You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદાર ડૅમના નિર્વાસિતો માટે અનશન ઉપર ઊતરેલાં મેધા પાટકરની તબિયત લથડી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સરદાર સરોવર ડૅમની સપાટી વધવાને કારણે અસરગ્રસ્ત થયેલાં 32 હજાર પરિવારોને માટે અનશન ઉપર ઊતરેલાં મેધા પાટકરની શનિવારે તબિયત લથડી હતી.
શનિવારે મેધાના 'નર્મદા ચૂનૌતી સત્યાગ્રહ' અનશનનો સાતમો દિવસ હતો, જ્યારે તેમને પાણી પીવડાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેઓ પચાવી શક્યા ન હતા અને ઊલટીઓ થઈ હતી.
સેંકડો સમર્થકો સાથે મેધા પાટકર મધ્ય પ્રદેશના બડવાણી જિલ્લાના બળદા ગામ ખાતે નર્મદા નદીના કિનારે અનશન ઉપર ઊતર્યાં છે.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પાટકરની મુલાકાત કરીને અનશન સમાપ્ત કરી દેવા અપીલ કરી હતી, જેને તેમણે નકારી કાઢી હતી.
પાટકર 'નર્મદા બચાવો આંદોલન'ના નેજા હેઠળ 34 વર્ષથી સરદાર ડૅમના નિર્માણ સામે લડત ચલાવી રહ્યાં છે, જેને કેટલાક લોકો 'વિકાસવિરોધી' માને છે.
'ગામોની હત્યા'
પાટકરે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "34 વર્ષનાં અમારાં આંદોલનો છતાં આજે 'ગામોની હત્યા' થઈ છે. અનેક ગામોની જમીનો ડૂબમાં ગઈ છે."
"આજે અનેક ગામોની જમીનો ટાપુમાં ફેરવાઈ ગઈ છે. જ્યાં સુધી તમામ પીડિતોનું પુનર્વસન ન થાય ત્યાં સુધી અમારું આ અનશન અનિશ્ચિતકાલીન ચાલુ રહેશે."
પાટકરના કહેવા પ્રમાણે અસરગ્રસ્તોનું પુનર્વસન થયું છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ન થયું હોવાનું તેઓ ઉમેરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેધા સાથે 10 અન્ય આંદોલનકારીઓ પણ અનશન ઉપર ઊતર્યા છે. આંદોલનકારીઓ માને છે કે 'નર્મદા તેમની જીવનરેખા છે અને તેને મરણરેખા' નહીં બનવા દેવાય.
અનશનનો ઉદ્દેશ
મેધા પાટકર સરદાર સરોવર યોજનાને કારણે વિસ્થાપિત થયેલા 32 હજાર પરિવારોના માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પુનર્વસનની માગ સાથે અનશન ઉપર ઊતર્યાં છે.
આ સાથે જ તેઓ મધ્ય પ્રદેશમાં ભાજપની શિવરાજસિંહ ચૌહાણ સરકાર દરમિયાન હાથ ધરાયેલી કેટલીક જળ પરિયોજનાઓમાં પણ તપાસની માગ કરી રહ્યાં છે.
ગુજરાતની ભાજપ સરકારનું કહેવું છે કે ડૅમનું જળસ્તર વધારીને તેણે નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના કોઈપણ આદેશનો ભંગ નથી કર્યો અને રાજ્ય પોતાના હિસ્સાનું પાણી મેળવીને જ રહેશે.
NCAએ ગુજરાત સરકારને સરદાર સરોવર ડૅમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી છે, જેના કારણે તેના કેચમૅન્ટ વિસ્તારમાં સતત જળસ્તર વધી રહ્યું છે.
NCA એ વર્ષ 1979માં જળ અને વીજ વહેંચણી સંદર્ભે એક ચુકાદો આપ્યો હતો જે 2024 સુધી તમામ પક્ષકાર રાજ્યોને બંધનકર્તા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો