You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય અર્થવ્યવસ્થા માંદગીને બિછાનેથી ક્યારે ઊઠશે?
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
4 જુલાઈ 2019ના રોજ સંસદમાં આર્થિક સર્વેક્ષણ મામલે અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તેના પહેલા જ પ્રકરણમાં જણાવાયું કે ભારત 2024-25 સુધી વડા પ્રધાને જાહેર કરેલા લક્ષ્યાંક મુજબ 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરના કદની અર્થવ્યવસ્થા સુધી પહોંચશે.
આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતે સાતત્યપૂર્ણ વિકાસ સાધવો પડે અને ભારતીય અર્થવ્યવસ્થામાં જીડીપીના વિકાસનો દર 8 ટકા રહે તે જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય અનુભવ, ખાસ કરીને પૂર્વ એશિયાની ઉચ્ચ વિકાસ સાધતી અર્થવ્યવસ્થાઓના અનુભવ, પરથી આ વિકાસ સાધવા માટે તગડું રોકાણ, ઘરઆંગણે બચતનો ઊંચો દર અને નિકાસ મોરચે સારો દેખાવ પાયાની જરૂરિયાતો છે.
ઇકૉનૉમિક અહેવાલમાં આ રીતે વડા પ્રધાનનું સ્વપ્ન 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાના કદને વધારીને 5 ટ્રિલિયન અમેરિકન ડૉલર સુધી લઈ જવાનું છે.
આ સ્વપ્નની સિદ્ધિ અંગે વિચાર કરતા ઇન્ટરનેશનલ મૉનિટરી ફોરમ દ્વારા વર્લ્ડ ઇકૉનૉમી આઉટલુકમાં એશિયન-5 એટલે કે ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, થાઈલૅન્ડ અને વિયેતનામની અર્થવ્યવસ્થાઓનો જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાની આજુબાજુ, ઇમર્જિંગ માર્કેટ ડેવલપિંગ ઈકૉનૉમીમાં સમાવિષ્ટ દેશોનો જીડીપી વૃદ્ધિદર 4.6 ટકા, વિકસિત અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 2.1 ટકા અંદાજવામાં આવ્યો છે.
તે સાથે ચીનનો 6.9 ટકા અને ભારતનો 7.5 ટકા અંદાજ આવેલ છે.
આ પરિસ્થિતિમાં 2008-09 થી 2019-20 સુધીના જીડીપી વૃદ્ધિ દર પર એક નજર નાખી લેવી જરૂરી જણાય છે.
એક અછડતી નજર ઉપરોક્ત વિગતો ઉપર નાખીએ તો આર્થિક સર્વેક્ષણમાં 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ પાંચ મિલિયન ડૉલર બનાવવામાં સાતત્યપૂર્ણ આઠ ટકા જેટલો સરેરાશ વિકાસદર જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે અત્યારના પરિપેક્ષ્યમાં શક્ય જણાતું નથી.
આ ચર્ચાના સંદર્ભમાં હમણાં હમણાં જે સમાચારો આવવા માંડ્યા છે તે બહુ પ્રોત્સાહક નથી.
ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે ચીનનો વિકાસદર ઘટાડીને 6.2 ટકા કરી નાખ્યો છે.
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરનું આ સીધું પરિણામ છે એને કારણે ચીનની આયાત 1.7 ટકા ઘટી છે પરંતુ નિકાસ 6.4 ટકા ઘટી છે.
વિશ્વ બજારમાં ચીનનો ફાળો 17.5 ટકા થી 18 ટકા હોય છે. એટલે ચીનની અર્થવ્યવસ્થા ભારતથી વિપરીત નિકાસ ઉપર બહુ મોટો આધાર રાખે છે.
જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા આંતરિક ખરીદશક્તિ અને રોકાણ ઉપર આધારિત છે.
આ કારણથી ભારતનો વિશ્વ વ્યાપારમાં માત્ર બે ટકા કરતાં પણ ઓછો હિસ્સો છે.
તેના કારણે ચીનનો વિકાસદર ઝડપથી નીચે જઈ રહ્યો છે.
વિશ્વબૅન્કે જે રૅન્કિંગ આપ્યું હતું, તેમાં અગાઉ ભારતીય વ્યવસ્થા પાંચમા ક્રમે હતી જે 2018માં સાતમા ક્રમે આવી ગઈ છે.
આમ આર્થિક મોરચે ઝડપી વિકાસ માટેના સરકારના અત્યાર સુધીના પ્રયત્નોને સાનુકૂળ પ્રતિભાવ નથી મળ્યો.
તાજેતરમાં જ અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ મળે તે હેતુથી નિર્મલા સીતારમણે જે મુખ્ય પગલાંનું પૅકેજ જાહેર કર્યું હતું, તેમાં શોર્ટ અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઈન ઉપરથી સરચાર્જ પાછો ખેંચવાની જાહેરાત, બૅન્કોએ વ્યાજના દરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચાડવો પડશે તેવી વાત કરી હતી.
બૅન્કોની તરલતા સુધરે તે માટે 70 હજાર કરોડનું પૅકેજ, બજારમાં રોકાણ વધે તે માટે FPI અથવા સ્થાનિક રોકાણકારો માટેનો સરચાર્જ દૂર કરવો, વન ટાઈમ સેટલમૅન્ટ માટે સ્પષ્ટ અને સરળ ગાઈડ લાઇન્સ, સ્ટાર્ટઅપ માટેના એન્જલ ટેક્સની નાબૂદી, અત્યાર સુધીનું જીએસટી રિફંડ 30 દિવસમાં ચૂકવી દેવું અને ત્યારબાદ બાકી નીકળતી રકમ 60 દિવસમાં ચૂકવવી, મોટા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગોએ માલ પુરો પાડ્યો હોય તેની ચૂકવણીમાં ઝડપ અને રિફંડ ક્લેમ કરી શકાય જેવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.
આ બધું કરીને ભારતીય અર્થવ્યવસ્થા વેગવંતી બનાવવાનો પ્રયાસ હતો.
એક આશા બંધાતી હતી કે અર્થવ્યવસ્થાની ગાડી પાટા ઉપર ચડશે પણ ભારતીય રિઝર્વ બૅન્કના 2018-19ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર 5.5 ટકા રહેશે.
જેનો અર્થ એ થાય કે છેલ્લા ક્વાર્ટરનો વિકાસદર 5.8 ટકા કરતા પણ નીચો રહ્યો.
આ વિગતો ઉપરથી જણાય છે કે 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો વિકાસ દર છેલ્લા વીસ ત્રિમાસિક ગાળા કરતાં નીચો રહેવા પામ્યો છે.
આનો અર્થ એ થાય કે છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો વિકાસદર નીચામાં નીચો રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષના ત્રિમાસિક ગાળા દીઠ જીડીપી વિકાસદરની સરખામણી નીચેની આકૃતિમાં આપી છે.
આ પરિસ્થિતિમાં બૅન્કિંગ ઈન્ડિયા રેટિગ્ઝે બુધવારે (28 ઑગસ્ટ 2019) અગાઉના 7.3 ટકાના જીડીપી વૃદ્ધિદરના આ વર્ષ માટેનો વિકાસ દર ઘટાડીને 6.7 ટકા કર્યો છે.
તે છેલ્લા છ વર્ષમાં નીચામાં નીચો છે.
ક્રિસિલ હોય કે યુબીએસ બધી જ એજન્સીઓ 2019-20ના નાણાકીય વર્ષ માટે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર છેલ્લાં 6 વર્ષના તળિયે રહેશે એવું અનુમાન કર્યું છે.
તેનો અર્થ છે 2019નું નાણાકીય વર્ષ તો નિરાશાજનક રહેશે. જો આમ થવાનું હોય તો નિર્મલા સીતારમણે બુસ્ટર ડોઝ તરીકે જે પૅકેજ જાહેર કર્યું તેની વધારે અસર વર્તાશે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો