ઉના દલિતકાંડના પીડિતો હિંદુ ધર્મ છોડીને શા માટે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

ઉના દલિતકાંડને બે વર્ષ થવા આવ્યા છે, તેમ છતાં આજે પણ આ ઘટનાના પીડિતો પર હુમલા અને તેમને ધમકીઓ મળવાનો સિલસિલો ચાલું છે. છાશવારે મળતી ધમકીઓ અને જાતિગત ભેદભાવથી કંટાળીને પીડિત પરિવાર 29 એપ્રિલના રોજ બુદ્ધ પૂર્ણિમાના એક દિવસ પૂર્વે ધર્મ પરિવર્તન કરવાનો છે. જાતિગત ભેદભાવ અને અત્યાચાર મામલે વિરોધ દર્શાવવા આ પરિવાર ઉપરાંત કેટલાંક અન્ય દલિતો ઉનામાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઉનાકાંડના પીડિતો પર ફરીથી હુમલો થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિત અશોક સરવૈયા અને રમેશ સરવૈયા પર બુધવારના રોજ આ હુમલો કરવામાં આવ્યો હતો.

'હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી આપી'

અત્યાચાર અને ધર્મ પરિવર્તન મામલે ઉના દલિતકાંડના પીડિત વસરામ સરવૈયાએ બીબીસી સાથે વાતચીત કરી.

વાતચીતમાં તેમણે કહ્યું કે તેમના ભાઈ અશોક અને રમેશ પર હુમલો કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું,"મારા બન્ને ભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેમને આંતરીને હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનારા લોકો દલિતકાંડ કેસના આરોપી હતા."

"હુમલાખોરોએ અમને ધમકી આપી છે કે જો અમે કેસ પરત નહીં લઈશું તો પરિણામ ભોગવવું પડશે અને જાનથી મારી નાખવામાં આવશે."

વસરામ સરવૈયા અને તેમનો પરિવાર બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યો છે. જે પાછળ ન્યાય ના મળવાની ફરિયાદ અને સરકારે કશુંય ના કર્યું હોવાની રાવ જવાબદાર છે. તેમણે કહ્યું, "અમે હજુ પણ જાતિવાદ અને ભેદભાવ સહન કરી રહ્યા છે. અમને ધમકીઓ મળી રહી છે. અને એટલે જ અમારા બાપદાદાનો જે મૂળ ધર્મ હતો તે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માગીએ છીએ."

"માણસ-માણસ સમાન છે અને જાતિવાદ સંબંધે કોઈ હકારાત્મક પરિવર્તન આવે તે માટે અમે આવું પગલું ભરવા જઈ રહ્યાં છે."તેમણે ઉમેર્યું, "બાબા સાબેહ આંબેડકરનું બંધારણ જોખમમાં છે. અમે બાબાસાહેબના માર્ગ પર ચાલીશું. કેમ કે તેમણે ભેદભાવના વિરોધમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો આથી અમે પણ ધર્મ પરિવર્તન કરીશું."

"અમે અમારા પર વધુ અત્યાચાર અને શોષણ નહીં થવા દઈશું. અમારી આર્થિક સ્થિતિ પણ નબળી છે એટલે હવે અમારે શિક્ષિત થઈ, એક થઈને સંઘર્ષ કરી પરિસ્થિતિ બદલવી છે."

પીડિત પરિવાર બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે

અત્રે નોંધવું રહ્યું કે 29 એપ્રિલના રોજ ઉનાના મોટા સમઢિયાળામાં 100થી વધુ દલિતો ધર્મ પરિવર્તન કરવાના હોવાનો ઉનાના પીડિત પરિવારનો દાવો છે.

જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉનામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 100થી વધુ પોલીસકર્મીઓ ખડકી દેવાયા છે.

જ્યારે પીડિત પરિવારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

પરિવાર પર કરવામાં આવેલા હુમલા અને ધર્મ પરિવર્તનના કાર્યક્રમ વિશે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ખુમાણે બીબીસીને જણાવ્યું કે, "બુધવારે પીડિત પરિવાર પર હુમલો થયો હતો. બનાવની જાણ થતા જ હું ઘટના સ્થળે પહોંચી ગયો હતો."

"ત્યાર બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ છે."

પરિવારની સુરક્ષા અને 29મી તારીખના કાર્યક્રમ મામલે તેમણે કહ્યું કે પીડિત પરિવારના ઘરે વધારે પોલીસકર્મી ખડકી દેવાયા છે. ઉપરાંત આગામી કાર્યક્રમ માટે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

'ક્યારેક વિચાર આવે છે મુસ્લિમ ધર્મ અપનાવી લઉં'

ઉનાકાંડ બાદ પરિવારની શું સ્થિતિ છે અને તેમનો પરિવાર ધર્મ પરિવર્તન વિશે શું વિચારે છે તે મામલે સરવૈયા પરિવારે બીબીસી સાથે વાતચીત કરી.

પીડિત સરવૈયા પરિવારના બાલુભાઈ સરવૈયાએ આ મામલે કહ્યું, "ઉનાની ઘટના પછી સ્થિતિમા ખાસ ફેર નથી પડ્યો. હંમેશાં મનમાં ડર રહ્યા કરે છે. પણ હવે અમે ડરીશું નહીં."

"મારા દીકરાઓ પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. વાંરવાર ધમકીઓ મળે છે. ગામના લોકો સલાહ આપે છે કે હું દીકરાઓને ગામથી દૂર સુરક્ષિત મોકલી દઉં."

ધર્મપરિવર્ત વિશે તેમણે કહ્યું કે ''ખરેખર અમારે જ્યારે ઉનાકાંડ થયો ત્યારે જ ધર્મ પરિવર્તન કરી લેવો જોઈતો હતો. સરકારે અમને ઘણા વાયદા કર્યા પણ તે પૂરા ના કર્યા. મળેલી સહાય પણ કેસ લડવામાં વપરાઈ ગઈ છે.''

'અમને હિંદુ નથી માનવામા આવતા'

બાલુભાઈએ વધુમાં કહ્યું, "ખરેખર અમે હિંદુ છીએ તોપણ અમને હિંદુ નથી માનવામાં આવતા. મને તો વિચાર આવે છે કે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરી લઉં."

"અમારે હવે ગુલામીમાં નથી જીવવું. બાબા સાહેબના રસ્તા પર ચાલીમે ક્રાંતિ લાવવી છે. ધર્મ પરિવર્તનનો નિર્ણય અમે વિચાર્યા વગર નથી કર્યો."

"હવે મૃત પશુનું ચામડું ઉતારવાનું કામ અમે નથી કરતા. અમને આશા છે પરિવર્તન જરૂર આવશે."

ઉનાકાંડની દુઃખદ ઘટના યાદ કરતા બાલુભાઈ કહે છે,"જ્યારે મારા દીકરાઓ પર અત્યાચાર થઈ રહ્યો હતો ત્યારે મને જાણ થતા હું શ્વાસ અધ્ધર રાખીને બચાવા દોડ્યો હતો."

"પણ દીકરાઓની માતાની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ હતી. આજે પણ અમારા ઘા તાજા જ છે."

ધર્મપરિવર્તન કાર્યક્રમના આયોજનમાં દલિત આગેવાનોની ભૂમિકા વિશે તેમણે કહ્યું કે અમે દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીને આમંત્રણ આપ્યું છે.

ઉના કાંડ : જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા મોટા સમઢિયાળા ગામમાં 11 જુલાઈ, 2016ના રોજ કેટલાંક દલિત યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો.

મૃત ગાયને લઈને જઈ રહેલાં આ દલિત યુવાનોને કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ માર માર્યો હતો.

અહીંથી ન અટકતા આ ઘટનાનો વીડિયો તેમણે જાતે વાયરલ કર્યો અને મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પીડિત યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા બાદ મામલો વધુ ગંભીર બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા કુમારી માયાવતી પણ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા.

દલિતો પર હુમલાના અન્ય બનાવો

વધુમાં ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ વિશે વાત કરીએ તો ગત વર્ષે ગાંધીનગરના લિંબોદરા ગામમાં મૂછ રાખવા મામલે એક દલિત યુવાનને માર મારવામાં આવ્યો હતો.

જ્યારે આણંદ જિલ્લાના ભાદરણિયા ગામમાં ગરબા જોવા જતાં થયેલી બબાલ બાદ દલિત યુવાનની હત્યા કરવામાં આવી હતી.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા દલિત યુવાને તેના બાઈક પર 'બાપુ' લખાવ્યું હતું. આથી કેટલાંક શખ્સોએ તેના ઘરે આવી 'બાઈક પર બાપુ કેમ લખાવ્યું છે?' તેમ પૂછી અપમાનજનક શબ્દો કહી માર માર્યો હતો.

વળી આણંદ જિલ્લાના જ ભાદરણિયા ગામમાં એક દલિત યુવકને ગરબા જોવા જવા બદલ માર મારવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ ભાવનગરમાં એક દલિત યુવકની કથિતરૂપે ઘોડો રાખવા બદલ હત્યા કરી દેવાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો