You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામમાં NRCની અંતિમ યાદી અંગે ઍમનિસ્ટી ઇન્ટરનેશનલે શા માટે ચિંતા વ્યક્ત કરી?
ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં શનિવારે નેશનલ સિટીઝન રજિસ્ટર એટલે કે એનઆરસીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 19,06,657નાં નામ સામેલ નથી.
આ અંતિમ યાદીમાં કુલ 3,11,21,004 લોકોનો સમાવેશ કરાયો હતો.
આસામમાં શનિવારે સવારે 10 વાગ્યે આ અંતિમ યાદી જાહેર કરવામાં આવી. બીબીસીનાં સંવાદદાતા પ્રિયંકા દુબે હાલમાં આસામની રાજધાની ગૌહાટીમાં છે.
તેમની પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે આસામના લોકો આ યાદીમાં પોતાનાં અને પરિવારજનોનાં નામો જોવા માટે આસપાસના એનઆરસી કેન્દ્રમાં એકઠા થઈ ગયા છે.
એનઆરસીની જાહેરાતને લઈને લોકોમાં ભય અને ગભરામણ જોવા મળી રહી છે જોકે સ્થિતિ શાંત છે.
રાજ્યમાં ચાપતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે લોકોને ફૅક ન્યૂઝ તેમજ અફવાઓથી સાવધાન રહેવાની અપીલ કરી છે.
ઍમનિસ્ટી ઇન્ટરનેશનલે ચિંતા વ્યક્ત કરી
ઍમનિસ્ટી ઇન્ટરનેશનલે આસામમાં ઊભી થયેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને કહ્યું છે કે 'લગભગ 19 લાખ લોકોનાં નામો અંતિમ યાદીમાં નથી, તેમનાં નાગરિકત્વ અંગે અર્ધ-ન્યાયી ફોરેન ટ્રિબ્યૂનલ નિર્ણય લેશે.'
'અનેક રિપોર્ટ્સમાં બહાર આવ્યું છે કે તેમના ચુકાદા મનસ્વી ને ભેદભાવપૂર્ણ હોય છે. કારકૂની ક્ષતિને કારણે પણ અનેક લોકોને વિદેશી જાહેર કરી દેવાયા છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'જરૂરી દસ્તાવેજોના અભાવે પરિણીત મહિલાઓ તથા તેમનાં સંતાનો ઉપર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તેમની અટકાયત અને દેશનિકાલની આશંકા છે.'
'સતત હિંસા અને કુદરતી આફતોથી ઘેરાયેલા ગરીબ અને સીમાંત સમુદાયો પાસેથી અપેક્ષા રાખવી કે તેમની પાસે નાગરિકત્વને પુરવાર કરવા માટેના દસ્તાવેજ હશે, તે ગેરવ્યાજબી છે.'
ઍમનિસ્ટીએ ટ્રિબ્યૂનલ તથા રાજ્યસરકારોને પારદર્શક રીતે વર્તવા માટે વિનંતી કરી છે, જેથી કરીને કોઈ પોતાના મૂળભૂત અધિકારોથી વંચિત રહી ન જાય.
કૉંગ્રેસની બેઠક મળી
નવી દિલ્હીમાં કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના ઉચ્ચ નેતાઓની બેઠક મળી હતી, જેમાં એનઆરસી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ, એ. કે. ઍન્ટોની, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ તથા લોકસભામાં વિપક્ષના નેતા અધીરરંજન ચૌધરી હાજર રહ્યા હતા.
ચૌધરીએ કહ્યું કે 'ભાજપ આસામમાં યોગ્ય રીતે એનઆરસી લાગુ કરી શક્યો ન હતો અને હવે અન્ય રાજ્યોમાં પણ તેને લાગુ કરવા માગે છે. '
'કોઈ પણ પ્રમાણિક નાગરિકને કનડગત ન થવી જોઈએ અને તેનું રક્ષણ થવું જોઈએ.'
આસામના નાયબ મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને આરોપ મૂક્યો હતો કે :
'અગાઉની સરકારમાં યાદી સાથે ચેડાં કરવામાં આવ્યા હતા, એટલે પાત્ર ન હોય તેવા લોકોનાં નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયાં હતાં.'
એનઆરસી શું છે?
નેશનલ સિટીઝન રજિસ્ટર એટલે કે એનઆરસી આસામમાં રહેતા ભારતીય નાગરિકોની એક યાદી છે.
તેને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા કથિત બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આસામમાં છ વર્ષ સુધી ચાલેલા લાંબા જનઆંદોલનના પરિણામ તરીકે પણ જોઈ શકાય.
આસામમાં નેશનલ સિટીઝન રજિસ્ટર સૌપ્રથમ વાર 1951માં બનાવવામાં આવ્યું હતું. જેનો હેતુ આસમના નાગરિક અને બાંગ્લાદેશીઓને અલગ તારવવાનો હતો.
આ રજિસ્ટર 1951 બાદ પ્રથમ વખત અપડેટ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત 24 માર્ચ 1971 પહેલાંથી રાજ્યમાં રહેતી વ્યક્તિને નાગરિક તરીકે સ્વીકારવામાં આવશે.
નોંધનીય છે કે 24 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી અલગ થયું હતું.
ભારત સરકારનું કહેવું છે કે રાજ્યમાં ગેરકાયદે રહેનારા લોકોને અલગ તારવવા માટે આ જરૂરી છે.
એનઆરસી અંતર્ગત 3 કરોડ 29 લાખ લોકોએ પોતાને આસામના નાગરિક ગણાવતાં અરજી કરી છે.
પરંતુ 30 જુલાઈ, 2018ના રોજ પ્રકાશિત થયેલા NRC ડ્રાફ્ટમાં 40 લાખ લોકોનાં નામ સામેલ ન હતાં.
આ જ વર્ષે 26 જૂનના રોજ પ્રકાશિત થયેલી એક નવી યાદીમાં આશરે એક લાખ નવાં નામોને બહાર કરાયાં હતાં.
એનઆરસીમાં નામ ન હોય તો?
જો NRCમાં નામ ન આવે તો વ્યક્તિ વિદેશી જાહેર નથી થઈ જતી. જે વ્યક્તિનું નામ આ યાદીમાં સામેલ ન હોય તે ફોરેન ટ્રિબ્યૂનલમાં સંબંધિત દસ્તાવેજો સાથે 120 દિવસની અંદર રજૂઆત કરી શકે છે.
જે-તે વ્યક્તિ ભારતની નાગરિક છે કે કેમ એ અંગેનો નિર્ણય આ ટ્રિબ્યૂનલમાં લેવામાં આવશે.
પણ જો કોઈ વ્યક્તિને ફોરેન ટ્રિબ્યૂનલ 'વિદેશી નાગરિક' જાહેર કરી દે તો?
આવા કેસમાં 'વિદેશી' જાહેર થનારી વ્યક્તિ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવી શકે છે.
તો બીજી તરફ, કાયદામાં વિદેશી નાગરિકોની ધરપકડ કરી તેમને નિર્વાસિત કરવાની જોગવાઈ છે.
જોકે, આ મામલે હજુ સુધી સરકાર તરફથી કોઈ નિવેદન જાહેર કરાયું નથી.
બંધારણના આર્ટિકલ 21નો હવાલો આપતાં સ્થાનિક વકીલ અમન વાનુડ જણાવે છે કે આ આર્ટિકલ નાગરિક અને બિન-નાગરિક દરેકના ગરિમા સાથે જીવવાના અધિકારનું રક્ષણ કરે છે.
તેઓ કહે છે, "આર્ટિકલ 21 અંતર્ગત જેમનું નામ યાદીમાં સામેલ નહીં હોય, તેમને પણ ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. આશા છે કે ભારત સરકાર દરેકના અધિકારની રક્ષા કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો