બિહાર ચૂંટણી : નીતીશકુમાર પોતાના શાસનના બદલે લાલુ પ્રસાદ યાદવનાં 15 વર્ષ કેમ યાદ કરાવે છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારના ચૂંટણીપ્રચારમાં 'પંદર વર્ષ'નો ઉલ્લેખ વારંવાર સાંભળવા મળે છે. લાલુ યાદવનાં 15 વર્ષની સરખામણી નીતીશનાં 15 વર્ષ સાથે કરવામાં આવી રહી છે.

15 વર્ષ પછી વધુ એક કાર્યકાળ માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના મુખ્ય મંત્રીપદના દાવેદાર નીતીશકુમાર પોતાની ચૂંટણીસભાઓમાં 'લાલુ યાદવના જંગલરાજ'ની વારંવાર યાદ અપાવે છે. કેટલીક વખત તો પોતાના 'સુશાસન'ના દાવા કરતાં પણ લાલુના કાર્યકાળની વધુ યાદ અપાવે છે.

નીતીશ લોકોને 15 વર્ષ પહેલાંના બિહારની તસવીર દેખાડતા પૂછે છે, "અમારા શાસન અગાઉ બિહારની સ્થિતિ કેવી હતી? સાંજ થયા પછી કોઈની ઘરમાંથી બહાર નીકળવાની હિંમત હતી? સામૂહિક નરસંહારની કેટલી ઘટનાઓ બનતી હતી?"

તેઓ કહે છે, "અગાઉ અપહરણ, કોમી તોફાનો અને બીજું કેટલું બધું થતું હતું. પરંતુ તમે અમને કામ કરવાની તક આપી, તો અમે કાયદાનું રાજ સ્થાપ્યું. જંગલરાજમાંથી મુક્તિ અપાવી."

નીતીશકુમાર કથિત જંગલરાજની એવી રીતે યાદ અપાવી રહ્યા છે જેને સમજવું પ્રથમ વખતના મતદાર યુવાનો માટે થોડું મુશ્કેલ છે.

વાસ્તવમાં બિહારમાં યુવાન મતદારોએ માત્ર ઘરના વડીલો પાસેથી 1990થી 2005ના સમયગાળાના કિસ્સા સાંભળ્યા હશે.

18થી 35 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા આ વખતની ચૂંટણીમાં લગભગ 50 ટકા છે. એટલે કે લગભગ અડધા મતદારો 36 વર્ષથી ઓછી ઉંમરના છે.

નીતીશકુમાર 2005થી 2020 સુધી બિહારના મુખ્ય મંત્રી રહ્યા છે. તેમાંથી મે 2014 પછીના નવ મહિના બાકાત છે જે સમયે તેમણે જીતનરામ માંઝીને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા હતા.

પોતાના 15 વર્ષના હિસાબની જગ્યાએ તેમને લાલુ યાદવનાં 15 વર્ષના હિસાબ-કિતાબની વધુ જરૂર શા માટે પડી રહી છે?

આ બાબતની ચકાસણી કરવામાં આવી છે આ રિપોર્ટમાં.

ગુનાખોરી અને ભ્રષ્ટાચાર

લાલુના બિહાર અને નીતીશના બિહારને નજીકથી જોનારા વરિષ્ઠ સમાજશાસ્ત્રી શૈલાબ ગુપ્તા કહે છે, "અગાઉ બિહારમાં શાસન (વ્યવસ્થા) નામની કોઈ ચીજ ન હતી. નીતીશ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલું કામ રાજ્યમાં શાસન સ્થાપિત કરવાનું કર્યું હતું."

"ત્યારપછીનાં વર્ષોમાં તેમણે એ જ શાસનને વધારે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. જનતામાં સત્તાના અધિકાર અને તેના પ્રત્યે વિશ્વાસ જગાવ્યો. તેઓ આવું એટલા માટે કરી શક્યા, કારણ કે તેમણે ઘણા મોટા ગુનેગારો, જેવા કે આનંદ મોહન અને મુન્ના શુક્લાને જેલ ભેગા કર્યા. તેના કારણે ગુનેગારોમાં ભય પેદા થયો."

શૈલાબ કહે છે, "નીતીશરાજ અગાઉ ગુનાખોરી આચર્યા પછી ગુનેગારો હીરો બની જતા હતા અને ત્યાર પછીની ચૂંટણીમાં તેમની ઉમેદવારી નક્કી ગણવામાં આવતી હતી. પરંતુ નીતીશના રાજમાં આ બંધ થયું."

નીતીશના કાર્યકાળમાં બિહારમાં ગુનાખોરીમાં ઘટાડો થયો એવું વરિષ્ઠ પત્રકાર કન્હૈયા ભેલારીનું માનવું છે.

બીબીસી સાથેની વાતચીતમાં કન્હૈયા જણાવે છે, "મારું પૈતૃક ઘર રોહતાસ જિલ્લામાં આવે છે, પરંતુ લાલુના સમયમાં હું સાંજે કામ પતાવ્યા પછી પટનાથી રોહતાસ જવામાં ડર અનુભવતો હતો. પરંતુ આજના સમયમાં તમે રાતે ગામમાં લગ્નમાં હાજરી આપીને સવારે પટના પોતાના કામે પાછા જઈ શકો છો. હવે રસ્તા સારા થઈ ગયા છે. વીજળી પણ કલાકો સુધી રહે છે. ગુનાખોરી ઘટી છે."

નીતીશ પોતાની રેલીઓમાં દાવા કરે છે કે ગુનાખોરીના મામલે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે બિહાર અત્યારે 23મા સ્થાને છે.

બીબીસીએ બિહાર પોલીસના ગુનાખોરીને લગતા આંકડાની ચકાસણી કરી અને તેમાં જે જાણવા મળ્યું તે તમે આ ગ્રાફ પરથી સમજી શકો છો.

કોનો કઈ રીતે વિકાસ થયો?

રાજ્યમાં વિકાસના સવાલ અંગે વરિષ્ઠ પત્રકાર કન્હૈયા ભેલારી એક કિસ્સો સંભળાવે છે.

તેઓ યાદ કરે છે, "ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મારા એક મિત્રે રસ્તા પર નિયમ તોડીને પૂરજોશમાં જઈ રહેલી ફૉર્ચ્યુનર ગાડીને ન અટકાવી, પરંતુ તેની પાછળ જતી સ્કોર્પિયો ગાડીને અટકાવી."

"મેં તેને પૂછ્યું કે આવું શા માટે? તો મારા મિત્રે જવાબ આપ્યો કે અગાઉ ગામના સરપંચ બોલેરો કારમાં જતા અને નેતા સ્કોર્પિયો વાપરતા હતા. નીતીશરાજમાં એવો વિકાસ થયો કે હવે સરપંચ સ્કોર્પિયો ચલાવે છે અને નેતાઓએ ફૉર્ચ્યુનર ખરીદી લીધી છે. ફૉર્ચ્યુનરમાં નેતાજી હતા, તેથી તેમને ન રોક્યા."

કન્હૈયા જણાવે છે, "બધાની સંપત્તિ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે. સરપંચ હોય કે નેતા. આ વિકાસ નહીં તો બીજું શું છે?"

કન્હૈયા ભેલારીએ બિહારમાં થયેલા વિકાસને જે રીતે સમજાવ્યો તેના પરથી તમે અંદાજ બાંધી શકો કે ત્યાંના રાજકારણમાં છેલ્લાં 15 વર્ષમાં શું બદલાયું છે.

તેઓ કહે છે કે, "લાલુના રાજમાં ગુનાખોરીનો ગ્રાફ જેટલો ઉપર હતો, એટલો જ નીતીશના રાજમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ ઉપર ગયો છે. રૂપિયા આપ્યા વગર પંચાયતમાં કામ નથી થતું, અને બ્લૉકના સ્તરે પણ કામ નથી થતું."

પરંતુ સુશાસનનો દાવો કરનાર પાર્ટી જેડીયુ આ આરોપોને ખોટા ઠરાવે છે અને લાલુના ઘાસચારા કૌભાંડની યાદ અપાવે છે.

આવું હકીકતમાં થયું છે કે નહીં તે સાબિત કરવા માટે કોઈ સરકારી આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ સામાન્ય માન્યતા એવી છે કે ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.

આ વાત બિહારના રાજકારણને નજીકથી જાણવા અને સમજવાવાળા ઘણા પત્રકારો પણ કહે છે.

આના માટે ઘણી યોજનાઓ અને કાયદાને જવાબદાર ગણવામાં આવે છે. તેનું સૌથી તાજું ઉદાહરણ છે દારૂબંધીનો કાયદો.

બિહારના ભૂતપૂર્વ ડીજીપી અભયાનંદ શરાબબંધીના કાયદાની નિષ્ફળતાને આર્થિક દૃષ્ટિએ જુએ છે.

તેઓ કહે છે, "દારૂબંધીમાં રૂપિયાની ભૂમિકા સૌથી વધારે છે. શરાબ પર પ્રતિબંધ મૂકીને સરકારે કેટલાક લોકોને અત્યંત અમીર બનાવી દીધા છે. એ વાત સાચી કે પોલીસ કર્મચારીઓને કાયદાના ઉલ્લંઘન માટે અને બેદરકારી બદલ પકડવામાં આવ્યા છે. પરંતુ આ બહુ નાના લોકો છે. અસલી લોકો નથી પકડાતા અને તેમના વિશે વાત પણ નથી થતી, કારણ કે તેઓ બહુ મોટા લોકો છે."

આ જ વાત શૈલાબ ગુપ્તા પણ જણાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ કારણથી જ નીતીશના વર્તમાન કાર્યકાળમાં સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

પહેલી એપ્રિલ 2016થી બિહારમાં દારૂબંધીનો કાયદો અમલમાં આવ્યો હતો. સરકારે તેના કારણે જંગી આવક ગુમાવવી પડી, પરંતુ રાજ્ય સરકારે સમાજ સુધારાના નામે તેને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

દારૂબંધીના કાયદા વિશે જાણકારો માને છે કે તે એક સાહસિક નિર્ણય હતો. પરંતુ તેનો અમલ કરવામાં ઘણી ખામીઓ રહી ગઈ. તેને નીતીશકુમારના આ કાર્યકાળમાં સૌથી મહત્ત્વના નિર્ણય પૈકી એક ગણવામાં આવે છે.

2013થી 2017ના સમયગાળામાં નીતીશ

બિહારના રાજકારણ પર પકડ રાખનારા પત્રકારો અને નિષ્ણાતો માને છે કે 2005થી 2010 સુધી નીતીશકુમારે ખરેખર લોકોનું જીવનધોરણ સુધરે તે માટે કામ કર્યું હતું.

પરંતુ 2010થી 2015ના ગાળા દરમિયાન નીતીશમાં રાષ્ટ્રીય રાજકારણની મહત્ત્વાકાંક્ષા જાગી ગઈ અને તેઓ વડા પ્રધાનપદનાં સપનાં જોવા લાગ્યા. તે સમયે બિહારની ગાડી વિકાસના પાટા પરથી ઊતરી અને પછી આગળ જતા સ્થિતિ કથળવા લાગી.

તે સમયને યાદ કરતા શૈલાબ કહે છે કે, "આ વાત બિલકુલ સાચી છે. 2013ની આસપાસ નીતીશ એવા કદના નેતા હતા જે નરેન્દ્ર મોદીને પડકાર ફેંકી શકે તેમ હતા. સરકાર ચલાવવાની વાત હોય કે વાત કરવાની છટા, તે સમયે નીતીશની બરાબરી કરે તેવું કોઈ ન હતું."

તે જ જુસ્સામાં આવીને તેમણે કેટલાક નિર્ણયો પણ લીધા. પૂરગ્રસ્ત બિહારને ગુજરાત પાસેથી મળેલી મદદ પરત આપવાની જાહેરાત કરી દીધી. જીતનરામ માંઝીને નવ મહિના માટે રાજ્યના મુખ્ય મંત્રીપદે નિયુક્ત કરી દીધા.

વરિષ્ઠ પત્રકાર અજય સિંહને નીતીશકુમારને નજીકથી સમજવાવાળા પત્રકારો પૈકીના એક ગણવામાં આવે છે.

2017માં આરજેડી સાથે સંબંધ તોડવાના નીતીશના નિર્ણય અંગે તેમણે એક લેખ લખ્યો હતો. તે લેખમાં તેમણે 2013માં એનડીએને છોડવાથી લઈને 2017માં આરજેડી સાથેનું ગઠબંધન તોડવા સુધીનાં ચાર વર્ષને નીતીશકુમારના રાજકીય જીવનનો સૌથી "મૂર્ખામીભર્યો સમય" ગણાવ્યો.

તે લેખ અનુસાર 2013 અને 2015, બંને વખતે નીતીશ પરિસ્થિતિને સમજવામાં થાપ ખાઈ ગયા હતા.

2013ના સમયમાં નીતીશને લાગ્યું કે આરએસએસ નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના દાવેદાર નહીં બનાવે. 2015માં તેમનું અનુમાન હતું કે તેઓ પાંચ વર્ષ આરજેડી સાથે મળીને સરકાર ચલાવી લેશે. પરંતુ આ બંને અંદાજ ખોટા પુરવાર થયા.

સાથ અને સહકારની જરૂર

એનડીએમાંથી નીકળ્યા પછી નીતીશકુમારને વિરોધપક્ષમાં તે સમયે સ્વીકૃતિ ન મળી. તે સમયે તેઓ રાહુલ ગાંધીને મળવા ગયા તો તેમની મુલાકાત બહુ ટૂંકી રહી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં જનતાદળ યુનાઇટેડનું પ્રદર્શન પણ બહુ ખરાબ રહ્યું હતું.

તે સમયે નીતીશકુમારે જીતનરામ માંઝીને બિહારના મુખ્ય મંત્રીની ગાદી પર બેસાડી દીધા. ત્યારે લોકોને સમજાયું નહીં કે નીતીશકુમારે આવું શા માટે કર્યું. ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમના આ નિર્ણયની ટીકા પણ કરી હતી.

છ મહિનાની અંદર માંઝીના સૂર બદલાઈ ગયા અને 2015ની ચૂંટણીમાં નીતીશે આરજેડી સાથે ગઠબંધન કર્યું અને ફરી એક વખત બિહારમાં સત્તા મેળવી.

આ ગઠબંધન પર લાંબું ન ચાલ્યું. બે વર્ષથી પણ ઓછા સમયમાં તેમણે આરજેડી સાથે છેડો ફાડીને ફરી એક વખત ભાજપ સાથે મળીને સરકાર બનાવી.

ત્યાર પછી વિરોધ પક્ષના નેતાઓ નીતીશકુમારને 'પલટુરામ' પણ કહેવા લાગ્યા.

શૈલાબ ગુપ્તા જણાવે છે, એક પછી એક એવી ઘણી ઘટનાઓ બની જેના કારણે સત્તા પર રહીને નીતીશ થોડા નબળા પડ્યા. તેના કારણે તેમની અત્યાર સુધીની 'સુશાસન બાબુ'ની ઇમેજને ફટકો પડ્યો અને એક વાત સાબિત થઈ ગઈ કે તેઓ પોતાની એકલાની તાકાતથી ચૂંટણી જીતી શકતા નથી.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ 2017માં નીતીશકુમાર માટે કહ્યું હતું, "દેશમાં એક અસલી લીડર છે અને તે છે નીતીશકુમાર. નીતીશકુમાર પાર્ટી વગરના નેતા છે અને કૉંગ્રેસ પક્ષ પાસે લીડર નથી. તેથી જો કૉંગ્રેસ નીતીશકુમારને યુપીએનું નેતૃત્વ કરવાની તક આપે તો તેનું ભવિષ્ય સુધરી શકે છે." તેમની આ વાતની તે સમયે ઘણી ચર્ચા થઈ હતી.

શૈલાબ ગુપ્તા પણ રામચંદ્ર ગુહાની તે વાતને યોગ્ય માને છે.

તેઓ કહે છે, "2015માં નીતીશે એકલા ચૂંટણી લડવાની જરૂર હતી. પરંતુ તેઓ પોતાના દમ પર ચૂંટણી લડવાનું જોખમ ન લઈ શક્યા. તેમની પાસે આ માટે પાર્ટીનું તંત્ર પણ ન હતું."

"બીજી વાત એ કે નીતીશ અધિકારીઓની સાથે માત્ર સરકારી તંત્ર ચલાવી શકે છે, પક્ષ નહીં. પક્ષ ચલાવવો અને સરકારી તંત્ર ચલાવવું એ બે અલગ વાત છે. આટલાં વર્ષોમાં પણ તેઓ પોતાના પક્ષનું સંગઠન તૈયાર કરી શક્યા નથી તેથી તેઓ એકલા ચૂંટણી નથી લડી શકતા."

બીજી તરફ કન્હૈયા ભેલારી અનુસાર એવું નથી કે નીતીશકુમાર માત્ર ગઠબંધનની કાંખઘોડીની મદદથી 15 વર્ષ સુધી સત્તા પર રહ્યા છે. તેમણે ઘણાં કામ પણ કર્યાં છે, જેના કારણે રાજકીય પક્ષો તેમની સાથે ગઠબંધનનું રાજકારણ કરવા માગતા હતા.

મહાદલિતોની નવી શ્રેણી

નીતીશકુમારે પોતાના એન્જિનિયરિંગના ભણતરનો ઉપયોગ સરકાર ચલાવવા માટે કર્યો. તેમના આ પ્રયોગને જાણકારો 'સોશિયલ એન્જિનિયરિંગ' ગણાવે છે.

આ વખતની ચૂંટણી ટિકિટની વહેંચણી હોય કે પછી સરકારમાં રહીને નવી યોજનાઓ લાગુ કરવાની વાત હોય. બંનેમાં તેમના 'સોશિયલ એન્જિનિયરિંગ'ની છાપ જોવા મળી. મહાદલિતો અને મહિલાઓ માટે કરવામાં આવેલા તેમના કામને લોકો તેના ઉદાહરણ તરીકે ગણાવે છે.

બિહારમાં દલિતોની કુલ વસતી 16 ટકા છે અને ચૂંટણીના રાજકારણમાં તેમના વોટ મહત્ત્વના ગણવામાં આવે છે.

1990થી 2000 સુધી પછાત જાતિના આ લોકોને લાલુ યાદવ પોતાની સાથે જોડવા માગતા હતા, ત્યારપછી રામવિલાસ પાસવાને તેમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો.

પરંતુ 'માસ્ટર સ્ટ્રોક' તો નીતીશકુમારે પોતાના પ્રથમ કાર્યકાળમાં જ લગાવ્યો હતો. નીતીશે પાસવાન જાતિને છોડીને દલિત ગણવામાં આવતી અન્ય 21 પેટાજાતિઓ માટે 'મહાદલિત' કૅટેગરી બનાવીને તેમને ઘણી સુવિધાઓ આપી. ત્યારપછી 2018માં જ્યારે લોકજનશક્તિ પાર્ટી સાથે તેમના સંબંધ સુધર્યા તો તેમણે આ યાદીમાં પાસવાન જાતિને પણ સમાવી લીધી.

ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નીતીશકુમારના આ 'માસ્ટર સ્ટ્રૉક'થી લોકજનશક્તિ પાર્ટીની જમીન સરકવા લાગી હતી.

મહિલાઓ માટે કામ

આવી જ રીતે મહિલા મતદારોને પોતાની તરફ ખેંચવા માટે નીતીશકુમારે કેટલાક નવા અને ઐતિહાસિક પગલાં લીધાં હતાં.

મુખ્ય મંત્રી બાલિકા સાઇકલ યોજના નીતીશ સરકારે 2007માં શરૂ કરી હતી. શરૂઆતમાં આઠમું ધોરણ પાસ કરીને આગળ ભણનારી છોકરીઓને સાઇકલ માટે 2000 રૂપિયા આપવામાં આવતા હતા. હવે આ રકમ વધારીને 3000 રૂપિયા કરવામાં આવી છે.

આટલું જ નહીં, કન્યાઓને શાળાનો ગણવેશ ખરીદવા માટે રૂપિયા મળવા લાગ્યા. શાળામાં કન્યાઓની સંખ્યા વધારવા માટેના તેમના આ પગલાંને 'ગેમ ચેન્જર' ગણાવવામાં આવ્યું.

બિહાર દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવામાં આવી છે. જોકે ગામડામાં મહિલા સરપંચ હોવા છતાં સરપંચ પતિઓનું ચલણ બિહારમાં ઘણું વધારે છે, છતાં એવી ઘણી મહિલા સરપંચ છે જેમણે સારું કામ કર્યું અને નામના મેળવી.

રીતુ જયસ્વાલનું નામ પણ આ યાદીમાં આવે છે જેઓ હવે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. બાળલગ્નો રોકવાં અને મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર નીતીશ સરકારે 12મું ધોરણ પાસ કરનારી અપરિણીત છોકરીઓને 10 હજાર રૂપિયા આપવાની અને ગ્રેજ્યુએટ થનારી છોકરીઓને 25 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવાની જોગવાઈ પણ સામેલ કરી.

એવું માનવામાં આવે છે કે નીતીશકુમારે મહાદલિતો અને મહિલાઓ માટે જે કામ કર્યા તેના કારણે આ બંને સમૂહનો તેમને ટેકો મળશે.

વીજળી, રસ્તા, પાણી

કોઇ પણ રાજ્યના વિકાસની દૃષ્ટિએ આ ત્રણ માપદંડને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આંકડાની વાત કરીએ તો બિહારની જનતા દળ યુનાઇટેડ સરકારનો દાવો છે કે છેલ્લાં 15 વર્ષ દરમિયાન રાજ્યમાં એક લાખ કિલોમીટરની લંબાઈના ગ્રામ્ય રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જો તમે આજથી 15થી 20 વર્ષ અગાઉના બિહારમાં રહ્યા હશો તો શક્ય છે કે તમને આંકડી નાખીને વીજળીનું કનેક્શન મેળવવાની પદ્ધતિની જાણકારી હશે. પરંતુ હવે પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થઈ ગયો છે.

જોકે બિહારમાં હવે 24 કલાક વીજળી મળે છે તેવો દાવો કરવો અતિશયોક્તિ ગણાશે. પરંતુ હવે એવું નથી રહ્યું કે ત્યાંનાં બાળકો ફાનસ અથવા દીવડાના પ્રકાશમાં ભણતા હોય.

દરેક ઘરે નળની યોજના દ્વારા બધા સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે. આ અંગે નીતીશકુમારની સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં 80 ટકા ઘરોમાં પાણી પહોંચાડી દેવાયું છે.

રાજકારણમાં ધારણાનું પણ બહુ મહત્ત્વ હોય છે. નીતીશકુમારે પોતાના પ્રથમ કાર્યકાળમાં વિકાસનાં એવાં ઘણાં કામ કર્યાં જેના કારણે તેમની 'સુશાસન બાબુ'ની છબિ બની. તેનો તેમણે ભરપૂર લાભ પણ ઉઠાવ્યો.

પરંતુ તેમના જ શાસનકાળમાં બિહારમાં સૃજન કૌભાંડ, ટોપર કૌભાંડ, મુજફ્ફરપુર બાલિકાગૃહકાંડ જેવી ઘટનાઓ પણ બની, જે તેમના શાસન પર કલંક સમાન છે.

મુખ્ય મંત્રીની ખુરશી પર ભલે સીધે સીધું ભ્રષ્ટાચારનું કલંક નથી લાગ્યું પરંતુ નીતીશ બેદાગ પણ નથી.

"સુશાસન"ની "ધારણા" અને શાસન પર "દાગ"

બિહારમાં સૃજન કૌભાંડમાં એ બાબતને પર્દાફાશ થયો કે કઈ રીતે સરકારી નાણાં એનજીઓના ખાતામાં ટ્રાન્સફર થતા રહ્યા અને સરકારી તંત્રને આ વાતની જાણ પણ ન હતી.

મુજફ્ફરપુર બાલિકાગૃહકાંડમાં બાળકીઓ સાથે દુર્વ્યવહાર થયો હોવાના સમાચાર નેશનલ ટીવી ચેનલો પર દર્શાવાયા હતા. આમ છતાં આરોપી મંજુ વર્માને જેડીયુએ આ વખતે પણ ચૂંટણીની ટિકિટ આપી છે.

પટનાના એ.એન. સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિર્દેશક ડૉક્ટર ડી.એમ. દિવાકર કહે છે કે "બિહારમાં આ પંદર વર્ષમાં વિકાસ થયો છે. લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધી છે. પરંતુ બે-ચાર માપદંડ એવા છે જેમાં 2005 અને 2020ના બિહારમાં ખાસ ફરક પડ્યો નથી. આ માપદંડ છે- ગરીબી, શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારી."

આજે પણ બિહારમાં ત્રણ વર્ષનો કોર્સ પૂરો કરવામાં ચારથી પાંચ વર્ષ લાગી જાય છે. બિહારમાં સારી કૉલેજોની અછત છે. જે પ્રકારના શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તે વાત કોઈથી છૂપી નથી.

2016ના ટોપર કૌભાંડની કહાણી નેશનલ ન્યૂઝમાં "વિકસુત બિહાર"ની છબિને ખોટી પુરવાર કરવા માટે પૂરતી હતી, જેમાં આર્ટ્સ સબ્જેક્ટની ટૉપર રુબિ રોયે પૉલિટિકલ સાયન્સને ખાણીપીણી સાથે સંકળાયેલો વિષય ગણાવ્યો હતો.

પરીક્ષા વખતે બારીમાંથી વિદ્યાર્થીઓને ચોરી કરવામાં મદદ કરતા પરિવારોની તસવીર પણ બિહારની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલવા માટે પૂરતી હતી. આ કારણથી જ નીતીશના શાસનની બહુ હાંસી ઉડાવવામાં આવી. શિક્ષકોની ભરતીમાં નિયમોની અવગણના કરવાના આરોપ નીતીશ સરકાર પર લાગ્યા અને "સમાન પદ સમાન વેતન"ના મુદ્દાને વિરોધ પક્ષો આ વખતે ચૂંટણીમાં જોરદાર રીતે ઉછાળી રહ્યા છે.

બેરોજગારીના આંકડા

રોજગારીના મોરચે પણ નીતીશકુમાર કોઈ ચમત્કાર કરી શક્યા નથી.

12 ઑક્ટોબરે ચૂંટણીસભામાં નીતીશકુમારે કહ્યું કે, "રાજ્યમાં મોટા ઉદ્યોગ નથી સ્થપાયા. જે રાજ્યો સમુદ્રકિનારે હોય ત્યાં જ ઉદ્યોગો જતા હોય છે. આમ, છતાં રાજ્યનો વિકાસદર 10 ટકાથી વધારે છે."

પરંતુ વિરોધ પક્ષોએ આ મુદ્દો ઉઠાવી લીધો. મોટા ઉદ્યોગ ન સ્થપાયા તેથી યુવાનોને રોજગારી ન મળી. તેના કારણે જ પલાયન થયું તેવું ચિત્ર વિરોધ પક્ષોએ ઊભું કર્યું.

મહાગઠબંધને પોતાના ચૂંટણીઢંઢેરામાં 10 લાખ નોકરીઓનું વચન આપ્યું છે. હવે ભાજપે પણ પોતાના સંકલ્પપત્રમાં 19 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરી છે.

જેડીયુના નેતા છેલ્લાં 15 વર્ષમાં 6 લાખ 10 હજારને નોકરી અપાઈ હોવાનો દાવો કરે છે. પરંતુ આરજેડી પાસેથી 10 લાખ નોકરીઓના વચનનો રોડમેપ માગે છે.

નીતીશના રાજમાં આરોગ્ય વ્યવસ્થા પણ કથળી છે. કોરોનાથી અત્યાર સુધીમાં રાજ્યના બે મંત્રી, બે ધારાસભ્યો અને 31 ડૉક્ટરોનાં મૃત્યુ નીપજ્યાં છે.

કોરોનાસંકટ વચ્ચે બિહારની કેટલીક સરકારી હૉસ્પિટલોની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. આ હૉસ્પિટલોમાં ડૉક્ટર નહોતા દેખાતા અને દર્દીઓ માટે પથારીઓ પણ ન હતી. કેટલીક હૉસ્પિટલોમાં વરસાદના કારણે છતમાંથી પાણી ટપકતું હતું.

2019માં ચમકી તાવના કારણે રાજ્યમાં જે હાલત થઈ તે પણ સૌ જાણે છે.

આમ છતાં નીતીશકુમારનો દાવો છે કે 2005માં પ્રાથમિક સારવાર કેન્દ્રમાં દર મહિને 39 દર્દી આવતા હતા, જ્યારે 2020માં આ સંખ્યા વધીને 10,000 દર્દી સુધી પહોંચી ગઈ છે.

ડૉક્ટર ડીએમ દિવાકર કહે છે, "2002ના લાલુ યાદવના બિહાર અને 2005 પછીના નીતીશકુમારના બિહારમાં પરિવર્તન સ્પષ્ટ જોઈ શકાય છે. આવું એટલા માટે સંભવ હતું કે બંને કાર્યકાળમાં તુલના બે અલગઅલગ મુખ્ય મંત્રીના કામની હતી. પરંતુ 2010ના બિહારની સરખામણી 2005 સાથે કરીએ તો થોડું મુશ્કેલ પડશે."

ડૉક્ટર દિવાકર કહે છે કે, 2015ની સરખામણી 2010 સાથે કરવી વધુ મુશ્કેલ પડશે, કારણ કે છેલ્લાં પંદર વર્ષમાં નીતીશકુમારે શરૂઆતનાં વર્ષોમાં જનતાના મનમાં જે આકાંક્ષાઓ પેદા કરી હતી, તેને લાગુ કરવાની ઝડપ છેલ્લા કેટલાક સમયથી ઘટી ગઈ છે. તેથી નીતીશકુમારે અત્યારે સત્તાવિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો