ગુજરાતનો એ વિસ્તાર, જ્યાં એક સમયે આફ્રિકનોનું સામ્રાજ્ય હતું

    • લેેખક, વિકાસ પાંડે
    • પદ, બીબીસી મૉનિટરિંગ

બિઝનેસની વાત હોય કે સંગીતની, ધર્મની વાત હોય કે કલાની કે પછી વાસ્તુકલાની, ભારત અને આફ્રિકાનો ઇતિહાસ આ સંબંધે સહિયારો રહ્યો છે.

અલબત્ત, આ ઐતિહાસિક સહિયારાપણા બાબતે બહુ ઓછી ચર્ચા સાંભળવા મળે છે.

ભારતમાં દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં આફ્રિકન મૂળના લોકો વસવાટ કરે છે આ ઐતિહાસિક સહિયારાપણા બાબતે બહુ ઓછા લોકો જાણે છે.

ભારતના ઇતિહાસમાં આફ્રિકાની ભૂમિકા વિશે 'સ્કોમબર્ગ સેન્ટર ફોર રિસર્ચ ઇન બ્લૅક કલ્ચર ઑફ ધ ન્યૂયૉર્ક પબ્લિક લાયબ્રેરી' દ્વારા 2014માં દિલ્હીમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

'હોર્ન ઑફ આફ્રિકા'થી ભારતીય ઉપખંડમાં

માથા પર નાના વાળ ધરાવતા આ આફ્રિકનોને ભારતમાં 'હબસી' તરીકે ઓળખવામાં આવે છે.

એ પૈકીના મોટા ભાગના લોકો 'હોર્ન ઑફ આફ્રિકા'થી ભારતીય ઉપખંડમાં આવ્યા હતા.

સ્કોમબર્ગ સેન્ટરનાં ડૉક્ટર સિલ્વિયાને એ. ડિયોફે જણાવ્યું હતું કે આફ્રિકા તેની દિલેરી અને વહીવટી ક્ષમતાને કારણે ભારતમાં સફળ રહ્યું હતું.

સિલ્વિયાનેએ કહ્યું હતું, "આફ્રિકન પુરુષોને ખાસ પ્રકારના કામે લગાડવામાં આવતા હતા. તેઓને સૈનિક, સુરક્ષાગાર્ડ કે અંગરક્ષક બનાવવામાં આવતા હતા."

"એ લોકો પ્રગતિની સીડી ચડીને જનરલ, એડમિરલ અને ટોચના વહીવટકર્તા સુધીના હોદ્દે પણ પહોંચ્યા હતા."

ભારતીય સલ્તનતનો ખાસ હિસ્સો

પ્રદર્શન સાથે જોડાયેલાં કેનિથ રોબેન્સે કહ્યું હતું, "ભારતીયો માટે મહત્ત્વનું છે કે તેઓ સમજે કે આફ્રિકન ભારતની અનેક સલ્તનતોનો ખાસ હિસ્સો રહ્યા છે અને એમાંથી કેટલાકે પોતાનો વંશ પણ અહીં શરૂ કર્યો છે."

જુડીએ ઉમેર્યું હતું, "પ્રારંભિક પુરાવા મુજબ, આફ્રિકનોના ભારત આવવાનો સિલસિલો ચોથી સદીમાં જ શરૂ થઈ ગયો હતો, પણ વાસ્તવમાં 14મી અને 17મી સદીની વચ્ચે વેપારી, કળાકાર, શાસક, વાસ્તુકલા અને સુધારકના સ્વરૂપમાં તેઓ વિકસ્યા હતા."

દક્ષિણ ભારતના ડેક્કન ક્ષેત્રની સલ્તનતો ઉપરાંત આફ્રિકન મૂળના લોકોને પશ્ચિમના તટીય વિસ્તારોમાં પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

એ પૈકીના કેટલાક તેમનું પારંપરિક સંગીત તથા ઇસ્લામનો સૂફી દૃષ્ટિકોણ લઈને ભારત આવ્યા હતા.

આફ્રિકન લોકો તથા તેમની ક્ષમતામાં વિશ્વાસ

જુડીના જણાવ્યા અનુસાર, ડેક્કનના સુલતાનોએ આફ્રિકન સૈનિકોનો ભરોસો કર્યો તેનું કારણ એ હતું કે ઉત્તર ભારતના મોગલ શાસકોએ તેમને અફઘાનિસ્તાન સહિતના મધ્ય એશિયાના બીજા દેશોના લોકોને સૈન્યમાં ભરતી કરવાની પરવાનગી આપી ન હતી.

ડૉ. ડિયોફના જણાવ્યા અનુસાર, ભારતના શાસકોએ આફ્રિકન મૂળના લોકો તથા તેમની ક્ષમતામાં વિશ્વાસ દાખવ્યો હતો.

ડૉ. ડિયોફે કહ્યું હતું, "આ સાચું છે. ખાસ કરીને ડેક્કન જેવા વિસ્તારોમાં, જ્યાં આનુવંશિક રીતે લોકો નિર્બળ હતા અને અલગઅલગ જૂથો વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલતો હતો ત્યાં શાસકોએ આફ્રિકનો પર ભરોસો મૂક્યો હતો."

તેમનું પોતાનું મ્યુઝિક બૅન્ડ

આફ્રિકન મૂળના લોકો તેમનું સંગીત પણ ભારત લાવ્યા હતા.

ડૉ. ડિયોફના જણાવ્યા મુજબ, આફ્રિકન મૂળના લોકો પાસે તેમની ઘોડેસવાર ફોજ હતી, એક મ્યુઝિક બૅન્ડ હતું. તેમાં આફ્રિકન લોકો સામેલ હતા. તેમની પાસે હથિયાર ઉપરાંત પોતાની ચલણી મુદ્દા અને સ્ટેમ્પ પેપર્સ પણ હતાં.

ગુજરાતના સચીનમાં આફ્રિકન મૂળના લોકોએ 1791માં એક રાજ્યની સ્થાપના કરી હતી, એમ જણાવતાં ડૉ. ડિયોફે ઉમેર્યું હતું કે 1948માં દેશી રજવાડાંઓનો ભારતમાં વિલય થયો ત્યારે સચીનનો પણ ભારતમાં વિલય કરી નાખવામાં આવ્યો હતો.

એ સમયે સચીનની કુલ વસ્તી 26,000 લોકોની હતી, જેમાં 85 ટકા હિંદુ અને 13 ટકા મુસલમાન હતા.

આફ્રિકન યોગદાનનો બહિષ્કાર?

ડૉ. ડિયોફે એમ પણ જણાવ્યું હતું કે ભારતના ભૂતકાળ સાથે જોડાયેલા આફ્રિકન વ્યક્તિત્વોને ભૂલી જવાયા નથી, પણ તેમની પરંપરાગત ઓળખનો જાણીજોઈને કે અજાણપણે નાશ કરવામાં આવ્યો હતો.

"દાખલા તરીકે, જે લોકોએ મલિક અમ્બર બાબતે સાંભળ્યું છે એ લોકો નથી જાણતા કે એ ઈથિયોપિયન હતો."

આ વાત કહી ડૉ. ડિયોફે સવાલ કર્યો હતો કે "તેનો અર્થ એવો થાય કે એ લોકો એટલા બિનઉપયોગી હતા કે તેમનો ઉલ્લેખ માત્ર ફાલતુ ગણવામાં આવે? અથવા એવું હશે કે આફ્રિકાના યોગદાનનો જાણીજોઈને બહિષ્કાર કરવામાં આવ્યો છે."

મલિક અમ્બરની ગણતરી ઇથિયોપિયાના અત્યંત વિખ્યાત નેતાઓમાં થાય છે.

આ 1548થી 1626ની સમયગાળાની વાત છે.

પશ્ચિમ ભારતના ઔરંગાબાદ જિલ્લા પાસે ખુલ્દાબાદમાં મલિક અમ્બરની કબર આજે પણ મોજૂદ છે.

(આ અહેવાલ સૌપ્રથમ વાર 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો