You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકાર અર્થતંત્રની મંદીને આ જાહેરાતો દ્વારા પહોંચી વળશે?
અર્થતંત્રમાં આવેલી મંદી મુદ્દે રોકાણકારો તથા ઉદ્યોગપતિઓમાં વિશ્વાસ ઊભો કરવા માટે નાણામંત્રી નિર્મલા સિતારમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.
નાણામંત્રીના કહેવા પ્રમાણે, ભારતનો આર્થિક વિકાસ દર ચીન તથા અમેરિકા જેવાં મોટાં રાષ્ટ્રોની સરખામણીમાં 'ઘણો વધારે' છે.
સિતારમણે આગામી દિવસોમાં બે તબક્કામાં વધુ કેટલીક જાહેરાતો કરવાના અણસાર પણ આપ્યા હતા.
નાણામંત્રીએ શૉર્ટ તથા લૉંગ ટર્મ કૅપિટલ ગેનની ઉપરથી સરચાર્જ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
આ સિવાય બૅન્કોએ વ્યાજના દરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચાડવો પડશે.
આ બેઠકમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુર, નાણાસચિવ રાજીવ કુમાર, મહેસુલ વિભાગના સચિવ અજય ભૂષણ પાંડેય, આર્થિક સચિવ અતનુ ચક્રવર્તી, તથા ખર્ચ સચિવ ગિરીશચંદ્ર મુર્મુ પણ સામેલ હતા.
અસર કરતી જાહેરાતો
- બૅન્કોએ વ્યાજના દરોનો ઘટાડો ગ્રાહકોને આપવો પડશે, જેથી હોમ તથા ઑટોલૉનનો હપ્તો ઘટશે.
- બૅન્કોને રૂ. 70 હજાર કરોડ તત્કાળ છૂટા કરાશે, જેના આધારે તેઓ હોમ, ઑટો, MSME ક્ષેત્રને રૂ. પાંચ લાખ કરોડ સુધીનું વધારાનું રોકાણ આપી શકશે.
- બજારમાં રોકાણ વધે તે માટે FPI તથા સ્થાનિક રોકાણકારો ઉપરનો સરચાર્જ હટાવાયો.
- દશેરાથી ઇન્કમટૅક્સ નોટિસો કેન્દ્રીય ધોરણે કાઢવામાં આવશે, જેથી કરીને સતામણીની શક્યતા ન રહે.
- અત્યાર સુધી ઇન્ક્મટૅક્સની નોટિસો કાઢવામાં આવી છે, તેને કેન્દ્રીય સ્તરે અપલોડ કરવાની રહેશે.
- જો લૉન લેનાર ચોક્કસ શરતોને પૂરી કરતો હશે તો 'વન ટાઇમ સેટલમૅન્ટ' કરી શકાશે.
- લૉનની ભરપાઈ કરી દીધા બાદ પંદર દિવસની અંદર મૂળ દસ્તાવેજ પરત મળી જશે.
- શરતોને આધારે સ્ટાર્ટ-અપ ઉપરનો એંજલ ટૅક્સ નાબૂદ કરવામાં આવ્યો.
- અત્યાર સુધીનું બાકી નીકળતું GST રિફંડ 30 દિવસમાં ચૂકવી દેવાશે અને હવે પછીની બાકી નીકળતી રકમ 60 દિવસમાં ચૂકવી દેવાશે.
- મોટા ઉદ્યોગોને MSMEએ જે માલ પૂરો પાડ્યો હોય તેની સામે તે રિફંડનો દાવો કરી શકશે.
- કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબ્લિટીને ફોજદારીને બદલે દીવાની ગુનો ગણવામાં આવશે.
- જે કેસો દંડ લઈને બંધ કરી શકાતા હશે, તેમાં કેસ દાખલ કરવામાં નહીં આવે.
- ચીન, અમેરિકા સહિત વિશ્વના અન્ય તમામ મોટા અર્થતંત્રની સરખામણીએ ભારતનો વિકાસ વધુ ઝડપે થઈ રહ્યો છે.
- આ સિવાય સીબીડીટીમાં વિશેષ સેલ ઊભો કરવામાં આવશે.
- લૉનની અરજીની પ્રક્રિયા ઑનલાઇન મૉનિટર થઈ શકશે.
- ટૅક્સની આકરણી ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરી દેવાશે.
- અમેરિકા તથા ચીનની વચ્ચે પ્રવર્તમાન વ્યાપારયુદ્ધની નકારાત્મક અસર ભારત ઉપર પડી રહી છે.
- 31મી માર્ચ 2020 સુધીમાં ખરીદવામાં આવેલાં બીએસ- IV વાહનો તેમના રજિસ્ટ્રેશન પિરિયડ સુધી દોડી શકશે.તેમની વન ટાઇમ રજિસ્ટ્રેશન ફી જૂન-2020 સુધી લંબાવી દેવામાં આવી છે.
- ઑટોમોબાઇલ સૅક્ટર માટે સરકાર સ્ક્રૅપ પોલિસી લાવશે, જે મુજબ જૂની ગાડીઓને સરેન્ડર કરી શકાશે.
- આ સિવાય સરકાર પણ નવા વાહનોની ખરીદી નહીં અટકાવે.
- સરકાર સંપત્તિસર્જકોનું સન્માન કરે છે, અમે અલગ-અલગ સૅક્ટરના લોકો સાથે મુલાકાત કરી છે અને 'વ્યાપાર કરવામાં સુગમતા' સરકારના એજન્ડામાં પ્રાથમિક્તા ઉપર છે.
- મૂડીઝના અંદાજ મુજબ ભારતનો વિકાસ 6.8 ટકાના દરે થશે એવો અંદાજ હતો, પરંતુ હવે તે ઘટાડીને 6.2 ટકા કર્યો છે.
- એવું શું થયું કે ભારતમાં ઑટો ઇન્ડસ્ટ્રીનાં પૈડાં થંભી ગયાં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો