રશિયામાં જ્યારે વિદ્રોહીઓ ત્રાટક્યા : મૉસ્કોના થિયેટરમાં 140 લોકોની હત્યાની રૂંવાડાં ઊભાં કરી દેતી કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

23 ઑક્ટોબર, 2002ના રોજ મધ્ય મોસ્કોમાં ક્રેમલિનથી લગભગ પાંચ કિલોમીટર દૂર રાત્રે નવ વાગ્યે ડુબ્રોવકા થિયેટરમાં નવા રશિયન રૉમેન્ટિક મ્યુઝિકલ 'નોર્ડ ઓસ્ટ'નું વિવેચન ચાલુ હતું.

1100 લોકોની ક્ષમતા ધરાવતા થિયેટરમાં ઇન્ટરવલ પછી મંચ પર હાજર કલાકારો સૈનિકોના ગણવેશમાં નાચતા અને ગાતા હતા. અચાનક થિયેટરના એક ખૂણામાંથી એક શખ્સ બહાર નીકળ્યો. તેણે પણ સૈનિકનો ગણવેશ પહેર્યો હતો. તેણે હવામાં ગોળીબાર કર્યો.

દર્શકોને પહેલાં તો લાગ્યું કે આ મંચ પર ચાલતા અભિનયનો જ હિસ્સો છે. પરંતુ તેમને થોડી જ વારમાં સમજાઈ ગયું કે આ અભિનય નહોતો, પરંતુ તેમની નજર સામે વાસ્તવિક ઘટના ઘટી રહી હતી જેને તેઓ પોતાની આખી જિંદગી નહીં ભૂલી શકે અને તેમાંના ઘણા લોકો તો જીવિત બહાર પણ નહીં નીકળી શકે.

લગભગ 50 જેટલા હથિયારધારી ચેચન બળવાખોરોએ નાટક જોઈ રહેલા 850 લોકોને બંધક બનાવી લીધા હતા. તેમની માગ હતી કે રશિયન સૈનિકોને તાત્કાલિક ચેચન્યામાંથી વિનાશરતે પાછા બોલાવી લેવામાં આવે, નહીંતર તેઓ બંધકોને ઠાર મારવાનું શરૂ કરશે.

રાષ્ટ્રપતિ પુતિને બુશ સાથે પોતાની બેઠક રદ કરી

થિયેટરની અંદર દર્શકોમાં મૂળ ઑસ્ટ્રેલિયાના રહેવાસી ઍલેક્સ બૉબિક પણ હાજર હતા. જેઓ પોતાના એક રશિયન મિત્રની સાથે નાટક જોવા આવ્યા હતા.

બૉબિકે બીબીસીને જણાવ્યું, "અચાનક અમને થિયેટરના પાછળના ભાગમાં બૂટનો અવાજ સંભળાયો. ત્યાર પછી કોઈએ હવામાં ગોળી ચલાવી. મેં મારી રશિયન મિત્ર સામે જોઈને કહ્યું કે આ નાટકનો ભાગ નથી. મને જે સમયે અંદાજ આવી ગયો હતો કે કંઈક ખરાબ ઘટના, બહુ મોટી ખરાબ ઘટના બની રહી છે."

થોડા સમય પછી થિયેટરની બારમેડ ઑલ્ગા ટ્રિમેને એક યુવાન મહિલાને ચેચન બળવાખોર સાથે ઝઘડતાં સાંભળ્યાં. ત્યાં જ ત્યાંથી એક અવાજ સંભળાયો, "આ મહિલાને ગોળીથી ઉડાવી દો." તરત જ ઑલ્ગાને એક પછી એક પાંચ ગોળી છૂટવાનો અવાજ સંભળાયો અને એક મહિલાની ચીસ સંભળાઈ.

પ્રથમ દિવસે ચેચન બંદૂકધારીઓએ લગભગ 150 બંધકોને મુક્ત કરી દીધા જે તેમના માનવા પ્રમાણે તેમના અભિયાન દરમિયાન અવરોધ બની શકે તેમ હતા. તેમાં કેટલાક વિદેશી લોકો અને રશિયન મહિલાઓ તથા બાળકો હતાં.

આ બંધકો દ્વારા બહાર એ સંદેશ મોકલવામાં આવ્યો કે જો રશિયનો બળવાખોરોને મારવાનો પ્રયાસ કરશે તો દરેક બળવાખોરના મૃત્યુના બદલામાં તેઓ 10 બંધકોની હત્યા કરશે.

બીજા દિવસે વધુ 39 બંધકોને મુક્ત કરવામાં આવ્યા.

રાષ્ટ્રપતિ પુતિને પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા. રાષ્ટ્રપતિ બુશ સાથેની મુલાકાત પણ એમ જણાવીને રદ કરવામાં આવી કે વિચારવિમર્શ કરવા માટે પુતિન મોસ્કોમાં હાજર રહે તે જરૂરી છે.

પુતિને પોતાના મંત્રીમંડળ સાથે વાતચીત કર્યા પછી ચેચન્યાના બળવાખોરોને રશિયામાંથી બીજા દેશમાં સુરક્ષિત મોકલી દેવાની ઑફર કરી. તેમાં તેમણે બધા બંધકોને મુક્ત કરવા પડશે તેવી શરત રાખવામાં આવી.

ચારે બાજુ પેશાબની દુર્ગંધ

ઍલેક્સ બૉબિકે પોતાની આપવીતી સંભળાવતાં બીબીસીને જણાવ્યું, "તેમણે ઑર્કેસ્ટ્રાના પિટને બધા માટે શૌચાલય બનાવી દીધું. દર ચાર કલાક પછી લોકોને ત્યાં જવાની છૂટ હતી અને તેઓ લાઇન બનાવીને પોતાનો વારો આવે તેની રાહ જોતા હતા. જમીન પર લગભગ અઢી ઇંચ સુધી પેશાબ એકઠો થઈ ગયો હતો અને લોકોએ તેમાંથી ચાલીને પેશાબ કરવા માટે જવું પડતું હતું."

"ચારે બાજુ દુર્ગંધ ફેલાયેલી હતી. તેમણે અમને ખાવા માટે કંઈ આપ્યું નહોતું. ક્યારેક ક્યારેક તેઓ થિયેટરના એક સ્ટોરમાંથી કેટલીક ટૉફી લાવીને અમારી વચ્ચે ફેંકી દેતા હતા. ક્યારેક-ક્યારેક અમને પીવા માટે પાણી આપવામાં આવતું હતું જે હંમેશાં અપૂરતું હતું."

"અમને જમીન પર આડા પડવાની છૂટ નહોતી. અમે બેઠાબેઠા જ ઝોકું ખાઈ લેતા હતા. તેઓ અમને જગાડવા માટે હવામાં ગોળીબાર કરી દેતા હતા."

ઝેરી ગૅસ છોડવામાં આવ્યો

બ્રિટનમાં રહેતા એસ. એ. એસ. ટીમના પૂર્વ સભ્ય રૉબિન હૉર્સફોલનું માનવું છે કે બંધકોને છોડાવવા માટે સૌથી સ્વાભાવિક રસ્તો એ હતો કે તમે જુદાજુદા પ્રવેશ માર્ગ દ્વારા ઝડપથી અંદર ઘૂસી જાવ અને બળવાખોરોને હતપ્રભ કરી દો.

પરંતુ તેમાં આશ્ચર્યનું તત્ત્વ બિલકુલ નહોતું, કારણ કે ચેચેન બળવાખોરો આ માટે સંપૂર્ણ રીતે સજ્જ હતા.

આમ કરવા માટે રશિયન સૈનિકોએ લગભગ 100 ફૂટનો પરિસર પાર કરીને હૉલમાં ઘૂસવું પડ્યું હોત. તેમણે પગથિયાં પર પણ હુમલો કરવો પડ્યો હોત જ્યાં બળવાખોરોએ જોરદાર રક્ષાવ્યવસ્થા તૈયાર રાખી હતી.

આ રીતે હુમલો કરવામાં થોડી મિનિટોનો સમય લાગ્યો હોત અને ચેચન બળવાખોરો માટે આટલો સમય થિયેટરને વિસ્ફોટકોથી ઉડાવી લેવા માટે પૂરતો હોત.

48 કલાક પછી પુતિને નિર્ણય લીધો કે તેઓ આગલા દિવસે સવારે ડુબ્રોવકા થિયેટરમાં ચેચન બળવાખોરોને કાબૂમાં કરવા માટે રશિયન સૈનિકોને મોકલશે.

જાણી જોઈને એવી ખબર લીક કરવામાં આવી કે હુમલો સવારે ત્રણ વાગ્યે કરવામાં આવશે જ્યારે હુમલો કરવાનો સમય સવારના પાંચ વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

એ પણ નક્કી કરવામાં આવ્યું કે થિયેટરમાં વૅન્ટ મારફત ઝેરી ગૅસ છોડવામાં આવશે, જેથી તમામ બળવાખોરો શિથિલ થઈ જાય અને તે સમયે હુમલો કરીને તેમને કાબૂમાં લેવામાં આવે. પરંતુ સમસ્યા એ હતી કે કટ્ટરવાદીઓએ ચહેરા પર માસ્ક પહેરી રાખ્યા હતા તેથી તેમના પર ઝેરી ગૅસની કોઈ અસર થતી નહોતી.

થિયેટરમાં હાજર અન્ય અંદ્રિયાનોવાએ સૌથી પહેલાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યે એક વિચિત્ર પ્રકારની ગંધ અનુભવી. ઘણા બંધકોની જેમ તેઓ થોડી ઊંઘ લેવાના પ્રયાસમાં સીટ પર આડા પડ્યા હતા.

થિયેટરમાં હુમલો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને અંદ્રિયાનોવાના એક મિત્રે પોતાના મોબાઈલ ફોન પરથી મૉસ્કોના "એખો મૉસ્કવી" રેડિયો શોમાં ફોન લગાવ્યો.

તેમણે લગભગ ચીસ પાડીને કહ્યું, "તેઓ અમારા પર ગૅસનો ઉપયોગ કરી રહ્યા છે." ત્યારે જ અંદ્રિયાનોવાએ તેની પાસેથી ફોન લઇને રેડિયો શોના પ્રસ્તુતકર્તાને જણાવ્યું કે "અમે તેને જોઈ શકીએ છીએ એટલું જ નહીં, પરંતુ અનુભવી પણ શકીએ છીએ."

એક ક્ષણ પછી રેડિયોના શ્રોતાઓને બંદૂકનો અવાજ સંભળાયો હતો. અંદ્રિયાનોવાએ ચીસ પાડી, "તમે પણ સાંભળ્યું ને. અમને બધા લોકોને ઉડાવી દેવાના છે."

દરવાજાને બૉમ્બથી ઉડાવી દેવાયો

'ટાઇમ' મૅગેઝિનના 4 નવેમ્બર, 2020ના અંકમાં જૉહાના મૅક્ગિયરી અને પૉલ ક્વિન જજે લખ્યું, "આ ગૅસ ઇમારતના વૅન્ટિલેશન સિસ્ટમ દ્વારા છોડવામાં આવ્યો હતો. રશિયન સૈનિકોએ થિયેટરની સપાટી નીચે સુરંગ બનાવીને તેમાં કાણાં પાડી દીધાં હતાં. તેમાંથી પણ ગૅસ અંદર દાખલ કરવામાં આવ્યો."

"કેટલાંક મહિલા કટ્ટરવાદીઓએ ભાગીને બાલ્કની સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તેઓ જમીન પર ઢળી પડ્યાં."

ગૅસ પ્રવાહિત થયાના એક કલાક પછી 6 વાગીને 33 મિનિટે 200 રશિયન સૈનિકો અંદર દાખલ થયા. સાત મિનિટ પછી તેમણે મુખ્ય હૉલના દરવાજાને બૉમ્બથી ઉડાવી દીધો.

જેટલા બળવાખોરો જાગી ગયા હતા તેમને રશિયન સૈનિકોએ ગોળીથી ઠાર માર્યા.

જે બળવાખોરો ગૅસની અસરથી બેહોશ થઈ ગયા હતા તેમને પણ ઊંઘમાં જ ગોળી મારવામાં આવી.

ત્યાર પછી રશિયન દળોના એક સભ્યે પત્રકારોને જણાવ્યું કે "અમે આ હુમલાખોરો પર પૉઇન્ટ બ્લેન્ક રેન્જ પરથી ગોળી મારી હતી. આ ઘાતકી હતું પણ કોઈ વ્યક્તિએ પોતાની કમર સાથે બે કિલો પ્લાસ્ટિક વિસ્ફોટકો બાંધ્યા હોય તો તેમની સાથે આવી રીતે જ વર્તન કરવું જોઈએ. આખા થિયેટરની ફરશ પર બૉમ્બ પથરાયેલા હતા."

સૌથી મોટો બૉમ્બ 50 કિલો ટીએનટીનો હતો જેને 15 નંબરની લાઈનમાં બરાબર વચ્ચે રાખવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ હતી કે બળવાખોરોએ તેને ત્યાં રાખવામાં બંધકોની મદદ લીધી હતી પણ તેમાંથી કોઈનામાં વિસ્ફોટ થયો નહોતો.

કેટલાક બંધકોએ હુમલા દરમિયાન ભાગવાની કોશિશ કરી પરંતુ તેમને બહારના દરવાજા પર ઊભેલા ચેચન બળવાખોરોએ ગોળીથી ઉડાવી દીધા.

140 લોકોનાં મૃત્યુ

ઍલેક્સ બૉબિક યાદ કરતાં જણાવે છે, "મેં મારું માથું નીચે ઝુકાવી દીધું હતું ત્યાં મને બહારથી ગોળી ફૂટવાનો અવાજ સંભળાયો. થોડા સમય પછી મારી સાથીદારે મને કહ્યું કે તેને કંઈક ગંધ આવી રહી છે. પરંતુ મને એવું કંઈ ન લાગ્યું. તેણે જ મને જણાવ્યું કે થિયેટરમાં ગૅસ છોડવામાં આવ્યો છે."

"તેણે પોતાના ચહેરા પર રૂમાલ લગાવી દીધો અને મને પણ આમ કરવા માટે કહ્યું. મેં પણ આમ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પહેલાં જ હું બેહોશ થઈ ગયો હતો. મને જ્યારે ભાન આવ્યું ત્યારે મેં જોયું કે રશિયન સૈનિકો થિયેટરમાં આમતેમ દોડી રહ્યા હતા."

આ સમગ્ર અભિયાનમાં 90થી વધારે બંધકો અને 50 ચેચન બળવાખોરો માર્યા ગયા હતા પરંતુ કોઈ રશિયન સૈનિકને જરાય ઘસરકો પણ નહોતો પડ્યો.

સ્લીપિંગ એજન્ટનો ઉપયોગ

બળવાખોરોના કમાન્ડર 27 વર્ષીય મોવસાર બરેયેવને બીજા માળે રસોડા પાસે ગોળી મારવામાં આવી હતી.

જૉહાના મૅક્ગિયરી અને પૉલ ક્વિન જજે લખ્યું, "કેટલાક બંધકો પોતાની જાતે ચાલીને બહાર નીકળ્યા. પરંતુ મોટા ભાગનાને રશિયન સૈનિકો અને ઇમરજન્સી કર્મચારીઓ પોતાના ખોળામાં ઉઠાવીને બહાર લઈ આવ્યા અને બહાર રાહ જોઈને ઊભેલી બસો અને ઍમ્બ્યુલન્સ તેમને મોસ્કોની જુદીજુદી હૉસ્પિટલોમાં લઈ ગઈ. ત્યાં લગભગ 450 લોકોની સારવાર કરવામાં આવી."

ક્રૅમલિનની નજીકના સૂત્રોએ જણાવ્યું કે "સામાન્ય જથ્થા કરતા પાંચ ગણા વધારે સ્લીપિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો."

માર્યા ગયેલા તમામ બંધકો આ ગૅસની અસરથી મૃત્યુ પામ્યાં હતાં.

મૉસ્કોના સ્કલીફોસોસ્કી હૉસ્પિટલના ડૉક્ટર વ્લાદિમીર રયાબિનિને મને જણાવ્યું કે તેમની હૉસ્પિટલમાં 42 દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ હતી કે આ સમયે લો પ્રોફાઈલ રહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડૉક્ટરનો પોશાક પહેરીને આ બંધકોને મળવા માટે મોસ્કોની એક હૉસ્પિટલમાં પહોંચ્યા હતા.

થિયેટરના નિર્દેશક જૉર્જી વસિલયેવે રૉયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "ગોળીબાર શરૂ થતા જ બળવાખોરોએ અમને પોતાની સીટ પર ઝૂકી જવા અને પોતાના હાથોથી માથાને ઢાંકવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્યાર પછી બધા બેહોશીની અવસ્થામાં જતા રહ્યા."

હુમલાખોરોમાં ત્રીજા ભાગનાં મહિલાઓ

ચેચન હુમલાખોરોમાં ત્રીજા ભાગનાં મહિલાઓ હતાં. રશિયન આંતરિક સુરક્ષા એજન્સી એફએસબી અનુસાર આ એ મહિલાઓ હતાં જેમના પતિ અથવા ભાઈ રશિયા સાથેની લડાઈમાં માર્યા ગયા હતા.

તેઓ પોતાના લક્ષ્ય માટે બલિદાન આપવા તૈયાર હતાં. આંખોને બાદ કરીને તેમનું આખું શરીર કાળાં કપડાંથી ઢંકાયેલું હતું.

તેમના એક હાથમાં પિસ્તોલ હતી અને બીજા હાથમાં તેમના બેલ્ટ પર લગાવાયેલા વિસ્ફોટકો સુધી પહોંચતો કૅબલ હતો.

કાળા માસ્ક પહેરેલા પુરુષ બળવાખોરોએ થાંભલા, દીવાલો અને સીટમાં પ્લાસ્ટિક બૉમ્બ ફીટ કરી દીધા હતા.

તેઓ વારંવાર ચેતવણી આપતા હતા કે જો રશિયન સૈનિકો ઇમારતની અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે તો તેઓ વિસ્ફોટ કરી દેશે અને આખું થિયેટર જમીનદોસ્ત થઈ જશે. માત્ર તેમના નેતા બારાયેવે પોતાના ચહેરા પર કોઈ પણ પ્રકારનો માસ્ક પહેર્યો ન હતો.

ડૉક્ટરોને પણ અંધારામાં રાખવામાં આવ્યા

આટલા બધા લોકો મૃત્યુ પામ્યાં હોવા છતાં રશિયન સરકાર આ અભિયાન સફળ રહ્યું હોવાનો દાવો કરતી રહી. તેમણે આ માટે એક વિચિત્ર તર્ક આપ્યો. તેમણે જણાવ્યું કે જે બંધકો માર્યા ગયા તે પહેલાંથી કોઈ બીમારીથી પીડિત હતા.

'રશિયન સેન્ટર ફૉર ડિઝાસ્ટર મેડિસિન'ના વિક્ટર પ્રિયોબ્રેઝેન્સ્કીએ જણાવ્યું કે, "મોટા ભાગના કિસ્સામાં લોકો થાક અને તણાવના કારણે આવેલા હાર્ટ ઍટેકથી મૃત્યુ પામ્યા હતા. લોકોએ આ ખુલાસા પર ભરોસો મૂકવાનો ઇનકાર કરી દીધો."

સવાલ એ પેદા થાય છે કે આટલા બધા લોકો કઈ રીતે મૃત્યુ પામ્યાં. શક્ય છે કે આના માટે બચાવ કામગીરી જ જવાબદાર હોય.

સૈનિકોએ થિયેટરને પોતાના અંકુશમાં લીધું તે સાથે જ 'મોસ્કો રૅસ્ક્યુ સર્વિસ'ના ડૉક્ટરો બંધકોની સારવાર કરવા માટે પહોંચી ગયા. પરંતુ કોઈએ તેમને સૌથી પહેલાં તો ગૅસ વિશે જણાવ્યું ન હતું. મોસ્કો રેસ્ક્યુ સર્વિસના ઍલેક્ઝાન્ડર શબાલોવે બીબીસીને જણાવ્યું કે, "કોઈએ અમને પહેલાંથી એ જણાવ્યું નહોતું કે અહીં ખાસ પ્રકારના ગૅસનો ઉપયોગ થયો હતો."

"અમે સરકારી રેડિયો પરથી બધા નિર્દેશ સાંભળ્યા હતા. અમને માત્ર એટલું જણાવાયું હતું કે અમે પોતાની મેડિકલ કિટ સાથે લઈને જઈએ જેથી બંધકોને પ્રાથમિક સારવાર આપી શકાય.

લગભગ 1000 બેહોશ બંધકોની સારવાર માટે માત્ર 17 ડૉક્ટરો હાજર હતા. અંતે સૈનિકો આ બેહોશ લોકોને પોતાના ખોળામાં ઉપાડીને બહાર લાવ્યા. તેમને આ પ્રકારની બચાવ કામગીરીનો કોઈ અનુભવ નહોતો.

ઘણા સૈનિકોએ બંધકોને ઍમ્બ્યુલન્સમાં પીઠના બળે સુવડાવ્યા જેના કારણે તેમનો શ્વાસ રુંધાઈ શકતો હતો અને ઘણા કિસ્સામાં આમ જ થયું.

લોકોને એટલી અવ્યવસ્થિત રીતે ઍમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવ્યા કે કોને ઇન્જેક્શન અપાયું છે અને કોને નથી અપાયું તે કહેવું પણ મુશ્કેલ હતું. આ ઘટનામાંથી રશિયન સૈનિકો કોઈ પાઠ ન શીખ્યા.

બે વર્ષ પછી રશિયન સૈનિકોની વધુ એક વખત કસોટી થઈ જ્યારે ચેચન્યાના બળવાખોરોએ બેસ્લાનની એક શાળામાં સેંકડો બાળકોને બંધક બનાવી લીધા હતા.

આ અભિયાનમાં 300થી વધારે બાળકો માર્યાં ગયાં હતાં અને રશિયન સુરક્ષાદળોની પ્રતિષ્ઠાને ભારે આંચકો લાગ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો