વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર મશરૂમ ખાઈને ગોરા બન્યા?

યુદ્ધ મેદાનમાં લડાતું હોય કે રાજકારણના મોરચે, યોદ્ધાએ અંતિમ ક્ષણો સુધી પોતાની પીઠ થાબડવી પડે છે અને દુશ્મનો પર હુમલા કરવા પડે છે.

દેશમાં ચર્ચાનું કેન્દ્ર અત્યારે ગુજરાત છે. બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસોમાં બધાં જ પ્રકારના શાબ્દિક તીર છોડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં ઉડીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના વિકાસના સોગંદ ખાધા, તો રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સવાલોના જવાબ આપ્યા.

આ બધી ઘટનાઓ વચ્ચે અલ્પેશ ઠાકોરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

'મશરૂમ ખાવ, મોદી બની જાવ'

કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી એકતા મંચના સંયોજક અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા એક જાહેર સભામાં કહ્યું હતું કે

'મોદી પહેલાં મારા જેવા કાળા હતા, પણ તાઇવાનના મશરૂમ ખાવાના કારણે તેઓ ગોરા થઈ ગયા છે.'

અલ્પેશના જણાવ્યા અનુસાર મોદી માટે તાઇવાનથી ખાસ મશરૂમ મંગાવવામાં આવે છે. આ એક મશરૂમની કિંમત 80 હજાર રૂપિયા હોય છે.

અલ્પેશે ઉમેર્યું હતું કે 'મોદી રોજના પાંચ મશરૂમ ખાઈ જાય છે. એટલે કે એક મહિનાના એક કરોડ 20 લાખ રૂપિયાનાં મશરૂમ તેઓ ખોરાકમાં લે છે.'

અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ સોશિઅલ મીડિયા પર લોકો જાતજાતના પ્રતિભાવ આપ્યા હતા.

સોશિઅલ મીડિયા પર મજાક-મસ્તી

અલ્પેશ ઠાકોરના નિવેદન સાથે ટ્વિટર પર મજાક-મસ્તી શરૂ થઈ ગઈ હતી અલગઅલગ તસવીરો મૂકીને લોકોએ આ મશરૂમની વાતો શરૂ કરી દીધી હતી.

આ માહોલમાં તાઇવાનનાં મશરૂમ, તેના આરોગ્ય વિષયક ફાયદા અને તાઇવાન વિશેની માહિતી જાણવા જેવી છે.

મશરૂમ ચામડીનો રંગ બદલી શકે?

મશરૂમ કેટલાય પ્રકારના હોય છે. જેમાંથી અમુક ખાવાલાયક હોય છે. તેમાં બટન, ઓયસ્ટર, પોરસિની અને ચૈંટરેલ્સનો સમાવેશ થાય છે.

કેટલાક મશરૂમ બહુ ખતરનાક પણ હોય છે. એવાં મશરૂમ ખાવાથી આરોગ્ય બગડી શકે છે. કેટલાંક મશરૂમથી મૃત્યુ પણ થઈ શકે છે.

ખાવાલાયક મશરૂમમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં વિટામિન બી હોય છે અને સેલેનિયમ જેવાં પ્રબળ ઍંન્ટિ-ઑક્સિડેંટ પણ હોય છે.

મશરૂમના ફાયદા

મશરૂમ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. કોષોને થતું નુક્સાન પણ રોકી શકે છે.

મશરૂમની કેટલીક પ્રજાતિ ડીએનએને થતાં નુક્સાનને અટકાવી કૅન્સરથી બચવા માટેની દીવાલ ઊભી કરે છે.

મશરૂમને પૌરુષવર્ધક પણ માનવામાં આવે છે, કારણ કે તેમાં ઝિંક પર્યાપ્ત માત્રામાં હોય છે. ઝિંક પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરૉનની માત્રા વધારે છે.

મશરૂમથી અલ્ઝાઇમર જેવી બીમારી સામે લડવામાં પણ ફાયદો થાય છે. મોટી ઉંમરના મેદસ્વી લોકોમાં કલેસ્ટરૉલ ઘટાડવામાં મશરૂમ મદદરૂપ થાય છે.

તાઇવાનનાં મશરૂમ

તાઇવાનમાં મશરૂમની ખેતીની શરૂઆત સેંકડો વર્ષો પહેલા થઈ હતી.

1895થી 1945 વચ્ચે જાપાને પ્રારંભિક પદ્ધતિઓ વિકસાવી હતી, પરંતુ એક ઉદ્યોગ તરીકે 1950ના દાયકામાં મશરૂમનું ઉત્પાદન થવા લાગ્યું હતું.

તાઇવાનમાં મશરૂમના ઉત્પાદનની શરૂઆતના પરીક્ષણો 915 મીટર ઊંચાઈએ આવેલા જિયાબાઓ જેવા પહાડી વિસ્તારમાં થયાં હતાં.

એ પછી થોડા જ સમયમાં અહીંના ખેડૂતો પશ્ચિમી-મધ્ય વિસ્તારમાં મશરૂમનું મોટાપાયે ઉત્પાદન કરવા લાગ્યા હતા.

તાઇવાનની તાકાત કેટલી?

એક રિપોર્ટ પ્રમાણે, તાઇવાને 1960માં ધંધાકીય રીતે સૌથી પહેલાં કૅન અને બૉટલમાં મશરૂમની નિકાસ શરૂ કરી હતી.

1963 સુધી તાઇવાન મશરૂમનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો. આખી દુનિયામાં નિકાસ થતા મશરૂમનો એક તૃતિયાંશ હિસ્સો તાઇવાનનો હતો.

1978માં તાઇવાનની વાર્ષિક નિકાસ 12 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી. એ પછી ચીન અને દક્ષિણ કોરિયાના ખેડૂતોએ તાઇવાનનો એકાધિકાર તોડવાનું શરૂ કર્યું હતું.

આજે જાપાન પણ મશરૂમના ઉત્પાદનમાં પોતાનો પગદંડો જમાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ તાઇવાન હજુ પણ મજબૂત ખેલાડી છે.

સૌથી મોંઘું મશરૂમ

મશરૂમ હકીકતમાં એક પ્રકારનો બિલાડીના ટોપ જ છે. દક્ષિણ-પશ્ચિમ યુરોપમાં તે મળી આવે છે.

ઇટલીના ઉત્તર-પશ્ચિમમાં આવેલું અલ્બા શહેર ઇટલીમાં બિલાડીના સફેદ ટોપની રાજધાની તરીકે જાણીતું છે.

મશરૂમના આકારમાં પણ ફરક હોય છે અને તેમાં પાંચથી 20 સેન્ટિમીટર સુધીનું વૈવિધ્ય હોય છે.

આ ટોપમાંથી ખાસ પ્રકારની સુગંધ થોડા સમય સુધી આવતી રહે છે, જેની ઓળખ ખાસ રીતે તાલીમબદ્ધ કૂતરાં અને અનુભવી લોકો કરી શકે છે.

કેવી રીતે થાય છે ઉત્પાદન?

હકીકતે મશરૂમની ખેતી નથી થતી. તે માત્ર કુદરતી રીતે જંગલોમાં જાતે જ ઉગે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ઇટલીમાં મશરૂમના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

જળવાયુ પરિવર્તન અને અતિવરસાદને આ ઘટાડા માટે કારણભૂત ગણવામાં આવે છે.

ગયા વર્ષે અલ્બામાં મશરૂમની લિલામી પણ થઈ હતી.

આ લિલામીમાં મશરૂમની બહુ ઊંચી કિંમત લગાવવામાં આવી હતી.

હોંગકોંગની એક લિલામીમાં 950 ગ્રામના બે મોટા મશરૂમ 1.20 લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે 74 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો