કુલભૂષણ જાધવ પહેલાં ભારતના કેટલા 'ટાઇગર' પાકિસ્તાનમાં ઝડપાયા?

    • લેેખક, રફાકત અલી
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, લંડન

પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવ અંગે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે અને તેમની ફાંસીની સજા અંગે ફેરવિચારણા કરવાનું કહ્યું છે પાકિસ્તાનની અદાલતે 2017માં તેમને જાસૂસી કરવાના આરોપમાં દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા કરી હતી.

આંતરરાષ્ટ્રીય કોર્ટે આ ચુકાદા અંગે ફેરવિચારણા કરવાનો આદેશ આપ્યો છે અને ભારતની કૉન્સુલર એક્સેસની વિનંતી ગ્રાહ્ય રાખી છે. જોકે, કુલભૂષણની સજા રદ કરી ભારત મોકલવાની માગણી ફગાવી દીધી છે.

જોકે, જેમને જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાનમાં સજા કરવામાં આવી હોય કુલભૂષણ પહેલા ભારતીય નાગરિક નથી.

પાકિસ્તાનમાં છેલ્લા ચાર દાયકામાં એક ડઝનથી પણ વધુ લોકોને ભારતીય જાસૂસ સમજીને સજા કરવામાં આવી છે.

આમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે, પરંતુ તેમની સજા પર પણ અમલ કરવામાં આવ્યો નથી. તો તેમાંથી કેટલાક લોકોને તો જેલમાં જ 'મારી નાખવામાં' આવ્યા.

કુલભૂષણ જાધવ

પાકિસ્તાને માર્ચ, 2016માં કુલભૂષણ જાધવની ધરપકડના સમાચારની સાથે કથિત રીતે કુલભૂષણનો ખુદનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો.

વીડિયોમાં કુલભૂષણ કથિત રીતે કહે છે કે તેઓ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી છે અને બ્લૂચિસ્તાનમાં આવવાનો તેમનો હેતુ બલૂચના અલગાવવાદીઓને ભારત તરફથી મળતી મદદ પહોંચાડવાનો છે.

રિપોર્ટ મુજબ કુલભૂષણ જાધવે પાકિસ્તાનમાં પોતાનું નામ હુસૈન મુબારક પટેલ રાખ્યું હતું અને તેઓ બલૂચિસ્તાનમાં ઈરાનની સરહદેથી પ્રવેશ્યા હતા.

પાકિસ્તાને કુલભૂષણ જાધવની ધરપકડ કર્યા પછી ઈરાન પાસે માગણી કરી કે તેઓ પોતાની ધરતીનો ઉપયોગ પાકિસ્તાનની સામે ન કરે.

કુલભૂષણ જાધવ કદાચ પહેલા એવા ભારતીય 'જાસૂસ' હતા જેમની ધરપકડ પંજાબ બહારથી કરાઈ હતી.

ભૂતકાળમાં ઘણી વખત ભારતના નાગરિકની પંજાબના વિવિધ પ્રદેશોમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના ભારતીય પંજાબી હતા.

સરબજિત સિંહ

સરબજિત સિંહની ધરપકડ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ ઑગસ્ટ 1990માં કરી હતી.

ભારતનું કહેવું એવું હતું કે નશો કરેલા એક પંજાબી ખેડૂત ખેતરમાં હળ ચલાવતાં ભૂલથી સરહદ પાર કરી ગયા હતા.

પાકિસ્તાને પોતાના ફૈસલાબાદ, મુલતાન અને લાહોરમાં થયેલા બૉમ્બધડાકાના આરોપી ગણીને સરબજિત સિંહ સામે કેસ ચલાવ્યો અને તેમને મોતની સજા આપી.

સૈન્યશાસક પરવેઝ મુશર્રફના કાર્યકાળ દરમિયાન ભારત-પાકિસ્તાનની વચ્ચે આ વિશે વાર્તા ચાલી રહી હતી.

આ સમયે ભારતમાં કેટલાંક બિનસરકારી સંગઠનોએ પણ સરબજિત સિંહની મુક્તિ માટે આંદોલન કર્યાં હતાં.

ઘણી વખત એવું લાગ્યું કે પાકિસ્તાન સરકાર તેમને આઝાદ કરી દેશે, પરંતુ ચર્ચાઓ નિષ્ફળ ગયા પછી સરબજિત સિંહની આઝાદીમાં અવરોધ ઊભો થયો.

સરબજિત 2013માં કોટ લખપત જેલમાં કેદીઓના હુમલાના કારણે ઘાયલ થઈ ગયા અને હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

સરબજિતના મૃતદેહને ભારતને સોંપવામાં આવ્યો અને ભારત સરકારે સરબજિતના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

કાશ્મીર સિંહ

કાશ્મીર સિંહની 1973માં પાકિસ્તાનમાં કથિત જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનની જેલમાં 35 વર્ષ વિતાવ્યાં પછી તેમને 2008માં મુક્ત કરવામાં આવ્યા ત્યારે ભારતમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાશ્મીર સિંહની આઝાદીમાં માનવ અધિકાર કાર્યકર્તા અંસાર બર્નીની વિશેષ ભૂમિકા હતી.

કાશ્મીર સિંહ પાકિસ્તાનમાં હતા ત્યારે હંમેશાં તેઓ કહેતા હતા કે તે નિર્દોષ છે, પરંતુ જ્યારે તેમણે ભારતીય જમીન પર પગ મૂક્યો તો કથિત રીતે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે તેઓ જાસૂસી માટે પાકિસ્તાન ગયા હતા.

રવીન્દ્ર કૌશિક

રવીન્દ્ર કૌશિક એક એવા ભારતીય નાગરિક હતા જે 25 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યા. રવીન્દ્ર કૌશિક રાજસ્થાનમાં જન્મ્યા હતા.

જ્યારે તેમને ભારતીય કંપનીમાં નોકરી આપવામાં આવી ત્યારે તેઓ એક થિયેટર આર્ટિસ્ટ હતા.

પાકિસ્તાનમાં દાવો કરવામાં આવે છે કે ઉર્દૂ ભાષા અને ઇસ્લામ ધર્મનું વિશેષ શિક્ષણ આપીને તેમને નબી અહમદ શાકિરના નામથી પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા.

અને તેઓ કરાચી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા અને સૈન્યમાં રહ્યા.

રવીન્દ્ર કૌશિકની ધરપકડ પછી તેમને પાકિસ્તાનની વિવિધ જેલમાં સોળ વર્ષ સુધી રાખવામાં આવ્યા અને 2001માં તેમનું જેલમાં જ મૃત્યુ થયું.

રામરાજ્ય

2004માં કથિત રીતે લાહોરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રામરાજ્ય કદાચ એકમાત્ર એવી ભારતીય વ્યક્તિ છે જેમની 'પાકિસ્તાન પહોંચતાંની સાથે જ ધરપકડ કરાઈ'.

તેમને છ વર્ષ જેલની સજા કરાઈ અને જ્યારે તેઓ સજા કાપીને ભારત પરત ફર્યા ત્યારે ભારતીય સંસ્થાઓએ તેમને ઓળખવાથી ઇન્કાર કર્યો હતો.

સુરજિત સિંહ

સુરજીત સિંહે 30 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યાં.

તેમને 2012માં લાહોરની કોટ લખપત જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. તે ભારત પરત ફર્યા ત્યારે તેમનું કોઈએ સ્વાગત કર્યું નહોતું.

સુરજીત સિંહ દાવો કરે છે કે તેઓ પાકિસ્તાનમાં 'રૉ'ના એજન્ટ બનીને ગયા હતા, પરંતુ કોઈએ તેમની વાત પર ભરોસો કર્યો નહીં.

સુરજીત સિંહે પોતાની આઝાદી પછી બીબીસી સંવાદદાતા ગીતા પાંડે સાથે વાત કરતાં ભારત સરકારના વર્તન પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે ભારત સરકાર તેમની ગેરહાજરીમાં તેમના પરિવારને 150 રૂપિયાનું માસિક પેન્શન આપતી હતી.

દાવો કરવામાં આવ્યો હતો કે આ એ વાતનો પુરાવો છે કે તેઓ 'રૉ'ના એજન્ટ હતા.

એવો પણ દાવો કરવામાં આવ્યો કે ધરપકડ અગાઉ તેઓ 50 વખત પાકિસ્તાનનો પ્રવાસ કરી ચૂક્યા હતા અને ત્યાં પ્રવાસ કરીને દસ્તાવેજ પરત લાવતા હતા.

ગરબખશ રામ

ગરબખશ રામને 2006માં 19 અન્ય ભારતીય કેદીઓની સાથે કોટ લખપત જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

ગરબખશ રામ પાકિસ્તાનમાં કથિત રીતે શોકત અલીના નામે ઓળખાતા હતા. તેઓ 18 વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં રહ્યા.

દાવો છે કે ગરબખશ રામની 1990માં જ્યારે તેઓ પાકિસ્તાનમાં લાંબો સમય રહીને ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી.

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ તેમની ધરપકડ કરી હતી.

ભારતીય વર્તમાનપત્ર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ગરબખશ રામે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો હતો કે જે સરબજિતના પરિવારને મળી હતી તેવી તેમને સુવિધા આપવા ન આવી.

તેમનો દાવો છે કે તેમણે પંજાબના મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલ સાથે મુલાકાત પણ કરી, પરંતુ તેમને સરકારી નોકરી આપવામાં આવી નહોતી.

વિનોદ સાનખી

વિનોદ સાનખીની 1977માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી અને 11 વર્ષ પાકિસ્તાનમાં વિતાવ્યાં પછી તેમને 1988માં મુક્ત કરવામાં આવ્યા હતા.

વિનોદ સાનખીએ ભારતમાં પૂર્વ જાસૂસોની ભલાઈ માટે એક સંગઠન બનાવ્યું હતું.

પોતાની વાત કહેતા તેમણે દાવો કર્યો હતો કે તે ટેક્સી ડ્રાઈવર હતા જ્યારે તેમની મુલાકાત ભારતીય જાસૂસ સાથે થઈ. ત્યારે તેઓએ તેમને સરકારી નોકરીની ઓફર કરી હતી.'

તેઓને કથિત રીતે પાકિસ્તાન મોકલવામાં આવ્યા, પરંતુ જ્યારે તે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા તો તેમના દાવા પ્રમાણે તેમને સરકારે કોઈ મદદ કરી નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો