'મોદીની ટીમમાં હવે સૌ માને છે કે મંદી છે પણ તે ખરેખર કેટલી ગંભીર છે?'- દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રવીણ ચક્રવર્તી
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

દેશના અર્થતંત્રની હાલત કેવી છે તેના વિશે હાલમાં સરકારના ટોચના અમલદારો જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે.

સરકારની થિન્ક ટૅન્ક નીતિ આયોગના વડા રાજીવ કુમારે હાલમાં જ દાવો કર્યો કે વર્તમાન મંદી 70 વર્ષના સ્વતંત્ર ભારતમાં સૌથી ઘેરી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગો માટે તાત્કાલિક નીતિ બદલવી પડશે.

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે અમુક ચોક્કસ ઉદ્યોગો માટે રાહતો જાહેર કરવાના વિચારનો વિરોધ કર્યો.

તેના બદલે ભૂમિ અને શ્રમ ક્ષેત્રમાં માળખાગત સુધારા માટેની તરફેણ કરી.

નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્યો જાહેરમાં, સોશિયલ મીડિયામાં અને અખબારોમાં લેખો લખીને એક બીજાના વિચારોનો વિરોધ કરી રહ્યા છે.

ટૂંકમાં મોદીની આર્થિક ટીમના સભ્યો વચ્ચે એ બાબતમાં મતભેદ નથી કે ભારતમાં આર્થિક મંદી છે. વિખવાદ ખાલી એટલો જ છે કે આ મંદી કેટલી ગંભીર છે.

અર્થશાસ્ત્રીઓનું આ જ જૂથ થોડા વખત પહેલાં વાહ વાહ કરી રહ્યું હતું તેમાં આ મોટો ફેરફાર આવ્યો છે.

આ જૂથ ગુણગાન ગાઈ રહ્યું હતું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે અને વર્ષે 70 લાખ નોકરીઓ પેદા કરી રહ્યું છે.

હજી બે વર્ષ પહેલાં જ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીએ ભારતના સોવરિન રેટિંગને - ભારતની ધિરાણ ક્ષમતાને 14 વર્ષ પછી પ્રથમવાર અપગ્રેડ કરી હતી.

નવેમ્બર 2017માં રેટિંગમાં થયેલા સુધારાના સંદર્ભમાં આ મંદીની વાત સમજવા જેવી છે.

રેટિંગમાં વધારાને વાજબી ઠેરાવતા મૂડીએ તે વખતે કહ્યું હતું કે મોદીની આગેવાનીમાં નાટકીય રીતે 'માળખાગત' સુધારાઓ થઈ રહ્યા છે.

તે પછીના આ બે વર્ષમાં મૂડીએ ભારતના 2019ના જીડીપીના વિકાસ દરના અંદાજમાં ત્રણ વાર ઘટાડો કર્યો છે - 7.5%થી 7.4%, તેનાથી ઘટીને 6.8% અને તેને પણ ઘટાડીને 6.2% કર્યો છે.

સવાલ એ ઊભો થાય છે કે શું ભારતનું અર્થતંત્ર એટલું બધું મુશ્કેલીમાં છે, અને જો હા, તો આટલી ઝડપથી મુશ્કેલી કેમ આવી?

ભારતના એક બહુ જાણીતા ઉદ્યોગસાહસિક અને સૌથી મોટી કૅફે કૉફી ડે ચેઈનના સ્થાપકે હાલમાં જ આત્મહત્યા કરી લીધી.

દેવાનો બોજ, વિકાસમાં મંદી અને વેરા વિભાગોની કનડગતને કારણે તેમણે આવું પગલું લીધું હતું તેવું મનાય છે.

વાહનોના વેચાણમાં ઘટાડાના કારણે ઑટો ઇન્ડસ્ટ્રીમાં સીધી કે આડકતરી રીતે લગભગ દસ લાખ લોકોની નોકરી જાય તેવી શક્યતા છે.

ઉપભોક્તાની તરાહને જાણવા માટે પુરુષો અંડરવેર કેટલા ખરીદે છે તે જાણવાની બાબત ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ વડા એલેન ગ્રીનસ્પાને પ્રચલિત બનાવી હતી.

ભારતમાં પુરુષોના ચડ્ડી-બનિયાનની વેચાણ વૃદ્ધિ નેગેટિવ છે.

ભારતના જીડીપીનો બે તૃતિયાંશ ભાગ ધરાવતું ઉપભોક્તા બજાર મુશ્કેલીમાં છે.

સ્થિતિને વકરાવાનું કામ કર્યું ભારતના નાણાં પ્રધાન નિર્મલા સિતારમણના બજેટે.

તેમણે એવા વેરાની દરખાસ્તો કરી, જેના કારણે વિદેશી મૂડીનો પ્રવાહ અટકી પડે.

રોકાણકારોનો વિશ્વાસ તેના કારણે તૂટી ગયો. તેની ભારે ટીકા પછી નાણાપ્રધાને પોતાની કેટલીક દરખાસ્તો હાલમાં જ પાછી ખેંચવી પડી છે.

આ બધું દર્શાવે છે કે ભારતમાં ખરેખર ઘેરી મંદી બેઠી છે અને વેપારવાણિજ્યમાં લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે.

આર્થિક સ્થિતિ વિશેના આ કકળાટમાં માત્ર જીડીપી ઘટી રહ્યો છે એનો જ પડઘો પડે છે એવું નથી. વિકાસની ગુણવત્તા પણ નબળી છે તે તેમાં દેખાઈ આવે છે.

અર્થતંત્રના સતત વિકાસ માટે જરૂરી ખાનગી મૂડીરોકાણ છેલ્લા 15 વર્ષમાં સૌથી નીચે છે.

બીજા શબ્દોમાં કહીએ તો ખાનગી ક્ષેત્રમાં કોઈ નવું મૂડીરોકાણ આવી રહ્યું નથી.

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઘણા ઉદ્યોગપતિઓએ જાહેરમાં આર્થિક સ્થિતિનો બળાપો કાઢ્યો છે.

વેપારીવર્ગ તરફ સરકારનો અવિશ્વાસ અને વેરા અધિકારીઓ દ્વારા હેરાનગતિની ફરિયાદો જાહેરમાં ઊઠવા લાગી છે.

જોકે ભારતની આર્થિક મંદી અચાનક નથી આવી કે નવાઈજનક પણ નથી.

છેલ્લા પાંચ વર્ષથી ભારતનું અર્થતંત્ર બહુ મજબૂત બન્યું છે તેવી હેડલાઇન અખબારોમાં ચમક્યા કરતી હતી.

નાણાકીય ક્ષેત્રમાં ફસાઈ ગયેલું જંગી દેવું પણ અને ખનીજ તેલના વૈશ્વિક ભાવો કાબૂમાં રહ્યા તેના આડકતરા લાભમાં છુપાઈ ગયું હતું.

ભારતમાં સૌથી વધુ ખનીજ તેલની આયાત થાય છે. 2014થી 2016 દરમિયાન ખનીજ તેલના ભાવમાં ઘટાડાને કારણે જીડીપીમાં એક ટકાનો ફાયદો થયો હતો.

તેના કારણે અર્થતંત્રની મૂળભૂત સમસ્યા દબાઈ ગઈ હતી.

નસીબજોગે આ ફાયદો મળ્યો તેને સરકાર પોતાની આવડત સમજી બેઠી. સરકારે ગુંગળાઈ રહેલી નાણાકીય વ્યવસ્થાને બચાવવા માટે કોઈ પ્રયત્નો કર્યા નહોતા.

અધુરામાં પૂરું નરેન્દ્ર મોદીએ 2016માં ઊંચા મૂલ્યોની ચલણી નોટો બંધ કરી દેવાનું નુકસાનકારક પગલું લીધું.

નોટબંધીના કારણે અર્થતંત્રમાંથી 85 ટકા મૂલ્યનું ચલણ રાતોરાત પાછું ખેંચાઈ ગયું.

આ પગલાંને કારણે વિતરણ વ્યવસ્થા ભાંગી પડી. દેશમાં 75 ટકા રોજી પૂરી પાડતા કૃષિ, બાંધકામ અને મૅન્યુફૅક્ચરિંગ જેવા મહત્ત્વના ક્ષેત્રો ખરાબે ચડી ગયા.

નોટબંધીમાંથી અર્થતંત્ર બેઠું થાય તે પહેલાં જ સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) 2017માં જ લાગુ કરવાની ઉતાવળ દાખવી.

જીએસટીની શરૂઆત જરાય સરળ નહોતી અને પ્રારંભના ગાળામાં નાના ઉદ્યોગો અને વેપારીઓ માટે નવી વ્યવસ્થા સમજવી મુશ્કેલ બની ગઈ હતી.

અર્થતંત્રને પડેલા આવા ફટકા અને ખનીજ તેલના ભાવોમાં પણ ફરી વધારો જોવા મળ્યો ત્યારે અર્થતંત્રને આખરી ઘા થયો હતો.

લાખો લોકોએ રોજગારી ગુમાવી અને પગારવધારો અટકી પડ્યો. તેના કારણે ખરીદી ઘટવા લાગી અને અર્થતંત્ર વધારે ધીમું પડ્યું.

સંકટનો ઉકેલ સહેલો નથી

અર્થતંત્રની મુશ્કેલીને કારણે સરકારની નાણાંકીય વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ છે. વેરાની આવક ધારણા કરતાં ઓછી થઈ છે.

સોમવારે આખરે સરકારને રાહત મળી. આરબીઆઈએ નાણાંની તંગી અનુભવી રહેલી સરકારને એકવાર માટે 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. (2009થી 2014 સુધીના પાંચ વર્ષમાં કૉંગ્રેસની સરકારને આરબીઆઈએ આપેલા કુલ ડિવિડન્ડ કરતાં પણ આ વધુ મોટી રકમ છે.)

અર્થતંત્રના આ સંકટનો ઉકેલ લાવવો સહેલો નથી.

દાયકાઓથી સરકારના રક્ષણ અને રાહતથી ટેવાયેલા ભારતીય ઉદ્યોગો ફરી એકવાર વેરામાં રાહતો અને નાણાકીય સહાયની માગણી કરી રહ્યા છે.

જોકે એ સ્પષ્ટ નથી કે આવા ઉપાયોથી ખાનગી સેક્ટરમાં મૂડીરોકાણ ફરી થવા લાગશે કે સ્થાનિક બજારમાં માંગ વધશે.

ભારતને મૅન્યુફૅક્ચરિંગમાં મહારાજા બનાવવાના દાવા સાથે શરૂ થયેલો મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ નિષ્ફળ ગયો છે.

છેલ્લા પાંચ વર્ષમાં ચીજવસ્તુઓ માટેનો ચીન પરનો ભારતનો આધાર બેગણો થઈ ગયો છે.

2014માં દરેક ભારતીયના માથાદીઠ 3000 રૂપિયાની વસ્તુઓ ચીનથી આયાત થતી હતી, તે બમણી થઈને માથાદીઠ 6000 રૂપિયાની થઈ ગઈ છે.

તેની સામે ભારતની નિકાસમાં વધારો થયો નથી અને 2011ના સ્તરે જ ઠપ થઈ ગઈ છે.

તેનો અર્થ એ થયો કે ભારત પોતાના માટે કે વિશ્વ માટે વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યો નથી.

અમુક ઉદ્યોગોને દેખાવ, ખાતરના વેરા રાહત કે નાણાકીય સહાયથી રાતોરાત ભારતનું ઉત્પાદન ક્ષેત્ર સ્પર્ધાત્મક બની શકવાનું નથી.

ચીની વસ્તુઓ પરનો ભારતનો આધાર ઘટવાનો નથી.

ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધનો ફાયદો ભારતને નહીં, પણ વિએતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોને થયો છે.

આરબીઆઈએ હાલમાં જ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને ઉદ્યોગોને ઓછા દરે મૂડી મળે તે માટે પ્રયાસો કર્યા છે.

પરંતુ વસ્તુઓ અને સેવા માટેની માગ નીકળશે તો જ ઉદ્યોગો મૂડીરોકાણ કરશે.

માર્ગ ત્યારે જ નીકળશે જ્યારે પગારની આવકમાં વધારો થાય કે લોકોના હાથમાં નાણાં બચે.

ટૂંકમાં લોકોની ખરીદી વધે તે માટેના ઉપાયો તાત્કાલિક કરવા પડે તેમ છે. તે માટે લોકોને સીધી રાહત મળે તેવું કંઈક કરવું પડે.

અલબત, આવી રાહતો સાથે વેપારીવર્ગમાં ઉત્સાહ અને વિશ્વાસ વધે તેવા આર્થિક સુધારા પણ લાવવા પડશે.

આખી વાતનો સાર એ છે કે ભારતના અર્થતંત્રની સ્થિતિ સારી નથી.

ભારતની રાજકીય નેતાગીરી અવગણના કરવાના બદલે આ કપરી સ્થિતિને સમજે તે જરૂરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ મોટો જનમત મળેલો છે. અર્થતંત્રમાં ખરેખર પરિવર્તન આવે તેવા કડક પગલાં લેવાનો અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો તેમનો સમય પાકી ગયો છે.

(પ્રવીણ ચક્રવર્તી રાજકીય અર્થશાસ્ત્રી છે અને કૉંગ્રેસ પક્ષના વરિષ્ઠ સભ્ય છે. અહીં રજૂ થયેલા વિચારો અને તથ્યો એમના છે, બીબીસીના નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો