You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : એગ્ઝિટ પોલમાં ભાજપની સરસાઈ માટે રામ મંદિરનો મુદ્દો જવાબદાર?
ગુજરાત વિધાનસભા ચૂંટણીના 'એગ્ઝિટ પોલ' મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. 'આજતક'ને આપેલી પ્રતિક્રિયામાં સ્વામીએ એગ્ઝિટ પોલમાં ભાજપની સરસાઈ માટે રામ મંદિરના મુદ્દાને નિર્ણાયક ગણાવ્યો છે.
જેમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, "રામ મંદિરનો મુદ્દો ગુજરાતની ચૂંટણીમાં ટર્નિંગ પોઇન્ટ બન્યો છે. રામ મંદિરનો વિરોધ કરવો કોંગ્રેસની સૌથી મોટી ભૂલ છે."
અત્રે નોંધવું રહ્યું 18મી ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.
સુપ્રીમ કોર્ટમાં 8 ફેબ્રુઆરી-2018થી રામ જન્મભૂમિ સંબંધિત કેસની સુનાવણી શરૂ થશે.
મને આ પણ વાંચવું ગમશે
ગત 5મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ કેસની સુનાવણી થઈ હતી અને કોર્ટે કેસની સુનાવણી માટે 8મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે રામ મંદિર કેસનો ચુકાદો 2019ની લોકસભા ચૂંટણી પછી આપવામાં આવે.
તેમની દલીલ હતી કે આ ચુકાદો 2019ની લોકસભાની ચૂંટણી પર અસર કરી શકે છે. આથી ચૂકાદો આગામી લોકસભા ચૂંટણી પછી આપવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે બીજી તરફ 18મી ડિસે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે, ત્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે ગુજરાતની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો નિર્ણાયક બન્યો છે.
'ચૂંટણીમાં રામ મંદિર મુદ્દો ન હતો'
આ મામલે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "રામ મંદિરના મુદ્દાએ ચૂંટણીમાં કોઈ ખાસ ભૂમિકા નથી ભજવી, પણ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનું વડાપ્રધાન અંગે અભદ્ર નિવેદન, જ્ઞાતિવાદી સમીકરણ સહિત અન્ય મુદ્દાઓ નિર્ણાયક રહ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "કોંગ્રેસે ફક્ત પાટીદાર પરિબળ પર જ ફોકસ કર્યું, જેથી અન્ય જ્ઞાતિઓના મતદાતાઓ પર અસર થઈ છે. બીજી તરફ ભાજપે અન્ય તમામ સમાજને સાથે લઈને ચાલવાની કોશીશ કરી હતી."
"રામ મંદિરનો મુદ્દો પાછળથી ચગાવવામાં આવ્યો હતો અને વડાપ્રધાને છેલ્લા દસ દિવસોમાં જે જાહેર સભાઓ સંબોધી તેની વધુ અસર થઈ છે."
રામ મંદિર અંગે કોંગ્રેસના વિરોધ અંગેની સ્વામીની ટિપ્પણી પર અજય ઉમટે કહ્યું, "કોંગ્રેસે ગુજરાતમાં રામ મંદિરનો વિરોધ નથી કર્યો. વળી રાહુલ ગાંધીએ મંદિરોની મુલાકાત લઈને એવો સંદેશ આપવાનો પ્રયાસ થયો કે કોંગ્રેસ હિંદુત્વ વિરોધી નથી."
"જો રામ મંદિરના મુદ્દાને લીધે ભાજપનો વિજય થયો એવું કહીએ તો એ વાત વડાપ્રધાન મોદીનું અપમાન છે."
"કેમ કે, એનો અર્થ એવો થાય કે ગુજરાતમાં વિકાસની વાત ન ચાલી, નરેન્દ્ર મોદીની સભાઓ ન ચાલી અને અમિત શાહની વ્યૂહરચના પણ ન ચાલી અને 27 વર્ષ જૂનો મુદ્દો કામ કરી ગયો!"
'રામ મંદિરનો મુદ્દો ગુજરાત ચૂંટણી મામલે તર્કસંગત નથી'
દરમિયાન રાજકીય વિશ્લેષક રાશિદ કિદવાઈએ કહ્યું, "ગુજરાતની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા, વિકાસના તથા મુખ્યમંત્રી કોણ બનશે તેવા મુદ્દા અસર કરતા હોય છે. બહારના મુદ્દા અસર નથી કરે.
"કપિલ સિબ્બલની વાત એક વકીલ તરીકે વ્યક્તિગત મત છે. ગુજરાતની ચૂંટણી જો કોંગ્રેસ જો હારશે તો તેમાં મોદીની શક્તિશાળી છબી જવાબદાર હશે.
"રામ મંદિર જૂનો મુદ્દો છે અને એ પછી ઘણી ચૂંટણીઓ યોજાઈ ગઈ છે.
"મણિશંકર ઐય્યર જે નિવેદન આપ્યું તેવા નિવેદનો ફેશનેબલ હોય છે. તે ગુજરાતની ચૂંટણીના પરિણામો સાથે તર્કસંગત નથી અને ગુજરાતની ચૂંટણીમાં રામ મંદિરના મુદ્દાની કોઈ વ્યાપક અસર નથી જણાતી. "
કપિલ સિબ્બલ-નરેન્દ્ર મોદી વચ્ચે શાબ્દિક યુદ્ધ
ગત પાંચમી ડિસેમ્બરે રામ જન્મભૂમિ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી.
જેમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બંધારણીય ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે આ કેસનો ચુકાદો 2019ની લોકસભા ચૂંટણી પહેલા ન આપવામાં આવે.
તેમની દલીલ હતી કે ચુકાદો લોકસભાની ચૂંટણી પર અસર કરી શકે છે.
જેને લઈને બાદમાં વિવાદ સર્જાયો હતો. વડાપ્રધાન મોદીએ કપિલ સિબ્બલ પર રામ મંદિરના મુદ્દાને રાજનીતિ સાથે જોડવાનો આરોપ લગાવ્યો હતો.
એટલું જ નહીં કોંગ્રેસે પણ સિબ્બલની આ વાતથી પોતાને પક્ષ તરીકે અલગ કરી લીધો હતો.
તદુપરાંત કપિલ સિબ્બલની રજૂઆત બાદ સુન્ની વકફ બોર્ડે પણ સિબ્બલની વાત સાથે અસંમતિ દર્શાવી હતી.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે સિબ્બલ 'સુન્ની વકફ બોર્ડ'ના વકીલ છે, પાછળથી કપિલ સિબ્બલે આ વાતનું ખંડન કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો