You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગ: ઝૈનબની હત્યાથી પાક.માં 'નિર્ભયા' જેવો આક્રોશ પેદા થશે?
- લેેખક, શુમાઇલા ઝાફરી
- પદ, પાકિસ્તાનથી, બીબીસી સંવાદદાતા
મને આજે એવા જ ડરનો અનુભવ થાય છે, જેવો પાંચ વર્ષ પહેલા થયો હતો. દિલ્હીના રસ્તાઓ પર ચાલતી બસમાં 'નિર્ભયા'નો સામૂહિક બળાત્કાર થયો હતો.
મને યાદ છે કે એ સમયે હું એટલી હદે ડરી ગઈ હતી કે, બીમાર પડી ગઈ હતી.
મારી અંદર અસુરક્ષાની ભાવના ઉત્પન્ન થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં બે દેશો વચ્ચે જે અંતર છે તે ગૌણ બની જાય છે.
આવી જ ઘટના હવે પાકિસ્તાનમાં ઘટી છે. એ ઘટનાને એક અઠવાડિયા કરતા વધારે સમય વીતી ગયો છે.
કસૂરની રહેવાસી સાત વર્ષની માસૂમ બાળકી ઝૈનબ પર પહેલાં બળાત્કાર થયો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી દેવાઈ.
હું ફરી એક વખત દુઃખી છું, નિરાશ છું અને પરેશાન છું.
દરરોજ શારીરિક હિંસાના 11 કેસ નોંધાય છે
આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસની અંદર જ શારીરિક શોષણ સંબંધિત અનેક કેસ દાખલ થયા છે.
એવું નથી કે આ પ્રકારની ઘટનાની પીડાથી પસાર થનારી ઝૈનબ એકમાત્ર બાળકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્લામાબાદ સ્થિત બાળ અધિકાર સંગઠન 'સાહિલ' અનુસાર પાકિસ્તાનમાં રોજ બાળ યૌન શોષણના સરેરાશ 11 કેસ નોંધાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
ઘણાં લોકો માને છે કે ઝૈનબની ઘટના બાદ પાણી ગળાની ઉપર પહોંચી ગયું છે.
વર્ષ 2016માં પંજાબ (પાકિસ્તાન) પોલીસના પ્રમુખે કોર્ટમાં જે આંકડા રજૂ કર્યા હતા તેના આધારે પંજાબમાં 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી બાળકીઓ સાથે બળાત્કારના 107 કેસ દાખલ કરાયા હતા.
ગત વર્ષે આ આંકડો વધીને 128 પર પહોંચી ગયો હતો.
આ મામલાઓમાં આરોપીઓને પકડવાના આંકડા પર નજર કરીએ તો આપણું માથું શરમથી ઝૂકી જશે.
વર્ષ 2017માં એક પણ વ્યક્તિની આવા મામલે ધરપકડ થઈ નથી.
આરોપીઓને સજા મળતી નથી
'સાહીલ' એનજીઓનાં કાર્યકારી નિર્દેશક મનીઝ બાનો માને છે, "ઘણી વખત પોલીસ પાસે પુરતા પુરાવા હોતા નથી. ઘણી વખતે કાયદાકીય મર્યાદાઓને કારણે બળાત્કારના મામલાઓ અનિર્ણિત રહી જાય છે."
"પરંતુ તે છતાં હું માનું છું કે આ સરકારની જવાબદારી છે કે તે આરોપીઓની ધરપકડ કરે અને પીડિતો સુધી ન્યાય પહોંચાડે. વહીવટીતંત્રની પણ જવાબદારી છે કે તે સમાજને સુરક્ષિત અનુભવ કરાવે."
દિલ્હીમાં નિર્ભયા કોઈ પહેલી યુવતી ન હતી કે જેની સાથે બળાત્કાર થયો હતો.
પરંતુ એ ઘટનાથી લોકોનો આત્મા ધ્રુજી ઉઠ્યો હતો.
સમગ્ર દેશ એ વિભત્સ ઘટનાથી પોતાને જ પીડિત માનવા લાગ્યો હતો. તેના ગુસ્સાએ રસ્તાઓ પર કબજો મેળવી લીધો હતો.
નિર્ભયાના આરોપીઓને સજા થઈ અને નિર્ભયાનું મૃત્યુ ભારત માટે એક ઐતિહાસિક ઘટનાના રૂપમાં દાખલ થઈ ગયું.
પાકિસ્તાનના રસ્તાઓ પર રોષ
કંઈક એવો જ ગુસ્સો પાકિસ્તાનના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે.
ઝૈનબ સાથે બળાત્કાર અને ત્યારબાદ તેમની હત્યાએ સામાન્ય જનતાને વિચારવા માટે મજબૂર કરી છે.
લોકો તે ઘટનાને ભૂલી શકતા નથી. પાકિસ્તાનમાં પણ લોકો અત્યારે એવો જ અનુભવ કરી રહ્યા છે, જેવો પાંચ વર્ષ પહેલા લોકો ભારતમાં કરી રહ્યા હતા.
આ ગુસ્સા અને નારાજગીનું કારણ સ્પષ્ટ છે. કસૂરમાં ગત એક વર્ષમાં 12 છોકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
કાયદા પ્રવર્તન એજન્સીઓના આધારે 12માંથી 9 છોકરી પર ઓછામાં ઓછા એક વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો છે.
ઝૈનબ સાથે બળાત્કાર અને હત્યાએ વર્ષ 2015ની યાદોને તાજી કરી નાખી છે.
એ સમયે કસૂરમાં એક સેક્સ સ્કેન્ડલના સમાચાર મળ્યા હતા જેમાં હુસૈન ખાન વાળા ગામમાં મોટી સંખ્યામાં બાળકીઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું અને મોબાઇલ પર તેમની ફિલ્મ બનાવવામાં આવતી હતી.
આ ઘટનાએ સમગ્ર દેશને આશ્ચર્યમાં મૂકી દીધો હતો.
આ ઘટનાના એક વર્ષ બાદ પાકિસ્તાનની સંસદમાં એક કાયદો પાસ થયો જેમાં સગીર સાથે શારીરિક શોષણને અપરાધ ઘોષિત કરાયો હતો.
આ અપરાધ માટે સાત વર્ષની સજા નક્કી કરવામાં આવી હતી. આ પહેલાના કાયદામાં બળાત્કારને અપરાધ ઘોષિત કરાયો હતો.
લોકોની સમજ બદલવાની જરૂર
પરંતુ શું કાયદો બદલ્યા બાદ કસૂરમાં બાળકીઓને ન્યાય મળી શક્યો? આ સવાલનો જવાબ છે, 'ના'.
બાળકીઓ સાથે શારીરિક શોષણના મામલે માત્ર બે લોકો પર જ આરોપ સાબિત થઈ શક્યા છે.
મોટાભાગના આરોપીઓ ક્યાં તો છૂટી ગયા, નહીં તો તેમને જામીન મળી ગયા.
એ જ કારણ છે કે લોકો ઝૈનબના મામલાને ખતમ કરવા માગતા નથી.
તેઓ મીડિયામાં આ મુદ્દા પર ચર્ચા ચાલુ રાખવા માગે છે.
કેટલાક લોકો માને છે કે આ સરકારની નિષ્ફળતા છે. તો કેટલાક લોકો ઝૈનબ સાથે જે ઘટના ઘટી તેના માટે તેનાં માતા-પિતા અને સમાજને દોષિત ગણાવી રહ્યા છે.
જોકે, જેમ જેમ દિવસો વિતી રહ્યા છે, નિરાશા વધતી જઈ રહી છે.
કોર્ટ પોલીસ માટે ડેડલાઇન આગળ ખસકાવતી જઈ રહી છે અને પોલીસ તપાસની હદનો વિસ્તાર કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.
ઘણા કાર્યકર્તા દોષિતોને પકડવા માટે રેલીઓ કરી રહ્યા છે. તેમની માગ છે કે જવાબદાર પેરેંટિંગ માટે પાઠ્યક્રમમાં ફેરફારની જરૂર છે.
તેઓ ઇચ્છે છે કે બાળકોને તે વિષય વિશે જણાવવામાં આવે છે જેમના પર વાત કરવા માટે હિચકિચાટનો અનુભવ થાય છે.
આ અવાજને બુલંદ કરનારા લોકોમાંથી એક છે અભિનેતા એહસાન ખાન.
થોડા વર્ષો પહેલા તેમણે બાળ યૌન શોષણના મામલે બનેલી ફિલ્મ 'ઉદારી'માં અભિનય કર્યો હતો.
તે સમયે તેમણે તેમજ તેમની ટીમે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
દર્શકોનું કહેવું હતું કે આ ફિલ્મમાં અસામાજિક સામગ્રી બતાવવામાં આવી છે અને ત્યારે પાકિસ્તાનની મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટીએ ચેનલ પરથી એ ફિલ્મ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.
બીબીસી સાથે વાત કરતા એહસાન ખાને જણાવ્યું, "આપણે હંમેશા આ પ્રકારની ઘટનાઓને છૂપાવવાનો પ્રયાસ કરીએ છીએ. શારીરિક શોષણથી પીડિતો સાથે આપણે ગરિમા તેમજ સન્માન સાથે વર્તાવ કરતા નથી."
શું પાકિસ્તાનની નિર્ભયા સાબિત થશે ઝૈનબ?
અત્યારે સમાજમાં બદલાવની એક લહેર જોવા મળી રહી છે.
સોશિઅલ મીડિયાના માધ્યમથી લોકો પોતાના મનની વાત રજૂ કરી રહ્યા છે. તેમાં ઘણા સેલિબ્રિટીનો પણ સમાવેશ થાય છે.
તેઓ જણાવે છે કે તેમની સાથે પણ શારીરિક શોષણની ઘટનાઓ ઘટી ચૂકી છે.
જે રીતે ઝૈનબના દોષિતોની શોધખોળ ચાલી રહી છે, શું પાકિસ્તાનનો સમાજ પોતાના આત્માની અંદર એ વાતને શોધી શકશે કે શારીરિક શોષણ પ્રત્યે પોતાના દૃષ્ટિકોણમાં પણ બદલાવ લાવવો પડશે?
ભારતમાં નિર્ભયાની હત્યા બાદ ઘણી વસ્તુઓ બદલી. યુવાઓ વચ્ચે એ વાત પર સહમતી જોવા મળી રહી છે કે તેઓ કઈ રીતે જીવન જીવવા માગે છે.
'જેંડર સેંસિટાઇઝેશન' પર ભારતમાં હવે ચર્ચા થાય છે.
મહિલાઓ પ્રત્યે સમાજમાં વિચાર બદલવા માટે ઘણા અભિયાન ચલાવવામાં આવ્યા છે. મહિલાઓને અલગ અલગ પ્રકારના કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે.
સ્કૂલોના પાઠ્યક્રમમાં ફેરફાર કરાયો છે. મહિલાઓ અને બાળકો સાથે થતી હિંસાને આપરાધિક શ્રેણીમાં સામેલ કરાઈ છે.
આ તમામ પ્રયાસોથી મહિલા સશક્તિકરણને બળ મળ્યું છે.
પરંતુ શું ઝૈનબ સાથે ઘટેલી ઘટનાને પાકિસ્તાન માટે 'નિર્ભયા' જેવી ઘટના માનવામાં આવશે?
ઝૈનબની હત્યા બાદ જે રીતે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે તે કોઈ નિશ્ચિત પરિણામ સુધી પહોંચી શકશે?
શું હવે બાકી ઝૈનબોનું ભવિષ્ય સુરક્ષિત રહી શકશે?
અને શું આ ગુસ્સો થોડા સમય બાદ ઠંડો પડી જશે એ રાહમાં ફરી કોઈ ઝૈનબ સાથે બળાત્કાર થશે અને પછી તેની હત્યા થશે અને ફરી જનતા ગુસ્સો બતાવશે?
ઇતિહાસ તો કંઈક એવું જ કહે છે કે એક દેશ તરીકે આપણે 'શોર્ટ ટર્મ મેમરી સિન્ડ્રોમ'થી પીડિત છીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો