યુનેસ્કોએ જાહેર કરેલા આ નવા વિશ્વવારસા વિશે જાણો છો?

સંયુક્ત રાષ્ટ્રસંઘની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કો દ્વારા દર વર્ષે વિશ્વવારસાનાં સ્થળની યાદીમાં નવી ઇમારતો અને જગ્યાઓને સંરક્ષણ માટે સામેલ કરવામાં આવે છે. આ વખતની યાદીમાં ઘણાં સ્થળોનો સમાવશે કરવામાં આવ્યો છે. જેમાં ભારતના જયપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતનું જયપુર

'પિન્ક સિટી' તરીકે જાણીતા રાજસ્થાનના જયપુરનો વિશ્વવારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જયપુરનાં ઘણાં મકાનો વર્ષ 1727માં સિટીની સ્થાપના થઈ એ વખતનાં છે. જે આજે પણ શહેરની સુંદરતામાં વધારો કરે છે.

ભારત સહિત વિદેશના પ્રવાસીઓ માટે જયપુર આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

આઇસલૅન્ડનો વાતાનાયકુલ રાષ્ટ્રીય પાર્ક

આ જ્વાળામુખી વિસ્તાર આઇસલૅન્ડના 14 ટકા વિસ્તારમાં ફેલાયેલો છે.

આ પાર્કમાં ઘણાં ગ્લૅશિયર છે. આ સિવાય અહીં કેટલાંય સુંદર પ્રાકૃતિક જીવ, લાવા ફિલ્ડ્સ અને અનોખાં જીવજંતુ જોવાં મળે છે.

ફ્રેન્ચ ઑસ્ટ્રલ લૅન્ડ્સ ઍન્ડ સી

આ જગ્યા દક્ષિણી સમૃદ્રની મધ્યમાં છે. યુનેસ્કોએ આ નાના-નાના દ્વીપોનો વિશ્વવારસાની નવી યાદીમાં સમાવેશ કર્યો છે.

અહીં સૌથી મોટી સંખ્યામાં પક્ષી અને દરિયાઈ જીવ જોવા મળે છે. આમાં કિંગ પેન્ગ્વિનનો પણ સમાવેશ થાય છે.

પ્રાચીન જાપાનની માઉન્ડેડ ટૉમ્બ્સ

જાપાનના ઓસાકા પ્રાંતમાં 49 મકબરા છે, જે ત્રીજીથી છઠ્ઠી સદીના છે.

અહીં અલગ-અલગ આકારના ટેકરા છે, જેમાં 'કી-હોલ' જેવા એક મોટા ટેકરાનો પણ સમાવેશ થાય છે.

આ ટેકરાનું નામ સમ્રાટ નિનટોકૂના નામે રાખવામાં આવ્યું છે અને આ જાપાનનો સૌથી મોટો મકબરો છે.

ઇરાકનું બેબીલોન

કેટલાંય વર્ષના પ્રયાસ પછી પ્રાચીન શહેર બેબીલોનને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઇરાકમાં રાજકીય ઊથલપાથલના કારણે તેને ઘણું નુકસાન થયું હતું, પરંતુ હાલમાં અહીં સમારકામ ચાલી રહ્યું છે.

બગાન, મ્યાનમાર

મ્યાનમારની આ પ્રાચીન રાજધાની પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અહીં હજારો બૌદ્ધમંદિર છે. થોડે દૂરથી જોઈએ તો હજારો મંદિરવાળી આ જગ્યા ખૂબ જ સુંદર દેખાય છે.

પ્લૅન ઑફ જાર, લાઓસ

મોટામોટા પથ્થરોમાંથી બનેલાં માટલાં. આ જગ્યા સૅન્ટ્રલ લાઓસમાં આવેલી છે.

પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ હજારો રહસ્યમય પથ્થરમાંથી બનેલાં માટલાં લોહ યુગનાં છે.

તેમનું માનવું છે કે કદાચ તેનો ઉપયોગ અંતિમ સંસ્કાર સમયે કરવામાં આવતો હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો