એપ્રિલ-જૂનના જીડીપીના આંકડા જાહેર, છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નબળો વિકાસદર

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઑફિસે એપ્રિલ-જૂનના ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ત્રિમાસિક આંકડા જાહેર કર્યા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 5% નોંધાયો છે, જે આ પહેલાંના ત્રિમાસિક ગાળાના 5.8%ના દર કરતાં પણ નીચો રહ્યો છે.

તો વર્ષ 2018માં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 8% નોંધાયો છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલો આ સૌથી નબળો આર્થિક વિકાસદર છે.

મોદીનું સપનું મુશ્કેલ થયું?

બજેટ વખતે જીડીપીના વિકાસનો અંદાજ સાત ટકા રખાયો હતો એની સરખામણીમાં અર્થવ્યવસ્થા મંદી તરફ જઈ રહી હોવાનું વરિષ્ઠ અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસનું માનવું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વ્યાસ જણાવે છે, "સરકારને પણ આ અંગે જાણ છે, એટલે જ નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા તાજેતરમાં જ 'બૂસ્ટર ડૉઝ' આપ્યો હતો પણ એની ખાસ અસર થઈ હોય એવું દેખાઈ રહ્યું નથી."

આટલા વિકાસદર સાથે બજેટમાં અંદાજીત વિકાસદર હાંસલ કરવો મુશ્કેલ બની જાય એવું પણ વ્યાસનું માનવું છે.

વ્યાસ ઉમેરે છે, "વર્ષ 2024-25માં ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરવા માટે 8%નો વિકાસદર હાંસલ કરવો જરૂરી છે. હાલની પરિસ્થિતિ આ મામલે કેટલાય સવાલો સર્જી રહી છે."

વ્યાસ જણાવે છે,"2019ના જૂન માસમાં જીએસટીની આવક જે સરેરાશ એક લાખ કરોડથી વધુ રહેવી જોઈએ, એ ઘટી હતી. મંદીની પરિસ્થિતિ હોય, વેચાણ ઘટે, માગ ઘટે, ખપત ઘટે એટલે જીએસટીની આવક ઘટે અને અંદાજીત ખાધ વધે."

આવી પરિસ્થિતિમાં વ્યાસ કૃષિક્ષેત્રમાંથી પણ ખાસ મદદ મળે એવી અપેક્ષા રાખતા નથી. તેમના મતે ઔદ્યોગિક વિકાસ મંદ પડ્યો હોય અને ખપત ઘટી હોય ત્યારે સેવાકીય ક્ષેત્રનો વિકાસદર પણ ઘટે અથવા તો ઓછો રહે છે.

શું દેશમાં મંદીનો માહોલ છે?

સરકારનું થિન્ક ટૅન્ક ગણાતા નીતિ આયોગના વડા રાજીવ કુમારે હાલમાં જ દાવો કર્યો કે વર્તમાન મંદી 70 વર્ષના સ્વતંત્ર ભારતમાં સૌથી ઘેરી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગો માટે તાત્કાલિક નીતિ બદલવી પડશે.

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે અમુક ચોક્કસ ઉદ્યોગો માટે રાહતો જાહેર કરવાના વિચારનો વિરોધ કર્યો. તેના બદલે ભૂમિ અને શ્રમ ક્ષેત્રમાં માળખાગત સુધારા માટેની તરફેણ કરી.

નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્યો જાહેરમાં, સોશિયલ મીડિયામાં અને અખબારોમાં લેખો લખીને એક બીજાના વિચારોનો વિરોધ કરી રહ્યા છે.

ટૂંકમાં મોદીની આર્થિક ટીમના સભ્યો વચ્ચે એ બાબતમાં મતભેદ નથી કે ભારતમાં આર્થિક મંદી છે. વિખવાદ ખાલી એટલો જ છે કે આ મંદી કેટલી ગંભીર છે.

સુધારા છતાં મંદી આવી?

હજી બે વર્ષ પહેલાં જ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીએ ભારતના સૉવરિન રેટિંગને - ભારતની ધિરાણ ક્ષમતાને 14 વર્ષ પછી પ્રથમવાર અપગ્રેડ કરી હતી.

નવેમ્બર 2017માં રેટિંગમાં થયેલા સુધારાના સંદર્ભમાં આ મંદીની વાત સમજવા જેવી છે.

રેટિંગમાં વધારાને વાજબી ઠેરવતા મૂડીએ તે વખતે કહ્યું હતું કે મોદીની આગેવાનીમાં 'નાટકીય રીતે' માળખાગત સુધારાઓ થઈ રહ્યા છે.

તે પછીનાં આ બે વર્ષમાં મૂડીએ ભારતના 2019ના જીડીપીના વિકાસદરના અંદાજમાં ત્રણ વાર ઘટાડો કર્યો છે - 7.5%થી 7.4%, તેનાથી ઘટીને 6.8% અને તેને પણ ઘટાડીને 6.2% કર્યો છે.

સવાલ એ ઊભો થાય છે કે શું ભારતનું અર્થતંત્ર એટલું બધું મુશ્કેલીમાં છે અને જો હા, તો આટલી ઝડપથી મુશ્કેલી કેમ આવી?

વરિષ્ઠ અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તીનું માનવું છે કે વાહનોનાં વેચાણમાં ઘટાડાને કારણે ઑટો ઇન્ડસ્ટ્રીમાં સીધી કે આડકતરી રીતે લગભગ દસ લાખ લોકોની નોકરી જાય તેવી શક્યતા છે.

ઉપભોક્તાની તરાહને જાણવા માટે પુરુષો અંડરવેર કેટલા ખરીદે છે તે જાણવાની બાબત ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ વડા ઍલેન ગ્રીનસ્પાને પ્રચલિત બનાવી હતી.

ભારતમાં પુરુષોનાં ચડ્ડી-બનિયાનની વેચાણવૃદ્ધિ નેગેટિવ છે. ભારતના જીડીપીનો બે તૃતિયાંશ ભાગ ધરાવતું ઉપભોક્તા બજાર મુશ્કેલીમાં છે.

ચક્રવર્તીના મતે આ સ્થિતિને નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટે બગાડી છે. તેમણે એવા વેરાની દરખાસ્તો કરી, જેના કારણે વિદેશી મૂડીનો પ્રવાહ અટકી પડે.

રોકાણકારોનો વિશ્વાસ તેના કારણે તૂટી ગયો. તેની ભારે ટીકા પછી નાણામંત્રીએ પોતાની કેટલીક દરખાસ્તો હાલમાં જ પાછી ખેંચવી પડી છે.

આ બધું દર્શાવે છે કે ભારતમાં ખરેખર ઘેરી મંદી બેઠી છે અને વેપાર-વાણિજ્યમાંથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે.

આવી સ્થિતિ કઈ રીતે સર્જાઈ?

પ્રવીણ ચક્રવર્તીના મતે ભારતની આર્થિક મંદી અચાનક નથી આવી કે નવાઈજનક પણ નથી.

છેલ્લાં પાંચ વર્ષથી ભારતનું અર્થતંત્ર બહુ મજબૂત બન્યું છે તેવી હેડલાઇન અખબારોમાં ચમક્યા કરતી હતી.

નાણાકીય ક્ષેત્રમાં ફસાઈ ગયેલું જંગી દેવું પણ અને ખનીજ તેલના વૈશ્વિક ભાવો કાબૂમાં રહ્યા તેના આડકતરા લાભમાં છુપાઈ ગયું હતું.

ભારતમાં સૌથી વધુ ખનીજ તેલની આયાત થાય છે. 2014થી 2016 દરમિયાન ખનીજ તેલના ભાવમાં ઘટાડાને કારણે જીડીપીમાં એક ટકાનો ફાયદો થયો હતો.

તેના કારણે અર્થતંત્રની મૂળભૂત સમસ્યા દબાઈ ગઈ હતી.

નસીબજોગે આ ફાયદો મળ્યો તેને સરકાર પોતાની આવડત સમજી બેઠી. સરકારે ગુંગળાઈ રહેલી નાણાકીય વ્યવસ્થાને બચાવવા માટે કોઈ પ્રયત્નો કર્યા નહોતા.

અધુરામાં પૂરું નરેન્દ્ર મોદીએ 2016માં ઊંચાં મૂલ્યોની ચલણી નોટો બંધ કરી દેવાનું નુકસાનકારક પગલું ભર્યું. નોટબંધીને કારણે અર્થતંત્રમાંથી 85 ટકા મૂલ્યનું ચલણ રાતોરાત પાછું ખેંચાઈ ગયું.

આ પગલાને કારણે વિતરણની વ્યવસ્થા ભાંગી પડી. દેશમાં 75 ટકા રોજી પૂરી પાડતાં કૃષિ, બાંધકામ અને મૅન્યુફૅક્ચરિંગ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો ખરાબે ચડી ગયાં.

નોટબંધીમાંથી અર્થતંત્ર બેઠું થાય તે પહેલાં જ સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) 2017માં જ લાગુ કરવાની ઉતાવળ દાખવી.

જીએસટીની શરૂઆત જરાય સરળ નહોતી અને પ્રારંભના ગાળામાં નાના ઉદ્યોગો અને વેપારીઓ માટે નવી વ્યવસ્થા સમજવી મુશ્કેલ બની ગઈ હતી.

અર્થતંત્રને પડેલા આવા ફટકા અને ખનીજ તેલના ભાવોમાં પણ ફરી વધારો જોવા મળ્યો ત્યારે અર્થતંત્રને આખરી ઘા થયો હતો.

લાખો લોકોએ રોજગારી ગુમાવી અને પગારવધારો અટકી પડ્યો. તેના કારણે ખરીદી ઘટવા લાગી અને અર્થતંત્ર વધારે ધીમું પડ્યું.

શું આ મંદી વૈશ્વિક છે?

સમાચાર એજન્સી બ્લૂમબર્ગે એના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સિંગાપુર, ચીન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં વિકાસદર ઝડપથી ગબડ્યો છે.

ત્રણ મહિનામાં સિંગાપોરનો વિકાસદર ફક્ત 3.4 ટકા રહ્યો છે, જે 2012 પછી સૌથી નીચો છે.

ચીનની આયાત ગયાં ત્રણ વર્ષની સરખામણીમાં 1.3 ટકા ઘટી એ સાથે નિકાસ 7.3 ટકા ઘટી છે.

દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થામાં પણ ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો છે.

ભારત અને ચીન જેવા દેશો સાથે અમેરિકા જે વ્યાપારયુદ્ધ ચલાવી રહ્યું છે તેનો જો કોઈ જ ઉકેલ ન આવે તો નિકાસકારોના મતે આગામી નવ મહિનામાં જ દુનિયા પાછી મંદીની ઝપટમાં આવી શકે છે.

ઉપાય શો?

વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. જયનારાયણ વ્યાસનું માનવું છે કે બેરોજગારી વધવાથી બજારમાં મંદી વધશે કારણ કે બજારમાં થતાં વેચાણ અને રોજગારી તેમજ આવકનો સીધો સંબંધ છે.

નોકરીઓથી વંચિત લોકો રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવામાં જ પાછા પડશે અને મંદી ઓર વકરશે.

આ પરિસ્થિતિમાં સરકાર સામે અર્થવ્યવસ્થામાં વધુને વધુ નાણાં કૅપિટલ એટલે કે મૂડીક્ષેત્રે નાખી પરિસ્થિતિને સુધારવા માટેનો ઉપાય કરવો જરૂરી છે પણ આ નાણાં ક્યાંથી લાવવાં?

જીએસટીની આવક જૂન મહિનામાં એક લાખ કરોડથી નીચે પહોંચી ગઈ, હજુ પણ ખપત ઘટશે તેમ આ આવક નીચી જાય તેવી પૂરી શક્યતા છે.

સરકાર પાસે પોતાના ખર્ચમાં કાપ મૂકીને રેવન્યુ ડેફિસિટ એટલે કે મૂડી ખાતાની ખાધ ઘટાડવાનો રસ્તો છે પણ તેનાથી અર્થતંત્રમાં પ્રાણવાયુ ફૂંકાય નહીં એવું જયનારાયણ વ્યાસનું માનવું છે.

જીડીપી કઈ રીતે નક્કી થાય છે?

જીડીપી બે રીતે નક્કી કરવામાં આવે છે, કેમ કે ઉત્પાદનનો પડતર ખર્ચ મોંઘવારી સાથે વધતોઘટતો રહે છે. આ માપદંડ છે કૉસ્ટેન્ટ પ્રાઇઝ.

આ આધારે જીડીપીનો દર અને ઉત્પાદનનું મૂલ્ય એક વર્ષના આધારે ઉત્પાદનની કિંમત પર નક્કી થાય છે.

એટલે કે જો વર્ષ 2019નો આધાર લઈને તો એના પર જ ઉત્પાદનનું મૂલ્ય અને તેમાં થતી વધઘટને ધ્યાને લેવામાં આવે છે.

બીજી રીત છે કરન્ટ પ્રાઇઝ. જેમાં ઉત્પાદન મૂલ્યમાં મોંઘવારીનો દર પણ સામેલ હોય છે.

કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય એટલે કે સીએસઓ ઉત્પાદન અને સેવાઓના મૂલ્યાંકન માટે એક 'આધારવર્ષ' એટલે બેઝ નક્કી કરે છે.

આ બેઝ પ્રમાણે કિંમતને આધાર બનાવીને ઉત્પાદન અને સેવાઓની કિંમતને જોવામાં આવે છે અને એ હિસાબે તુલનાત્મક વૃદ્ધિ કે ઘટાડો આંકવામાં આવે છે.

કૉસ્ટેન્ટ પ્રાઇઝના આધારે જીડીપીની ગણના કરવાનું કારણ એ પણ છે કે આ આંકડાને મોંઘવારીના ઉતારચડાવથી અલગ રાખીને માપી શકાય.

જીડીપી મુદ્દે શું ફેરફાર થયા?

ભારતની કૉસ્ટેન્ટ પ્રાઇઝ ગણનાનું આધારવર્ષ હાલમાં 2011-12 છે.

વર્ષ 2015માં ભારતે જીડીપીના માપદંડની રીત બદલી નાખી છે. જીડીપીનો માપદંડ બજારમૂલ્યની જગ્યાએ આધારભૂત મૂલ્યના આધારે આંકવાનો નક્કી થયો.

અગાઉ જીડીપી જથ્થાબંધ મૂલ્ય પર નક્કી થતો હતો, પરંતુ હવે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ એટલે કે ગ્રાહકોએ ચૂકવેલા બજારમૂલ્યને આધારે નક્કી થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો