વર્તમાન સુરક્ષિત કર્યા બાદ UAEની નજર ભવિષ્યની 'ખુશહાલી' તરફ

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, દુબઈ

પ્રસન્નતા માટેનું ખાસ મંત્રાલય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલય. ભવિષ્ય વિભાગ. ડ્રોન રેસિંગનું વિશ્વ સંગઠન.

આ કોઈ ફ્યૂચરિસ્ટિક હોલીવૂડ ફિલ્મનો સેટ નથી. આ સંયુક્ત અરબ અમીરાત સરકારનાં સક્રિય મંત્રાલય છે.

દુબઈની મુલાકાત લઈ ચૂકેલા લોકો માટે એક સ્માર્ટ સીટી શું હોય તેનો ખ્યાલ આપવાની જરૂર નથી.

વિશ્વની સૌથી ઊંચી ઇમારત, ઉપરાંત દરિયામાં કૃત્રિમ ટાપુ બનાવવા જેવા અશક્ય લાગતાં કામ કરી ચૂકેલી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની સરકાર ભવિષ્યમાં મંગળ ગ્રહ પર પણ સ્માર્ટ સીટી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

અમીરાત વિશે હું શું વિચારતો હતો?

ગત મહિને હું પહેલી વખત અમીરાત ગયો હતો. અમારા વિચારો પશ્ચિમી મીડિયામાં તેમના વિશે ખબરોથી પ્રભાવિત હતા. હું છેલ્લા બાવીસ વર્ષોથી આ મીડિયાનો ભાગ છું.

દુબઈ વિશે મારી કલ્પના હતી કે આ એક મોટી અને ઊંચી ઇમારતો ધરાવતું શહેર છે. આ એક શુષ્ક વિસ્તાર છે.

મેં ક્યારેય અમીરાતને તેલ ઉત્પન્ન કરતા એક દેશ કરતાં વધારે મહત્ત્વ આપ્યું ન હતું.

મારા વિચાર હતા કે, ધનવાન આરબ લોકો તેમના પારંપરિક પોષાકમાં તેમનાં પૈસાથી જલસા કરે છે. જોકે, આ વિચાર ખોટા હતા.

ત્યાં 10 દિવસ વિતાવ્યા બાદ...

અમીરાતમાં 10 દિવસના પ્રવાસે મારી આંખો ખોલી નાખી. અમીરાતના લોકો બહારથી તો સામાન્ય લાગે છે, પણ અંદરથી તેમની અંદર ભરપૂર આત્મવિશ્વાસ હોય છે.

તેમનું વર્તમાન સુરક્ષિત છે. હવે તેઓ પોતાના ભવિષ્યને ખુશહાલ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમનો સમાજ સમૃદ્ધ છે.

તેઓ એક એવા ભવિષ્યના નિર્માણમાં વ્યસ્ત છે કે જે બીજા અરબ દેશો અને વિશ્વભરના લોકો માટે ઉદાહરણ સ્વરૂપ હશે.

સારી વાત એ છે કે આ કાર્યો ઝડપથી અને કોઈ હોબાળા વગર થઈ રહ્યાં છે.

અમીરાતની સરકારે મંગળ ગ્રહ પર એક શહેર વસાવવાની યોજના બનાવી છે.

અમીરાતે તાજેતરમાં જ દુબઈને આઈટીનું સૌથી મોટો ગઢ બનાવવાનું એલાન કર્યું હતું.

દુબઈ સરકાર પાયલટલેસ એર ટેક્સીની સેવાઓ ચાલુ કરવા જઈ રહી છે.

અને હાં, અમીરાતની સરકાર 'World Drone Prix' નામની નિયમિત ડ્રોન રેસિંગના આયોજનનો મુસદ્દો તૈયારી કરી રહી છે.

અમીરાત પહેલા એક પછાત દેશ હતો

જેમની પાસે સાર્વજનિક સેવાઓમાં હાઈ-ટેક્નોલૉજીના ઉપયોગની જાણકારી નથી એ લોકોને જાણીને આશ્ચર્ય થાય એવું આ પગલું છે.

આ દેશનો ઝડપથી થતો વિકાસ આ વાતથી વધારે પ્રભાવશાળી થઈ જાય છે, જ્યારે આપણે એ વાતની પણ ખબર છે કે થોડા દાયકાઓ પહેલાં અમીરાત એક પછાત દેશ હતો.

ત્યાંના સ્થાનિક નિવાસીઓ અલગ અલગ સમૂહમાં વહેંચાયેલા હતા.

અમીરાતમાં થઈ રહેલા વિકાસના વખાણ એ માટે પણ કરવા જરૂરી છે કેમ કે તેની ચારેય તરફના આરબ દેશો આતંકવાદ, આર્થિક સંકટ અને વંશીય સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.

અહીંના શાહી પરિવારોએ એક સહનશીલ સમાજ બનાવ્યો છે, જ્યાં ધાર્મિક સ્વતંત્રતા છે, જ્યાં ધાર્મિક મુદ્દા પર ઝગડા નથી થતા. ત્યાં આતંકીઓ હુમલા નથી કરતા.

અહીં આધ્યાત્મિક સંતુલન અને વ્યવસાયિક સફળતાઓ એક સાથે અનુભવી શકાય છે.

મંગળ ગ્રહ પર સ્માર્ટ સિટી બનાવવા યોજના

મને વિશ્વાસ છે કે આગામી મહિનાઓ અને વર્ષોમાં તમે 27 વર્ષીય ઉમર બિન સુલ્તાન અલ ઓલામાનું નામ વારંવાર સાંભળશો.

તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલયના રાજ્યમંત્રી છે. બે મહિના પહેલાં તેમની આ પદ પર નિમણૂક થઈ હતી.

તેઓ વડા પ્રધાનના કાર્યાલયમાં "ભવિષ્ય વિભાગ"ના ડેપ્યુટી ડાયરેક્ટર છે. આ સિવાય તેઓ ભવિષ્યની યોજનાઓ સાથે પણ જોડાયેલા છે.

અલ ઓલામાની જવાબદારીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નવી ટેકનિક અને ઉપકરણોમાં રોકાણ કરીને સરકારની યોજનાઓને આગળ વધારવાની છે.

ભવિષ્ય સાથે જોડાયેલા બધા કાર્યોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યોગ્ય ઉપયોગ કરવાની જવાબદારી છે.

પરંતુ તેનાંથી પણ મહત્ત્તવનું કામ મંગળ ગ્રહ પર સ્માર્ટ સિટીના નિર્માણની યોજના પર કામ કરવું છે.

અમીરાતને અંગ્રેજોથી વર્ષ 1971માં સ્વતંત્રતા મળી હતી. તેઓ વર્ષ 2071માં શતાબ્દી સમારોહ મોટા પાયે મનાવવાની તૈયારી કરી રહ્યા છે.

તેની જવાબદારી પણ અલ ઓલામાને આપવામાં આવી છે.

વિકસિત દેશો કરતા પણ વધારે છે અમીરાતની આવક

અમીરાત સમાજ ધનવાન છે. ત્યાં વ્યક્તિદીઠ વાર્ષિક આવક 72,800 ડોલર છે, જે કોઈ પણ વિકસિત દેશ કરતા પણ વધારે છે.

તેઓ જીવનથી સંતુષ્ટ દેખાય છે, છતાં અહીંની સરકારે ગત વર્ષે ખુશી માટે અલગ મંત્રાલયની સ્થાપના કરી હતી.

આ મંત્રાલયનાં મંત્રી ઓહદ બિંત ખલ્ફાન અલ રુમી છે, જેઓ 21 સભ્ય ધરાવતા મંત્રીમંડળમાં સામેલ આઠ મહિલા મંત્રીઓમાંથી એક છે.

ગત વર્ષે મંત્રી બન્યા બાદ તેમણે કહ્યું કે ખુશી લાવવી એક ગંભીર જરૂરિયાત છે. તેમને બે મહિના પહેલા "ગુણવત્તાયુક્ત જીવન" વિભાગનો હવાલો પણ અપાયો હતો.

પણ શું તમારા જીવનમાં ખુશી લાવવી સરકારનું કામ છે?

જવાબ એટલો સહેલો નથી, પણ ખુશી મંત્રાલયની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય દુનિયાનાં સૌથી પ્રસન્ન દેશોમાંથી એક બનવાનો છે.

અહીંના સ્થાનિકો સામાન્યપણે ખુશ કરતા સંતુષ્ટ વધારે જોવા મળે છે, પરંતુ વ્યક્તિગત રૂપે મારા માટે ખુશીનો મતલબ છે લોકતંત્ર અને વ્યક્તિગત સ્વતંત્રતા.

કેટલાક સ્થાનિકો મારી વાત સાથે સંમત જોવા મળ્યા, પણ મોટા ભાગના લોકો તેમની હાલની પરિસ્થિતિ છે, તેનાથી સંતુષ્ટ જોવા મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો