દૃષ્ટિકોણ : રાહુલને નેતૃત્વ સોંપ્યા બાદ શું કરશે સોનિયા ગાંધી?

    • લેેખક, રાશિદ કિદવઈ
    • પદ, વરિષ્ઠ પત્રકાર

સમય આવી ગયો છે સોનિયા ગાંધીના વધુ એક ત્યાગનો. આ વખતે તેઓ તેમના દીકરા રાહુલ ગાંધી માટે ત્યાગ કરવા જઈ રહ્યાં છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે.

રાહુલ ગાંધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનશે. તેઓ આ પદ સંભાળનારા નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના છઠ્ઠા સભ્ય હશે.

132 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસની કમાન 45 વર્ષોથી નહેરુ-ગાંધી પરિવારના સભ્યોના હાથમાં રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

જેમાં સોનિયા ગાંધીએ 19 વર્ષ સુધી એટલે કે સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું છે.

જવાહરલાલ નહેરુ અગિયાર વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તેમના સિવાય ઇંદિરા ગાંધી સાત વર્ષ, રાજીવ ગાંધી છ વર્ષ અને મોતીલાલ નહેરુ બે વર્ષ કોંગ્રેસ પ્રમુખ રહ્યા હતા.

રાજનીતિમાંથી નિવૃત્તિ

ડિસેમ્બર 2013માં જ્યારે સોનિયા ગાંધી 66 વર્ષનાં થયાં તો કથિતરૂપે તેમણે પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી 70 વર્ષની વયે નિવૃત્ત થવાની યોજના બનાવી રહ્યાં છે.

સોનિયાના આ શબ્દોએ દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કેમ કે ભારતમાં કદાચ જ કોઈ વ્યક્તિ હશે કે જે રાજકારણમાંથી નિવૃત્તિ લે.

વફાદારી અને ખુશામતીને લઈને કોંગ્રેસીઓ હંમેશા તેમની ચાલાકી માટે ઓળખાય છે.

તે જ કારણોસર રાહુલની તાજપોશી માટે સોનિયા સાથે કોંગ્રેસી ઊભા જોવા મળી રહ્યા હતા.

રાહુલની તાજપોશીની પટકથા પહેલેથી લખાયેલી હતી.

વર્ષ 2016માં રાજકીય મજબૂરીઓનાં કારણે સોનિયા ગાંધીએ કોંગ્રેસની કમાન છોડી નહોતી.

સોનિયા ગાંધી હવે 71 વર્ષનાં થઈ ગયાં છે અને સક્રિય રાજકારણમાંથી તેઓ પોતાને અલગ કરવા માગે છે.

જો તેઓ રાયબરેલીથી સાંસદનું પદ નથી છોડવા માગતા તો એ સારું થશે કે તેઓ સંસદમાં એક સામાન્ય સાંસદની જેમ રહે.

સોનિયા ગાંધી જો રાયબરેલીથી સાંસદ પદ છોડે છે તો કોંગ્રેસ માટે ત્યાંથી પેટા ચૂંટણીમાં ઊતરવું સહેલું નહીં હોય.

સોનિયા ગાંધીની ભૂમિકા પર ચર્ચા

પાર્ટીના ઘણા નેતાઓ માને છે કે સોનિયા ગાંધીના સલાહકાર અથવા તો માર્ગદર્શકના રૂપમાં પાર્ટીને તેમનું યોગદાન આપી શકે છે.

પરંતુ રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ પણ જો સોનિયા ગાંધીનો પડછાયો તેમની ઊપર રહેશે તો તેમના માટે તેનાથી ખરાબ કંઈ નહીં થાય.

વર્ષ 2004થી 2017 વચ્ચે મા-દિકરાએ 13 વર્ષ સુધી એકસાથે કામ કર્યું છે.

આ દરમિયાન ઘણી એવી તક સામે આવી છે જ્યારે રાહુલ ગાંધીની પરિકલ્પના અને પહેલ પર સોનિયા ગાંધી ભારે પડ્યાં છે.

તેનું સૌથી પ્રત્યક્ષ ઉદાહરણ છે જ્યારે યુવા ગાંધીમાં પાર્ટીની અંદર આંતરિક લોકતંત્ર કાયમ કરવા માટે બેચેની જોવા મળી હતી.

કોંગ્રેસના જૂના નેતાઓએ સોનિયા ગાંધીને સમજાવવા માટે ઘણી મહેનત કરી કે રાહુલ ગાંધીને યૂથ કોંગ્રેસ, NSUI અને સેવા દળ સુધી સીમિત રાખવામાં આવે.

પારદર્શિતા અને સુશાસન ઇચ્છે છે રાહુલ?

વર્ષ 2010માં સમગ્ર દુનિયાએ જોયું કે તત્કાલિન વડા પ્રધાન મનમોહનસિંઘના અધ્યાદેશને રાહુલ ગાંધીએ કેવી રીતે ફાડીને ફેંકી દીધો હતો.

આ અધ્યાદેશ રાજકારણમાં ભ્રષ્ટ અને અપરાધી સાબિત થયેલા લોકોની જગ્યા યથાવત રાખવા માટે હતો.

થોડા જ કલાકો અને દિવસોમાં રાહુલ ગાંધી મનમોહનસિંઘ સામે માફી માગતા જોવા મળ્યા હતા.

ત્યારબાદ રાહુલ ગાંધી એક સ્વચ્છ છબી ધરાવતા નેતાના રૂપમાં ઊભરીને બહાર આવ્યા જેઓ પારદર્શિતા અને સુશાસનની વકાલત કરતા નજરે પડ્યા હતા.

વર્ષ 2004માં સોનિયા ગાંધીએ જ્યારે વડા પ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો તો એવા ઘણા લોકો હતા કે જેમને લાગતું હતું કે તેમણે પાર્ટી સંગઠનને મજબૂત કરવાની જરૂર છે.

ત્યારબાદ જયરામ રમેશ, પુલક ચેટર્જી અને બીજા ઘણા નેતા યુપીએ ચેરપર્સન અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદ પ્રમુખ સોનિયા ગાંધીના કાર્યાલય સાથે જોડાઈ ગયા.

સોનિયા ગાંધીને આ રૂપમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળેલો હતો.

રાહુલ ગાંધી પણ બનાવશે સત્તાના બે કેન્દ્ર?

તેની સાથે જ રિમોટ કન્ટ્રોલ અને સત્તાનાં બે કેન્દ્ર હોવાના આરોપોને પણ બળ નથી મળતું.

નહેરુ- ગાંધી પરિવારના 47 વર્ષના યુવા રાહુલને જરૂર છે કે તેઓ 'એકલા ચાલો'ની નીતિને આત્મસાત્ કરે.

તેઓ ખૂબ મહેનત કરે અને કોંગ્રેસને સત્તામાં લાવવા માટે પોતાનું લક્ષ્ય નક્કી કરે.

પાર્ટી પ્રમુખ તરીકે તેઓ એ કામ ઇચ્છે તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કરે કે પછી 2024ની ચૂંટણીમાં.

સંસદીય પક્ષના નેતા, કોંગ્રેસ સંસદીય બોર્ડ પ્રમુખ કે પછી કોઈ અન્ય ફોરમમાં સોનિયા ગાંધીની હાજરી એક 'સુપર દરબાર'ના રૂપમાં રહી છે.

સોનિયા ગાંધી એક સમાનાંતર સત્તાનાં કેન્દ્ર રહ્યાં છે.

આ વખતે કંઈક સાબિત કરીને બતાવવું પડશે

સોનિયા ગાંધી એક મા તરીકે રાહુલ ગાંધીને સલાહ આપવાનો હક્ક ધરાવે છે. પરંતુ સંસ્થાગત સ્તર પર તે સંભવ ન હતું.

કોંગ્રેસમાં એવા નેતાઓની ખામી નથી કે જેમણે નિયુક્તિઓના મામલે, નીતિગત મુદ્દા, વિચારધારાના મામલે અન્ય પક્ષોને 10 જનપથ સુધી લાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો રાહુલ ગાંધી બીજા કોઈનો સાથ ઇચ્છે છે તો પ્રિયંકા ગાંધીને લાવી શકે છે.

પ્રિયંકા રાહુલને મજબૂત કરવા માટે સારી ભૂમિકા નિભાવી શકે છે. પરંતુ આ વખતે સતર્ક રહેવું પડશે કે સત્તાના બે કેન્દ્ર ન બને.

રાહુલ માટે આ સમય પોતાને સાબિત કરવાનો છે.

રાજકારણમાં નહેરુ પરિવારના કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ નથી થયા અને રાહુલનાં માથા પર પણ આ જ જવાબદારી છે.

એક મા તરીકે સોનિયાને 10 જનપથથી આ ઘટનાક્રમોના સાક્ષી બનવું જોઈએ.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો