કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા પછીની આ તસવીર છે? – ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

હાથ અને માથા પર પાટા બાંધીને ઊભેલાં કેટલાંક બાળકોની તસવીર બીબીસી ન્યૂઝ હિંદીનો હવાલો આપી સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહી છે.

આ તસવીરો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ 42 લોકો પૅલેટ ગનનો શિકાર બની બન્યા છે.

તેમાંથી મોટા ભાગનાઓ પોતાની આંખો ગુમાવી ચૂક્યા છે.

આ સૂચના અને બન્ને તસવીરો, સોશિયલ મીડિયા પર બીબીસી ન્યૂઝ હિંદીને સ્રોત તરીકે દર્શાવીને શૅર કરવામાં આવી રહી છે કે જે ખોટી છે.

બીબીસી ઔપચારિક રૂપે તેનું ખંડન કરે છે.

5 ઑગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ ભારત પ્રશાસિત કાશ્મીર હોય કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર, બન્ને તરફથી બીબીસીનું ન્યૂઝ રિપોર્ટિંગ સતત ચાલુ છે.

આ કવરેજમાં ક્યાંય પણ સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલી બાળકોની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

તસવીરોની તપાસ

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે આ બન્ને તસવીરે ફેબ્રુઆરી 2019થી ઇન્ટરનેટ પર હાજર છે.

19 ફેબ્રુઆપી 2019ના રોજ 'ધ જય હિંદ' નામની વેબસાઇટે આ તસવીરનો ઉપયોગ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર પણ 18 ફેબ્રુઆરી 2019ની કેટલીક પોસ્ટ અમને મળી જેમાં બે તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એટલે કે જમ્મુ- કાશ્મીરની વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિ સાથે આ તસવીરોનો કોઈ સંબંધ નથી.

એ વાત અલગ છે કે કેટલાંક ભારતીય અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન સમયાંતરે ભારતીય સેના દ્વારા ભારત પ્રશાસિત કાશ્મીરના લોકો પર પૅલેટ ગનના ઉપયોગની ટીકા કરતા રહ્યા છે.

વર્ષ 2016માં ગૃહમંત્રાલયની એક પેનલે ભારત પ્રશાસિત કાશ્મીરમાં પૅલેટ ગનના વિકલ્પ તરીકે ઓછા ઘાતક મનાતા મરચાના પાઉડરના બૉમ્બ વાપરવાની સલાહ આપી હતી.

તત્કાલીન ગૃહમંત્રી રાજનાથસિંહે એ સમિતિના ગઠનને મંજૂરી આપી હતી જેને પૅલેટ ગનના વિકલ્પ શોધવા માટે બનાવવામાં આવી હતી.

બંધારણીય સ્વાયત્તતા ખતમ કરવાના સરકારના નિર્ણય બાદ ભારત પ્રશાસિત કાશ્મીરમાં તહેનાત સુરક્ષાબળો પર મારપીટ કરવાનો અને યાતના આપવાના આરોપ લાગી રહ્યા છે.

પરંતુ ભારતીય સેનાએ આ આરોપોને આધારહીન અને અપ્રમાણિત ગણાવ્યા છે.

બીબીસીએ ભારત પ્રશાસિત કાશ્મીરના દક્ષિણી જિલ્લાનાં કેટલાંક ગામોનો પ્રવાસ કર્યા બાદ શુક્રવારના રોજ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો.

આ પહેલાં પણ શ્રીનગર નજીક આવેલા સૌરામાં જુમ્માની નમાઝ બાદ થયેલી હિંસા પર બીબીસીએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો