શિવસેના-ભાજપ મહારાષ્ટ્રમાં પ્યાદાંને જોરે લડાઈ લડે છે?

    • લેેખક, પ્રવીણ શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મુંબઈને માયાનગરી કહેવામાં આવે છે અને આખો દેશ દાયકાઓથી તેની માયાજાળમાં લપેટાયેલો છે, પરંતુ છેલ્લા કેટલાક વખતથી મુંબઈમાં ચાલી રહેલી રાજકીય લડાઈને સમગ્ર રાષ્ટ્ર આશ્ચર્યથી નિહાળી રહ્યું છે.

આ ખેલમાં સસ્પેન્સ, ડ્રામા, ઇમોશન, ઍક્શન, નેતા, પોલીસ, મીડિયા, ડ્રગ્ઝ અને ફિલ્મ કલાકારો સુધ્ધાં સામેલ છે.

રાજકારણની આ લડાઈના બે મુખ્ય પાત્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના છે.

2019ના અંતે શરૂ થયેલી આ લડાઈની વર્તમાન કડીમાં શિવસેનાના વડપણ હેઠળની મહારાષ્ટ્રની ગઠબંધન સરકારનો એ નિર્ણય છે, જેમાં રાજ્ય સરકારે સીબીઆઈ તપાસની મંજૂરીને પાછી ખેંચી લીધી છે.

હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ મામલાની તપાસ કરતાં પહેલાં સીબીઆઈએ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે.

જોકે અગાઉથી ચાલી રહેલી અનેક કેસની તપાસ પર આ નિર્ણયની કોઈ અસર નહીં પડે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કૉંગ્રેસની ગઠબંધન સરકારે ગયા બુધવારે ઉપરોક્ત નિર્ણયની જાહેરાત કરી હતી.

ટીઆરપી ગોટાળા બાબતે ધમાલ

જાહેરાતના એક દિવસ પહેલાં જ ટીઆરપી ગોટાળા તપાસ સીબીઆઈ મારફત કરાવવાની ઉત્તરપ્રદેશ સરકારની માગને કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. એ પછી કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી.

વાસ્તવમાં ટીઆરપીમાં ઘાલમેલની એક એફઆઈઆર લખનૌમાં 17 ઑક્ટોબરે નોંધવામાં આવી હતી. એ પછી ઉત્તરપ્રદેશ પોલીસે તે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી.

તેમાં ભેદી વાત એ છે કે 'ટીઆરપી ગોટાળા'ની તપાસ મુંબઈ પોલીસ એ પહેલાંથી કરી રહી છે.

મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહે આઠ ઑક્ટોબરે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને અર્ણવ ગોસ્વામીના રિપબ્લિક ટીવી તથા બે અન્ય ચેનલો પર ટીઆરપીમાં ઘાલમેલનો આરોપ મૂક્યો હતો.

એ પછી રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. આમ તો ટીઆરપી કૌભાંડથી શિવસેના કે ભાજપ કોઈને લેવાદેવા હોવી જોઈએ નહીં, પણ જે દિવસે સીબીઆઈએ ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી આ ગોટાળાનો કેસ પોતાના હાથમાં લીધો એ જ રાતે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા રાતના નવ વાગ્યાની ટીવી ડિબેટમાં સામેલ થયા હતા. એ ડિબેટ ટીઆરપી મામલે જ હતી.

સવાલ એ છે કે સીબીઆઈ તપાસની મંજૂરીનો આ મામલો કાયદાકીય છે કે રાજકીય લડાઈ છે?

મહારાષ્ટ્ર ટાઇમ્સના સિનિયર આસિસ્ટંટ એડિટર વિજય ચોરમારેએ જણાવ્યું હતું કે આ રાજકીય ખેલ જ ચાલી રહ્યો છે.

વિજય ચોરમારેએ કહ્યું હતું કે "સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનો કેસ સીબીઆઈને સોંપવાનો કોઈ અર્થ ન હતો, પણ રાજકીય કારણસર એ સીબીઆઈને સોંપાયો હતો. હવે ટીઆરપી કૌભાંડમાં પણ આ કેસ મહારાષ્ટ્ર પોલીસના કામમાં અંતરાય સર્જવા માટે તથા પોતાના લોકોને બચાવવા માટે સીબીઆઈને સોંપવામાં આવ્યો છે."

વરિષ્ઠ પત્રકાર વેંકટેશ કેસરીએ કહ્યું હતું કે "જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કાયદેસરનું કશું જ નથી. આ સંપૂર્ણપણે રાજકીય મામલો છે. સુશાંત કેસમાં આપણે આવું જ જોયું હતું. આ કાયદાકીય કે ટેકનિકલ મુદ્દો નથી."

કેસરીએ ઉમેર્યું હતું કે "મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં, પણ સરકાર બનાવી શક્યાં નહીં. એ કારણે ભાજપ ગુસ્સે ભરાયેલો છે. બંગાળમાં ચૂંટણી યોજાવાની છે. ત્યાં પણ કેન્દ્ર તથા રાજ્ય સરકાર વચ્ચે ટક્કરની સ્થિતિ છે. રાજસ્થાનમાં પણ ભાજપે તાજેતરમાં સરકાર રચવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ પ્રયાસ સફળ થયો ન હતો."

અલબત્ત, બન્ને પક્ષો વચ્ચેની લડાઈની એક કડીમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ તથા શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે તાજેતરમાં મુલાકાત યોજાઈ હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદીએ પણ એકમેકની વિરુદ્ધ કોઈ આકરું નિવેદન કર્યું નથી.

તેથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ દુશ્મનીનો દેખાડો તો નથી ને? ભવિષ્યમાં બન્ને પક્ષો વચ્ચેનો સંબંધ પૂર્વવત્ થઈ શકે છે.

જોકે ચોરમારેએ કહ્યું હતું કે "આ દુશ્મનાવટનો દેખાડો નથી."

કઈ રીતે બગડયો બન્ને પક્ષ વચ્ચેનો સંબંધ?

મહારાષ્ટ્રની આ દિલચસ્પ પટકથાની શરૂઆત 2019ની 24 ઑક્ટોબરથી થઈ હતી. એ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

એ ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યાં હતાં. બીજી તરફ કૉંગ્રેસ તથા એનસીપીનું ગઠબંધન હતું.

ભાજપ-શિવસેના યુતિને બહુમત સાબિત કરવા જેટલી બેઠકો મળી ગઈ હતી, પણ મુખ્ય મંત્રી કોણ બને એ મામલે ગૂંચવાડો સર્જાયો હતો.

ખૈર, ભાજપ-શિવસેના વચ્ચેની ગૂંચ ઉકેલાઈ ન હતી. રાજ્યમાં થોડા દિવસ માટે રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું.

ચોરમારેએ કહ્યું હતું કે "ભાજપ અને શિવસેના વચ્ચે અઢી-અઢી વર્ષ સુધી શાસનની સહમતી સધાઈ હતી, પણ વિધાનસભા ચૂંટણી પછી ભાજપે તે વાત માનવાનો ઇન્કાર કર્યો હતો. તેથી શિવસેના નારાજ થઈ હતી."

એનસીપીના પ્રમુખ શરદ પવારે 2019ની 22 નવેમ્બરે જાહેરાત કરી હતી કે શિવસેના, એનસીપી તથા કૉંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને ઉદ્ધવ ઠાકરે આગામી પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી રહેશે.

એ સમયે ભાજપે ખેલ પાડ્યો હતો. 23 નવેમ્બર, શનિવારની સવારે રાષ્ટ્રપતિશાસન હઠાવી લેવાયું હતું અને તેના પછી તરત જ રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી અને એનસીપીના અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી તરીકે સોગંદ લેવડાવ્યા હતા.

અલબત્ત, રાજકારણના દિગ્ગજ શરદ પવારે તેમના પક્ષને તૂટતો બચાવી લીધો હતો એટલું જ નહીં, પણ અજિત પવારને મનાવીને પક્ષમાં પાછા લાવવામાં પણ સફળ થયા હતા.

ભાજપ અને શિવસેના વચ્ચે વાસ્તવમાં શું ચાલી રહ્યું છે?

આ મુદ્દે વેંકટેશ કેસરીએ કહ્યું હતું કે "પરિસ્થિતિ વણસી ન જાય ત્યાં સુધી કોઈ પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ટક્કર લેતી નથી."

તેમના જણાવ્યા મુજબ, શિવસેના અને ભાજપ વચ્ચે મહારાષ્ટ્રમાં નંબર વન પક્ષ થવાની લડાઈ ચાલી રહી છે.

કેસરીએ ઉમેર્યું હતું કે "શિવસેનાને ટોચના સ્થાને રહેવું છે, પણ એ બે નંબર બની ગઈ છે. બીજી તરફ ભાજપ તેને યાદ કરાવતી રહે છે કે એ બીજા નંબરે જ છે."

"અલબત્ત, ભાજપ શિવસેનાને મુખ્ય મંત્રીપદ આપવા રાજી થઈ જાય તો બન્ને પક્ષો ફરી એક થઈ શકે છે."

ભાજપનું આંતરિક રાજકારણ

દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે શપથ તો લઈ લીધા પણ પોતે બહુમતી સાબિત કરી શકશે નહીં એવું તેમને લાગ્યું ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી તરીકે સોગંદ લીધા અને અજિત પવાર ફરી નાયબ મુખ્ય મંત્રી બની ગયા.

ચોરમારેએ કહ્યું હતું કે "મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર ન રચાઈ તેનું એક કારણ ભાજપનું આંતરિક રાજકારણ પણ હોઈ શકે. સરકારની રચના વખતે અમિત શાહે કોઈ દરમિયાનગીરી કરી ન હતી."

ચોરમારેના જણાવ્યા મુજબ, કેન્દ્રમાં પોતાના સારા નેતાઓને લાવવાના પ્રયાસ હેઠળ ભાજપ દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી લઈ જવા ઇચ્છે છે.

ચોરમારેએ ઉમેર્યું હતું કે બિહારમાં ચૂંટણીપ્રચારની જવાબદારી ફડણવીસને સોંપવામાં આવી છે. તેને ફડણવીસને દિલ્હી લઈ જવાની દિશામાંનું એક પગલું માની શકાય.

શિવસેના અને ભાજપ વચ્ચે તંગદિલી ક્યારથી વધી?

મહારાષ્ટ્રમાં શિવસેનાએ એનસીપી તથા કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચી ત્યારથી જ ભાજપ સાથે તંગદિલી વધવા લાગી હતી. એ પછીના એક વર્ષમાં બન્ને પક્ષો વચ્ચેનો સંબંધ છેક નીચલા સ્તરે પહોંચી ગયો છે.

હાલના ટીઆરપી કૌભાંડમાં ચાલી રહેલા ટકરાવ ઉપરાંત બીજી એવી અનેક ઘટનાઓ બની હતી, જેને કારણે બન્ને પક્ષો ખુલ્લેઆમ એકમેકની સામે આવી ગયા હતા.

પાલઘરનો મામલો

આ વર્ષે 16 એપ્રિલે પાલઘરમાં બે સાધુઓને રહેંસી નાખવાનો મામલો બહુ ચગ્યો હતો. આ મામલે ભાજપે ઉદ્ધવ સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. પાલઘર મામલાની તપાસ બાબતે ભાજપે પોલીસને આરોપીના પાંજરામાં ઊભી રાખી હતી.

સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ

એ પછી જૂનમાં એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી બન્ને પક્ષ વચ્ચેનો સંબંધ સતત કથળતો રહ્યો છે.

સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી કે તેમની હત્યા કરવામાં આવી હતી એ મુદ્દે બન્ને પક્ષોને એકમેક પર આક્રમણ કરવાની તક મળી હતી.

ટીવી ચેનલો પર આ મામલે દિવસ-રાત ડિબેટ શરૂ થઈ હતી. સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત આ કેસની તપાસમાં મુંબઈ પોલીસે અપનાવેલી પદ્ધતિ સામે પણ આકરા સવાલ કરવામાં આવ્યા હતા.

મામલો સીબીઆઈને સોંપવા બાબતે વિવાદ

બિહાર પોલીસે સુશાંતસિંહના મૃત્યુના કિસ્સામાં એક એફઆઈઆર નોંધી ત્યારે મામલો ફરી ગૂંચવાયો હતો. આ કેસની તપાસ બિહાર પોલીસ કરી શકે કે નહીં, એ મુદ્દે જોરદાર ધમાલ થઈ હતી. બિહારના તત્કાલીન ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનાં નિવેદનોની પણ વ્યાપક ચર્ચા થઈ હતી.

એ પછી આ કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ બિહાર પોલીસે કરી હતી અને કેન્દ્ર સરકારે તે ભલામણ સ્વીકારી લીધી હતી.

મહારાષ્ટ્ર સરકારે તેની સામે જોરદાર વાંધો લીધો હતો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઈને સોંપવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો.

શિવસેના, કૉંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો માને છે કે ભાજપની કેન્દ્ર સરકાર તેના રાજકીય લાભ માટે તથા વિરોધીઓને ફસાવવા માટે સીબીઆઈ, ઈડી તથા બીજી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

ડ્રગ્ઝ અને બોલીવૂડની બદનામી

સુશાંતસિંહ કેસમાં રિયા ચક્રવર્તી પર હત્યા કરવાનો આરોપ સાબિત ન થઈ શક્યો ત્યારે ડ્રગ્ઝના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ રિયા, તેના ભાઈ તથા કેટલાક અન્ય લોકોની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

એ ઉપરાંત દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ જેવાં હિન્દી ફિલ્મોનાં વિખ્યાત અભિનેત્રીઓને ડ્રગ્ઝ ચેટ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.

તેને કારણે "બોલીવૂડને બદનામ કરવા" અને "ફિલ્મ ઉદ્યોગમાંથી ડ્રગ્ઝનો સફાયો કરવા" જેવા બે મુદ્દે એક તરફ શિવસેના હતી તો બીજી તરફ ભાજપ. આ મામલે સંસદમાં પણ ગરમાગરમ ચર્ચા થઈ હતી.

એ પહેલાં 2018ની પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાની તપાસ કેન્દ્રીય એજન્સી એનઆઈએને સોંપવાના મુદ્દે પણ શિવસેના તથા ભાજપ સામસામે આવી ગયાં હતાં.

ભીમા કોરેગાંવ પ્રકરણની તપાસ

ભીમા કોરેગાંવ હિંસા પ્રકરણના આરોપીઓ વિરુદ્ધના આરોપનામાંની સમીક્ષા માટે મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી, કૉંગ્રેસ સરકાર દ્વારા યોજવામાં આવેલી બેઠકના એક દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ પ્રકરણની તપાસ એનઆઈએને સોંપી દીધી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આ નિર્ણયને કારણે મહારાષ્ટ્ર સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે વિખવાદ સર્જાયો હતો.

2017ની 31 ડિસેમ્બરે પૂણેમાં એલ્ગાર પરિષદની બેઠકમાં લોકોને ઉશ્કેરવા બદલ 9 કાર્યકરો તથા વકીલોની મહારાષ્ટ્ર પોલીસે 2018માં ઘરપકડ કરી હતી.

રાજ્ય સરકારે એવો સંકેત આપ્યો હતો કે પૂણે પોલીસ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહેશે તો એ કેસ ખાસ તપાસ ટુકડી (એસઆઈટી)ને સોંપવામાં આવશે. એનસીપીના વડા શરદ પવારે પણ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે રાજ્યની અગાઉની ભાજપ સરકારે આરોપીઓને ફસાવવા માટે કાવતરું ઘડ્યું હતું. તેથી આ પ્રકરણની સમીક્ષા થવી જોઈએ.

જોકે, કેન્દ્ર સરકારે આ કેસની તપાસ એનઆઈએને સોંપી દીધી હતી. એ કારણે શિવસેના તથા ભાજપ વચ્ચે વિવાદ સર્જાયો હતો.

ક્યાં રાજ્યો કરી ચૂક્યાં છે સીબીઆઈને મંજૂરીનો ઇન્કાર?

સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ કેન્દ્ર સરકાર પર સતત થતા રહ્યા છે. એ આરોપોનો હવાલો આપીને અગાઉ પણ ઘણાં રાજ્યો તેમને ત્યાં સીબીઆઈને તપાસ કરતી અટકાવી ચૂક્યાં છે.

રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારે સીબીઆઈ તપાસની મંજૂરીને ગત 19 જુલાઈએ જ પાછી ખેંચી લીધી હતી. એ વખતે સચીન પાઇલટે કૉંગ્રેસમાં બળવો કર્યો હતો.

પશ્ચિમ બંગાળ સરકારે નવેમ્બર, 2018માં આવી મંજૂરી પાછી ખેંચી લીધી હતી, પણ એ વખતે કોલકાતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જનરલ કન્સેન્ટ ભલે પાછી ખેંચી લેવામાં આવી હોય, પણ સીબીઆઈ કેન્દ્રીય અધિકારીઓની તપાસ કરી શકે છે.

સીબીઆઈ તપાસની મંજૂરી આપવાનો ઇન્કાર પંજાબ સરકાર પણ 2018માં કરી ચૂકી છે.

છત્તીસગઢની ભૂપેશ બધેલ સરકારે પણ સીબીઆઈને રાજ્યમાં તપાસ કરવાની મંજૂરી જાન્યુઆરી 2019માં પાછી ખેંચી લીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો