You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનુચ્છેદ 370 : 'મને કાશ્મીરના નેતાઓને મળવા દો તો સંવાદ શરૂ થઈ શકે' - પાકિસ્તાનના વિદેશમંત્રી
- લેેખક, રિયાઝ સોહૈલ
- પદ, બીબીસી ઉર્દૂ
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ ભારત સાથે સશરત સંવાદની ઑફર કરી છે. તેમનું કહેવું છે કે ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટો સામે કોઈ વાંધો નથી અને તે ત્રીજા પક્ષની મધ્યસ્થીને આવકારે છે.
બીબીસી ઉર્દૂને આપેલા ઇન્ટરવ્યૂમાં કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને હંમેશાં સંવાદ ચાલુ રહે તે માટે પ્રયાસ કર્યા છે, પરંતુ ભારતમાં વર્તમાન સ્થિતિ અનુકૂળ નથી જણાતી.
કુરેશીએ માગ કરી હતી કે ભારત-પ્રશાસિત કાશ્મીરમાં કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે, મૂળભૂત અધિકારોને બહાલ કરવામાં આવે, ધરપકડ કરાયેલા કાશ્મીરી નેતાઓને છોડી દેવામાં આવે તથા તેમને (કુરેશીને) આ નેતાઓને મળવાની મંજૂરી આપવા આવે, તો બંને દેશો વચ્ચે સંવાદ ફરી શરૂ થઈ શકે તેમ છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું, "મને લાગે છે કે આ સંઘર્ષમાં મુખ્ય ત્રણ પક્ષકાર છે. જો ભારત ગંભીર હોય તો તેણે સૌ પહેલાં કાશ્મીરી નેતાઓને છોડી મૂકવા જોઈએ."
"તેમની સાથે મળવાની અને વાતચીત કરવાની મને છૂટ મળવી જોઈએ. મારે તેમની ભાવનાઓને સમજવી પડશે, કારણ કે અમે કાશ્મીરીઓની ભાવનાઓને અવગણીને વાટાઘાટો શરૂ ન કરી શકીએ."
આ અંગે ભારત ભૂતકાળમાં પણ કહેતું આવ્યું છે કે પાકિસ્તાને તેની ધરતી ઉપરથી થતી ભારત-વિરોધી પ્રવૃત્તિઓને બંધ કરે, તે પછી જ વાતચીત શક્ય છે.
પાકિસ્તાનનું કહેવું છે કે તેની ધરતી ઉપર ભારતવિરોધી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ ચાલી નથી રહી અને ખુદ તે પણ ઉગ્રપંથનો ભોગ બનેલું છે.
'યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી'
કુરેશીના કહેવા પ્રમાણે, પાકિસ્તાન યુદ્ધના વિકલ્પ ઉપર વિચાર નથી કરી રહ્યું. પાકિસ્તાને ક્યારેય આક્રમક વિદેશનીતિ નથી અપનાવી અને શાંતિ હંમેશાં જ તેની પ્રાથમિક્તા રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું કે પાકિસ્તાની સરકારે ગત એક વર્ષ દરમિયાન વારંવાર વાતચીત માટેની વાત કહી છે, જેથી કરીને બંને દેશો વચ્ચે લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉકેલી શકાય. વિશેષ કરીને કાશ્મીરનો મુદ્દો.
કુરેશીના કહેવા પ્રમાણે બંને દેશો અણુહથિયારથી સંપન્ન છે અને બંને દેશ યુદ્ધનું જોખમ વહોરી શકે તેમ નથી.
"યુદ્ધ બંને દેશો માટે વિનાશકારી બની રહેશે. સમગ્ર દુનિયા ઉપર તેની અસર થશે. સ્વાભાવિક રીતે જ યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી."
કુરેશીએ ઉમેર્યું કે જો યુદ્ધ થોપવામાં આવશે તો પાકિસ્તાનની સેના તેના માટે સજ્જ છે.
તેમણે કહ્યું, "તા. 26મી ફેબ્રુઆરીએ ભારતે આક્રમકતા દેખાડી હતી, ત્યારે ભારતને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો."
"અમે ભારતના બે જેટ તોડી પાડ્યાં હતાં, તેના એક પાઇલટને ઝડપી લીધો હતો."
"અમે ગઝનવી મિસાઇલનું પરીક્ષણ કર્યું, જે અમારી સજ્જતા દર્શાવે છે."
પાકિસ્તાનની અસરકાર ડિપ્લૉમસી
પાકિસ્તાનના વિદેશમંત્રીના કહેવા પ્રમાણે, વર્ષો સુધી કાશ્મીરના મુદ્દાને અવગણવામાં આવ્યો હતો, આજે તે ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે.
54 વર્ષમાં પહેલી વખત એવું થયું કે કાશ્મીર મુદ્દે પશ્ચિમી દેશોમાં વિરોધપ્રદર્શન થયાં અને સુરક્ષાપરિષધમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ.
જ્યારે કુરેશીને કાશ્મીર મુદ્દે અખાતનાં રાષ્ટ્રોએ મૌન સાધ્યું છે અને સંયુક્ત આરબ અમિરાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે, એવું પૂછતા તેમણે કહ્યું :
"અખાતના દેશો ભારત સાથે વેપારી તથા દ્વિપક્ષીય સંબંધ ધરાવે છે, પરંતુ કાશ્મીર મુદ્દે તેઓ સ્પષ્ટ મત ધરાવે છે."
કુરેશીએ કહ્યું, "અખાતના દેશો અમારા (પાકિસ્તાનના) મિત્ર છે. દેશનું અર્થતંત્ર સંકટમાં હતું, ત્યારે તેમણે અમારી મદદ કરી હતી. તેમણે હંમેશાં અમારી મદદ કરી છે."
"પાકિસ્તાન ડિફૉલ્ટર થવાની અણિ ઉપર હતું ત્યારે યૂએઈએ અમારી મદદ કરી. શું સાઉદી અરેબિયા અમને મદદ નથી કરતું?"
"આજે લાખો પાકિસ્તાનીઓ યૂએઈમાં કામ કરી રહ્યા છે, શું અમને તેમની પાસેથી મદદ નથી મળતી?"
"તમે જ્યારે કોઈ ધારણા બાંધો ત્યારે સમગ્ર ચિત્ર નજર સામે રાખવું જોઈએ."
કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનીઓએ હતાશ થવાની જરૂર નથી ને જ્યારે તથ્યો બહાર આવશે ત્યારે અખાતના દેશો પણ પાકિસ્તાનની પડખે ઊભા હશે.
કુરેશીના કહેવા પ્રમાણે, તેઓ ટૂંકસમયમાં યૂએઈના વિદેશમંત્રીને મળશે અને પાકિસ્તાનીઓની ભાવનાઓ તેમના સુધી પહોંચાડશે.
કુરેશીએ આશા વ્યક્ત કરી હતી કે ન્યૂયૉર્કમાં 'કાશ્મીર ગ્રૂપ'ની બેઠક યોજાશે, ત્યારે સાઉદી અરેબીયા પણ તેમાં સક્રિય ભૂમિકા ભજવશે.
કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો હોવાની વડા પ્રધાન મોદીની વાતને કુરેશીએ નકારી કાઢી હતી અને કહ્યું કે કાશ્મીર અંગે સુરક્ષા પરિષદે 11 ઠરાવ મંજૂર કર્યા છે, જે ભારતને બંધનકર્તા છે.
અમેરિકા પાસેથી આશા
પાકિસ્તાન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. કુરેશીએ કહ્યું કે અમેરિકા તથા પાકિસ્તાન વચ્ચે નિકટના સંબંધ છે.
બંને વ્યૂહાત્મક ભાગીદાર છે, આથી અમેરિકા જ ભારતને મનાવી શકે તેમ છે.
કુરેશીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ મધ્યસ્થી માટે તૈયારી દાખવી ચૂક્યા છે અને પાકિસ્તાનને તેમનો આ પ્રસ્તાવ મંજૂર છે, પરંતુ ભારત તેને નકારી ચૂક્યું છે.
કુરેશીએ કહ્યું કે ભારત સુરક્ષા પરિષદના પ્રસ્તાવોથી નાસતું રહ્યું છે.
પાકિસ્તાના પૂર્વ સૈન્ય શાસક તથા રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સમયમાં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવાદ થયો હતો, તે સમયે સમાધાનની નજીક પહોંચી ગયા હતા.
કુરેશીના કહેવા પ્રમાણે, બૅક-ચેનલથી મહદંશે પ્રગતિ થઈ હતી, પરંતુ તેમાં કાશ્મીરીઓનો મત જાણવામાં આવ્યો ન હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો