બ્લોગઃ બાળકીને ખોળામાં બેસાડીને સમાચાર વાંચવાથી શું સિદ્ધ થાય છે?

    • લેેખક, દિપક શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્યમ વર્ગ સાથે સંબંધ ધરાવતા લોકોને બાહ્ય પ્રદર્શન કરવામાં ખૂબ મજા પડે છે.

દેખાડો માત્ર ઘર, ગાડી, અને કીમતી સામાનનો જ નહીં, પણ ક્યારેક ક્યારેક પોતાના બાળકોનો પણ કરી નાખે છે.

જરૂરિયાતો સામે લડતા અને લક્ઝરી સાથે જીવન વિતાવવાના સપનાં જોતાં પરિવારો માટે તેમનાં બાળકો જ તેમની સૌથી મોટી સંપત્તિ હોય છે.

તેમની ભાવનાઓ તેમજ આશાઓનું સૌથી મોટું રોકાણ પણ તેમનાં બાળકો જ હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

આપણા લોકો વચ્ચે જ ઘણાં લોકો એવા હશે કે જેમને નાનપણમાં મહેમાનો સામે 'પરફોર્મ' કરવા માટે તૈયાર કરવામાં આવતા હતા.

પોતાનાં બાળકો જ્યારે તેમનાં મનપસંદ ગીત કે કવિતા સંભળાવતા અથવા તો ડાન્સ કરતા, તે સમયે માતા પિતાની અંદર છૂપાયેલો ગર્વ તમે પણ અનુભવ્યો હશે.

ટીઆરપીની હોડ

જોકે, ઘણી વખત આ ગર્વ અને આશા બાળકના મનમાં બંધનાવસ્થા જેવું સ્વરૂપ ધારણ કરી લે છે.

નાના શહેરો અને વિસ્તારોના બાળકોને આજે પણ તેમના કુદરતી ભોળા હૃદય સાથે જીવવાની સ્વતંત્રતા છે.

ત્યાં પરિવાર આજે પણ સરળ જીવન વિતાવે છે અને દરેક વખતે પ્રથમ ક્રમાંક મેળવવો, તે જીવન જીવવાની જરૂરી શરત નથી.

જોકે રિઆલિટી ટીવીના જમાનામાં વાસ્તવિકતા ઝડપથી બદલાઈ રહી છે.

દેશ અને સમાજના દૂર વિસ્તારમાંથી આવતા આંચલ ઠાકુર અને બુધિયાને ટીવી સ્ક્રીન પર ચમકતા જરા પણ સમય લાગતો નથી.

ઢગલાબંધ આંકડામાં ટીઆરપી મેળવનારા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઊમટી પડતી ભીડ પર વર્ગ, જાતિ, રંગ જેવી મર્યાદાઓ અસર કરતી નથી.

મનોરંજનના કારોબારમાં અઢળક પ્રતિભા મળે છે. દર્શકોની હદ પણ દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે.

તેના બદલે એ વિસ્તારના લોકોને પણ સ્વપ્ન જોવાનો હક મળે છે, જ્યાંથી દિલ્હી નક્શામાં પણ દૂર જ નજરે પડે છે.

દર્શકોને જોડવા માટે દબાવ

પરંતુ આદત બનાવીને દર્શકોની વફાદારી જીતવાની રણનીતિમાં બ્રેકીંગ ન્યૂઝ અને ભાવનાઓનો ડોઝ સતત વધારવો પડે છે.

સુંદર ચહેરા અને ભાવનાઓ પીરસવા સિવાય બાળકો પણ આ હિટ ફૉર્મ્યૂલાનો ભાગ છે.

તે જ કારણ છે કે ટેલેન્ટ કાર્યક્રમોમાં બાળકોનું હુનર અને વાતો તેમની ઉંમર સાથે દગાખોરી કરતી જોવા મળે છે.

તમને ઑનલાઇન શોપિંગના ફાયદા બતાવવા માટે તે બાળકોને તમારી ઉંમરનું રૂપ આપી રજૂ કરવામાં આવે છે.

દર્શકોની આંખો ટકાવી રાખવા માટે આટલું દબાણ ક્યાંય નથી હોતું, જેટલું 400 કરતા વધારે ન્યૂઝ ચેનલ ધરાવતા ભારતીય ટીવી માર્કેટમાં જોવા મળે છે.

ભાવનાઓ પીરસવા માસૂમિયતનો ઉપયોગ

આ મામલે પાકિસ્તાન પણ ભારત કરતાં કંઈ કમ નથી. ત્યાં પણ ઘણી વખત સંપાદકીય મર્યાદા રેટિંગના ફૉર્મ્યૂલામાં ઘોળાતી જોવા મળે છે.

તેના માટે જ્યારે પાકિસ્તાની ન્યૂઝ એન્કર કિરણ નાઝ બળાત્કારના સમાચાર પોતાની સાત વર્ષની બાળકીને ખોળામાં બેસાડીને વાંચે છે, ત્યારે ખબર તો આપોઆપ બની જાય છે.

નાઝનો આ અંદાજ ભારતીય ટીવી ચેનલ પર પણ દિવસ-રાત જોવા મળ્યો હતો. યૂ-ટ્યૂબ પર પણ કિરણ નાઝનો પોતાની દીકરી સાથે ફેસબુક લાઇવનો વીડિયો હાજર છે.

1 જાન્યુઆરી 2018ના રોજ અપલોડ થયેલા વીડિયોમાં તેઓ પોતાની દીકરી આયેશા સાથે એક એવા રૂમમાં બેઠેલાં નજરે પડે છે, જે મેકઅપ રૂમ જેવો દેખાય છે.

વીડિયોમાં નાઝ પોતાના આગામી કાર્યક્રમની જાણકારી આપે છે અને પોતાના દર્શકોના સંદેશાઓ વાંચે છે.

પરંતુ એમ કરવા માટે નાની દીકરીનું શું કામ હતું? દર્શકોને તેનો જવાબ ક્યાંય ન મળ્યો. કિરણ નાઝના નવા વીડિયોને ચાર જ દિવસમાં લગભગ આઠ ગણી વધું લાઇક્સ મળી છે.

હવે એ વાત અલગ છે કે નાનકડી આયેશા પહેલા વીડિયોમાં પોતાની મમ્મીના ફેનફેયરથી બેફિકર છે ત્યાં જ બીજા વીડિયોમાં તે પોતાની માની ચિંતાથી અજાણ છે.

"આજે હું કિરણ નાઝ નથી, આજે હું મા છું. એ જ કારણોસર આજે હું મારી દીકરી સાથે બેઠી છું."

નાઝ કંઈક આ રીતે વાયરલ બુલેટીનની શરૂઆત કરે છે. ભાવનાઓ ટપકાવતી સ્ક્રીપ્ટમાં નાનો જનાજો ભારે હોવાના સંવાદે ખૂટતું કામ કરી લીધું.

પરંતુ ફ્રેમમાંથી ગુમ લેપટોપ પર નાચતી બાળકીની આંખોમાં તો મસ્તી જ ભરેલી હતી.

વાસ્તવિકતા બતાવવા ભાવનાઓ મહત્ત્વપૂર્ણ?

માના શબ્દો આયેશા પર કોઈ અસર પાડી શક્યા નહીં. બાળકીને ખોળામાંથી ઉતારવા જેવા વ્યવહારિક કામને પણ કિરણ નાઝે સારી રીતે કરીને બતાવ્યું અને એ પણ સંવાદની ભાવુકતા જળવાઈ રહે તે રીતે.

જૈનબના સમાચાર રજૂ કરતા સમયે કિરણ નાઝનું પત્રકાર પહેલાં મા બની જવું એટલું પણ અસામાન્ય નથી.

આખરે પત્રકાર પણ પરિવારો, જ્ઞાતિઓ, સંબંધો, વિસ્તારો અને પોતાના અનુભવોમાંથી પસાર થઈને આવે છે.

પરંતુ કોરા તથ્ય પર પોતાની થોડી પણ છાપ છોડવી દર્શક કે વાચકના નિષ્પક્ષ જાણકારી મેળવવાના અધિકાર વિરુદ્ધ છે.

પછી તે ભાવના કે વિચાર ગમે તેટલા યોગ્ય કેમ ન હોય.

સમાચાર પર ક્લિક માટે સતત નખાય છે 'ઘાસચારો'

સમાચાર પર તમારા ક્લિક માટે 'ઘાસચારો' નાખવાના આ જમાનામાં પત્રકારત્વના મૂળ સિધ્ધાંતો પાછળ છૂટી રહ્યા છે.

ભાવિ સત્ય એટલે કે 'પોસ્ટ ટ્રુથ'ના કાળમાં એ વાસ્તવિકતા શા કામની, જેનાંથી કોઈ પ્રકારની ભાવના ઉત્પન્ન ન થઈ શકે.

શો મામલે બીબીસી સાથે વાતચીત કરતા કિરણ નાઝે કહ્યું કે, "મેં એ તકલીફને અનુભવી છે અને એટલે જ હું મારી દીકરીને લઈને આવી હતી."

"હું એ બતાવવા માગતી હતી કે મારી દીકરી મારું સ્વાભિમાન છે. દુનિયામાં જે લોકોના ઘરે દીકરી હોય છે, તે તેમનું માન સન્માન હોય છે."

પણ અભિમાન સંબંધનો હોય કે દેશભક્તિનો, પણ ભલાઈ તેને કાંડા પર બાંધીને ન ચાલવામાં જ હોય છે.

તથ્યને બિલકુલ અલગ અંદાજથી જોઈ શકવું પત્રકારની આવડત પણ છે અને પડકાર પણ. લોકતંત્રમાં આવી નજરની આશા થોડી સંસ્થાઓ અને વ્યવસાય સાથે જ રાખવામાં આવે છે.

દરેક ભૂમિકા નિભાવવા ન્યૂઝ એન્કર તૈયાર

જો જૈનબ પર થયેલા અત્યાચારની વાસ્તવિકતા દર્શકોને રડાવવાના પ્રયાસમાં ન વહેતી તો કદાચ નાઝના વિશ્લેષણમાં આપણને 'કયામતના દિવસે ન્યાયની આશા' પહેલા કાયદા પાસેથી ન્યાયની માગ સાંભળવા મળતી.

મોટાભાગે પાકિસ્તાનને પાછળ છોડવાની કોઈ પણ વાત ભારતીયોને રોમાંચિત કરે છે.

પરંતુ ખબર પર ચમકતી દમકતી બનાવીને વેચવા બદલ ભારતીય ન્યૂઝ ચેનલો પર ગર્વ કરવો થોડું મુશ્કેલ કામ છે.

જ્યારે સ્ટૂડિયોમાં થતા લડાઈ ઝઘડા દર્શકોને તેમની સાથે જોડાયેલા નથી રાખતા, તે સમયે પ્રાઇમ ટાઇમના યોદ્ધા રિમોટ પર તમારી આંગળી ટકાવી રાખવાની યુક્તિ વિશે વિચારી રહ્યા હોય છે.

આપણે એમ જ આપણા સ્ટાર એન્કર્સને પહેલવાન, ખેડૂત, વકીલ કે પછી થર્ડ ડિગ્રી આપતી પોલીસના રૂપમાં જોતા રહીએ છીએ એવું નથી.

તમારા મનપસંદ ન્યૂઝ એન્કર ભક્તિથી માંડીને મસ્તી સુધી દરેક મૂડમાં પોતાને ઢાળવા માટે વ્યાકુળ હોય છે.

કેવી રીતે આવશે બદલાવ?

સાત વર્ષની જૈનબ તમારા વિસ્તારમાં રહેતી કોઈ સીતા કે સિંથિયા પણ હોઈ શકતી હતી, અથવા તો તમારી પોતાની દીકરી પણ.

ભારત- પાકિસ્તાનના કડવા સંબંધો વચ્ચે નફરત એટલી પણ ભારે નથી કે જૈનબ માટે ઉઠેલી સંવેદના સરહદોમાં બંધાઈ જાય.

પરંતુ બદલાવ તો ત્યારે જ આવશે જ્યારે લોકો પ્રદર્શન વચ્ચે છૂપાયેલા તથ્યોને સમજવાનો પ્રયાસ કરશે.

આગામી પેઢી એટલી સ્વસ્થ હોય કે તેમાં જૈનબને પીડા આપનારા ગુનેગાર સરખા માણસો જ ન હોય.

તેના માટે જરૂરી છે કે આપણે આપણા બાળકોની નિર્દોષતાને જ મોટા લોકોની દુનિયાની કુરુપ હકીકતોથી દૂષિત ન થવા દઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો