Top News : આસામમાં NRCની અંતિમ યાદીમાં કારગિલ યુદ્ધ લડનાર સૈનિક અને ધારાસભ્યનું જ નામ નહીં

ગઈકાલે શનિવારે જાહેર થયેલી નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન(NRC)ની અંતિમ યાદીમાં કારગિલ યુદ્ધ લડનારા સૈનિક અને વર્તમાન તેમજ પૂર્વ ધારાસભ્યનું નામ નહીં હોવાનું એનડીટીવીનો અહેવાલ જણાવે છે.

અહેવાલ મુજબ અંતિમ યાદીમાં કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર પૂર્વ સૈન્ય અધિકારી મોહમ્મદ સનાઉલ્લાહ, એઆઈયૂડીએફના ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્યનું નામ નથી.

આ ઉપરાંત આસામના કૉંગ્રેસના ધારાસભ્ય ઇલિયાસ અલીની દીકરીનું નામ પણ નથી.

ઉલ્લેખનીય છે કે શનિવારે અંતિમ યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થયું છે કે 19 લાખ લોકોનાં નામ આ યાદીમાં નથી.

કાશ્મીરમાં જનમત લેવામાં આવે - ઇસ્લામિક દેશો

ઇસ્લામિક દેશોના સમૂહ ઓઆઈસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેઓ કાશમીર પર નજર રાખી રહ્યા છે.

ઓઆઈસી એટલે કે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉઓપરેશને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ કાશ્મીર મામલાના અંતિમ ઉકેલ તરીકે જનમત લેવો જોઈએ એમ પણ કહ્યું છે.

ઓઆઈસીએ ભારતપ્રશાસિત કાશ્મીરમાંથી કર્ફ્યૂ હઠાવવાની, કૉમ્યુનિકેશન સેવાઓ ચાલુ કરવાની પણ માગ કરી છે.

ઓઆઈસીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રસ્તાવો મુજબ જ થવું જોઈએ.

ઇમરાન ખાને કહ્યું NRC મોટી યોજનાનો હિસ્સો

શનિવારે એનઆરસીની અંતિમ યાદી જાહેર થયા બાદ આ મામલે રાજકીય પ્રતિક્રિયાનો સિલસિલો શરૂ થયો હતો.

એનઆરસી પર દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તેને મોટી યોજનાનો હિસ્સો ગણાવ્યો છે.

તેમણે ભારતીય મીડિયામાં આવી રહેલા એનઆરસીના સમાચારની લિંક શૅર કરીને લખ્યું કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી રહેલા મુસલમાનોની નસલના સફાયાના અહેવાલો પર દુનિયામાં ચિંતા પેદા થવી જોઈએ.

તેમણે એવું પણ કહ્યું કે કાશ્મીર પર ગેરકાયદે કબજો કરવો એ મુસલમાનોને નિશાન બનાવવાની વ્યાપક નીતિનો હિસ્સો છે.

શશી થરૂર સામે હત્યાનો કેસ ચલાવવા માગ

પત્ની સુનંદા પુષ્કરના સંદિગ્ધ મૃત્યુ કેસમાં કૉંગ્રેસના સાંસદ શરી થરૂર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને ક્રૂરતા કરવાનો કેસ દાખલ કરેલો છે.

આ કેસમાં દિલ્હી પોલીસે અદાલતમાં શશી થરૂર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કે હત્યાનો કેસ ચલાવવાની માગ કરી.

શશી થરૂરનાં પત્ની સુનંદા પુષ્કરનું દિલ્હીની એક હોટલમાં 2014માં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું અને એ કેસમાં તેઓ હાલ જામીન પર છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં હત્યાની સાબિતીઓ મળી છે. શશી થરૂર પહેલાંથી આરોપ ફગાવતા રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો