ગુજરાતમાં જળબંબાકાર બાદ ખેતીની સ્થિતિ કેવી રહેશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ વર્ષે જુલાઈ મહિના પછી ગુજરાતમાં ખરા અર્થમાં વરસાદની મોસમ બેઠી હતી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

ચેમાસા પહેલાં ઉનાળામાં ગુજરાતના મોટાભાગના પ્રાંતોમાં દુષ્કાળની સ્થિતિ હતી અને ડૅમ તથા જળાશયો તળિયાઝાટક થયાં હતાં.

વરસાદને લીધે જળબંબાકાર થયેલા ગુજરાતમાં હવે પીવાના પાણી અને ખેતીની સ્થિતિ કેવી રહેશે?

પૂરની સ્થિતિને પગલે પાક નિષ્ફળ ગયાની બૂમો સંભળાઈ, પણ હવે પછી ખેતીની સ્થિતિ કેવી રહેશે? આ અંગે કૃષિક્ષેત્રના નિષ્ણાતો શું કહે છે?

ખેતીને કેવી અસર થશે?

ગુજરાત સરકારના નિવૃત્ત કૃષિ સચિવ અને ખેતીવાડી સંલગ્ન બાબતોના નિષ્ણાત એમ. બી. ધોરાજિયા જણાવે છે કે ગુજરાતમાં પાછોતરો વરસાદ સારો થયો છે, જેનાથી ડૅમ ભરાઈ ગયા છે.

તેઓ કહે છે, "જ્યાં વધારે વરસાદ થયો છે ત્યાં કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે, ત્યાં મકાઈ, તુવેર અને દિવેલાનું વાવેતર થઈ શકે છે. તુવેરના પાક માટે આ સારો સમય છે."

કૉમોડિટી ઍક્સપર્ટ મયૂર મહેતા કહે છે, "પહેલાં વરસાદ ખેંચાયો ત્યારે લાગતું હતું કે પાક નિષ્ફળ જશે, પણ હવે જે વરસાદ પડ્યો છે એનાથી પાકને જીવતદાન મળ્યું છે."

"આને કારણે તલ, એરંડા, બાજરી, જુવારનો પાક સારો થશે અને ડૅમમાં પાણી ભરાયાં છે એટલે શિયાળુ પાક સારો થશે."

મહેતા કહે છે, "જીરું, ધાણા, ઇસબગૂલ, વરિયાળી, મેથી અને એરંડાની નિકાસ વધશે.

છેલ્લા કેટલાય સમયથી તકલીફ ભોગવતી જીરાંનું પ્રોસેસિંગ અને શૉર્ટિંગ કરતી કંપનીઓને કામ મળશે અને રાયડા ક્રશિંગનું કામ પણ વધશે."

'સારા વરસાદથી નુકસાનની ભરપાઈ થશે'

ગુજરાતના કૃષિમંત્રી આર. સી. ફળદુ જણાવે છે, "આ વર્ષે સારો વરસાદ થવાથી પાક બચી ગયો છે. શરૂમાં વરસાદ ખેંચાઈ જવાથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ફરીથી વાવેતર કરવું પડ્યું છે."

"હવે સારા થયેલા વરસાદથી એમના નુકસાનની ભરપાઈ થઈ જશે. આ વખતે વરસાદ બાદ પાકમાં કોઈ રોગચાળો થયો નથી એટલે જંતુનાશક દવાનો ઉપયોગ થયો નથી."

"જંતુનાશક દવાનો ઉપયોગ ન થયો હોવાથી કૃષિપેદાશની વિદેશમાં નિકાસ કરવી સરળ રહેશે."

ધોરાજિયા કહે છે, "સરકારે આગોતરું આયોજન કરવું પડશે, કારણ કે આ વરસાદ પછી સૌરાષ્ટ્રમાં મોટાપાયે ખેડૂતો ડુંગળી અને લસણની ખેતી કરશે અને એનો પાક સારો થશે પણ નીંભરતા દાખવશે તો ખેડૂતો અને વેપારીઓને નુકસાન થશે."

"ડુંગળી તથા લસણનો પાક ક્યારે લેવાયો તેની નોંધ રાખવી પડશે અને ઉત્તર ભારતમાં તેની હેરફેર માટેનું આયોજન કરવું પડશે."

ધોરાજિયા ઉમેરે છે, "ગુજરાતમાં વધારે પાક થવાને લીધે સસ્તામાં વેચાશે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાન થશે."

"આવું જ ચાર વર્ષ પહેલાં થયું હતું, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ બટાકા રસ્તા પર નાખી દીધા હતા અને 2016માં મધ્ય ગુજરાતમાં ખેડૂતોએ ટમેટાં રસ્તા પર નાખી દીધાં હતાં."

ગુજરાતમાં 89.30 ટકા વરસાદ

ગુજરાત રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ જણાવ્યું કે આ વખતે શિયાળુ પાક લેવામાં ખેડૂતોને તકલીફ નહીં પડે.

તેઓ કહે છે, "23 ઑગસ્ટ સુધીમાં રાજ્યનાં 204 જળાશયોમાં 70.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતમાં આ વખતે 89.30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે."

ઉત્તર ગુજરાતની સ્થિતિ વિશે વાત કરતા પટેલ કહે છે, "ઉત્તર ગુજરાતની 15 જળાશય યોજનામાં 31.12 ટકા વરસાદી પાણીનો સંગ્રહ થયો છે."

"જોકે સરદાર સરોવર ડૅમમાં 82.61ટકા પાણીનો સંગ્રહ થયો છે, એટલે શિયાળુ અને ઉનાળુ પાકમાં કોઈ તકલીફ નહીં પડે."

ખેડૂતોના પાકની વિતરણ વ્યવસ્થા અંગે વાત કરવાનું ટાળતા નીતિન પટેલે કહ્યું કે હજી પાક ઊગે પછી એની વિદેશમાં નિકાસનો વિચાર કરીશું અને બીજાં રાજ્યોમાં પાક કેવી રીતે પહોંચાડવો એનું આયોજન કરીશું.

અન્ય ક્ષેત્રો પર કેવી અસર થશે?

વરસાદ અને ખેતીની સ્થિતિથી કૃષિ સંલગ્ન તથા અન્ય કેટલાંક ક્ષેત્રો પણ પ્રભાવિત થતાં હોય છે એ નિષ્ણાતો માને છે.

નિષ્ણાતોનું માનીએ તો સારા વરસાદને પગલે કાપડઉદ્યોગની મંદી થોડી ઓછી થશે.

હવે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે પણ સોનાચાંદી અને ઑટોમોબાઇલ બજારમાં મંદી યથાવત્ રહેવાના અણસાર છે.

બુલિયન માર્કેટના ઍક્સપર્ટ બીરેન વકીલ કહે છે કે જીડીપીમાં ખેતીનો સીધો હિસ્સો 20 ટકાની આસપાસ છે અને આડકતરો હિસ્સો 30 ટકા જેટલો છે.

વરસાદ સારો રહે તો દિવાળી સહિતના તહેવારો સમયે બુલિયન માર્કેટમાં ફાયદો થતો હોય છે.

બીરેન વકીલ કહે છે, "આ વર્ષની સ્થિતિ જોતા લાગે છે કે સોના-ચાંદીના બજારમાં આ વખતે ખેડૂતો રોકાણ નહીં કરે."

"ખેડૂતોનો હવે સોનાના બજારમાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે, કેમ કે 2011 અને 2012માં સોનાનો જે ભાવ હતો તે 2013માં ઘટ્યો હતો."

"2017 અને 2018 કરતાં 2019માં સોનાના ભાવો જે રીતે વધ્યા છે, ત્યારે હવે ભાવ ઘટશે એવી માનસિકતાને લીધે ગ્રામ્ય વિસ્તારમાં રક્ષાબંધન વખતે સોનાની ખરીદી ઓછી થઈ હતી."

વકીલ કહે છે કે કપાસ, મગફળી, ડાંગરનો પાક વરસાદ બાદ સારો થાય એવી આશા છે, પણ સોના-ચાંદીના બજારમાં મંદી રહેશે.

ઑટોમોબાઇલ ક્ષેત્રના ઍક્સપર્ટ સુનિલ શાહ કહે છે : "ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડાક વખતથી મંદીની સ્થિતિ છે."

"આ વર્ષે ગમે તેટલો સારો પાક થાય, પણ ઑટોમોબાઇલ ક્ષેત્રે સુધારો થાય એમ લાગતું નથી."

"લોકો હવે રોકડને બદલે લૉનથી વાહન વધારે ખરીદે છે અને બજારમાં પ્રવર્તમાન લિક્વિડિટી ક્રંચ જોતાં લાગે છે કે ઑટોમોબાઇલ ક્ષેત્રમાં મંદી યથાવત્ રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો