NRC : 'મારા પતિએ આસામ માટે પ્રાણની આહુતિ આપી, તો અમે વિદેશી કેવી રીતે?'

    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે, બોરુનગરી (આસામ)થી

"સરકારે અમારું સન્માન તો કર્યું, પરંતુ હવે કોર્ટ અને પોલીસ સ્ટેશને ચપ્પલ ઘસવા પડી રહ્યા છે. આવી વાતોથી કેટલું દુખ થાય તે બીજું કોઈ સમજી ન શકે."

"મારા પતિએ આસામની ધરતી ઉપરથી વિદેશીઓને હાંકી કાઢવા માટે આસામ આંદોલનમાં ભાગ લીધો હતો અને પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેઓ મારા પતિનું માથું વાઢીને લઈ ગયા હતા. બે-ત્રણ દિવસ પછી તેમનો મૃતદેહ મળ્યો હતો."

"મારા પતિ અખિલ આસામ વિદ્યાર્થી સંગઠન (આસૂ)ની સાથે દેશ માટે શહીદ થયા. તેમના બલિદાનને કારણે જ NRC (નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝન્સ) શક્ય બન્યું. હવે પોલીસ અમને ધરપકડ કરવાની ધમકી આપે છે."

પતિના મૃત્યુને યાદ કરતા 66 વર્ષીય સરબબાલા પતિ વિશે યાદ કરતા જ જોશમાં આવી ગયા, પરંતુ સામે પડેલી ફોરેન ટ્રિબ્યૂનલની નોટિસને કરાણે ભયભીત થઈને રડવા લાગે છે.

સરબબાલા તથા તેમના દીકરા પરિતોષને નગાંવ જિલ્લાની ફોરેન ટ્રિબ્યૂનલ-2એ નોટિસ મોકલી છે અને નાગરિકત્વ સાબિત કરવા કહ્યું છે.

શું થયું હતું એ દિવસે?

સરબબાલાને પતિ મદન મલ્લિકના મૃત્યુની તારીખ તો યાદ નથી પરંતુ તેના અંગે યાદ કરતા કહ્યું કે એ દિવસે મંગળવાર હતો અને વિદ્યાર્થી નેતા તેમના પતિને બોલાવવા આવ્યા હતા.

સરબબાલા કહે, "મેં તેમને જતા અટકાવ્યા હતા, પરંતુ તેમણે એમ કહ્યું હતું કે 'આ દેશનો સવાલ છે, આપણે જવું જ રહ્યું.' તેઓ ફરી પાછા ન ફર્યા. બે-ત્રણ દિવસ પછી, તેમનું ધડ મળ્યું હતું."

'તમારાં પતિ કોની સામે લડવા ગયા હતા?'

સરબબાલાના કહેવા પ્રમાણે, "આસામી અને હિંદુ બંગાળી હોવાથી મારા પતિ 'ગેરકાયદેસર નાગરિકો'ને ભગાડી મૂકવા માટે ગયા હતા."

"હુમલાખોરોએ અમારાં ઘર સળગાવી દીધાં હતાં. પતિના મૃત્યુ બાદ ચાર સંતાનો સાથે મારે શરણાર્થી કૅમ્પમાં રહેવું પડ્યું."

"એ આગમાં અમારાં બધાં કાગળિયાં સળગી ગયાં. સરકારને બધી બાબતોની જાણ છે."

1983માં સરબબાલા ગોસપાડા ગામમાં રહેતાં હતાં, જે નેલીથી અમુક કિલોમીટર જ દૂર હતું.

તા. 18 ફેબ્રુઆરી 1983ના દિવસે નેલી ખાતે ભયાનક નરસંહાર થયો હતો, જેને સ્વતંત્ર ભારતના સૌથી જઘન્ય નરસંહારમાંથી એક માનવામાં આવે છે.

એ નરસંહારમાં લગભગ 2100 લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા હતા. નેલીકાંડના અમુક દિવસો બાદ મદન મલ્લિકની હત્યા થઈ હતી.

આસામ આંદોલન દરમિયાન 855 આંદોલનકારીનાં મૃત્યુ થયાં હતાં, રાજ્ય સરકારે તેમને શહીદ તરીકે માન્યતા આપી હતી.

સમસ્યા કેમ?

સરબબાલાના વચલા દીકરા પ્રાંતુષ પિતાની અટકને સમગ્ર ગેરસમજણનું કેન્દ્ર માને છે.

પ્રાંતુષ કહે છે, "પિતાના મૃત્યુ સમયે અમે ખૂબ નાનાં હતાં. માતા નિરક્ષર છે. વિદ્યાર્થી સંગઠનના લોકોએ મારા પિતાનું શહીદ સ્મારક બંધાવડાવ્યું હતું."

"શહીદ સ્મારકમાં તેમણે એક ભૂલ કરી, અટક તરીકે 'મલ્લિક' લખવાને બદલે 'સરકાર' લખાવી દીધું. ત્યારબાદના દરેક દસ્તાવેજમાં મારા પિતાનું નામ 'મદન મલ્લિક' તરીકે નોંધાયું."

"એ સમયે અમને કલ્પના ન હતી કે આ બાબતને કારણે અમારી નાગરિકતા ઉપર સવાલ ઊભા થશે અને મારી માતાને ફોરેન ટ્રિબ્યૂનલની નોટિસ આવશે."

ભારતીય સેનામાં કામ કરી ચૂકેલા પૂર્વસૈનિકથી લઈને હિંદીભાષી પ્રદેશના અનેક લોકોને 'વિદેશી' હોવાની આશંકાએ ટ્રિબ્યૂનલે નોટિસો મોકલી છે.

સરકાર દ્વારા સન્માન

આસામ સરકાર દ્વારા આપવામાં આવેલા સન્માનપત્રક તથા સ્મૃતિ ચિહ્ન દેખાડતા સરબબાલાએ જણાવ્યું:

"1985માં પ્રફુલ મહંત આસામના મુખ્યમંત્રી બન્યા એ સમયે તેમણે અમને રૂ. 30 હજાર અને સન્માનપત્રથી સન્માનિત કર્યા હતા."

"વિદ્યાર્થી સંગઠને ગામમાં મારા પતિના નામે શહીદ સ્મારક પણ સ્થાપિત કર્યું."

"વર્ષ 2016માં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રૂ. પાંચ લાખ તથા સન્માનપત્ર આપીને અમારું સન્માન કર્યું."

"એક તરફ અમારું સન્માન કરી રહ્યા છે તો બીજી તરફ નાગરિકત્વ સાબિત કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે."

એ સમયે સોનોવાલ સરકારે આસામ આંદોલનમાં મૃત્યુ પામલા તમામ 855 આંદોલનકારીઓના પરિવારજનોને રૂ. 5-5 લાખ તથા સ્મૃતિચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું. મૃતકોમાં સ્થાનિકો ઉપરાંત બંગાળી મૂળના અનેક લોકોએ પણ પ્રાણ ગુમાવ્યા હતા.

"મારા પતિએ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આસામ આંદોલન દરમિયાન પોતાના પ્રાણની આહુતિ આપી, તો અમે વિદેશી કઈ રીતે થઈ ગયા?"

ભાજપના નેતા નારાજ

મલ્લિક પરિવારને નોટિસ સંદર્ભે ભાજપના ધારાસભ્ય શિલાદિત્ય દેબે બીબીસીને કહ્યું:

"જેમણે આસામ આંદોલન માટે પ્રાણ ગુમાવ્યા, તેમને નોટિસ આપવામાં આવી, જે ખૂબ જ દુખની વાત છે."

"1979થી 1983 દરમિયાન જે આંદોલન થયા, તેમાં મલ્લિક પણ સામેલ હતા. 1983માં તેઓ સ્ટુડન્ટ્સ યુનિયનના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરી દેવાઈ હતી."

દેબ ઉમેરે છે કે તેઓ બંગાળી પરિવારના હોવાને કારણે તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

કેન્દ્ર સરકારે તમામ નાગરિકોને ખાતરી આપી છે કે જેમના નામ અંતિમ યાદીમાં નથી તેઓ 120 દિવસની અંદર ફોરેનર્સ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ દાખલ કરી શકશે.

યાદીમાંથી બાકાત રહીલ ગયેલા લોકોને તેમનું નાગરિકત્વ સાબિત કરવા માટે પૂરતી તકો અપાશે.

માનવીય ભૂલ

આસામ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતાઓ માને છે કે મદન મલ્લિકના કિસ્સામાં માનવીય ચૂક થઈ છે.

'આસૂ' ના મહાસચિવ લુરિન જ્યોતિ ગોગોઈના કહેવા પ્રમાણે, "કોઈ ભારતીય નાગરિકનું નામ NRCમાંથી બાકાત નહીં રહે. મદન મલ્લિકના કિસ્સામાં માનવીય ચૂક થઈ હશે."

"દસ્તાવેજ જ બધાય સવાલના જવાબ છે. જો કોઈ ટેકનિકલ કારણોસર મલ્લિક પરિવારને તકલીફ પડી હશે તો અમે તેમને મદદ કરીશું."

'આસૂ'ના નેતા NRCમાં થયેલી ઢીલ તથા તેમાં રહેલી ખામીઓ માટે રાજ્ય સરકારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતા રહ્યા છે.

ગોગોઈ ઉમેરે છે કે ગત એક વર્ષ દરમિયાન માત્ર 75 લોકોને જ એફ. ટી.ની નોટિસો પાઠવવામાં આવી હતી. જેમની પાસે નાગિરકત્વના કોઈ દસ્તાવેજ ન હોય તેમને પહેલાં નોટિસ મોકલવી જોઈએ.

આસામ સંધિ અનુસાર તૈયાર કરવામાં આવેલી NRCની યાદી અહીંના મૂળનિવાસીઓ માટે ભાવનાત્મક મુદ્દો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો