો, શું આ બધાંને પણ બેવફાઈની શ્રેણીમાં રાખવા જોઈએ?

એસ્થર પુસ્તકમાં લખે છે કે અમેરિકામાં કરવામાં આવેલા અધ્યયનથી આ વાત સામે આવી છે કે મહિલાઓમાં દગો આપવાની ટકાવારી 26થી 70 ટકા વચ્ચે રહે છે જ્યારે પુરુષોમાં આ ટકાવારી 33થી 75 ટકા છે.

તેઓ આ આંકડાઓને જોડીને જણાવે છે, ''આ આંકડાઓ ભલે ગમે તે જણાવી રહ્યાં હોય પરંતુ પ્રેમી જોડાઓની વચ્ચે દગો આપવાની ટકાવારી વધી રહી છે અને વધારે પડતા કેસમાં આંગળી મહિલાઓ તરફ જ ચીંધાય છે.''

જો કે તેઓ વધુ એક આંકડો સામે લાવે છે જેના પ્રમાણે 1990ની તુલનામાં હવે 40 ટકા મહિલાઓ વધારે દગો આપે છે જ્યારે પુરુષોની ટકાવારી પહેલાં જેટલી જ છે.

કોઈ પોતાના સાથીને કેમ અને ક્યારે દગો આપે છે?

એક સવાલ આ પણ ઉદ્દભવે છે કે કોઈ પોતાના પ્રેમી કે સાથીને શું કામ અને ક્યારે દગો આપે છે? તેના જવાબમાં એલિસિયા વોકર કહે છે, ''સામાન્ય રીતે સમજવામાં આવે છે કે પુરુષ સેક્સની બાબતે પોતાના સાથીને દગો આપે છે જ્યારે મહિલા ભાવનાત્મક કારણોના કારણે આવું કરે છે.''

જો કે એલિસિયા અને એસ્થર બંને આ વાત પર એકમત થાય છે કે દગા દેવાનું કારણ ક્યારેય પણ લિંગના આધારે નક્કી થતું નથી.

એલિસિયા કહે છે કે પોતાના પુસ્તક માટે તેમણે જે 40 મહિલાઓ પસંદ કરી તેમાંથી વધારે પડતી મહિલાઓએ પોતાના વર્ષો જૂના સંબંધ એટલા માટે તોડ્યા કેમ કે તેમના સાથી તેમની સેક્સ જરૂરીયાતોને પૂર્ણ કરી શકતા નહોતા.

તેઓ જણાવે છે કે ''સંબંધમાં એક સમય એવો આવે છે કે જ્યારે વિચારવું પડે છે કે જ્યારે રોમાન્સ દ્વારા પોતાની જરૂરીયાત પૂરી કરી શકાય છે કે પછી લગ્ન તોડવાં જોઈએ અને આખરે તેઓ દગો આપવાનું વિચારે છે.''

બીબીસીના રેડિયો કાર્યક્રમ WOMEN HOURSમાં એસ્થરે જણાવ્યું હતું કે ઘણીવાર મહિલાઓએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

મહિલા પ્રેમ અને અંગત દેખભાળવાળા સંબંધમાં રહે છે, તે એને તોડવા ઇચ્છતી નથી પરંતુ તે સંબંધમાંથી તેઓ જે ઇચ્છે છે તેવું મેળવી શકતી નથી.

ત્યારે મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે સંબંધને બચાવે કે પછી પોતાની ઓળખ કે ઇચ્છાને. કેમકે બંને બાબતે તેઓ હેરાન થતી હોય છે.

''જો કે અમૂક મહિલાઓ એકલતા અને અત્યાચારથી છુટકારો મેળવવા સાથીને દગો આપવાનો રસ્તો પસંદ કરતી હોય છે, પરંતુ આવું તેઓ અંતિમ ઉપાયના રૂપે જ કરે છે.''

માફ કરવું કેટલું સરળ

કોઈ પણ પત્ની જે પોતાના પતિ સાથે દગો કરે છે કે કોઈ પ્રેમી પોતાના પરિવાર બહાર સંબંધ બાંધી પરિવાર તોડી નાખે છે, તેમને સમાજમાં નૈતિકરૂપથી ખરાબ જ માનવામાં આવે છે.

જ્યારથી છુટાછેડા સામાન્ય વાત બની ગયા છે, ત્યારથી પોતાને દગો આપનારા સાથીને માફ કરનારા વ્યક્તિ પર પણ સમાજ સવાલ ઊઠાવે છે.

એલિસિયા કહે છે, ''ઘણી વખત લોકો પોતાના સાથીની બેવફાઈની જાણ થયા બાદ પણ ચૂપ રહે છે, કેમકે સમાજમાં લોકો તેમના અંગે પણ પ્રશ્નો પૂછતા થઈ જાય છે. તેવામાં તેઓ ચૂપ રહીને જ પોતાના સંબંધને બચવાવો યોગ્ય ગણે છે.''

આ સાથે જોડાયેલી એક વાત એસ્થરે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને તેમની પત્ની હિલેરી ક્લિંટનના સંબંધમાં લખી હતી.

જેમાં તેમણે જણાવ્યું કે વર્ષ 1998માં જ્યારે બિલ ક્લિંટનના સંબંધ તેમનાં ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કી સાથે ઉજાગર થયાં તે સમયે હિલેરીએ ચૂપ રહી પોતાના સંબંધને બચાવી રાખવો યોગ્ય સમજ્યું.

ઘણી વખત લોકો સમજે છે કે સંબંધ જળવાયેલો રહે ભલે તેમાં મુશ્કેલીઓ આવ્યા રાખે પરંતુ અલગ થઈને રહેવા કરતા સારું છે કે સાથી સાથે જ રહે.

સરળ શબ્દોમાં એસ્થર જણાવે છે કે લગભગ 80 ટકા લોકો બેવફાઈનો સામનો કરે છે, પછી ભલે તે પોતે કરે કે સામેવાળો વ્યક્તિ, ભલે પ્રેમીના રૂપમાં, એક બાળકના રૂપમાં કે પરિવારના સભ્ય અને મિત્રના રૂપમાં પરંતુ બેવફાઈનો સામનો કરવો પડે છે.

પ્રેમ અને બેવફાઈને નિષ્ણાંતો કંઈક આવી રીતે રજૂ કરે છે

''પ્રેમ એક વણઉકેલાયેલી પહેલી છે, અને બેવફાઈ તેનાથી પણ વધારે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો