You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય અર્થવ્યવસ્થામાં ખરેખર મંદી આવી છે ?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા દિલ્હી
જાણાકારોના કહેવા પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષથી દેશના અર્થતંત્રમાં વિકાસની ગતિ ધીમી પડી છે.
અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે. દેશ મંદી તરફ આગળ વધી રહ્યો છે.
અર્થશાસ્ત્રી વિવેક કૉલના કહેવા પ્રમાણે, ચાલુ ત્રિમાસિક ગાળાનો દર ગત 25 ત્રિમાસિક ગાળાનો સૌથી ધીમો અ મોદીયુગ દરમિયાન સૌથી ઓછો વૃદ્ધિદર છે.
ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન પણ નરમ રહ્યો હતો.
ચાલુ નાણાકીય (વર્ષ 2019-2020)ના પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ આર્થિક વૃદ્ધિદર પાંચ ટકાનો રહ્યો હતો.
ગત નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાનો વિકાસદર 5.8 ટકા રહ્યો હતો.
નરમાશ કે મંદી ?
સતત બીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રનો વિકાસદર સુસ્ત રહ્યો છે, તો શું એવું માની શકાય કે દેશ આર્થિક મંદીની દિશામાં આગળ વધી રહ્યો છે?
આર્થિક બાબતોના જાણકાર વિવેક કૉલના કહેવા પ્રમાણે, "ભારતના આર્થિક વિકાસદરમાં નરમાશ ચોક્કસથી આવી છે, પરંતુ તેને મંદી ન કહી શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "સતત બે ત્રિમાસિક ગાળામાં નૅગેટિવ ગ્રોથને મંદી ગણી શકાય. ભારતના અર્થતંત્રમાં નરમાશ આવી છે, પરંતુ તે નૅગેટિવ ગ્રોથ ન હોય શકે."
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના કહેવા પ્રમાણે, "જૂન મહિનામાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસદર ઘટ્યો છે."
"તેનો એવો અર્થ ન કાઢવો જોઈએ કે દેશનું અર્થતંત્ર મંદીની ઝપેટમાં આવી ગયું છે."
તેઓ ઉમેરે છે કે, "ભારતનો આર્થિકવૃદ્ધિ દર નબળો પડવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં દુનિયાની તમામ અર્થવ્યવસ્થામાં આવેલી નરમાશ, મુખ્ય કારણ છે."
કુમાર કહે છે કે ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે.
"નાણામંત્રીએ ગત અઠવાડિયે અનેક પગલાંની જાહેરાત કરી હતી. જેની સકારાત્મક અસર ગ્રાહકો તથા રોકાણકારોના મૂડ ઉપર પડશે."
"હવે તહેવારોની સિઝન શરૂ થશે એટલે આશા છે કે બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર વધશે."
મંદીની વ્યાખ્યા શું છે?
આ એક એવો અણિયાળો સવાલ છે કે જેની ઉપર તમામ જાણકારો એકમત નથી.
ટેકનિકલ રીતે જોવામાં આવે તો સળંગ બીજા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં નરમાશ ચાલુ રહી છે.
મતલબ કે ગત છ મહિનાથી વિકાસનો દર ઘટ્યો છે, પરંતુ જો આગામી ત્રિમાસિક ગાળા દરમિયાન વિકાસનો દર વધે તો તેને મંદી ન કહી શકાય.
શું મંદીનું અલગ સ્વરૂપ છે?
ચોક્કસ રીતે. જો બે ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્રનું કદ ઘટે, પરંતુ પછીના બે ત્રિમાસિક ગાળામાં રિકર કરે તો વાસ્તવમાં સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વિકાસનો દર વધશે.
પશ્ચિમી દેશોમાં તેને 'હળવી મંદી' તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ-દર-વર્ષ જો આર્થિક વિકાસમાં પૂર્ણ ઘટાડો જોવા મળે તો તેને 'ગંભીર મંદી' કહી શકાય. આથી પણ મોટી મંદી 'ડિપ્રેશન' હોય છે. મતલબ કે વર્ષો સુધી નકારાત્મક આર્થિકવૃદ્ધિ દર.
અમેરિકાના અર્થતંત્ર ઉપર 1930ના દાયકામાં સૌથી મોટું સકંટ આવ્યું હતું, જેને આજે પણ 'ડિપ્રેશન' તરીકે યાદ કરવામાં આવે છે.
ડિપ્રેશન સમયે મોંઘવારી, બેકારી તથા ગરીબી તેની ચરમસીમાએ હોય છે.
આર્થિક વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે, અર્થતંત્ર 'મનોવૈજ્ઞાનિક મંદી'નો પણ ભોગ બની શકે છે.
વિવેક કૉલના કહેવા પ્રમાણે, "જો ગ્રાહક સતર્ક થઈ જાય અને ખરીદારી ટાળવા માડે તો માંગ ઘટે છે, જેના કારણે આર્થિક વિકાસદર ઘટવાની શક્યતા રહે છે."
"જો મોંઘવારીનો દર વધવા લાગે અને અનિશ્ચિતતાનો માહોલ હોય તો મંદી ચાલી રહી હોય એવું લાગે છે."
ભારતમાં છેલ્લે મંદી ક્યારે આવી?
ભારતીય અર્થતંત્ર ઉપર સૌથી મોટું સંકટ વર્ષ 1991માં આવ્યું હતું, ત્યારે ભારત પાસે માત્ર 28 અબજ ડૉલરનું વિદેશી મૂડી ભંડોળ વધ્યું હતું. આજના સમય પ્રમાણે તેને 491 અબજ ડૉલર ગણી શકાય.
વર્ષ 2008- 09 દરમિયાન વિશ્વભરમાં મંદી આવી હતી. તે સમયે ભારતનો આર્થિક વૃદ્ધિદર 3.1 ટકાનો હતો. જે અગાઉના વર્ષોની સરખામણીએ ઓછો હતો.
જોકે, કૉલના કહેવા પ્રમાણે, તે સમયે ભારત મંદીનો ભોગ નહોતું બન્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો