શું મોદી સરકારને રિઝર્વ બૅન્ક તરફથી લૉટરી લાગી છે? દૃષ્ટિકોણ

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

સરકારને હવે રિઝર્વ બૅન્ક પાસેથી 1.76 લાખ કરોડ ઉપલબ્ધ બનશે. સીતારમણના બજેટમાં અંદાજાયેલા 90 હજાર કરોડ કરતાં ખાસ્સા 86 હજાર કરોડ વધારે! આને કહેવાય લૉટરી લાગી!

ભારતીય અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહી છે.

ઉત્પાદન ક્ષેત્રના 23માંથી માત્ર 8 જ જૂથ પૉઝિટિવ વિકાસદર દર્શાવે છે, જ્યારે બાકીના 15 નકારાત્મક વિકાસદર દર્શાવે છે.

ઔદ્યોગિક વિકાસનો પાયો કૅપિટલ ગુડ્ઝ ક્ષેત્ર છે. કૅપિટલ ગુડ્ઝ 'ઇન્વેસ્ટમૅન્ટનું બૅરોમિટર' ગણાય છે.

જૂન 2018ની સરખામણીમાં જૂન 2019માં એનો વૃદ્ધિદર 9.7 ટકાથી ઘટીને -6.5 ટકાના તળિયે પહોંચ્યો.

એવા જ અગત્યના માઇનિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર આ ગાળામાં 6.5 ટકાથી ઘટીને 1.6 ટકાએ પહોંચ્યો.

માંદગીનો પહેલો સંકેત ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જે જૂન 2018માં 7 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો હતો.

તે જૂન 2019માં 2 ટકાના વૃદ્ધિદરના તળિયે પહોંચી ગયો, જે ચાર મહિનાનો સૌથી નીચો રહ્યો.

મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમૅન્ટેશન ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, માઇનિંગ અને મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરનો વૃદ્ધિદર એપ્રિલ-જૂન 2018માં 5.1 ટકા હતો, તે ઘટીને એપ્રિલ 2019માં 3.6 ટકા રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે જોઈએ તો બૅન્ક ઑફ અમેરિકા અને મેરિન લીંચે 224 ફંડ મૅનેજરોનો એક સરવે 2થી 8 ઑગસ્ટ 2019 વચ્ચે કર્યો, જેમાં 34 ટકા મૅનેજરોએ માન્યું કે આવતા એક વર્ષમાં સમગ્ર વિશ્વ 2008થી પણ મોટી મંદીમાં ફસાવવા તરફ આગળ વધી રહ્યું છે.

સમાચાર એજન્સી બ્લૂમબર્ગે એના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સિંગાપુર, ચીન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં વિકાસદર ઝડપથી ગબડ્યો છે.

ત્રણ મહિનામાં સિંગાપોરનો વિકાસદર ફક્ત 3.4 ટકા રહ્યો છે, જે 2012 પછી સૌથી નીચો છે.

ચીનની આયાત ગયા ત્રણ વરસની સરખામણીમાં 1.3 ટકા ઘટી એ સાથે નિકાસ 7.3 ટકા ઘટી છે.

દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થામાં પણ ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો છે.

ભારત અને ચીન જેવા દેશો સાથે અમેરિકા એ જે વ્યાપાર યુદ્ધ ચલાવી રહ્યું છે તેનો જો કોઈ જ ઉકેલ ના આવે તો નિકાસકારોના મતે આગામી નવ મહિનામાં જ દુનિયા પાછી મંદીની ઝપટમાં આવી શકે છે.

અમેરિકા દ્વારા ટ્રૅડવૉર

આ પરિસ્થિતિ કંઈક અંશે ભૂતકાળ સાથે સામ્ય ધરાવે છે. 1930માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરે 20 હજારથી વધારે ચીજવસ્તુ પર ટૅક્સ વધારી દીધો.

પરિણામે વૈશ્વિક મંદીનો જન્મ થયો જે 1929થી 1941 સુધી ચાલી.

અમેરિકાના અત્યારના રાષ્ટ્રપતિની 'America First'ની નીતિ જે સંરક્ષણવાદ તરફ દોરી જાય છે, તે લગભગ પ્રૅસિડેન્ટ હુવરની નીતિનું પુનરાવર્તન કરતી હોય એવું લાગે છે.

આમ તો 2008ની વૈશ્વિક મંદી બાદ તમામ મોટા દેશોના નેતાઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં સંરક્ષણવાદી નીતિઓને ટાળતા રહ્યા છે, પણ ટ્રમ્પે જે નીતિ અપનાવી છે તે મુજબ જો અમેરિકાને કોઈ બીજા દેશ સાથેના વેપારમાં ખોટ જતી હોય તો એમના મતે ટ્રૅડ વૉર શરૂ કરવામાં કશું જ ખોટું નથી!

ખરીદક્ષમતામાં ઘટાડો

આ પરિસ્થિતિમાં આઈએમએફએ ચીનના વિકાસદરને ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે.

થોડા સમય પહેલાં જ વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન પાંચમા ક્રમે હતું, તે વિશ્વ બૅન્કની 2018ની રૅન્કિંગમાં ગબડીને સાતમા ક્રમે આવી ગયું છે.

ભારતીય રિઝર્વ બૅન્કે પણ ભારતના જીડીપી વિકાસદરનું પૂર્વાનુમાન 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરી દીધું છે.

ભારતની કેન્દ્રીય બૅન્કે પણ સ્વીકાર્યું છે કે ન તો બજારમાં તગડી માગ છે કે નથી ખાસ કોઈ નવું રોકાણ આવ્યું.

બજારની તાકાત એ વાતે નક્કી થાય છે કે તેમાં કોઈ વસ્તુની માગ, ખરીદક્ષમતા અને વેચાણની તાસીર કેવી છે.

અનેક લોકોની ખરીદક્ષમતા અત્યારે પહેલાં જેટલી નથી રહી. હવે તો જરૂરિયાતની વસ્તુઓની ખરીદી પણ ટાળવાની નોબત આવી ગઈ છે.

ઉત્પાદનમાં ઘટાડો નોંધાતાં ઔદ્યોગિક એકમો ખર્ચ ઓછો કરવાનો વિકલ્પ અપનાવે છે અને એનો સીધો માર નોકરીઓને પડે છે.

આગામી દિવસોમાં આ પરિસ્થિતિ ઓર ભયાવહ બની શકે છે. મૌદ્રિક નીતિઓમાં આ ચિંતા સ્પષ્ટ જણાઈ રહી છે.

ભારત વિશ્વનું સૌથી મોટું મુક્ત બજાર છે.

સંસદમાં ચોથી જુલાઈ 2019ના રોજ રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં પણ જણાવ્યું છે કે આગામી સમયમાં ભારતનો જીડીપી ગ્રોથ 'Robust Demand' એટલે કે મજબૂત માગ અને મોટા પાયે ખાનગી ક્ષેત્રના રોકાણ ઉપર આધારિત રહેશે.

પરિસ્થિતિ આથી ઊલટી દિશામાં જઈ રહી હોય તેવું લાગે છે.

માથાદીઠ બચતના આંકડા નીચા આવી રહ્યા છે. તેની સાથોસાથ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોના હાથ ભીડમાં છે.

રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં થયેલો ઘટાડો દર્શાવે છે કે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે.

દેશમાં બેરોજગારીનો આંકડો છેલ્લા 45 વર્ષની ટોચે છે. આ બધું આર્થિક ક્ષેત્રે મોટી માંદગીનાં એંધાણ દેખાડે છે.

ઑટોમોબાઈલ અને ટેકસટાઇલ ક્ષેત્ર મુશ્કેલીમાં છે ત્યારે...

લોકોની ખરીદ ક્ષમતા વધારો. બેરોજગારી વધવાથી બજારમાં મંદી વધશે, કારણ કે બજારમાં થતાં વેચાણ અને રોજગારી તેમજ આવકનો સીધો સંબંધ છે.

નોકરીઓથી વંચિત લોકો રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવામાં જ પાછા પડશે અને મંદી ઓર વકરશે.

આ પરિસ્થિતિમાં સરકાર સામે અર્થવ્યવસ્થામાં વધુને વધુ નાણાં કૅપિટલ એટલે કે મૂડી ક્ષેત્રે નાખી પરિસ્થિતિને સુધારવા માટેનો ઉપાય કરવો જરૂરી છે પણ આ નાણાં ક્યાંથી લાવવાં?

જીએસટીની આવક જૂન મહિનામાં એક લાખ કરોડથી નીચે પહોંચી ગઈ, હજુ પણ ખપત ઘટશે તેમ આ આવક નીચી જાય તેવી પૂરી શક્યતા છે.

સરકાર પાસે પોતાના ખર્ચમાં કાપ મૂકીને રેવન્યુ ડેફિસિટ એટલે કે મૂડી ખાતાની ખાધ ઘટાડવાનો રસ્તો છે પણ તેનાથી અર્થતંત્રમાં પ્રાણવાયુ ફૂંકાય નહીં.

સરકારી નોકરીઓમાં પણ જગ્યાઓ ન ભરાય તો બેકરી વધુ પ્રબળ બને.

આ બધા વચ્ચે અંદાજાયેલ 'Fiscal Deficit' એટલે કે નાણાકીય ખાધ 3.4 ટકાથી વધીને 4.5 કે પાંચ ટકાએ પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ થાય.

નવા કરવેરાનું ભારણ હાલની પરિસ્થિતિ સ્વીકારે તેમ નથી.

એ સંયોગોમાં સરકાર માટે ઊગરવાનો એક જ ઉપાય હતો.

કૅપિટલ એડિક્વસી નોર્મ્સ નક્કી કરવા માટે બિમલ જાલાન સમિતિનો અહેવાલ આવ્યો તેનો આધાર લઈ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી નાણાં સરકારી તિજોરીમાં ખેંચવાં.

એવું નથી કે રિઝર્વ બૅન્ક પાસેથી સરકારો નાણાં નહોતી લેતી.

રિઝર્વ બૅન્કની માલિક અથવા શૅરહોલ્ડર એકમાત્ર સરકાર છે. એટલે ડિવિડન્ડ રૂપે રિઝર્વ બૅન્કનું બોર્ડ નક્કી કરે તે રકમ ચૂકવાતી હતી.

આમ 2009-10થી 2013-14ના ગાળાની સરખામણીમાં 2014-15થી 2018-19ના ગાળામાં લગભગ 260 ટકા જેટલાં વધુ નાણાં રિઝર્વ બૅન્ક પાસેથી કેન્દ્ર સરકારે મેળવ્યા છે.

પણ કેન્દ્ર સરકારની નજર તો આથી પણ વધુ નાણાં રિઝર્વ બૅન્ક પાસે રહેલા 6.92 લાખ કરોડ કરન્સી અને રિવૅલ્યૂયેશન એકાઉન્ટ અને કંન્ટિજન્સી ફંડના 2.32 લાખ કરોડમાંથી મેળવવાની હતી.

આ માટે સરકારનો તર્ક હતો કે વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કની સરખામણીમાં ભારતીય રિઝર્વ બૅન્ક ડિવિડન્ડ મર્યાદિત આપી પોતાની પાસેના રિઝર્વમાં વધારો કરે જ જાય છે.

આ નાણાં દેશના વિકાસમાં અથવા નબળા વર્ગ માટેની યોજનાઓમાં કામ લેવા જોઈએ.

આ મુદ્દે પહેલાં રઘુરામ રાજન ત્યારબાદ ઊર્જિત પટેલ અને ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય જેવા રિઝર્વે બૅન્કના ઉચ્ચ અધિકારીઓએ પોતાનો મત વિરુદ્ધમાં દર્શાવ્યો હતો.

એ કારણે રઘુરામ રાજન અને ઊર્જિત પટેલ બંને ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પોતાના પદ પરથી રાજીનામું ધર્યું હોવાની ચર્ચા છે.

આ વિવાદને પગલે રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાનના અધ્યક્ષ સ્થાને નિમાયેલી સમિતિએ 12 જૂન 2019ના રોજ પોતાનો અહેવાલ રિઝર્વ બૅન્કના ગવર્નરને સોંપ્યો.

સોમવાર તારીખ 26 ઑગસ્ટનાં રોજ રિઝર્વ બૅન્કના નિયામક મંડળની બેઠકમાં સરકારને 1.76 લાખ કરોડ એકસાથે આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બિમલ જાલાન સમિતિનો આધાર લઈ રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસના નેતૃત્વ હેઠળના નિયામક મંડળે 1,23,000 કરોડ 2018-19ના સરપ્લસ તરીકે અને 52,637 કરોડ વધારાનું પ્રોવિઝન જે નવેસરથી સ્વીકારાયેલ ઇકૉનૉમિક કૅરપિટલ ફ્રેમવર્ક (ECF) મળીને કુલ 1 લાખ 76 હજાર કરોડ, જે નિર્મલા સીતારમણે તા. પાંચમી જુલાઈના રોજ રજૂ કરેલા અંદાજપત્રમાં રિઝર્વ બૅન્ક પાસેથી થનાર આવક તરીકે અંદાજેલ રૂપિયા 90 હજાર કરોડ કરતાં 86 હજાર કરોડ વધારે છે.

આ સંયોગોમાં પ્રશ્ન એ થાય છે કે -

  • કેન્દ્ર સરકારને ખરેખર 86 હજાર કરોડની લોટરી લાગી છે?
  • માંદગીને બિછાને પડેલા અર્થતંત્ર માટે આ જરૂરી હતું?
  • શું આ પ્રથા આગળ જતાં ભારતની સેન્ટ્રલ બૅન્કની સ્વતંત્રતા માટે અવરોધક બનશે?
  • શું આ રકમ આપણને મંદીમાંથી ઉગારી શકશે?
  • આ રકમને કારણે ભારત સરકાર 3.4 ટકાની નાણા ખાધ જાળવી શકશે?
  • આ રકમ માત્ર મૂડી ખર્ચ માટે જ વપરાશે?
  • કે પછી સરકાર એનો બિનઉત્પાદનક્ષમ ઉપયોગ કરી તેને પગારો અને અન્ય ખર્ચાઓ માટે વાપરશે?

બિમલ જાલાન કમિટીના રિપોર્ટ પછી ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતની મધ્યસ્થ બૅન્કની સ્વતંત્રતા તેમજ વિશ્વસનીયતા સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો