You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનાનો ભાવ વધી રહ્યો છે ત્યારે તમારે તેની ખરીદી કરવી જોઈએ કે વેચવું જોઈએ?
- લેેખક, શ્રીકાંત બક્ષી
- પદ, બીબીસી ગુજરાતી માટે
આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની સરખામણીએ રૂપિયાનો ભાવ નીચે જઈ રહ્યો છે.
સોના માટે દેશ સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે. ત્યારે સ્વાભાવિક રીતે ડૉલરની કિંમત વધે તો સોનાનો ભાવ પણ વધવા લાગે છે.
સોનાની કિંમતમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, તેવો વધારે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.
આઠ ઑગસ્ટના રોજ માત્ર એક દિવસમાં 24 કૅરેટ સોનાનો ભાવ 1,113 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધ્યો છે.
સોનાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સોનાના ભાવ વધી શકે છે.
ચાંદીના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.
આઠ ઑગસ્ટના રોજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 650 રૂપિયા વધ્યો છે.
ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે આ ચલણ જ યથાવત રહ્યું તો આ વર્ષના અંત સુધી 10 ગ્રામ સોનાના ભાવ 40 હજાર રૂપિયા નજીક હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ વધી રહ્યા છે ભાવ?
એક તો શ્રાવણના મહિનામાં ખરીદી વધવાથી સોનાના ભાવ વધે છે.
પરંતુ હાલ જે ભાવ વધી રહ્યા છે તેના અનેક કારણો છે.
મોદી સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પૂર્ણ બજેટમાં સોનાનો આયાત દર 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે.
હાલ જ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.
વેપાર નિષ્ણાત સતીષ માંડવા જણાવે છે કે, "રેપો રેટમાં 35 બેઝ અંકોના ઘટાડાથી બૅન્ક અને લોન લેતા લોકોને ફાયદો થયો છે પરંતુ તેનાથી સોનાના ભાવમાં વધારો થયો છે."
રેપો રેટ શું છે?
સતીષ માંડવા કહે છે, "આ એ વ્યાજદર છે કે જે RBIમાંથી લોન લેતા લોકોએ ચૂકવવાનો હોય છે."
"આ રેટમાં ઘટાડાનો મતલબ છે કે બૅન્ક હવે RBI પાસેથી વધારે સહેલાઈથી લોન લઈ શકશે અને બૅન્કમાં પૈસાનો પ્રવાહ વધશે. પછી બૅન્ક બજારમાં લોન આપશે."
તેઓ કહે છે, "પૂર્ણ અર્થવ્યવસ્થામાં પૈસાનો પ્રવાહ વધશે. તેનું પરિણામ એ હશે કે સંસ્થાઓ અને સામાન્ય લોકો પોતાના પૈસાનું રોકાણ સોનું ખરીદીને કરશે. તેનાથી સોનાની માગ અને કિંમત બન્ને વધશે."
બજેટ બાદની સ્થિતિ
સંસદમાં એનડીએ સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થયું ત્યારબાદથી સ્ટૉક માર્કેટમાં મંદી જોવા મળી રહી છે.
છેલ્લા 30 દિવસમાં બજારમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ચૂક્યા છે.
વેપાર નિષ્ણાત સતીષ માંડવા જણાવે છે, "આ બધાની સિવાય કેન્દ્ર સરકારે કલમ 370ને ખતમ કરવાનો નિર્ણય લીધો છે."
"જમ્મુ-કાશ્મીરને જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ તરીકે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરમાં કર્ફ્યૂની સ્થિતિ છે. આવી પરિસ્થિતિઓએ પણ રોકાણકારોનો ડર વધાર્યો છે."
"આંતરરાષ્ટ્રિય બજારમાં ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટી રહી છે. આપણો દેશ સોનાને મામલે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે."
"ડૉલરની કિંમત વધવાથી આપણે સોનાની ખરીદી કરવા માટે ઘણા વધારે પૈસા ચૂકવવા પડી રહ્યા છે. તેના પગલે સોનું મોંઘુ થઈ રહ્યું છે."
"તેની અસર છે કે આ દિવસોમાં સોનાના ભાવ સતત વધ્યો છે."
સતીષ માંડવાના જણાવ્યા પ્રમાણે જો કાશ્મીરની અસ્થિરતા જેમની તેમ રહી અને આંતરરાષ્ટ્રિય બજારની સ્થિતિ પણ આવી જ રહી તો આ વર્ષના અંત સુધી સોનાનો ભાવ 40 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ જશે.
આંતરરાષ્ટ્રિય કારણો
ભારતમાં સોનાનો ભાવ વધવા પાછળ આંતરિક કારણો સિવાય આંતરરાષ્ટ્રિય કારણોની ભૂમિકા મહત્ત્વની હોય છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરની અસર દુનિયાના શૅરબજારો પર જોવા મળી રહી છે.
બૂલિયન ડેસ્ક પ્રમાણે નાસ્ડેક અને ડાઉ જોન્સ બન્ને ગત સોમવારથી નુકસાનનો સામનો કરી રહ્યા છે.
નિકેઈ, યૂરો સ્ટૉક્સ, હેંગ સેંગ અને શાંઘાઈ કમ્પૉઝીટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
RBIના નિર્ણયના પગલે ભારતીય શૅર બજારમાં સેંસેક્સ અને નિફ્ટીના સૂચકાંકો પણ ગત અઠવાડિયે મંદી જોવા મળી.
સતીષ માંડવાના જણાવ્યા પ્રમાણે રોકાણકારોમાં પણ ડર છે. તેવામાં હાલ રાજકીય અને આર્થિક પરિદૃશ્યોને જોતા રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે.
દુનિયાના ઘણા દેશોની સંઘીય બૅન્કોએ પણ સોનાની ખરીદી શરૂ કરી દીધી છે જેના પગલે સોનાની માગ વધી ગઈ છે.
ચીન ભારતથી આગળ
સોનાની ખપત મામલે ચીન અને ભારત સૌથી આગળ છે. આ તરફ ચીનનો અમેરિકાને પાછળ છોડવાના સતત પ્રયાસ પણ સફળ થયો નથી.
ડૉલરની સરખામણીએ ચીનની મુદ્રા યુઆન છેલ્લા દસ વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે.
બીબીસી બિઝનેસના આંકડા પ્રમાણે પ્રત્યેક અમેરિકી ડૉલરની સરખામણીએ હવે 7 યુઆન ખર્ચ કરવો પડી રહ્યો છે.
2008ની આર્થિક મંદી બાદ આ સૌથી ઓછો ભાવ છે. તે સમયે એક ડૉલર માટે 7.3 યુઆનનો ખર્ચ કરવો પડતો હતો.
ભૂતકાળમાં ચીન વ્યૂહરચના તરીકે પણ પોતાની મુદ્રાનું મૂલ્યને ઘટાડતું રહ્યું છે કે જેથી આંતરરાષ્ટ્રિય બજારમાં તેની સ્થિતિ મજબૂત રહે.
ટ્રેડ વૉરની અસર?
પરંતુ હાલ અમેરિકાની ટ્રમ્પ સરકારે ચીનથી આવતા 300 બિલિયન ડૉલરના સામાન પર 10% આયાત ડ્યુટી વધારી દીધી છે.
વેપાર નિષ્ણાતોનું અનુમાન છે કે તેના કારણે આગામી દિવસોમાં યુઆનના ભાવમાં વધારે 5%નો ઘટાડો નોંધાશે અને આ વર્ષના અંત સુધી એક ડૉલર માટે 7.3 યુઆન ખર્ચવા પડશે.
બૂલિયન ડેસ્ક પ્રમાણે એક ઔંસ એટલે કે 28.34 ગ્રામ સોનાની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત 1497.70 ડૉલર છે.
આ છેલ્લા છ વર્ષોમાં સૌથી ઊંચી કિંમત છે.
વર્ષ 2013માં આટલા જ સોના માટે આંતરરાષ્ટ્રિય બજારમાં 1696 ડૉલર ચૂકવતા હતા.
તે સમયે ભારતીય બજારમાં સોનાનો ભાવ 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યો હતો.
સોનું ખરીદવું કે વેચવું?
સોનાના વધતા ભાવથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે.
જે લોકોએ પોતાના સંતાનોનાં લગ્ન અથવા બીજા કોઈ પ્રસંગ માટે સોનાની ખરીદી કરવાની છે, તેમણે તુરંત નિર્ણય લેવાની જરૂર છે.
વર્ષ 2013માં મોટાભાગના લોકો ત્યારે સોનું ખરીદવા બજારમાં પહોંચ્યા હતા જ્યારે તેની કિંમત 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગઈ હતી.
ત્યારબાદ આંતરરાષ્ટ્રિય કારણોસર સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાતો ગયો હતો.
ત્યારે હાલની સ્થિતિમાં શું કરવું જોઈએ, તેના વિશે વેપાર નિષ્ણાત સતીષ માંડવા જણાવે છે બજારની વધતી કિંમતના બદલે પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોનાની ખરીદીનો નિર્ણય કરવો જોઈએ.
સતીષ સલાહ આપે છે કે જે લોકો સોનાની ખરીદીમાં રોકાણ કરી રહ્યા છે તે લોકો કોઈ પણ નિર્ણય લેતા પહેલા આંતરરાષ્ટ્રિય બજારનું વિસ્તૃત અધ્યયન અને આકલન કરે.
આ તરફ જે લોકો ઓછી માત્રામાં સોનું ખરીદવા માગે છે તે લોકો પોતાની જરૂરિયાતના હિસાબે ખરીદી કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો