You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બગદાદી : 15 મિનિટનું એ ઑપરેશન, જેમાં બગદાદીનો અંત આવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું કે ખતરનાક ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટના પ્રમુખ અબુ બકર અલ-બગદાદીએ સીરિયામાં અમેરિકાની સ્પેશિયલ ફોર્સની રેડ દરમિયાન જાતને ઉડાવી દીધી.
અમેરિકાએ આ ઑપરેશન ક્યાં કર્યું?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારપરિષદમાં જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાના સ્પેશિયલ ફોર્સના ઑપરેશન દરમિયાન એક ખતરનાક અને ભયંકર રાતે દુનિયાના નંબર વન આતંકવાદીનું મોત થયું છે.
ટ્રમ્પે કહ્યું કે શનિવારે એક હેલિકૉપ્ટર એક અજ્ઞાત સ્થળેથી અમેરિકાની સ્પેશિયલ ફોર્સને લઈને સાંજે પાંચ વાગ્યે વૉશિંગ્ટનથી રવાના થયું.
ત્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં નિરીક્ષણરૂમમાં અન્ય નેતાઓ સાથે હાજર હતા.
હેલિકૉપ્ટર એક કલાક દસ મિનિટ સુધી બંને દિશામાં આકાશમાં રહ્યું, જ્યારે ઑપરેશન બે કલાક સુધી ચાલ્યું.
અધિકારીઓએ અમેરિકન મીડિયાને કહ્યું કે રવિવારે જ સીરિયામાં ઇદલિબ પ્રાંતના બારિશા ગામ પર અમેરિકાની સ્પેશિયલ ફોર્સે નિશાન તાક્યું. આ તુર્કીના દક્ષિણ સીમાથી માત્ર પાંચ કિલોમિટર છે.
ઇદલિબ સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વિરોધીઓનો અંતિમ મજબૂત કિલ્લો હતો. જે જેહાદીઓના ગઠબંધનનું ગઢ રહ્યો છે.
તેનો ઇસ્લામિક સ્ટેટથી હિંસક ટકરાવ રહ્યો છે. તેમ છતાં માનવામાં આવે છે કે આઈએસના સેંકડો લડાકુ અહીંયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીરિયન સેના પણ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં રશિયાના સમર્થનમાં તહેનાત છે.
કેવી રીતે પાર પાડ્યું ઑપરેશન?
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની જાસૂસી એજન્સીઓ બગદાદીનો પહેલાંથી પીછો કરતી હતી અને તેમને ખબર પડી કે બગદાદી જ્યાં છે ત્યાં ઘણી સુરંગો છે. તેમાંની મોટા ભાગની સુરંગોનો નીકળવાનો કોઈ રસ્તો નહોતો.
ટ્રમ્પે આ મિશન માટે સ્પેશિયલ ફોર્સના એક મોટા સમૂહને સામેલ કર્યો હતો. જેમાં આઠ હેલિકૉપ્ટર, અનેક વહાણો અને પ્લેન સામેલ હતાં.
અમેરિકાનાં હેલિકૉપ્ટર તુર્કી ઉપરથી ઊડ્યાં. સાથે જ એ વિસ્તારો પરથી પણ પસાર થયાં જ્યાં સીરિયન અને રશિયન સેનાનું નિયંત્રણ છે.
ટ્રમ્પે કહ્યું કે રશિયાને અમેરિકન સ્પેશિયલ ફોર્સના ઑપરેશનની ખબર નહોતી, તેમ છતાં અમેરિકાનાં હેલિકૉપ્ટરોને જવાં દીધાં. ટ્રમ્પે કહ્યું કે રશિયાએ મદદ કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "ફ્લાઇટ એક ખતરનાક વિસ્તારોમાંથી નીકળી અને ઘૂસી. એ વાતનો ડર હતો કે અમે આગની ઝપેટમાં ન આવી જઈએ."
"ક્યારેક ગતિ ધીમી કરવી પડતી, તો ક્યારેક તેજ. જેવું હેલિકૉપ્ટર બગદાદીના પરિસર પાસે પહોંચ્યું કે ગોળીબાર શરૂ થઈ ગયો. તેને પહોંચી વળવામાં અમને બહુ સમય ન લાગ્યો."
બારિશા ગામની એક વ્યક્તિએ બીબીસીને કહ્યું, "જમીન પર ઊતરતાં પહેલાં હેલિકૉપ્ટરમાંથી 30 મિનિટ સુધી ફાયરિંગ થયું. હેલિકૉપ્ટરથી બે ઘર પર મિસાઇલ છોડવામાં આવી. તેમાં એક ઘર સંપૂર્ણ તબાહ થઈ ગયું."
ટ્રમ્પે કહ્યું કે બારિશા ગામમાં પહેલાં એક હેલિકૉપ્ટર લૅન્ડ થયું. અમેરિકન સ્પેશિયલ ફોર્સના જવાનોએ પરિસરની દીવાલોમાં બાકોરાં પાડ્યાં, જેથી દરવાજામાં ફસાઈ ન જવાય. બાદમાં એ કમ્પાઉન્ડમાં ઑપરેશન શરૂ થયું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે બગદાદી સુરંગમાં ભાગવા લાગ્યો અને એ સુરંગ ક્યાંય નીકળતી નહોતી. ટ્રમ્પે કહ્યું કે આ દરમિયાન બગદાદી મૂંઝાઈ ગયો અને રડવા લાગ્યો.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, "પ્રથમ આખા કમ્પાઉન્ડને ખાલી કરાવાયું. અથવા તો લોકોએ સરન્ડર કર્યું કે પછી માર્યા ગયા. 11 બાળકોને બહાર કાઢ્યાં."
"એ સુરંગમાં એકલો બગદાદી બચ્યો હતો. તે પોતાની સાથે ત્રણ બાળકોને લઈને ભાગતો હતો અને તેમનાં પણ મોત થઈ ગયાં."
ટ્રમ્પે કહ્યું, "એ સુરંગના છેડે પહોંચી ગયો. અમારાં કૂતરાં તેને તગેડી રહ્યાં હતાં. આખરે તે પડી ગયો અને કમરે બાંધેલા વિસ્ફટકોથી જાતને અને ત્રણ બાળકોને ઉડાવી દીધાં. બ્લાસ્ટથી તેના શરીરના ટુકડા થઈ ગયા. ધડાકાથી સુરંગ પણ તબાહ થઈ ગઈ."
આ ઑપરેશન બાદ આખું પરિસર કાટમાળમાં ફેરવાઈ ગયું. તેની તસવીર અને વીડિયોમાં ગોળીનાં નિશાન અને સળગેલી ચીજો દેખાઈ રહી છે.
બગદાદીના મોતને લઈને અમેરિકાને વિશ્વાસ કેમ?
ટ્રમ્પે કહ્યું કે જે વ્યક્તિએ જાતને સુરંગમાં ઉડાવી તેના શરીરનાં અંગોની તાત્કાલિક તપાસ કરાઈ અને એ સમયે જ પુષ્ટિ થઈ કે એ બગદાદી જ હતો.
ટ્રમ્પે કહ્યું કે 15 મિનિટમાં જ બગદાદીને મારી નંખાયો.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્પેશિયલ ફોર્સની સાથે એ નિષ્ણાતો પણ હતા જે ડીએનએ તપાસ બાદ વ્યક્તિની ઓળખ કરે છે. તેમણે જ એ સમયે તપાસ કરીને બગદાદીના ડીએનએને મિલાવ્યા અને બિલકુલ સાચું નીકળ્યું.
ટ્રમ્પે કહ્યું કે તેમના નિષ્ણાતો બગદાદીના શરીરનાં અંગો પણ લાવ્યાં છે.
જોકે સ્વતંત્ર રીતે બગદાદીના મોતની પુષ્ટિ થઈ શકી નથી. આઈએસ સમર્થકો પણ બગદાદીના મોત પર ભરોસો કરવાને લઈને સતર્ક છે.
શું અમેરિકન સેનાને પણ કોઈ નુકસાન થયું?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "આ ઑપરેશનમાં અમેરિકાની સ્પેશિયલ ફોર્સને કોઈ નુકસાન થયું નથી. પણ મોટી સંખ્યામાં બગદાદીના લોકો માર્યા ગયા છે."
"માર્યાં ગયેલાં લોકોમાં બગદાદીની બે પત્ની પણ છે. બંને મહિલાઓએ જાત પર વિસ્ફોટકો બાંધી રાખ્યા હતા, પણ ફૂટ્યા નથી."
"અમેરિકન સેનાનો એક કૂતરો પણ બગદાદીનો પીછો કરતાં ઘાયલ થયો છે."
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આઈએસનો લડાકુ કે બાળક અમેરિકાના ઑપરેશનમાં ઘાયલ થયા બાદ પકડાયો છે કે નહીં.
આ અંગે ટ્રમ્પે કહ્યું, આઈએસના લડાકુને બંધક બનાવ્યા છે અને બાળકોને ક્યાંક સારસંભાળ માટે રાખવામાં આવ્યાં છે. ટ્રમ્પે આ અંગે કોઈ વધુ જાણકારી આપી નથી.
બગદાદી ઇદલિબમાં કેમ હતો?
સીરિયા-ઇરાક સીમાથી બારિશા સેંકડો કિલોમિટર દૂર એક છેવાડાનો રેતાળ પ્રદેશ છે. કહેવાય છે કે બગદાદીનું આ જ ઠેકાણું હતું.
ટ્રમ્પે કહ્યું કે બગદાદી ફરીથી આઈએસને ઊભું કરવા માગતો હતો, માટે ઇદલિબમાં હતો.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા સમર્થિત કુર્દી બળોએ માર્ચમાં જ પૂર્વ સીરિયાના બાગુઝ ગામમાંથી બગદાદીને રઝળતો કરી દીધો હતો.
આ જ વિસ્તાર બગદાદીને કેમ પસંદ હતો?
આ સવાલ પર ટ્રમ્પે કહ્યું, "આ જગ્યા આઈએસને ફરીથી ઊભું કરવા માટે અનુકૂળ હતી. અમને બગદાદીને લઈને બાતમી મળી હતી કે તે કોઈ પ્લાન પર કામ કરી રહ્યો છે."
"હવે આઈએસનું નેતૃત્વ જેના પણ હાથમાં આવશે એના પર અમારી નજર રહેશે. અમને ખબર છે કે હવે તેને કોણ સંભાળશે અને અમને તેનું ઠેકાણું પણ ખબર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો