You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#NationalFilmAwards : 'રેવા' વિશે તો સૌ જાણે છે પણ આ 'હેલારો' ફિલ્મમાં કઈ છે ખાસ વાત?
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નર્મદાકિનારાના લોકોનાં જીવન અને નર્મદા પરિક્રમાના મહત્ત્વ સાથે ત્યાંની સામાજિક-ભૌગોલિક સ્થિતિ દર્શાવતી ફિલ્મ 'રેવા'ને ગુજરાતી ભાષામાં બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો છે. જ્યારે ગુજરાતી ફિલ્મ 'હેલારો'ને બેસ્ટ ફીચર-ફિલ્મ તેમજ સ્પેશિયલ જ્યૂરીનો પુરસ્કાર એનાયત કરાયો છે.
અભિષેક શાહ દ્વારા દિગ્દર્શિત 'હેલારો' ફિલ્મ પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના સશક્તીકરણની વાત કરે છે.
જોકે, આ ફિલ્મ હજી રજૂ થઈ નથી અને ગુજરાતમાં ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લોકો સિવાય ભાગ્યે આ ફિલ્મ વિશે કોઈને જાણ છે.
આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં સરહદી વિસ્તારમાં 'ઇન્ડિયા બ્રિજ'ની આસપાસ થયું છે.
હેલારોને બે નેશનલ એવૉર્ડ મળ્યા છે. બીબીસીએ ફિલ્મના ડિરિક્ટર અભિષેક શાહ સાથે વાત કરવાની કોશિશ કરી છે પરંતુ તેમનો સંપર્ક હજી થઈ શક્યો નથી.
'હેલારો'નાં સંવાદ, એડિશનલ સ્કીનપ્લે, તેમજ ગીત જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ લખ્યાં છે અને સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. કોરિયોગ્રાફી અર્ષ તન્ના અને સમીરે કરી છે.
'પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો' દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા. જેમાં બોલીવૂડની ફિલ્મો ઉપરાંત પ્રાદેશિક ફિલ્મો અને વિવિધ કૅટેગરીની શ્રેષ્ઠ ફિલ્મોની જાહેરાત કરાઈ.
નિર્ણાયક સમિતિના સભ્યો, ફીચર-ફિલ્મ કૅટેગરીના ચૅરમૅન રાહુલ રવૈલ, નોન ફીચર-ફિલ્મના ચૅરપર્સન એ. એસ. કનલ, બેસ્ટ રાઇટિંગ ઑન સિનેમાના ચૅરપર્સન ઉત્પલ બોરપૂજારી તેમજ ચૈતન્ય પ્રસાદે પત્રકારપરિષદમાં 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને આ યાદી સોંપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'હેલારો'ને ફીચર-ફિલ્મના પુરસ્કાર બદલ સુવર્ણ કમળ અને અઢી લાખનું રોકડ ઇનામ, તેમજ સ્પેશિયલ જ્યૂરી ઍવૉર્ડ માટે એક લાખનો રોકડ પુરસ્કાર મળશે.
જ્યારે રેવા ફિલ્મ માટે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક-એક લાખનો રોકડ પુરસ્કાર મળશે.
ગુજરાતી ભાષાની ધ્રુવ ભટ્ટ લિખિત જાણીતી નવલકથા 'તત્ત્વમસિ' પરથી 'રેવા' ફિલ્મ બની છે.
આ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં લેખક ધ્રુવ ભટ્ટે કહ્યું, "બહુ સારી ફિલ્મ બનાવી હતી એટલે આ ફિલ્મને પુરસ્કાર મળવો જ જોઈએ."
"ખુશીની વાત છે કે તત્ત્વમસિ નવલકથાને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. હવે ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. હું કહીશ કે તેમણે મારી નવલકથાની કક્ષાનું કામ કર્યું કહેવાય. આ બહુ મોટી વાત છે."
રેવા ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલેએ કહ્યું, "અમારી સમગ્ર ટીમ ખૂબ ખુશ છે. આ ફિલ્મને ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓએ પણ ખૂબ વખાણી અને વધાવી હતી."
"લોકોને જ્યારે ફિલ્મ પસંદ પડી ત્યારે અમને આશા તો હતી કે અમને રાષ્ટ્રીય પુરસ્કાર મળી શકે છે, પરંતુ મળશે જ એવી અપેક્ષા નહોતી."
"સામાન્ય રીતે જ્યારે કોઈ સાહિત્યિક કૃતિ પરથી ફિલ્મ બનતી હોય છે, ત્યારે ફિલ્મકારોને મોટા ભાગે દર્શકોની ટીકાનો સામનો કરવો પડતો હોય છે."
"મૂળ કૃતિના લેખકની પણ માધ્યમની મર્યાદાના કારણે કેટલીક ફરિયાદો રહેતી હોય છે. પરંતુ રેવાને દર્શકોએ પણ સ્વીકારેલી અને મૂળ લેખકે પણ માધ્યમની મર્યાદા સમજીને ફેરફારની છૂટ આપી હતી અને ફિલ્મને આવકારી હતી."
66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના અન્ય વિજેતાઓ
બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ - બધાઈ હો
બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઇશ્યુ - પૅડમૅન
બેસ્ટ ડિરેક્ટર - આદિત્ય ધર (ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક)
બેસ્ટ ઍક્ટર - આયુષ્યમાન ખુરાના (અંધાધૂંધ), વિકી કૌશલ (ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક)
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ - ઉત્તરાખંડ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો