You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ જેને સંજીવની બુટ્ટી ગણાવી એ લદ્દાખનો છોડ સોલો આ કારણે છે ખાસ
- લેેખક, રિગઝિન નામગ્યાલ
- પદ, લદાખથી, બીબીસી ગુજરાતી માટે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે જમ્મુ-કાશ્મીરમાં 370 કલમ અંગે સરકારે લીધેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને લદ્દાખ વિશે વાત કરતાં એક ખાસ છોડની વાત કરી, જેને તેમણે 'સંજીવની બુટ્ટી' ગણાવ્યો.
વડા પ્રધાન મોદીએ કહ્યું,"લદ્દાખમાં સોલો નામનો એક છોડ થાય છે. જાણકારો માને છે કે આ છોડ ઊંચાઈ પર રહેતાં અને બર્ફીલા પહાડો પર તહેનાત સુરક્ષાદળો માટે સંજીવનીનું કામ કરે છે. ઓછા ઓક્સિજનવાળી જગ્યાઓ પર રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે આ છોડ ઉપયોગી છે."
"વિચારો, આવી વસ્તુ દુનિયાભરમાં વેચાવી જોઈએ કે નહીં? આવા અગણિત છોડ, ઔષધિય ઉત્પાદનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફેલાયેલાં છે. તેમની ઓળખ થશે, વેચાણ થશે તો ત્યાંના ખેડૂતોને લાભ થશે."
"તેથી હું કામદારો, નિષ્ણાતો અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલાં લોકોને આગ્રહ કરું છું કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સ્થાનિક ઉત્પાદનોને દુનિયાભરમાં પહોંચાડવા માટે આગળ આવે."
સોલો નામનો છોડ શું છે?
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં સોલો છોડનો ઉલ્લેખ કર્યો, જેના કારણે લોકોમાં તે વિશે ઉત્સુકતા વધી ગઈ.
સોલો નામની આ ઔષધિય બુટ્ટી લદ્દાખ ઉપરાંત સાઇબેરિયા સાએબેરિયાના પહાડો પર થાય છે.
ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ એલ્ટિટ્યૂડ ઍન્ડ રિસર્ચ(ડીઆઈએચઆર)ના ડિરેક્ટર ડૉક્ટર ઓપી ચૌરસિયાએ જણાવ્યું કે આ બુટ્ટીમાં ઘણા ઔષધિય ગુણો છે.
ડૉ. ચૌરસિયા કહે છે, "આ બુટ્ટીની મદદથી ભૂખ ન લાગવાની તકલીફ દૂર થઈ શકે છે. સાથે જ આ બુટ્ટી યાદશક્તિમાં પણ વધારો કરે છે. એટલું જ નહીં ડિપ્રેશનની દવા તરીકે પણ સોલોનો ઉપયોગ થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોલો છોડ 15થી 18 હજાર ફૂટની ઊંચાઈ પર થાય છે. લદ્દાખમાં આ છોડ ખારડુંગ લા, ચાંગ લા અને પેઝિ લા વિસ્તારમાં થાય છે.
લદ્દાખના સ્થાનિક લોકો આ છોડનો ઉપયોગ કરી વાનગી પણ બનાવે છે, જે 'તંગથુર' કહેવાય છે. આ વાનગી સ્થાનિક લોકોમાં ઘણી પ્રિય છે. તેમજ આરોગ્યના લાભ માટે પણ તે ખવાય છે.
ડૉક્ટર ચૌરસિયા કહે છે કે સામાન્ય રીતે સોલોની ત્રણ પ્રજાતિઓ છે, જેનાં નામ સોલો કારપો(સફેદ), સોલો મારપો(લાલ) અને સોલો સેરપો(પીળો) છે.
ભારતમાં લદ્દાખ જ એક માત્ર જગ્યા છે જ્યાં સોલો વાવવામાં આવે છે. લદ્દાખના સ્થાનિક વૈદ્ય અને આયુર્વેદિક ડૉક્ટર્સ આ છોડમાંથી દવાઓ બનાવે છે. જેમાં તેઓ સામાન્ય રીતે સોલો કારપોનો ઉપયોગ કરે છે.
સોલો છોડનું વૈજ્ઞાનિક નામ રોડિયોલા(Rhodiola)છે. DIHAR સંસ્થામાં આ છોડ પર છેલ્લાં 10 વર્ષથી શોધ ચાલી રહી છે. સાથે જ વૈજ્ઞાનિકો આ છોડના વ્યવસાયિકરણ બાબતે પણ આયોજન કરી રહ્યા છે.
વૈકલ્પિક દવાઓની શોધ પર કામ કરતી અમેરિકાની સરકારી ઍજન્સી નેશનલ સેન્ટર ફૉર કૉમ્પ્લિમૅન્ટરી ઍન્ડ ઇન્ટિગ્રેટિવ હૅલ્થ તરફથી જણાવવામાં આવ્યું છે કે સોલો છોડ પર કેટલીક શોધ થઈ છે જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું કે તેના સેવનથી માનસિક તણાવ દૂર કરવામાં મદદ મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો