ગુજરાત ચૂંટણી : કોંગ્રેસ સામે પાંચ મોટા પડકાર

    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઉર્દુ સંવાદદાતા, અમદાવાદથી

ગુજરાતમાં આવતા મહિને ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે અને અહીં તેઓ ચાર વખત મુખ્યમંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

મોદી માટે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. તેમની સામે કોંગ્રેસ પાર્ટી ઉભી છે કે જે છેલ્લા 20 વર્ષોમાં પહેલી વખત ઝનૂન અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહી છે.

પરંતુ કોંગ્રેસ સામે પાંચ પડકાર છે.

1. ગુજરાતમાં ભાજપ 20 વર્ષોથી સત્તામાં છે. ભાજપની રાજ્યનાં શહેરી ક્ષેત્રો પર મજબૂત પકડ છે અને અર્ધ શહેરી ક્ષેત્રોમાં પણ ખૂબ લોકપ્રિય છે.

જો કે છેલ્લા ઘણા સમયથી સત્તા પર હોવા છતાં આ પક્ષનાં સમર્થકોમાં કોઈ કમી નથી જોવા મળી રહી.

રાજ્યમાં થયેલા વિકાસનો લાભ પણ તેમના સમર્થકોને જ મળ્યો છે. સરકાર સાથે નારાજગી છતાં તેઓ ભાજપને જ મત આપવાનું પસંદ કરશે.

તમને આ વાંચવું પણ ગમશે:

2. ગુજરાતને હિંદુત્વની પ્રયોગશાળા કહેવાય છે. ભાજપ સરકાર અને વહીવટીતંત્ર રાજ્યમાં હિંદુત્વની વિચારધારા પર કામ કરે છે.

સરકારે હિંદુત્વને વિકાસ સાથે પણ જોડ્યું છે. એ ગુજરાતના મતદાતાઓને પણ પસંદ છે.

3. ભાજપ અને મોદી અહીં મતદાતાઓને એ આશ્વાસન આપવામાં સફળ રહ્યા છે કે કોંગ્રેસ એક હિંદુ વિરોધી અને મુસ્લિમોના હિતમાં કામ કરનારો પક્ષ છે.

ગત ચૂંટણીમાં મોદીએ આ સિદ્ધાંતનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યે હિંદુઓની નફરત સ્પષ્ટપણે જોવા મળે છે.

અહીં ચૂપચાપ લોકોને એવા વીડિયો સંદેશ મોકલવામાં આવે છે, જેમાં મતદારોને યાદ અપાવવામાં આવે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો મુસ્લિમો આક્રમક હુમલો કરશે અને તેમની વહુ દીકરીઓ અહીં સુરક્ષિત નહીં રહે.

મતદારોનો મોટો વર્ગ ભાજપના આ પ્રકારના પ્રચારમાં વિશ્વાસ કરે છે.

4. કોંગ્રેસ પહેલી વખત ભાજપને આત્મવિશ્વાસ સાથે પડકાર આપવા પ્રયાસ કરી રહી છે. પરંતુ આગામી મુખ્યમંત્રી રૂપે તેણે કોઈને પણ રજૂ નથી કર્યા.

કોંગ્રેસે રાજ્યના વિકાસ માટે કોઈ યોજનાનો ખુલાસો પણ નથી કર્યો. મોદી આગામી અઠવાડીયામાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. તો બીજી તરફ કોંગ્રેસે તેનો ચૂંટણી પ્રચાર અગાઉથી જ શરૂ કરી દીધો છે.

મોદી ગુજરાતના રાજકારણના માસ્ટર છે અને કોંગ્રેસ તેમના કદનું આકલન કરવામાં સક્ષમ હશે તે કહેવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે.

5. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદી માટે ગુજરાતમાં જીત મેળવવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

જો એમ નથી થતું તો તેઓ ન ફક્ત રાજકીય રૂપે કમજોર બની જશે, પણ પાર્ટી પર તેમની પકડ પણ ઢીલી પડી જશે.

એ માટે ગુજરાતમાં જીત તેમના માટે 'કરો કે મરો'ની સ્થિતિ જેવી છે.

આ ચૂંટણીમાં જીત માટે ભાજપ તેના બધા સંસાધનો અને રાજકીય દાવપેચનો ઉપયોગ કરશે.

નિશ્ચિત રૂપે કોંગ્રેસ માટે આ પડકારનો સામનો કરવો ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો