You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની ન્યૂઝ એન્કરે શા માટે કર્યાં ભારતનાં વખાણ?
- લેેખક, વંદના
- પદ, બીબીસી સંવાદદાતા
પાકિસ્તાનમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ થવાને કારણે આખા દેશમાં વ્યાપક રોષ ફેલાયો છે. પાકિસ્તાનીઓ રસ્તાથી માંડીને સોશિઅલ મીડિયા સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે, ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.
કસૂરમાં રહેતી ઝૈનબ અંસારી પર કરવામાં આવેલા દુષ્કર્મ સંબંધે પાકિસ્તાનનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયાં છે.
કેટલાંક સ્થળોએ પરિસ્થિતિ એટલી બગડી હતી કે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો.
આ દરમ્યાન પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલનાં એક એન્કર અલગ રીતે સમાચાર વાંચતાં જોવા મળ્યાં હતાં.
'સમા ટીવી' નામની ચેનલનાં એન્કર કિરન નાઝ ગુરુવારે એક બુલેટિનમાં તેમની દીકરીને લઈને આવ્યાં હતાં.
તેમણે દીકરીને ખોળામાં બેસાડીને તેમણે ઝૈનબ અંસારી સાથેના દુષ્કર્મના સમાચાર વાંચ્યાં હતાં.
તમને આ પણ વાંચવું ગમશે
'જનાજો જેટલો નાનો એટલો ભારે'
બુલેટિનની શરૂઆત કરતાં કિરન નાઝે કહ્યું હતું, "આજે હું કિરન નાઝ નથી, પણ એક મા છું. એટલે આજે મારી બાળકી સાથે બેઠી છું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જનાજો જેટલો નાનો હોય એટલો ભારે હોય છે અને આખો સમાજ તેના ભાર તળે દટાઈ જતો હોય છે."
બીબીસીએ આ સંબંધે કિરન નાઝ સાથે વાત કરી હતી.
દીકરીને ખોળામાં લઈને સમાચાર વાંચવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે કિરન નાઝે કહ્યું હતું, "જાતને અંકુશમાં રાખવાનું મારા માટે બહુ મુશ્કેલ હતું.
"હું આખી રાત ઊંઘી શકી ન હતી અને વિચારતી રહી હતી. મારી દીકરીની આંખોમાં ઝૈનબનો ચહેરો દેખાતો હતો."
કિરન નાઝે કહ્યું હતું, "બીજા દિવસે હું ઓફિસમાં ગઈ હતી અને એ શો કર્યો, ત્યારે ઝૈનબની માતા તેનો ઉમરા (મક્કાની યાત્રા) કરીને પાછી ફરી હતી."
'મેં પીડા અનુભવી હતી'
નાઝે ઉમેર્યું, "તેમની હાલત જોઈને હું એ વિચારતી થઈ ગઈ હતી કે ભગવાન ન કરે, પણ મારી સાથે આવું થાય તો?
ઝૈનબનાં માતા તો ચાલી શકતાં હતાં, વાત કરી શકતાં હતાં. હું કદાચ કંઈ કરી શકતી ન હોત."
'તેમ છતાં દીકરીને ખોળામાં બેસાડીને સમાચાર વાંચવાનું કારણ શું?'
તેના જવાબમાં કિરને કહ્યું હતું, "મેં પીડા અનુભવી હતી, એટલે હું મારી દીકરીને લાવી હતી.
"હું એ દર્શાવવા ઇચ્છતી હતી કે મારી દીકરી મારો ગર્વ છે. દુનિયામાં બધાં માતા-પિતા માટે તેમની દીકરીઓ તેમનો ગર્વ હોય છે."
કિરન નાઝે સવાલ કર્યો હતો, "તમે અમારા ગર્વ સાથે દુષ્કર્મ કરશો? તેને કચરામાં ફેંકશો?
"આપણે જંગલમાં નથી રહેતા. આપણે માણસ છીએ અને આ આપણાં સંતાનો છે.
"ઝૈનબ માટે અવાજ ઉઠાવવા હું મારી દીકરીને, મારા ગર્વને લઈને સમાચાર વાંચવા બેઠી હતી."
'મને સફળતા મળી'
દીકરીને ખોળામાં બેસાડીને સમાચાર વાંચવાનું પરિણામ શું આવ્યું?
આ સવાલના જવાબમાં કિરન નાઝે કહ્યું હતું, "તમે લોકો મારી સાથે વાત કરી રહ્યા છો. હું થોડીઘણી સફળ થઈ હોઉં એવું મને હવે લાગે છે.
"આપણે આપણાં બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશે માહિતગાર કરવાં જોઈએ, એવી સલાહ આપણને આપવામાં આવે છે.
"મારી દીકરી તો છ જ મહિનાની છે. એ વિશે તેને હું કઈ રીતે કહું?"
કિરન નાઝે એમ પણ કહ્યું હતું, "આ પ્રકારની ઘટનાઓ રોજ નિહાળતા રહેવાની હિંમત લોકોમાં નથી.
"પોતાનાં નાનાં-નાનાં બાળકોને રોજ ઉઠાવીને કબરમાં દફન કરે અને ક્રૂર ગુનેગાર કદાચ ઝડપાઈ જશે એવું વિચારતાં રહે એ યોગ્ય નથી.
"હવે પાણી માથાની ઉપરથી વહી રહ્યું છે એટલે સમગ્ર પાકિસ્તાનના લોકો બહાર આવ્યા છે."
ભારતમાં મળેલા પ્રતિસાદથી ખુશ
આ ઘટના બાબતે ભારતમાં મળેલા પ્રતિસાદથી પાકિસ્તાની એન્કર બહુ ખુશ છે.
તેમણે કહ્યું હતું, "ભારતમાં જે રીતે આ બાબત ચર્ચાઈ રહી છે અને મીડિયા તેને ટેકો આપી રહ્યું છે તેનાથી હું બહુ રાજી છું.
"અહીં બને કે સરહદ પાર બને, આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકાવું જોઈએ, એવું હું ઇચ્છું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો