જસપ્રિત બુમરાહ : ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજા ભારતીય અને બીજા ગુજરાતી બૉલર, હનુમા વિહારીની સદી

    • લેેખક, આદેશકુમાર ગુપ્ત
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ટીમ ઇન્ડિયાનું સૌથી ઘાતક શસ્ત્ર ગણાતા ગુજરાતના ઝડપી બૉલર જસપ્રિત બુમરાહે સબિના પાર્કમાં રમાઈ રહેલી ટેસ્ટમાં હેટ્રિક ઝડપીને ઇતિહાસ રચ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારા તેઓ ત્રીજા ભારતીય અને બીજા ગુજરાતી બૉલર બન્યા છે.

આ અગાઉ 2001માં હરભજનસિંહે ઑસ્ટ્રેલિયા સામે અને 2006માં ગુજરાતના ઝડપી બૉલર ઇરફાન પઠાણે પાકિસ્તાન વિરુદ્ધ હેટ્રિક લીધી હતી.

એક સમયે જે મેદાનો પર વેસ્ટ ઇન્ડીઝના ઘાતક બૉલરો વિદેશી બૅટ્સમૅનોને લોહીના આંસુએ રોવડાવી કારમી હાર આપતા હતા એ જ મેદાનો પર ભારતના ઝડપી બૉલિંગ આક્રમણ સામે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોની દયનીય હાલત થશે એવું કોણે વિચાર્યું હશે.

કંઈક આવું જ સબિના પાર્ક, કિંગ્સટન જમૈકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચમાં જોવા મળ્યું.

ભારતે પ્રથમ દાવમાં કરેલા 416 રનના જવાબમાં વેસ્ટઇન્ડીઝની અડધી ટીમ તો ફક્ત 22 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, એ પણ ફક્ત 12.5 ઓવરમાં.

બીજા દિવસની રમત પૂરી થવાને અંતે વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 7 વિકેટે 87 રન છે અને તે ભારતના પ્રથમ દાવના 416 રનથી 329 રન પાછળ છે.

ભારત તરફથી લેવાયેલી 7 વિકેટમાં જસપ્રિત બુમરાહે 6 વિકેટ લીધી જેમાં એક હેટ્રિક પણ સામેલ છે. અન્ય એક વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી.

બુમરાહે 9.1 ઓવરમાં 3 મેડન ઓવર સાથે કુલ 16 રનમાં 6 વિકેટ ઝડપી હતી.

બુમરાહની હેટ્રિક

વેસ્ટ ઇન્ડીઝની ટીમના ટોચના ક્રમના 5 બૅટ્સમૅનો જસપ્રિત બુમરાહનો શિકાર બન્યા હતા. જેમાં હેટ્રિકમાં એમણે સળંગ 3 બૅટ્સમૅનોને આઉટ કર્યા.

બુમરાહના સ્વિંગ અને યૉર્કર બૉલોએ વેસ્ટ ઇન્ડીઝની બેટિંગની હાલત દયનીય કરી દીધી હતી.

બુમરાહે સૌથી પહેલા ઓપનિંગ બૅટ્સમૅન જૉન કૅમ્પબેલને 2 રન પર આઉટ કરી દીધા. એમનો કૅચ ઋષભ પંતે ઝડપ્યો હતો. એ વખતે વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર ફક્ત 9 રન હતો.

આના પછી બુમરાહે એમની ચોથી અને ઇનિંગની નવમી ઓવરમાં ડેરેને બ્રાવોને આઉટ કરી દીધા. એમનો કૅચ લોકેશ રાહુલે ઝડપ્યો. ડેરેન બ્રાવો ફક્ત 4 રન કરી શક્યા.

આના પછીના જ બૉલે બુમરાહે શમાર્હ બ્રક્સને એલબીડબલ્યૂ આઉટ કરી દીધા.

આના પછીનો બુમરાહનો બૉલ સીધો રોસ્ટન ચેજના પૅડને વાગ્યો અને અમ્પાયરે આંગળી ઊંચી કરતાં જ ઇતિહાસ રચાયો.

આ સાથે કૅપ્ટન વિરાટ કોહલી બુમરાહને ભેટી પડ્યા અને ટીમે એમને વધામણી આપી.

આ સમયે બુમરાહનું બૉલિંગ વિશ્લેષણ હતું 6 ઓવરમાં 1 મેડન અને 10 રનમાં 5 વિકેટ.

આ પછી એમણે કૅપ્ટન જેસન હોલ્ડરને પણ આઉટ કર્યા. શિમરોન હેટમારની વિકેટ મોહમ્મદ શમીએ ઝડપી હતી.

સતત બીજી ટેસ્ટમાં હીરો

મેદાન પર ભારતીય ટીમ જશ્ન મનાવી રહી હતી અને સ્ટેડિયમમાં જે થોડા ઘણા દર્શકો હતા તે દુનિયા આખીમાં પોતાની ઘાતક બૉલિંગથી રાજ કરનારી વેસ્ટ ઇન્ડીઝની ટીમનું આવું પતન જોઈ નિરાશ હતા.

આ અગાઉ એટિંગામાં રમાયેલી મૅચના પ્રથમ દાવમાં બુમરાહે 55 રન આપી 1 વિકેટ ઝડપી હતી. જોકે, બીજી ઇનિંગમાં તેઓ ઘાતક સાબિત થયા.

એ ટેસ્ટની બીજી ઇનિંગમાં એમણે ફક્ત 7 રનમાં 5 વિકેટ ઝડપી.

એમના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 318 રનના મોટા માર્જિનથી જીત મેળવી.

બુમરાહે જે રીતે બીજી ટેસ્ટમાં બૉલિંગ કરી તેના પરથી એવું લાગ્યું કે તેઓ પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં ફેંકેલા સ્પેલને જ આગળ વધારી રહ્યા છે.

હનુમા વિહારીની પહેલી સદી

આ અગાઉ ભારતે પ્રથમ દિવસના અંતે 5 વિકેટે 264 રનથી આગળ રમતા કુલ 416 રન કર્યા. ભારતની બેટિંગના હીરો હનુમા વિહારી અને ઇશાંત શર્મા બન્યા.

હનુમા વિહારીએ ટેસ્ટ કૅરિયરની પ્રથમ સદી કરી અને 111 રન ફટકાર્યા.

ઝડપી બૉલર ઇંશાત શર્માએ શાનદાર બેટિંગ કરતા 57 રન કર્યા.

આ ઇશાંત શર્માની પહેલી અર્ધસદી હતી. આ સિદ્ધિ ઇશાંતે 92 ટેસ્ટ મૅચ પછી નોંધાવી છે. અગાઉ તેમનો સર્વોચ્ચ સ્કોર 31 રનનો હતો.

આ સિવાય કૅપ્ટન વિરાટ કોહલીએ 76 રન અને મયંક અગ્રવાલે 55 રન કર્યા.

કમાલની વાત એ છે કે જે પીચ પર વેસ્ટ ઇન્ડીઝની ટીમ પત્તાંના મહેલની જેમ ઢળી પડી એ જ પીચ પર ઇશાંત શર્માએ હનુમા વિહારી સાથે મળીને આઠમી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો